ગુજરાતમાં આજથી નાની દુકાનો ઑન, શોપિંગ મોલ્સ ઑફ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા. 25 એપ્રિલ 2020, શનિવાર
કોરોના વાઈરસના ચેપના સંખ્યાબંધ કેસોને પરિણામે સીમિત અવરજવર કરવાની કેટેગરીમાં મૂકાયેલા વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલી તમામ છૂટક દુકાનો ૨૬મી એપ્રિલ, રવિવારથી ખોલી દેવાની ગુજરાત સરકારે છૂટ આપી દીધી છે. ભારત સરકારના ગૃહમંત્રાલયના જાહેરનામાના અનુસંધાનમાં ચોક્કસ નિયમોનું અને શરતોનું પાલન કરનારાઓને જ આ છૂટ આપવામાં આવશે.
ગુજરાત સરકારે કરેલી જાહેરાત હેઠળ હેરકટિંગ સલૂન, પાન,ગુટકા, બીડી અને સિગારેટની દુકાનો, ચાની કીટલી, હોટેલ અને રેસ્ટોરાં ચાલુ કરવા નહીં દેવાય. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-ગુમાસ્તા ધારા હેઠળ રજિસ્ટ્રેશ ધરાવતી દુકાનો અને વ્યવસાયોને ચાલુ કરવાની છૂટ આપવામાં આવશે. હા, આ દુકાનોમાં જનારાઓએ અને દુકાન ચલાવનારાઓએ ફરજિયાત માસ્ક પહેરવાના રહેશે.
તેમ જ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાનું રહેશે. દુકાનો ચાલુ થઈ શકશે, પરંતુ ઑફિસો ચાલુ થઈ શકશે નહિ. ટેક્સેશનના વ્યવસાય સાથે સંકળાયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઓ, જીએસટી એક્સપર્ટ્સ અને ટેક્સ કન્સલ્ટન્ટ્સ તેમની ઑફિસો ચાલુ કરી શકશે નહિ.
ગુજરાત સરકારની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માત્ર ૫૦ ટકા સ્ટાફને હાજર રાખવાની શરત સાથે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસિસને તેમના એકમો ચાલુ કરવા દેવામાં આવશે. જનતાની અવરજવર સીમિત કરવામાં આવી હોય તેવા વિસ્તારની બહાર આવેલી દુકાનોન ેજ ચાલુ કરવા દેવામાં આવશે.
રાજ્યમાં હેર કટીંગ સલૂન-બાર્બર શોપ તેમજ પાન-ગુટકા-સીગારેટનું વેચાણ કરતી દુકાનો અને ટી-સ્ટોલ તથા રેસ્ટોરન્ટ અને હોટલ્સ ચાલુ રાખી શકાશે નહીં. શોપ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટ એકટ-ગુમાસ્તા ધારા હેઠળ નોંધાયેલી અન્ય દુકાનો અને ધંધા વ્યવસાયો ચાલુ કરી શકાશે.
રાજ્યમાં જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે તેવું પણ ઠરાવવામાં આવ્યું છે.
દુકાન ધારકો-વ્યવસાયકારોએ પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે કોઇ વધારાનું પ્રમાણપત્ર લેવા જવાનું રહેશે નહિ.
ગુમાસ્તા ધારા હેઠળ મેળવેલું લાયસન્સ તેમજ ઓળખના પૂરાવાને માન્ય ગણવામાં આવશે અને તેના આધારે વ્યવસાય-દુકાન શરૂ કરી શકાશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસિસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફને કામકાજ માટે બોલાવીને કામ કરાવવાની શરતે તેમને કામકાજ ચાલુ કરવા દેશે. જોકે આવી ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી આપવામાં આવશે.
જોકે સરકારના આ જાહેરનામામાં રેસ્ટોરાં ચાલુ ન કરવાનો આદેશ કરાયો છે. પરંતુ ફરસાણ બનાવતી દુકાનો ચાલુ કરવી કે નહિ તે અંગે કોઈ જ સ્પષ્ટતા ન કરવામાં આવી હોવાથી મૂંઝવણ વધી રહી છે. આ મુદ્દે કલેક્ટર કચેરમાંથી પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી. બીજી તરફ ઓફિસો ચાલુ કરવાની બાબતે પણ થોડી સ્પષ્ટતા થાય તે જરૂરી છે.
બજાર સમિતિની મુદત 31મી જુલાઈ સુધી લંબાવવામાં આવી
મુખ્યમંત્રીશ્રીના મુખ્યમંત્રીના સચિવે અશ્વિન કુમારે ઉમેર્યુ કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન કમિટીની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમીતિઓની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધીમાં પૂર્ણ થનારી છે તેવી બજાર સમિતિઓની મુદત તા.૩૧ જુલાઇ સુધી લંબાવી દેવામાં આવી છે. રાજ્યમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપન સમિતીની ચૂંટણી કોર્ટના આદેશને આધિન યોજવાની થતી હોય તો તે કરી શકાશે. અન્યથા સામાન્ય સંજોગોમાં અન્ય મંડળીઓ-સમિતીઓની વ્યવસ્થાપન સમિતીની મુદત તા.૩૧ જુલાઇ-ર૦ર૦ સુધી વધારી દેવામાં આવી છે.
વેપાર ઉદ્યોગોએ સરકારના પગલાંને આવકાર્યું
કોરોના વાઈરસના લૉકડાઉનના ૩૧ દિવસ પછી સરકારે છૂટક દુકાનો ચાલુ કરવાની આપેલી છૂટને ગુજરાત ચેમ્બર સહિતની વેપારી સંસ્થાઓએ આવકારી છે. ચેમ્બરના પ્રમુખ દુર્ગેશ બૂચનું કહેવું છે કે ૩૦થી વધુ દિવસથી દુકાનો બંધ હોવાથી નાના વેપારીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. તેઓ સતત માનસિક તાણ વચ્ચે જીવી રહ્યા છે. સરકારના આજના નિર્ણયને પરિણામે તેમને રાહત થશે. જોકે દુકાનો ખોલવાની છૂટ આપવાને પરિણામે કોરોના વાઈરસના કેસો વધી જવાની દહેશત વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઈરસ ટૂંકા ગાળામાં ગાયબ થઈ જવાની શક્યતા નથી. તેથી લોકોએ તેની સાથે જીવતા શીખવું પડશે.
અમદાવાદમાં આઈટી અને આઈટીઈએસ કંપનીના એકમો ચાલુ કરવા દેવામાં આવશે
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એનેબલ્ડ સર્વિસિસની કંપનીઓના અમદાવાદના કરફ્યુગ્રસ્ત વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલા એકમો શરૂ કરવા દેવામાં આવશે,એમ અમદાવાદના જિલ્લા કલેક્ટર કે.કે. નિરાલાએ જણાવ્યું હતું. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ એકમો ખોલી દેવાની છૂટ આપવામાં આવી છે. માત્ર ૫૦ ટકા સ્ટાફને હાજર રાખીને કામકાજ કરવાની તેમને છૂટ આપવામાં આવી છે.
Comments
Post a Comment