કોરોના સામે કમળ કરશે રક્ષણ


કમળ પુષ્પનો પરપૂર્વથી પૂજનમાં ઉપયોગ થાય છે. કમળના ફુલને સદીઓથી ચિત્રકારોએ ચિત્રોમાં ઉતાર્યા છે. કવિઓએ  અને ગીતકારોએ સ્ત્રીના સૌદર્યની સાથે કમળની સરખામણી કરી છે. એક સાડાત્રણ દાયકા જૂના ફિલ્મી ગીતમાં ઇન્દીવરે નાયીકાનના સૌંદર્યનું વર્ણન  કરતા લખ્યું હતું.

ચહેરા કેવલ હૈ બાત ગઝલ  હૈ ખુશ્બુ જૈસી તું ચંચલ હૈ........... આ ગીતમાં પ્રેમીકાના ચહેરાની કમળ સાથે સરખામણી કરી છે. પણ આ કોરોના કાળમાં ખરેખલ માત્ર પ્રેમીકાના ચહેરા પર જ નહીં ઘણાંના ચહેરા પર  કમળ છવાઇ જશે. કારણ મણિપુરની તોંગબામ વિજયશાંતી નામની મહિલાએ કમળના પુષ્પની દાંડણીમાંથી રેસા કાઢી એમાંથી વસ્ત્ર તૈયાર કરી કોરોના સામે રક્ષણ આપે એવાં વનસ્પતિજન્ય માસ્ક બનાવવાનો ઉદ્યમ હાથ ધર્યો છે.

પણિપુરના પ્રસિધ્ધ લોકટક જળાશય પાસે રહેતી વિજયશાંતીએ વનસ્પતિશાસ્ત્રની  ડિગ્રી મેળવ્યા પછી મણિપુરના ખોબા જેવડા નાનકડા ગામડામાં લગભગ ત્રણેક વર્ષ પહેલાં કમળની દાંડીમાંથી રેસા કાઢી એમાંથી ધાગા બનાવી વસ્ત્રોનું વણાટકામ શરૂ કર્યું હતુું. લોકટક જળાશયમાં વિપુલ માત્રામાં કમળ ઉગે છે. એટલે ત્યાં જ વીજયશાંતીએ કમળની દાંડીમાંથી વસ્ત્રો તૈયાર કરવાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો હતો.

કોરોના મહામારીએ ઉપદ્રવ મચાવ્યો એટલે આ યુવતીએ વનસ્પતિજન્ય  માસ્ક બનાવવાનું શરૂ કર્યું. ગામડાની બીજી સ્ત્રીઓને પણ રોજગારનું સાધન મળી રહે માટે તેણે તેમને પ્રશિક્ષણ આપવાનું શરૂ કર્યું  અત્યારે વીજયશાંતી સાથે ૧૫ મણિપુરી સ્ત્રીઓ માસ્ક બનાવે છે  અને બીજી ૨૦ બહેનો તાલીમ લઇ રહી છે. કમળની દાંડીમાંથી કાપડનું વણાટકામ કરવાના આ ઉદ્યમનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'માં ઉલ્લેખ કરી મણિપુરી મહિલાને શાબાશી આપી હતી. આમ હવે કમળના ચિહ્નવાળા માસ્કને બદલે ખરેખર કમળમાંથી તૈયાર થયેલા વનસ્પતિજન્ય માસ્ક કોરોના સામે રક્ષણ આપશે.

બિનવારસ મૃતકોને  અંતિમ વિદાય આપતી વર્દીધારી વનિતા

મુંબઇના ધારાવી વિસ્તારનું નામ એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર તરીકે જાણીતું છે. કોરોના મહામારીએ મુંબઇમાં પગપેસારો કર્યો ત્યારે સૌથી પહેલાં ધારાવીમાં જ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધવા  માંડયા હતા. જોકે રાજ્ય સરકાર અને પાલિકાએ યુધ્ધના ધોરણે પગલાં લઇ 'હોટ-સ્પોટ' ગણાતા ધારાવીમાં કોરોનાના ઉપદ્રવને અંકુશમાં લાવી દુનિયા સામે અનોખું 'ધારાવી મોડેલ'  મૂકયું હતું. આ જ ધારાવીની ધરતી પર કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી મહિલા  પોલીસ કોન્સ્ટેબલે બિનવારસ મૃતદેહની અંતિમવિધિ કરવાનું ઉલ્ખેનીય કાર્ય હાથ ધર્યું છે. કોરોનાની બીમારીથી જે દરદી મૃત્યુ પામે  તેને પ્લાસ્કિની ખાસ બોડી-બેગમાં પેક કર્યા પછી સ્મશાને લઇ જઇ અગ્નિદાહ આપવામાં આવે છે.

મૃત દરદીના સ્વજનોને પણ નજીક આવવા દેવામાં નથી આપવતા. દૂરથી જ અંતિમ દર્શન કરી શકે છે. આ પરિસ્થિતિમાં ધારાવીના પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ કોન્સ્ટેબલ લાવારીસ મૃતદેહોની અંતિમવિધિ પાર પાડતા જરા પણ ગભરાતી નથી. સંધ્યા શીલવંતને ફરજ બજાવતા કોરોનાનો ચેપ લાગ્યો હતો.

પછી તો તેના આખા ફેમિલીને કોરોના થયા પછી સારવાર લીધી અને સાજા થયા પછી ફરીથી કામે લાગી ગઇ છે બિનવારસ મૃતદેહોની અંતિમવિધિ કરવામાં અને ફરજ નિભાવવામાં કોરોનાના વિકટ કાળમાં સાચા સેવકો જોવા મળ્યા અને પ્રસિધ્ધિભૂખ્યા બની બેઠેલા તત્કાળ સેવકો પણ જોવા મળ્યા જયારે આ મહિલા પોલીસ નિરવાર્થ ભાવે જે સેવા  કરે છે એ જોઇને કહેવું પડે છે :  જેને મોહ ન હોય મેવાના એ જ દાખલા પૂરા પાડે સેવાના.

કેરળના પરસાદિયા મગરની કહાણી

પ્રસાદ મેળવવા માટે મંદિરોમાં કે પછી સત્સંગ પૂરો થવા આવ્યો હોય ત્યારે પહોંચી જનારાતે કાઠિયાવાડી ભાષામાં પરસાદિયા ભગત તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ મોઢું ફાડી તીક્ષ્ણ દાંતથી ઝપટમાં આવેલો જીવતું ભક્ષણ કરતા મગરને શાંતિથી મંદિરમાં પરસાદ આરોગતો જોઇને ખરેખર આશ્ચર્ય થાય. કેરળના કાસરગોડમાં અનંતપુરા ખાતે અનંતપદ્મનાભ  સ્વામીનું પ્રાચીન મંદિર બરાબર તળાવની વચ્ચે આવેલુ છે.

આ  તળાવમાં છેલ્લાં  લગભગ ૭૦ વર્ષથી રહેતો બાબિયા નામનો મગર મંદિરમાં પૂજા - આરતી પૂરી થયા પછી જયારે પ્રસાદ વહેંચવામાં આવે ત્યારે તળાવમાંથી બહાર આવી શાકાહારી પ્રસાદે આરોગવા માટે પહોંચી જાય છે. ટેસથી પ્રસાદ આરોગે છે અને પછી ચૂપચાપ પાછો તળાવમાં  પાછો ચાલ્યો જાય છે : આટલા વર્ષોમાં  આ મગરે કોઇને હાની નથી પહોંચાડી મીઠા પાણીના મગરનું આયુષ્ય લગભગ ૭૦થી ૧૦૦ વર્ષનું  હોય છે. એટલે છેલ્લાં સાતેક દાયકાથી તળાવામાં રહેતા બાબિયા મગરને ભગવાને મંદિરના રક્ષણની જવાબદારી સોંપી  છે એવું ભકતો માને  છે.

તાજેતરમાં નવરાત્રીની ઉજવણી વખતે મગર મંદિરના  ગર્ભગૃહ સુધી પહોંચી ગયો હતો. પછી મંદિરના પૂજારીએ તેને પાછા જવાની વિનંતી કરતા પાછો ફરીને તળાવમાં સકરી ગયો હતો. બાબિયા મગરનો કોણ જાણે આ મંદિર સાથે એવો અતૂટ સંબંધ બંધાયો છે કે જાણે મંદિર વિના તેનું અસ્તીત્ત્વ જ કાપી ન શકાય. આ જોઇ ફિલ્મી ગીતની કડીી જરા જુદા અર્થમાં ગાવાનું મન થાય : '' મગર'' જી નહીં સકતે તુમ્હારે બીના..... હમે તુમસે પ્યાર કિતના......

ધડ એમપીમાં ને માથું બેંગ્લોરમાં

અસલના વખતમાં રણમેદાનમાં બહાદુર  યોદ્ધાઓ તલવારથી બાકાઝીક બોલાવતા લડતા એ વખતે માથું કપાય તો પણ ધડ થોડા સમય માટે લડતું રહેવું એવું લોકકથામાં વાંચ્યું છે. શીર પડે ને ધડ લડે... એવી શૂરવીરતા એ વખતે જોવા મળતી. પરંતુ તાજેતરમાં મધ્ય પ્રદેશના બેતુલ સ્ટેશન પાસે  પાટા પરથી એક માણસનું ધડ મળ્યું. રેલવે એકસ્માતનો  ભોગ બનેલી વ્યક્તિનું માથું શોધવા  પોલીસે બહુ દોડધામ કરી પણ પત્તો ન લાગ્યો. 

એકાદ-બે દિવસ વિત્યા પછી બેતુલથી  ૧૩૦૦ કિલોમીટર દૂર બેંગ્લોરમાં  આ મૃતકનું માથું મળી  આવ્યું હતું. બન્યું એવું કે દિલ્હી-બેંગલોર રાજધાની એક્સપ્રેસ બેતુલ સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે ૨૮ વર્ષનો યુવક ટ્રેન નીચે કચડાઈ ગયો હતો.  ધડથી અલગ થઈ ગયેલું માથું એન્જિનના પૈડાંમાં જ કોઈક જગ્યાએ અટવાઈને  ઠેઠ બેંગ્લોર  પહોંચી ગયું અને ધડ બેતુલના રેલવે બ્રિજ પાસે જ પડયું રહ્યું.

મહારાષ્ટ્રમાં પૂજાતા ઘરડા દેવ

ઘરડા ગાડા વાળે એવી કહેવત છે. કુટુંબમાં ઘરડા-વડીલોનું છત્ર હોય તો એ ગમે એવી મુશ્કેલીમાંથી બહાર આવવાનો માર્ગ સૂચવે છે. જોકે મુંબઇ જેવાં મોટા શહેરોમાં સિંગલ ફેમિલી સિસ્ટમમાં વડીલો સચવાતા નથી. કોઇક સંતાનો મા-બાપને વૃધ્ધશ્રમમાં મૂકી આવે છે, કોઇ વળી વતનમાં વડીલોને રહેવાની સગવડ કરી આપે છે અથવા અમૂક પરિવારોમાં વડીલોની ઉપેક્ષા પણ થતી હોય છે. પરંતુ મહારાષ્ટ્રમાં તો વૃધ્ધેશ્વર દેવ મંદિરમાં પૂજાય છે. 

બ્રહ્મપુરાણમાં જેવો ઉલ્લેખ  છે એ વૃધ્ધા નદીને કાંઠે વૃધ્ધેશ્વર ગામ વસ્યું હતું. આ ગામથી પાથર્ડીની દિશામાં આગળ વધતા વૃધ્ધેશ્વરનું પ્રાચીન શિવમંદિર આવેલું છે એવી લોકવાયકા છે કે પાર્વતીજીએ આ સ્થાને આકરી તપશ્ચર્યા કર્યા પછી દેવોને માટે જમણવાર ગોઠવ્યો. દેવોને જમાડવાનો લહાવો લેવા માટે શંકર ભગવાન વૃધ્ધનું રૂપ લઇને આવ્યા અને પિરસણિયા બની સહુ દેવોને આગ્રહ કરી  મણળકાભેર જમાડયા. બસ ત્યારથી વૃધ્ધનું રૂપ  લઇને આવેલા શંકર ભભગવાન વૃધ્ધેશ્વર મહાદેવ કે ઘરડાદેવ તરીકે પૂજાય છે. બાકી તો ઘરમાં વડીલોને આદરપૂર્વક સાચવવામાં આવે એ વૃધ્ધેશ્વર મહાદેવની પૂજા કહેવાય.

પંચ-વાણી

સ : માણસને કયા ગ્રહ સહુથી વધુ નડે ?

જ : આ-ગ્રહ, વિ-ગ્રહ, પૂર્વ-ગ્રહ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો