કોરોના મહામારી વચ્ચે બિહારમાં પ્રથમ તબક્કામાં 54 ટકા મતદાન


- ભાજપના ૨૯, જદયુના ૩૫, આરજેડીના ૪૨, કોંગ્રેસના ૨૧, એલજેપીના ૪૨ ઉમેદવારો મેદાનમાં હતા

- જંગલરાજના યુવરાજ (તેજસ્વી યાદવ) જીતશે તો કોરોના વચ્ચે બિહાર પર બેવડી આફત આવી પડશે : નરેન્દ્ર મોદી

- દેશના ઇતિહાસમાં પહેલી વખત દશેરાના દિવસે લોકોએ રાવણના બદલે વડા પ્રધાન મોદીના પુતળા બાળ્યા : રાહુલ

પટના, તા. 28 ઓક્ટોબર 2020, બુધવાર

બિહાર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન શાંતિપૂર્ણ રીતે પુરુ થયું હતું, કોરોના મહામારી અને કેટલાક વિસ્તારોમાં નક્સલી હુમલાની ધમકીઓ વચ્ચે પણ ૭૧ બેઠકો માટે ૫૪ ટકા મતદાન થયું હતું. બિહારના મગધ અને શાહાબાદમાં ૩૫ જેટલી બેઠકો અતી સંવેદનશિલ હતી જ્યાં પણ લોકોએ હિમ્મત પૂર્વક મતદાન કર્યું હતું. પ્રથમ તબક્કામાં જે ઉમેદવારો હતા તેમાં આઠ મંત્રીઓ હતા. 

દિગ્ગજ નેતાઓમાં પૂર્વ મુખ્ય પ્રધાન જીતનરામ માંઝી અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરી વચ્ચે ટક્કર જોવા મળી હતી. જ્યારે ગયામાં ભાજપના વરીષ્ઠ નેતા પ્રેમ કુમાર એવં જહાનાબાદમાં જદયૂના કૃષ્ણનંદન વર્મા સામસામે ઉભા હતા. પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોનું ભાવી નક્કી થશે તેમાં ભાજપના ૨૯, જદયુના ૩૫, હમના ૬, વીબાઇપી-૧નો સમાવેશ થાય છે જ્યારે મહાગઠબંધનમાંથી આરજેડીના ૪૨, કોંગ્રેસના ૨૧, માલેના ૮ ઉમેદવારો આ પ્રથમ તબક્કામાં મેદાનમાં હતા. તેવી જ રીતે ચિરાગ પાસવાનના પક્ષ લોજપાના ૪૨ ઉમેદવારોનું ભાવી પણ ઇવીએમમાં સીલ થઇ ગયું છે. 

પ્રથમ તબક્કામાં જદયુ અને આરજેડી વચ્ચે ખરાખરીનો જંગ છે, આ તબક્કામાં નીતિશ કુમારના પક્ષ અને લાલુ યાદવના પક્ષ આરજેડી  બન્ને વચ્ચે કુલ ૨૪ બેઠકો પર ટક્કર જોવા મળી જ્યારે જદયુ અને કોંગ્રેસ વચ્ચે ૭ બેઠકો પર ટક્કર હતી. બીજી તરફ ભાજપ અને આરજેડી વચ્ચે ૧૪ જ્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૧૧ બેઠકો પર રસાકસી જોવા મળી છે. પ્રથમ તબક્કામાં જે ૭૧ બેઠકો પર મતદાન યોજાયું તેમાં અગાઉ ૨૦૧૫માં આરજેડીને ૨૭, જદયુને ૧૮, ભાજપને ૧૩ અને કોંગ્રેસને ૯ બેઠકો મળી હતી. તેથી હવે આ બેઠકો પર વર્તમાન ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળે છે પરીણામો સમયે સામે આવશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી, નીતિશ કુમાર દ્વારા સભાઓ ગજવવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવને જંગલ રાજના યુવરાજ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે જો જંગલરાજના યુવરાજ ફરી સત્તામાં આવ્યા તો કોરોના મહામારી સામે લડી રહેલા બિહાર પર બેવડી આફત આવી પડશે. મુઝફ્ફરપુરમાં રેલીને સંબોધતા મોદીએ આરોપ લગાવ્યો હતો કે આજે રામ મંદિરનું નિર્માણકામ શરૂ થઇ ગયું છે, જે લોકો એક સમયે રામ મંદિર બનાવવાનો વિરોધ કરી રહ્યા હતા તેઓ પણ આજે તાળીઓ પાડવા લાગ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક રેલીને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે મોદી બેરોજગારી, ખેડૂતોની આત્મહત્યા જેવા મહત્વના મુદ્દાઓ પર વાત કેમ નથી કરતા? ખેડૂતો હાલ દશેરા પર નરેન્દ્ર મોદીના પુતળા બાળવા મજબૂર થયા છે તે દુઃખદ છે. જ્યારે સામાન્ય રીતે રાવણના પુતળા હળતા હોય છે પણ પહેલી વખત એવુ થયું કે નરેન્દ્ર મોદી, અંબાણી, અદાણીના પુતળા બાળવામાં આવ્યા.  

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો