અનાજનું મબલક ઉત્પાદન છતાં લાંબી લાઇનો શરમજનક

અનેક સમસ્યાઓના કાળા ડીબાંગ વાદળો વચ્ચે રાહતના એક માત્ર સમાચાર એ છે કે ભારતના અનાજના કોઠારો ભરેલા છે અને નવા પાકના કારણે સતત છલકાઇ રહ્યા છે. લોકોને અનાજ અને દૂધ જેવી જીવન જરુરીયાતની ચીજો છૂટથી મળી રહેતી હોઇ ઉહાપોહને કોઇ અવકાશ નહોતો રહ્યો. ફુડ પેકેટ બનાવતા સેવાભાવીઓ અને સ્વૈચ્છીક સંસ્થાઓને પણ અનાજનો પુરતો જથ્થો મળી રહેતો હતો. જે રીતે ફૂડ કોર્પોરેશનના ગોડાઉનો છલાકાયેલા રહે છે તે જોતાં એમ લાગે છે કે આગામી દિવાળી સુધી અનાજની કોઇ તંગી પડવાની નથી.
સત્તાવાર આંકડા પ્રમાણે ગયા વર્ષે અનાજનું ઉત્પાદન ૨૮૫.૨૧ મિલીયન ટન હતું જે ૧૯-૨૦માં ૨૯૧. ૯૫ મિલીયન ટન પર પહોંચ્યું છે.અનાજના ઉત્પાદનમાં ધઉં,બાજરી, જુવાર અને મકાઇ વગેરેનો સમાવેશ થાય છે. સરકારને કૃષિ મોરચે શાંતિ છે કેમકે તેના ભંડારો ભરેલા રહે છે. સરકારે કૃષિક્ષેત્રને સાચવવા માટે બહુ ઓછા પગલાં ભર્યા છે છતાં કૃષિ ક્ષેત્રએ મબલક ઉત્પાદન આપ્યું છે. સૌથી વધુ વપરાતા એવા ધઉંની વાત કરીએ તો ૨૦૧૬માં તેનું ઉત્પાદન ૯૨.૩ ટન હતું જે આજે ૧૦૬.૧ટન છે. અનાજના દરેક પ્રકારના ઉત્પાદનમાં દશથી પંદર ટકાનો વધારો થયો છે.
સરકારી ગોડાઉનોમાં સડતા અનાજના અહેવાલો જોવા મળતા નહોતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગોડાઉનો રોજ માલ લેવા માટે ખોલવા પડતા હતા એટલે તેની સાફસૂફી પણ કરાતી હતી. ભૂતકાળના અનુભવો પરથી ગોડાઉનની બહાર રહેલા માલનું રક્ષણ કરવા ઉપર તાડપત્રી મુકવામાં આવતી હતી. તેમજ સિક્યોરીટી પણ રખાતી હતી.
માત્ર અનાજ નહીં પણ શાકભાજી તેમજ ખાંડ અને દૂધના સપ્લાયે પણ રાહત ઉભી કરી આપી હતી.જો કે આ સિદ્ધિ માટે સરકાર જશ લઇ શકે એમ નથી કેમકે કિસાનોની માંગણીને સમજવા સરકારે ક્યારેય સમય ફાળવ્યો નથી. જો કિસાનોનું કહ્યું સરકારે માન્યું હોતતો આજે કટલાક ઉત્પાદનોની નિકાસ પર બ્રેકના મારવી પડત. પ્રજાને હંમેશા પજવતી આવતી ડુંગળી પણ લોકડાઉનના દિવસોમાં છૂટથી મળતી હતી.
ડુંગળી, બટાકાના ભાવો પણ કાબુમાં રહ્યા હતા કેમકે તેનો સપ્લાય સતત ચાલુ રહ્યો હતો. અન્ય શાકભાજીના ઉત્પાદનો પણ લોકોને લોકડાઉનમાં પુરતા પ્રમાણમાં મળી રહેતા હતા.
સફેદ ડુંગળીનું મબલક ઉત્પાદન થયું હતું પરંતુ તેને ખરીદનાર કોઇ નહોતું. સામાન્ય રીતે તેનો પાવડર બનાવીને નિકાસ કરવામાં આવે છે પરંતુ લોકડાઉનના કારણે ખરીદનારા આવી શક્યા નહોતા. જો કે સત્તાવાળાઓે મોડે મોડે પણ વ્યવસ્થા કરી હતી. આ લખવાનો આશય એ છે કે જીવન જરુરી એવી ડુંગળી પણ છૂટથી મળતી હતી.
ખાંડ પણ રોજીંદા જીવનમાં મહત્વની છે. તેની અછત ઉહાપોહ સર્જી શકે છે પરંતુ ખાંડના કારણે સત્તાવાળાઓને ક્યારેય કડવાશ જોવી પડી નહોતી. આશ્ચર્યતો એ છે કે લોકડાઉનના કારણે ખાંડના વપરાશમાં દસ લાખ ટનનો વપરાશ ધટયો હતો. તેની અસર એ થઇ કે તેના ભાવમાં કોઇ મોટી વધ ધટ જોવા મળી નહોતી. ખાંડનો ઉપયોગ ધટવા પાછળનું મુખ્ય કારણ હોટલો અને રેસ્ટોરાં તેમજ રોડ પરના ચાના સેન્ટરો બંધ હોવાનું મનાય છે. મુખ્ય વાતતો એ છે કે તેની નિકાસ પર મર્યાદિત અંકુશ મુકાયો છે.
સમસ્યાતો એ ઉભી થઇ છે કે કિસાનોના પાક તૈયાર પડયો છે પણ માર્કેટ યાર્ડ સુધી તે લઇ જઇ શકતા નથી. નાના માર્કેટ યાર્ડ ત્રણ દિવસ અગાઉ ખુલ્યા છે પરંતુ મોટા યાર્ડ આગામી બધવારથી ખુલે એવી સંભાવના છે. માર્કેટ યાર્ડમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાશે કે કેમ અંગે તેનો ડર સત્તાવાળાઓને સતાવી રહ્યો છે.
ઉંઝા માર્કેટ યાર્ડ શરુ કરાતાં વિવિધ રાજ્યોના માલ આવવાના સંકેતો મળી રહ્યા છે. લોકડાઉન દરમ્યાન અનાજનો જથ્થો હોવા થતાં સરકારે વિતરણ પર બિનજરુરી મર્યાદા રાખીને અસંતોષ ઉભો કર્યો હતો. સરકારે ગરીબો સુધી વધુ અનાજ પહોંચે એવી વ્યવસ્થા ઉભી કરવા જેવી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીનું મંતવ્ય હતું કે ગરીબો માટે ગોડાઉનો ખુલ્લા મુકી દેવા જોઇએ તે વાત મોદી સરકારને ભલે ગળે ના ઉતરે પરંતુ જ્યારે ગોડાઉનો છલકાતા હોય ત્યારે તેને ભરી રાખવાનો પણ કોઇ અર્થ નથી.
સરકાર વિપક્ષના કોઇ સૂચનને ધ્યાન પરના લે તે સમજી શકાય છે પરંતુ લોકોની પાસે સસ્તા અનાજનો વધુ જથ્થો પહોંચે તે માટે પ્રયાસો કરવા જોઇએ. કૃષિ ઉત્પાદનો મબલક છે છતાં લોકો રેશનીંગની દુકાનો પર લાંબી લાઇનો જોવા મળે છે તે દેશની કમનસીબી કહી શકાય.
Comments
Post a Comment