કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે : એઈમ્સના ડિરેક્ટરની ચેતવણી


74.28 ટકા દર્દીઓ સાજા થયા, રિકવરીમાં ભારત ટોચે

જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો : રણદીપ ગુલેરિયા 

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

દેશમાં છેલ્લા કેટલાક સમયમાં કોરોનાનો પ્રકોપ ધીમો પડયો છે અને 85 દિવસમાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 6 લાખથી નીચે ગઈ છે, જે કોરોનાના કુલ કેસમાં માત્ર 7.35 ટકા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું.

જોકે, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ ચેતવણી આપી છે કે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે. કોરોનાના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવશે. ખૂબ જ જરૂરી હોય તો જ ઘરમાંથી બહાર નીકળો. આ સમયે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિર્દેશોનું પાલન કરો. 

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે શિયાળાના સમયમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાઈરસના કેસમાં નોંધપાત્ર ઊછાળો આવ્યો છે. તેને ધ્યાનમાં રાખતાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચા થવા લાગી છે.

જોકે, ડૉક્ટર ગુઈલેરિયાએ જણાવ્યું હતું કે, હાલ દિલ્હીમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, જે ફરીથી તીવ્ર થઈ ગઈ છે. તેના માટે તેમણે કોરોના પ્રત્યે લોકોની વધતી બેદરકારી, સોશિયલ ડિસ્ટન્સ રાખવા, માસ્ક પહેરવાની માર્ગદર્શિકાઓના અમલમાં ઢીલાશને કારણભૂત ગણાવ્યા હતા.

તેમણે કોરોનાની બીજી લહેર માટે શિયાળાના વાતાવરણ અને પ્રદૂષણને પણ જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પ્રદૂષણના કારણે વાયરસ વધુ સમય સુધી હવામાં રહે છે. પ્રદૂષણ અને વાઈરસ બંને ફેંફસાઓને અસર કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, દિલ્હીએ પ્રદૂષણ અને કોરોનાના બેવડા પડકારોનો સામનો કરવાનો છે. જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળો. દિલ્હીમાં કોરોનાના કુલ કેસ 3,81,644 થયા છે જ્યારે મૃત્યુઆંક 6,470 થયો છે અને 3,42,811 દર્દી સાજા થયા છે.

બીજીબાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ત્રણ મહિનામાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસ 6 લાખથી નીચે આવ્યા છે અને તે કુલ કેસના 7.35 ટકા જેટલા છે.   

છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના દૈનિક નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અલગ અલગ રાજ્યોમાં એક્ટિવ કેસના આંકડા અલગ અલગ છે. વધુમાં ભારતમાં કોરોનાના રિકવરી કેસ પણ વિશ્વમાં સૌથી વધુ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 74.28 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ગયા છે.

દેશમાં એક્ટિવ કેસ અને રિકવર કેસ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે તેમ મંત્રાલયે જણાવ્યું હતું. દરમિયાન એક અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાઈરસ શરીરના બધા જ મહત્વના અંગો પર અસર કરે છે. તેની અસરથી નસો સૂજી જાય છે અને લોહી ગાઢું થઈ જાય છે અને કેટલાક કેસોમાં ફાઈબ્રોસિસ એટલે કે ટિશ્યુની સંરચનામાં ફેરફારના કિસ્સા પણ સામે આવી રહ્યા છે.

કોરોનાના કારણે મૃતક દર્દીઓમાંથી 90 ટકાના ફેંફસા અને તેટલા જ દર્દીઓની કિડની પર ગંભીર અસર જોવા મળી છે. 80 ટકા દર્દીઓમાં પાચન તંત્ર સંબંિધત અંગ પેન્ક્રિયાઝ પર અને 60 ટકાના લીવર પર કોરોના વાઈરસની અસર જોવા મળી છે. એઈમ્સ ભોપાલે કોરોના પીડિત 10 દર્દીઓના મૃતદેહોના કરેલા પોસ્ટમોર્ટમમાંથી આ વિગતો સામે આવી છે.

કોરોનાના કુલ કેસ 81.33 લાખ, મૃત્યુઆંક 1.21 લાખ

નવી દિલ્હી, તા.30 

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 48,772 કેસ નોંધાયા છે અને વધુ 507નાં મોત નીપજ્યાં છે જ્યારે 59,209 દર્દીઓ સાજા થયા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 81,33,933 પહોંચી છે અને મૃત્યુઆંક 1,21,529 થયો છે જ્યારે અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 74,28,480 છે. રિકવરી રેટ વધીને 91.32 ટકા થઈ ગયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલી પરથી જણાયું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો