પીએમ મોદી કેવડિયા પહોંચ્યા, સી પ્લેનથી લઇને ક્રુઝ બોટ સુધી ગુજરાતીઓને આપી આ 17 ભેટ
કેવડિયા/નર્મદા, તા. 30 ઓક્ટોબર 2020, શુક્વાર
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા પહોંચ્યા.પીએમ મોદી કેવડિયા ખાતે વિવિધ 17 પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગલ સફારી પાર્ક અને ક્રુઝ બોટનું ઉદ્ઘાટન પણ કર્યુ. સાથો સાથ ભારત ભવનથી એકતા મોલની પણ પીએમ મોદીએ મુલાકાત લીધી. ત્યારબાદ ચિલ્ડ્રાન ન્યુટ્રીશિયન પાર્કનું પણ પીએમના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ.
જંગલ સફારી (સરદાર પટેલ ઝુઓલોજીકલ પાર્ક)
વિશ્વમાં રેકર્ડ સમયમાં ઝડપથી પૂર્ણ કરવામાં આવેલ જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલ ‘‘સ્ટેટ ઓફ આર્ટ’’ ઝુઓલોજીકલ પાર્ક છે.જંગલ સફારીમાં પ્રવાસીઓને દેશના અને વિદેશના કુલ-1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણે છે.
આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા બે ‘‘જીઓડેસીક ડોમ એવીયરીઝ’’નો સમાવેશ છે. જેમાં પ્રવાસીઓ પોતાની આજુબાજુ ઉડતાં પક્ષીઓ જોવાનો રોમાંચ માણે છે.
જંગલ સફારી પ્રોજેકટમાં પ્રવાસીઓ ખાસ કરીને બાળકો પણ પક્ષીઓ અને નાના પ્રાણીઓને અડી અને રોમાંચ અનુભવી શકે તેવો ‘‘પેટીંગ ઝોન’’ નો સમાવેશ છે. પેટીંગ ઝોનમાં મકાઉ, કોકેટુ, પરીશયન બિલાડી, સસલાઓ, ગુનીયા પીગ, નાનો અશ્વ, નાના ઘેંટા અને બકરા, ટર્કી અને ગીઝનો સમાવેશ છે.
આરોગ્ય વન
માનવિના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જુદા જુદા વૈદિક વૃક્ષો સાથેનું આ આરોગ્ય વન 17 એકરમાં પથરાયેલું છે.આરોગ્ય વનમાં યોગ, આયુર્વેદ અને ધ્યાનને ખાસ મહત્વ આપવામાં આવેલ છે. 380 પ્રજાતિના જુદા જુદા 5 લાખ વૃક્ષો વાવવામાં આવેલ છે. આરોગ્ય વનમાં કમળ તળાવ, ગાર્ડન ઓફ કલર્સ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડન, એરોમા ગાર્ડન, યોગ અને ધ્યાન – સ્થળ, ઈન્ડોર પ્લાન્ટ સેકશન, ડિઝીટલ ઇન્ફર્મેશન સેન્ટર, સોવીનીયર શોપ, કાફેટેરિયા વગેરેનો સમાવેશ થાય છે.વધુમાં, આરોગ્ય વેલનેસ સેન્ટરમાં કેરાલાના ર્ડાકટર અને નિષ્ણાત સ્ટાફ દ્વારા જુદી જુદી નેચર થેરાપીનો પ્રવાસીઓને લાભ મળે છે.
એકતા મોલ
પ્રવાસીઓ કેવડિયાની મુલાકાત દરમિયાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35,000 ચો.ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલ બાંધવામાં આવેલ છે.જેમાં દેશના જુદાજુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરીયા છે.એકતા મોલમાં જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે. જેમાં ગરવી ગુર્જરી, પુરબશ્રી, કૈરાલી, મુર્ગનૈની, પુમ્પુહર, ગંગોત્રી, કાવેરી, ખાદી ઈન્ડિયા, કાશ્મીર અને CCI એમ્પોરિયમ આવેલ છે.
ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક
અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે.આ થીમ બેઝ પાર્ક 35000 ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે.બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા 600 મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે.આ સ્થળોમાં જુદી જુદી 47 જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર, ભૂલભુલૈયાં પણ છે.
યુનિટી ગ્લો ગાર્ડન
પ્રવાસીઓને રોમાંચ, ઉત્તેજના અને આનંદ થાય તેવો ખાસ થીમ સાથેનો યુનિટી ગ્લો ગાર્ડન છે. જે આ પ્રકારનો દેશમાં સૌ પ્રથમ ગાર્ડન છે. 3.61 એકરમાં પથરાયેલ આ વિશાળ ગાર્ડનમાં 2.41 લાખ LED લાઈટ, 31 ઝગમગતાં પ્રાણીઓ જેવા કે હરણ, અશ્વો, જિરાફ, ફ્લેમિંગો, હંસ, સસલાઓ વગેરે, 125 ઝળહળતા ફૂલો, 35 વૃક્ષો, 51 ઈન્ટરેક્ટિવ લાઈટીંગ એલીમેન્ટ્સ અને 4 ત્રિપરિમાણીય ફુવારાઓ પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દે છે.
કેકટ્સ ગાર્ડન
સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીના ડાબા કાંઠે 25 એકરમાં પથરાયેલ ગાર્ડનમાં 450 પ્રકારની કેક્ટી અને સેક્યુલન્ટસ પ્રજાતિ છે અને વિશ્વના જુદા જુદા 17 દેશોના કુલ 6 લાખ જેટલાં કેકટ્સના છોડવાઓ આવેલા છે. કેકટ્સ ગાર્ડનમાં 838 ચો.મી.નો અષ્ટકોણીય ડોમ આવેલ છે જે પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.જેમાં પ્રવાસીઓને જુદી જુદી પ્રજાતિના કેકટ્સ અંગે જાણકારી મળે છે. કેકટ્સ ગાર્ડનમાં કેકટ્સમાંથી બનતી દવાઓ અને હર્બલ પ્રોડક્ટની ખાસ દુકાન છે અને પ્રવાસીઓ તેમાંથી કેકટ્સના છોડવાઓ તથા દવાઓ ખરીદી શકે છે.
એક્તા નર્સરી
જુદા જુદા રોપાઓના પ્રદર્શન-વેચાણ થકી એકતાના વિચારના થીમ ઉપર 10 એકરમાં પથરાયેલ આ એકતા નર્સરી 10 લાખ રોપાઓ પ્રતિ વર્ષ ઉછેરવાની ક્ષમતા છે.એકતા નર્સરી ‘‘એકતા હેન્ડીકાફ્રટ’’ પ્રવાસીઓનું આકર્ષણ સ્થળ છે જેમાં બામ્બુ કાફ્રટ્સ, સોપારીના પાંદડાઓમાંથી બનતી વસ્તુઓ અને ઓર્ગેનિક પોટ્સનું પ્રદર્શન-વેચાણ છે. આ જગ્યાએ પ્રવાસીઓ વસ્તુઓ જાતે બનાવવાનો અનુભવ અને આનંદ મેળવે છે. કાફેટેરીયામાં આદિવાસી મહિલાઓ દ્વારા સ્થાનિક સ્વાદિષ્ટ વ્યંજનોનો સ્વાદ ઉપલબ્ધ છે. સોવીનીયર શોપમાં પ્રવાસીઓને સાબુ, મધ, રોપાઓ વગેરેની ખરીદીનું પ્રવાસીઓને ખાસ આકર્ષણ છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ થકી મહિલાઓના ‘‘સેલ્ફ-હેલ્પ ગૃપ’’ થકી 311 કુટુંબોને આર્થિક લાભ મળેછે
ખલવાણી ઈકો-ટુરિઝમ
પ્રવાસીઓને કુદરતના સાનિધ્યમાં રહેવા અને સાહસિક પ્રવૃત્તિઓ કરવાનું ઉત્તમ સ્થળ છે. ખલવાણી ઈકો-ટુરિઝમ સ્થળ 100 એકર વિસ્તારમાં પથરાયેલ છે જેમાં 82 એકર વિસ્તારમાં 1.3 લાખ વૃક્ષોની હરિયાળી છે. આ સ્થળે 100 જેટલા પ્રવાસીઓને રહેવા માટેની ઉત્તમ સગવડતા છે.જેમાં ટ્રી હાઉસ, ટેન્ટ વગેરેનો સમાવેશ છે.
અહીં કાફેટેરીયામાં સેલ્ફ-હેલ્પ ગૃપ દ્વારા મહિલાઓને રોજગારી મળે છે અને આદિવાસી સ્થાનિક વિસ્તારના વ્યંજનનો સ્વાદ મળે છે. એડવેન્ચર ટુરિઝમ માટે આદર્શ સ્થળ છે જેમાં ગુજરાતનું એકમાત્ર રીવર રાફટીંગ ઉપલબ્ધ છે. 4.5 કિ.મી. લંબાઈ અને 9 રેપીડ ધરાવતું આ રીવર રાફટીંગ યુવાનો માટે રોમાંચક અનુભવ છે.
જેટ્ટી અને એકતા ક્રૂઝ
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવે ત્યારે નર્મદા નદીમાં બોટીંગ દ્વારા સાતપુડા તથા વિધ્યાચળ પર્વતમાળાની હરિયાળીનો આનંદ મળે તે હેતુથી ફેરી બોટ સર્વિસ – એકતા ક્રૂઝ પ્રોજેકટ કરવામાં આવેલ છે. એકતા ક્રૂઝ દ્વારા પ્રવાસીઓ 6 કિ.મી. સુધી અને 40 મિનીટ બોટીંગનો આહલાદક આનંદ મેળવે છે.
એકતા ક્રૂઝની લંબાઈ 26 મીટર અને પહોળાઈ 9 મીટર છે અને 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવે છે.આ ફેરી બોટ સર્વિસ માટે શ્રેષ્ઠ ભારત ભવન ખાતે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જેટ્ટી બનાવવામાં આવેલ છે.
નેવિગેશન ચેનલ
નર્મદા નદીમાં શ્રેષ્ઠ ભારત ભવન તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે ફેરી બોટમાં આવાગમન કરવા માટે 7 કિ.મી. લંબાઈમાં 60 મીટર પહોળી અને 25 મીટર ઊંડી નેવિગેશન ચેનલ બનાવવામાં આવેલ છે.આ ચેનલ બનાવવા માટે અંદાજે 5 લાખ ઘન મીટર હાર્ડ રોકનું ખોદકામ કરવામાં આવેલ છે.
ગરૂડેશ્વર વિયર
સરદાર સરોવર ડેમમાં જળ વિદ્યુત મથકના રીવર્સેબલ ટર્બાઈનના સંચાલન માટે નીચે વાસમાં તળાવનું નિર્માણ કરવા માટે ગરૂડેશ્વર વિયર બનાવવામાં આવેલ છે. ગરૂડેશ્વર વિયર નર્મદા ડેમથી 12.10 કિ.મી. નીચે વાસમાં આવે છે.ગરૂડેશ્વર વિયરની લંબાઈ 609 મીટરનાં સ્પીલવે સાથે કુલ- 1218 મીટર છે. વિયરની સંગ્રહ શક્તિ 87.20 મીલીયન કયુબીક મીટર છે. ગરૂડેશ્વર વિયરમાં 9 મે.વો.જળવિદ્યુત ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
નવો ગોરા બ્રીજ
ગોરા ગામ નજીક નર્મદા નદી પર લો લેવલનો કોઝવે ગરૂડેશ્વર વીયરના કારણે ડુબમાં આવતો હોવાથી નવો ગોરા બ્રીજ બનાવવામાં આવેલ છે. જેમાં મુખ્ય ભાગની લંબાઈ 920 મીટર છે અને એપ્રોચીઝની લંબાઈ 1.6 કિ.મી. છે.આ બ્રીજમાં વાહનોની સરળતાથી અવરજવર માટે ચાર લેન કરવામાં આવેલ છે. ગોરા બ્રીજ સરદાર સરોવર ડેમથી 6.30 કિ.મી. નીચે વાસમાં છે.આ બ્રીજ કેવડિયાથી રાજપીપળા રસ્તાને જોડે છે.
સરકારી વસાહતો
સરદાર સરોવર નર્મદા નિગમના કર્મચારી/ઈજનેરોને વસવાટ માટે કુલ-112 ફલેટ બનાવવામાં આવેલ છે જેમાં જુદી જુદી કેટેગરીનો સમાવેશ છે.આ વસાહત બનતા કર્મચારી/અધિકારીઓને કેવડિયા ખાતે રહેવા માટે સગવડતા ઉપલબ્ધ થયેલ છે.
સ બે ટર્મિનસ
પ્રવાસીઓને વિવિધ સ્થળોએથી લેવા અને મુકવા માટે 10 સબ-બસ સ્ટેન્ડ ધરાવતું વિશાળ ટર્મિનસ બનાવવામાં આવેલ છે. પ્રત્યેક બસ સ્ટેન્ડની જેની સાઈઝ 20 મીટર X 8 મીટર છે.બસ બે સ્ટેન્ડની ક્ષમતા એક જ સમયે 1500 પ્રવાસીઓ માટેની છે, જે માટે 1200 મીટર લંબાઈની સ્ટેનલેસ સ્ટીલ રેલીંગ નાખવામાં આવી છે.અહીં પ્રવાસીઓ માટે 600 જેટલા લોકર પણ ઉપલબ્ધ છે.
હોમ સ્ટે
હોમ સ્ટે એટલે કે કોઇકના ઘરમાં ટુંક સમય માટે ભાડેથી રોકાણ કરવા માટેની સુવિધા, શહેર માંથી આવતા પ્રવાસીઓને આદિવાસી ગ્રામ્ય જીવનનો અનુભવ મળે અને આદિવાસી પ્રજાની રહેણીકરણી, તેમની ખાદ્ય વાનગીઓ સાથે ગામડાનું જીવન માણવાની તક મળે છે.આ મકાનોમાં સુંદર અને સ્વચ્છ વાતાવરન તેમજ નજીવી કિંમતે જમવાનું પણ પ્રવાસીઓને મળી રહે છે.
હોમ સ્ટેમાં રોકાનાર પ્રવાસીઓ આદિવાસી સમાજના લોકોના પરિચયમાં આવે છે તેમજ આદિવાસી સમાજની પરંપરા અને સંસ્કૃતિ વિશે જાણવા મળે છે બીજી તરફ જે મકાનોમાં પ્રવાસીઓ રોકાય તે કુટુંબોને આજિવિકા મળી રહે છે.આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારના 11 ગામોમાં 32 આદિવાસી મકાનોના 54 ઓરડાઓનું આધુનિકરણ કરવામાં આવેલ છે.જેમાં ટી.વી. ફ્રિજ, એરકન્ડીશનર, વોટર પ્યુરિફાયર, સોફાસેટ વગેરે સુવિધાઓથી સજ્જ કરવામાં આવેલ છે.
આદર્શ ગામ
6 ગામોનાં અસરગ્રસ્ત કુટુંબોને જરૂરી તમામ સવલતો સાથે વસવાટ કરવાની “આદર્શ ગામ” યોજના છે. “આદર્શ ગામ” અંતર્ગત ગોરા ગામ પાસે 400 કુટુંબોને પાકા મકાનો સાથે પ્રાથમિક નિશાળ, આંગણવાડી, દવાખાનું, પશુઓ માટે અવેડો,કોમ્યુનિટી હોલ, બાળકોને રમવા માટે ખાસ જગ્યાઓ વિગેરે સવલતો મળશે.
31મીએ બપોરે અમદાવાદથી દિલ્હી પરત થશે.31ના રોજ પીએમ મોદી ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદ ખાતે સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.તા. 31ના રોજ સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડીંગ પછી એરપોર્ટથી દિલ્હી જશે.
Comments
Post a Comment