દિલ્હીની વાત : પેકેજ માટે વધારે 'હોમ વર્ક'નો નિર્મલાને આદેશ

પેકેજ માટે વધારે 'હોમ વર્ક'નો નિર્મલાને આદેશ
નવીદિલ્હી, તા.24 એપ્રિલ 2020, શુક્રવાર
નરેન્દ્ર મોદી સરકાર શુક્રવારે બીજું આર્થિક પેકેજ જાહેર કરશે એવી આશા આખો દેશ રાખીને બેઠો હતો પણ આ આશા ના ફળી. મોદી અને નિર્મલા સીતારામન વચ્ચે બેઠક પછી આ પેકેજની જાહેરાત થવાની હતી પણ છેલ્લી ઘડીએ આ બેઠક જ ના રદ થઈ ગઈ.
સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે, નિર્મલાએ મોકલેલી દરખાસ્તો મોદીને એ પસંદ ના આવતાં તેમણે નિર્મલાને વધારે 'હોમ વર્ક' કરવા કહ્યું છે. મોદીએ નિર્મલાને ત્રણ દિવસ આપ્યા છે ને હવે મંગળવારે બેઠક મળે તેવી શક્યતા છે. મોદી સરકારે સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું દોઢ વર્ષ સુધી નહીં વધારવાની જાહેરાત કરી તેના કારણે નારાજગી છે. આ વર્ગને રીઝવવા તેમને કોઈ પણ રીતે રાહત આપવાની મોદીની ઈચ્છા છે. રીયલ એસ્ટેટ સેક્ટર ફરી ધમધમે એ માટે તેમને પણ રાહત અપાશે. આથક પ્રવૃત્તિઓ ઠપ્પ હોવાથી સરકારની આવકને મોટો ફટકો પડયો છે. પેકેજના કારણે આ આવકને વધારે ફટકો ના પડે તેનું ધ્યાન રાખવા પણ મોદીએ સૂચના આપી છે.
ભાજપ નેતાએ મોદીની હાકલને 'મૂર્ખતા' ગણાવી
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીના ઘંટડી, થાળીઓ વગેરે ખખડાવવાના અભિયાનની ટીકા કરી ત્યારે ભાજપના નેતા રાહુલ પર તૂટી પડયા હતા. હવે ભાજપના જ એક નેતાએ મોદીની આ વાતને 'મૂર્ખતાનો રેકોર્ડ તોડનારી' ગણાવી છે. ઉત્તર પ્રદેશના સીતાપુરના ધારાસભ્ય રાકેશ રાઠોડ ભાજપના જ નેતા જે.પી. સાહુ સાથે વાત કરે છે તેમાં કટાક્ષ કરે છે કે, અરે તાલી ઔર શંખ બજાકર કોરોન ભગાઓગે ? મૂર્ખતા કે સારે રિકાર્ડ તોડ દિયા. રાઠોડ અવું પણ કહે છે કે, દેશના મુખ્ય મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન બીજે વાળવા આ નાટકો કરાય છે.
રાઠોડ મોદીના આ અભિયાનનાં છોતરાં ફાડી નાંખીને ભાજપના નેતાને ઘણું બધું સંભળાવે છે. આ બધું કરનારા ગમાર લોકો છે એવું પણ કહે છે. રાઠોડ બીજી ક્લિપમાં યોગીની ઓફિસેથી આવેલા ફોનના જવાબમાં એવો કટાક્ષ પણ કરે છે કે, હવે રામરાજ આવી ગયું છે ને કશું કરવાની જરૂર નથી.
આ ક્લિપ વાયરલ થતાં ભાજપની ભારે મજાક ઉડી પછી ભાજપે રાઠોડને કારણદર્શક નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
ભાજપના ઈશારે પાસવાનનો નીતિશ સામે મોરચો
બિહારમાં નીતિશ કુમાર સામે તેમના જ સાથી પક્ષ એલજેપીના ચિરાગ પાસવાને ફરી બાંયો ચડાવી છે. પાસવાને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર સરકારે લોકડાઉન દરમિયાન ગરીબોને વિના મૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી પણ બિહારમાં સાડા ચૌદ લાખ લોકોને ગરીબોને તેનો લાભ નથી મળ્યો કેમ કે તેમની પાસે રાશન કાર્ડ જ નથી.
પાસવાનનો આક્ષેપ છે કે, કેન્દ્ર સરકારે નીતિશને વારંવાર કહ્યું હતાં પણ નીતિશે કાર્ડ કાઢી ના આપ્યાં તેથી લાખો ગરીબો અત્યારે ભૂખે ટળવળે છે. ચિરાગના પિતા રામવિલાસ પાસવાન મોદી સરકારમાં ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને નાગરિક પુરવઠા બાબતોના પ્રધાન છે. રામવિલાસે પણ ગુરૂવારે આવો જ આક્ષેપ કર્યો હતો.
રાજકીય વિશ્લેષકોના મતે પાસવાન પિતા-પુત્ર ભાજપના ઈશારે નીતિશને નિશાન બનાવી રહ્યા છે. નીતિશે લોકડાઉન દરમિયાન ઉત્તર પ્રદેશ તથા મધ્ય પ્રદેશની ભાજપ સરકારો સામે આક્ષેપો કર્યા હતા. ભાજપ પાસવાનના ખભે બંદૂક મૂકીને તેનો બદલો લઈ રહ્યો છે.
મોદી 'રીસ્પેક્ટ ઓલ, સસ્પેક્ટ ઓલ'થી ખુશ
નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના સરપંચો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી. આ વાતચીતમાં મોદીને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના નારવાઓ બ્લોકના ચેરમેન મુહમ્મદ ઈકબાલનું એક સ્લોગન બહુ ગમી ગયું. ઈકબાલે કહ્યું કે, અમે 'સ્ટે હોમ, સ્ટે સેફ' અને 'રીસ્પેક્ટ ઓલ, સસ્પેક્ટ ઓલ' એ બે સૂત્રોના આધારે કોરોનાની લડાઈ જીતી છે. લોકો ઘરમાં જ રહે અને દરેક વ્યક્તિને કોરોનાનો શંકાસ્પદ કેસ ગણીને તેનો ટેસ્ટ કરાવવાની નીતિ ફળી.
મોદી 'રીસ્પેક્ટ ઓલ, સસ્પેક્ટ ઓલ' સૂત્રથી ખુશ થઈ ગયા. તેમણે તમામ સરપંચોને કહ્યું કે, આપણ બધાંએ ઈકબાલ પાસેથી શીખવું જોઈએ.
મોદીએ આ વાતચીતમાં રાજીવ ગાંધી પર પણ કટાક્ષ કર્યો. રાજીવ વડાપ્રધાન હતા ત્યારે એવી કોમેન્ટ કરેલી કે, કેન્દ્ર એક રૂપિયો મોકલે તેમાંથી છેવાડાના માણસ સુધી ૧૫ પૈસા જ પહોંચે છે ને બાકીના ૮૫ પૈસા વચ્ચે જ ચવાઈ જાય છે. મોદીએ સવાલ કર્યો કે, હવે તો તમારા લગી પૂરેપૂરા ૧૦૦ પૈસા પહોંચે છે ને ?
મૌલાના સાદ સામે જમાતીઓને જ ફરિયાદી બનાવાશે
મોદી સરકાર તબલઘી જમાતના વડા મૌલાના સાદ કંધાલવી સામેનો કેસ મજબૂત કરવા જમાતના જ લોકોને આગળ કરશે. મૌલાના ફરાર છે ત્યારે તેમને પકડવા પોલીસ દરોડા પાડી રહી છે. આ દરોડા દરમિયાન જમાતના જ કેટલાક લોકોએ ફરિયાદ કરતી અરજીઓ પણ આપી હતી. જો કે મૌલાના જમાતમાં સરમુખત્યારની જેમ વર્તતા હોવાથી અરજીઓ અંગે કશું ના કરાયું.
પોલીસને દરોડા દરમિયાન આવી ઘણી અરજીઓ મળી છે. જમાતની વકગ કમિટીના ભૂતપૂર્વ સભ્ય ચૌધરી અમાનતુલ્લાહ ખાન અને મૌલાના ઈસ્માઈલ સહિતના આગેવાનોએ જમાતની કમાણી કે ખર્ચનો કોઈ હિસાબ નથી રખાતો એવા આક્ષેપો સાથેની અરજીઓ કરી હતી. જમાતમા ચિંતાજનક પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાના આક્ષેપ પણ આ અરજીઓમાં છે. પોલીસ અને ઈ.ડી.એ આ અરજીઓ કરનારાનાં સંપર્ક કરીને મૌલાના સામે પોલીસમાં ફરિયાદ કરાય એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. હાલનો કેસ જોતાં મૌલાના તાત્કાલિક જામીન પર છૂટીને બહાર આવી જશે પણ મોદી સરકાર તેમને સરળતાથી છટકવા દેવા નથી માંગતી.
વિવાદાસ્પદ આઈએએસ યુવતીએ કેમ રાજીનામું આપ્યું ?
હરિયાણા કેડરની વિવાદાસ્પદ આઈએએસ ઓફિસર રાની નાગરે રાજીનામું ધરી દીધું છે. ૩૮ વર્ષની રાનીએ સોશિયલ મીડિયા પર રાજીનામાની જાહેરાત કરીને લખ્યું કે, લોકડાઉન પૂરું થાય પછી રાજ્ય સરકારને રાજીનામું મોકલી આપશે.
રાનીએ બે વર્ષ પહેલાં હરિયાણાના વરિષ્ઠ આઈએએસ અધિકારી સુનિલ ગુલાટી, તેમના સાથીઓ સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કર્યો હતો. રાજ્ય સરકારે કઈ પગલાં ના લેતાં રાનીએ કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. રાનીએ કેટલાક પોલીસ અધિકારીઓ સામે પણ કેસ કર્યો છે. થોડા દિવસ પહેલાં એક ડ્રાઈવરે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોવાની ફરિયાદ પણ તેમણે નોંધાવી હતી.
રાનીએ ૧૭ એપ્રિલે વીડિયો બહાર પાડીને કહેલું કે, મને કે મારી બહેનને કંઈ થઈ જાય તો આ વીડિયોને મારા નિવેદન તરીકે ચંદીગઢની કોર્ટમાં જમા કરાવવો. આ વીડિયોમાં રાનીએ ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે.
સુનિલ ગુલાટી મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાની નજીક ગણાય છે. રાનીના રાજીનામાને આ વાત સાથે કંઈ લેવાદેવા નથી ને એવી ચર્ચા અત્યારે ચાલી રહી છે.
***
હવે હોસ્પિટલોમાં પણ કોરોનાનું જોખમ
કોરોનાનું જોખમ હેલ્થ વર્કર્સ ઉપર જ મંડરાતું હતું, પરંતુ હવે હોસ્પિટલોમાં પણ જોખમ ખડું થયું છે. ઘણાં દર્દીઓની વિદેશની કોઈ જ હિસ્ટ્રી ન હોય છતાં તેમને કોરોના થાય છે. દિલ્હી સરકારના હેલ્થ વિભાગના કહેવા પ્રમાણે અમુક દર્દીઓએ ક્યાંક પ્રવાસ કર્યો નથી છતાં તેમના રીપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. હોસ્પિટલો હાઈ રિસ્ક ઝોનમાં આવી ગઈ છે. કારણ કે દરેક દર્દીના રીપોર્ટ કરવાના શક્ય નથી અને એ દર્દીઓને પણ કોરોના હોઈ શકે. પહેલી નજરે તે બીજી કંઈક સારવાર માટે આવ્યા હોય, પરંતુ તેમને સામુહિક સંક્રમણના કારણે ક્યાંકથી કોરોના થયો હોય એવું ય બને છે. દિલ્હીના મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સલાહકાર તરીકે કાર્યરત ડૉ. એસ. કે. શરીને કહ્યું હતું કે હવે હોસ્પિટલો પણ સલામત રહી નથી. એ ચિંતાજનક બાબત છે.
હું તમારી જેમ શોભાનો ગાંઠિયો નથી, ચૂંટાયેલી જનપ્રતિનિધિ છું : મમતા
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ જયદીપ ધનકર વચ્ચે સતત સંઘર્ષ થઈ રહ્યો છે. કોરોનાની સ્થિતિ વચ્ચે રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચે સતત શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. રાજ્યપાલ અવારનવાર મુખ્યમંત્રી મમતા બેનર્જીની કાર્યપદ્ધતિ સામે વાંધો ઉઠાવી રહ્યાં છે. સતત ટીકા કરી રહેલા રાજ્યપાલને મમતા બેનર્જીએ જવાબ આપતા લખ્યું હતું કે હું ચૂંટાયેલી જનપ્રતિનિધિ છું. તમારી જેમ નોમિનેટેડ નથી. મને લોકોએ કામ કરવા ચૂંટી કાઢી છે. હું તમારી જેમ શોભાનો ગાંઠિયો નથી. આવું કહેતી વખતે મમતા બેનર્જીએ બંધારણ સમિતિમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલા ભાષણને પણ ટાંક્યું હતું અને શકરિયા કમિશનના અહેવાલને પણ ટાંક્યો હતો, જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું મહત્વ સિદ્ધ થતું હતું.
સરકારી આશ્રય ગૃહમાંથી ભાગી ગયેલા વ્યસનીઓનો કોઈ અત્તોપત્તો નથી
મુખર્જીનગરના આશ્રયગૃહમાંથી નાસી ગયેલા ૩૬ વ્યસનીઓ અંગે કોઈ જ ભાળ મળી નથી. શેલ્ડર હોમના સ્ટાફે કહ્યું હતું એ પ્રમાણે આ તમામ લોકો ડ્રગના વ્યસની હતા. તેમને નશાની તક મળતી ન હતી એટલે ગમે તેમ કરીને ભાગી ગયા હતા. આશ્રયગૃહના સંચાલકોના કહેવા પ્રમાણે તેમને પકડવાનું કામ મુશ્કેલ છે. કારણ કે તેમના નામ અને અધકચરું સરનામું જ માત્ર અમારી પાસે છે. આ લોકોએ તેમના ઓળખપત્ર જમા કરાવ્યા ન હતા. તેમની પાસે ઓળખપત્રો હાજર ન હતા એટલે તેમની ચોક્કસ ઓળખ છતી શકે તેમ નથી એવું તપાસ અધિકારીએ કહ્યું હતું.
પાકિસ્તાનની કાશ્મીરમાં કોરોના ફેલાવવાની પેરવી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની સાથે સાથે કોરોનાનો કેર વર્તાવવાની પણ પાકિસ્તાને પેરવી શરૂ કરી છે. પાકિસ્તાનમાંથી હવે કોરોના સંક્રમિત આતંકવાદીઓને ભારતમાં મોકલાઈ રહ્યાં છે. કાશ્મીરમાં કોરોના ફેલાય તે માટે પાકિસ્તાને આ ષડયંત્ર રચી કાઢ્યું છે. તેની અસર સૈન્યના જવાનોને પણ થઈ શકે છે. એ માટે જોકે, ગૃહ મંત્રાલયે અત્યારે કોરોના સંક્રમિત આતંકવાદીઓના એન્કાઉન્ટર પછી તેના મૃતદહોના નિકાલ માટે ચોક્કસ ગાઈડલાઈન બનાવી છે. સૈનિકોને એ માટે ખાસ તાલીમ પણ અપાઈ રહી છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય મહિલા પંચ અને દિલ્હી મહિલા પંચ વચ્ચે ઘર્ષણ
રાષ્ટ્રીય મહિલા પંચ અને દિલ્હી મહિલા પંચ વચ્ચે ઘરેલું હિંસા બાબતે સંઘર્ષ શરૂ થયો છે. રાષ્ટ્રીય મહિલા પંચે દિલ્હીના મહિલા પંચને ઘરેલુ હિંસા બાબતે નોટિસ પાઠવી હતી. એમાં કહેવાયું હતું કે લોકડાઉન દરમિયાન દિલ્હીમાં ઘરેલું હિંસાના બનાવો વધ્યા છે, પરંતુ દિલ્હી મહિલા પંચે એ રીપોર્ટ નકારીને કહ્યું હતું કે દિલ્હીમાં ઘરેલું હિંસાના બનાવો લોકડાઉન દરમિયાન ઘટયા છે. દિલ્હી મહિલા પંચે દલીલ રજૂ કરી હતી કે લોકડાઉનના સમયગાળામાં હેલ્પલાઈન નંબરમાં બહુ જ ઓછા ફોન આવ્યા હતા.
- ઇન્દર સાહની
Comments
Post a Comment