કોરોનાકાણ્ડને કારણે : બાળકો ઘરઘર રમે છે


કોરોનાકાણ્ડને કારણે જે કેટલાક વ્યક્તિગત, કૌટુંબિક અને રાષ્ટ્રીય પ્રતિબિંબો લોકનજરે ચૂપચૂપ ચડી રહ્યા છે, તેની અવગણના થઈ શકે એમ નથી. પહેલી વાત તો એ છે કે બાળકોના અમે બહુ સારા પેરેન્ટસ્ છીએ એમ માનનારા દંપતીઓને ખ્યાલ આવ્યો છે કે ઘરમાં બાળકોને જોઈએ એવો રજાનો, મજાનો, ખજાનો નહિવત્ છે. મોટાભાગના પરિવારોમાં મમ્મી પાસે પટોળા સહિતના મોંઘાભાવના વસ્ત્રપરિધાનો અને સુવર્ણાલંકારો છે, પરંતુ બાળકોને વ્હાલી અમર ચિત્રકથાઓ નથી. સ્ટેશનરીની દુકાનો બંધ થઈ ગયા પછી કેટલાક દંપતીને ભાન આવી કે કલર અને સ્કેચબુક લઈ લીધા હોત તો સારું હતું. પિતાનું બેન્ક બેલેન્સ છે, પણ ઘરમાં રમકડાં નથી ને બાળકો કંઈ ચેકબુક-પાસબુકથી રમત રમી શકતા નથી. માતાના કંઠમાં હાલરડાં સૂકાઈ ગયા છે અને પપ્પાએ તો છેલ્લા દસ વરસમાં એક પણ બાળવારતા વાંચી નથી.

કેટલાક પિતાશ્રીઓને તો હવે ખ્યાલ આવ્યો છે કે એમના તોફાની બારકસ અને બારકસીઓ સાથે ગૃહિણી કઈ રીતે કામ પાર પાડે છે. એક અઘરા અધ્યાયનો તેમને સાક્ષાત્કાર થયો છે. બાળકો આજકાલ આખી દુનિયામાં રિયલ ઘરઘર રમી રહ્યાં છે. હોમ એલોન જેવી ફિલ્મોના હીરો થઈ શકવાની યોગ્યતા ધરાવતા બુદ્ધિમાન સંતાનો હવે ખરેખર જ ઘરના કેન્દ્રમાં છે. એમને ધ્યાનમાં રાખ્યા સિવાયની દિનચર્યા ન હોય એટલે કે પેરેન્ટસ્ની ડિઝાઈન પ્રમાણે દિવસ પસાર થતો નથી. મહત્ પરિવારોમાં એક જ બાળક છે. તેમના માતાપિતાને સિંગલ ચાઈલ્ડ પેરેન્ટ કહેવાય. દીકરો કે દીકરી તો હવે સમાન રીતે લાડકા છે. પરંતુ જ્યાં બે બાળકો છે ત્યાં પેરેન્ટસ્ને થોડી શ્વાસ લેવાની જગ્યા મળે છે. કારણ કે બન્ને બાળકોને એકબીજા સાથે રમવાની મઝા પડે છે ને આ મઝામાં નાના-નાના લડાઈ-ઝગડા પણ હોંશે હોંશે સમાવિષ્ટ છે. એક જ બાળક છે ત્યાં તો એના ઊંઘના કલાકો એ જ દંપતીની સ્વતંત્રતાના કલાકો. શ્રીમદ ભાગવત કહે છે કે તોફાની બાળક ઊંઘમાં બહુ મનોહર લાગે છે !

વ્યક્તિગત રીતે આપણા આખા દિવસનો ભાર એકલું ટેલિવિઝન ઉપાડી શકે તેમ નથી. એટલે જેમની પાસે કલા, સાહિત્ય કે સંગીતનો શોખ નથી તેમને માટે તો આ સમય ડ્રોઇંગ રૃમ અને બેડરૃમ વચ્ચેનો એક પ્રકારનો વનશૂન્ય વનવાસ જ છે. બાળકોની આંખોમાં અપાર કૌતુક છે. એને કારણે જિજ્ઞાાસા અને પ્રશ્નો પણ છે. માતાપિતાની વાણી ઉપરાંત એમનું વર્તન પણ વાતો કરતું હોય છે. તમે બાળકને પાસે બેસાડીને કહો કે - એક દિવસની વાત છે, ઘોર અંધારી રાત છે... એટલીવારમાં તો બાળકો અલગ જ દુનિયામાં પહોંચી જાય છે. જિંદગીની દરેક ક્ષણનો એમને રોમાંચ છે. હકીકત તો એ છે કે મહાન પેરેન્ટસ્ એ છે કે જેઓ પોતાના સંતાનો પાસેથી શીખતા રહે છે. બ્રહ્માણ્ડના સર્જનની અવિરત ચાલતી ઘટમાળમાં એક ફૂલ આપણે આંગણે પણ ખિલ્યું છે એનું માતાપિતાને ઘડીભર પણ વિસ્મરણ ન થવું જોઈએ. બાળકોને આ લોકડાઉનમાં એક અણમોલ તક એ પણ મળી છે કે એમના માતા અને પિતાનું અનવરત વાત્સલ્ય તેઓ પ્રાપ્ત કરી રહ્યા છે. પરંતુ તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં વધારે પડતા કુશળ હોય છે અને તેમના પપ્પા અને મમ્મી વચ્ચેનું ટયુનિંગ, રિધમ અને સહસંમતીઓ પણ ઝીણી નજરે ઓળખી લેતા હોય છે.

બાળકોના સાંનિધ્યમાં પતિ અને પત્નીના પારસ્પરિક વર્તનમાં કેવી અને કેટલી ભૂલો થતી હોય છે, એનો મોટાભાગના દંપતીઓને તો આજ સુધીમાં અહેસાસ થઈ ગયો હોવો જોઈએ, જો તેઓનામાં સ્વદોષ નિરીક્ષણનો વિવેક જળવાયો હોય તો ! આ જમાનામાં પેરેન્ટસ્ ઘરની વિવિધ આથક બાબતોમાં એટલા બધા એકાગ્ર થઈ ગયા છે કે એમના સામાન્ય જ્ઞાાનનો પણ કોઈ ધડો રહ્યો નથી. બાળક ભૂલમાં પૂછે કે અરવલ્લી અને અમરવલ્લીમાં શું ફેર તો પેરેન્ટસ્એ લાઈફ લાઈનનો ઉપયોગ કરવો પડે. પેરેન્ટસ્ના અજ્ઞાાનનો તો ઢગલો છે. જે જાણવું એમને માટે બહુ જ ફરજિયાત છે એ વિશે પણ તેઓનામાં ઘોર અજ્ઞાાન હોય છે. પેરેન્ટસ્ને વિટામીન અને પ્રોટીનના પત્રકો કંઠસ્થ હોવા જોઈએ. સમતોલ આહાર વિશે પણ તેમનું જ્ઞાાન મર્યાદિત હોય છે. વળી રહ્યા તો પેરેન્ટસ્ એટલે એમને ભણાવે કોણ ? આપણે ત્યાં પેરેન્ટસ્ માટેની સ્કૂલ શરૃ કરવાની તાતી જરૃરિયાત છે. કારણ કે તેઓએ એમ માની લીધું છે કે બાળકો માટે થોડી કમાણી કરીએ એમાં જ બધું આવી જાય છે.

હવે આ સંયોગોમાં એડગર રાઈસ બરોઝે સરજેલા મહાન પાત્ર ટારઝન વિશે કે કેન્ટરબરી કથાઓ વિશે તેમને શું વિશેષ ખબર હોય ? પંચતંત્ર, ઈસપ અને હિતોપદેશની કથાઓના તફાવત જાણ્યા વિના બાળારાજા કે બાળકુંવરી સાથે વાતોના તાકા ને તાકા કેમ ખોલાય ? અને તો ભારતીય કથામંજરીરૃપે મહેંકતા કથાસરિત્સાગરનું તો આ પેરેન્ટસ્ પાસે નામ જ કેમ લેવાય ? ઘરમાં પગલીનો પાડનાર હોય કે પગલીની પાડનારી હોય પણ એના અસ્તિત્વનો અભિનવો આનંદ માણવા માટે પેરેન્ટસ્માં સજાજ્તા જોઈએ જ જોઈએ. આપણા દેશમાં મોટા મહેલોમાં રહેતા ને સારા પરિધાન કરતા બાઘાઓ કંઈ ઓછા નથી. તે ભલે હોય. પણ પેરેન્ટસ્ તરીકે બાઘાછાપ હોવું એ તો સૂક્ષ્મ અપરાધ છે પ્રજ્ઞાાપરાધ છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો