ખાનગી કામ માટે સરકારી સ્ટેમ્પ કે વાહનનો ઉપયોગ ન કરનાર સરદાર 'મૂડીવાદી' હતા !


સરદાર વલ્લભભાઈ પટેલને ભલે 'સરદાર' તરીકે સહુ નવાજતા હોય, પરંતુ એમના મૂળ સંસ્કાર તો સેવકના હતા. બાળપણમાં માતા-પિતા પાસેથી સેવાના સંસ્કાર મેળવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપાલિટી કે બારડોલી સત્યાગ્રહમાં પણ સરદારે ક્યારેય પોતાને કે પોતાના નેતૃત્વને કેંદ્રમાં રાખ્યું નહોતું. અમદાવાદમાં કાર્યકર્તાઓને અને બારડોલીમાં ખેડૂતોને યશના અધિકારી કહ્યાં હતાં.

સરદાર વલ્લભભાઈની એ સેવાભાવના પોતાના પુત્ર ડાહ્યાભાઈને લખેલાં પત્રોમાં પણ સતત પ્રગટ થતી રહી. તેઓ એમના પત્રમાં પુત્ર ડાહ્યાભાઈને લખતા કે તમારે લોકોનો પ્રેમ મેળવવો જોઈએ, લોકોનો આભાર મેળવવો જોઈએ અને તે લોકોની સેવા કરીને મેળવવો જોઈએ.

એકવાર કોઈ બડાશખોર મહાત્મા ગાંધીજીની વાત કરતું હતું ત્યારે સરદારે એમ કહ્યું કે 'તમે ગાંધીજીની વાત કરો છો તે બરાબર છે, કિંતુ તમારા પડોશીને મદદ કરો છો ખરા ?' આ સેવાભાવનાને કારણે જ સરદાર કુદરતી આપત્તિના સમયે પ્રજાકાર્યોમાં ખૂંપી જતા.

આપણો અફસોસ એટલો કે ઓછાબોલા સરદારમાં આપણને અતડાપણું દેખાયું અને કાર્યનિષ્ઠ સરદારમાં પંડિત નેહરુ સાથેની સ્પર્ધા જોઈ. કેટલાંક નેહરુ તરફ સરદારનું અક્કડ વલણ હતું એવી વાત લખી છે, પણ ખરેખર તો નેહરુ તરફ સરદારનું વલણ અત્યંત પ્રેમાળ હતું.

એકવાર પં. નેહરુ ગુજરાતના પ્રવાસે નીકળ્યા. બન્યું એવું કે એ દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. લોકલાડીલા નેહરુ વરસતા વરસાદમાં પણ પ્રેમથી પુષ્પહાર સ્વીકારે અને કોઈ નાના બાળકને પહેરાવી દે.

સરદાર વલ્લભભાઈએ આ દ્રશ્ય જોયું અને તરત જ કાર્યકરને કહ્યું કે તમે છત્રી લઈ આવો. કાર્યકરોમાં દોડધામ મચી ગઈ અને થોડીવારમાં છત્રી આવી ગઈ. છત્રી આવી, પણ પંડિતજી એમ કંઈ સ્વીકારે ખરા ? એક કાર્યકર છત્રી ખોલીને એમની પાછળ ઊભો રહ્યો. પંડિતજી પર વરસાદ ન પડે તે રીતે છત્રી આગળ ધરી રાખી. માથે છત્રી જોઈને પં. જવાહરલાલ નહેરુએ એમના સાહજિક ગુસ્સામાં કહ્યું,

''આપ ક્યું મેરે સર પર છાતા લગા રહે હો ? ઇતને સારે આદમી પાનીમેં ભીગ રહે હૈ, તો મૈં ભીગું તો ક્યા ?''

પેલા કાર્યકરે સરદાર વલ્લભભાઈ તરફ નજર કરી. વલ્લભભાઈએ પંડિતજીને કહ્યું, ''આપ હમારે ગુજરાતકે મહેમાન હૈ, ઇસ લિયે છાતા લગાયા હૈ'' અને પંડિતજીએ ગુજરાતનું આ આતિથ્ય સસ્મિત સ્વીકારી લીધું.

સરદાર વલ્લભભાઈ પટેલની સચ્ચાઈ અને સ્વસ્થતાનો માર્મિક પ્રસંગ ભારતીય ઇતિહાસના નિર્ણાયાત્મક સમયગાળામાં સરદાર વલ્લભભાઈના અંગત સચિવ તરીકે કપરી જવાબદારી નિભાવનારા શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ પાસેથી જાણવા મળે છે. સરદાર વલ્લભભાઈની રગેરગમાં ગાંધીજીની વ્યવહારશુદ્ધિ ઊતરી હતી, આથી તેઓ કોંગ્રેસ પક્ષની મિટિંગમાં જવાના હોય ત્યારે ક્યારેય સરકારી ગાડીનો ઉપયોગ કરતા નહીં.

એક દિવસ દિલ્હીમાં સાંજે પાંચ વાગે યોજાયેલી કોંગ્રેસ પક્ષની મિટિંગમાં જવાનું હતું. દસેક મિનિટ પહેલાં સરદાર વલ્લભભાઈની ગાડીના ડ્રાઇવરને ખ્યાલ આવ્યો કે ગાડીમાં પેટ્રોલ નથી. એ તરત જ નજીકના પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવા ગયો, પણ પંપ બંધ હતો. ડ્રાઇવરને એમ થયું કે પેટ્રોલપંપનો માલિક આમતેમ ક્યાંય બેઠો હશે, તો લાવ, જરા તપાસ કરું. સરદાર વલ્લભભાઈ તો પાંચ વાગવામાં સાતેક મિનિટ ઓછી હતી અને મિટિંગમાં જવા બહાર નીકળ્યા. બહાર આવીને જોયું તો પોતાની ગાડી દેખાય નહીં. સરદાર બહાર આવી ગયા હોવાથી એમના માણસોએ સરકારી ગાડીના ડ્રાઇવરને બોલાવી લીધો. સરકારી ગાડી આવી એટલે વલ્લભભાઈએ કહ્યું, ''હું કોઈ સરકારી કામે જતો નથી. હું કોંગ્રેસ પક્ષની મિટિંગમાં જાઉં છું, તેથી આ ગાડીનો હું ઉપયોગ કરી શકું નહીં.''

સમયપાલનના ચુસ્ત આગ્રહી વલ્લભભાઈ મોડા પડે તેમ હતા, છતાં એમણે સરકારી વાહન નહીં વાપરવાનો નિયમભંગ યોગ્ય લેખ્યો નહીં. માણસો દોડતા ગયા અને તરત જ ડ્રાઇવરને લઈને આવી પહોંચ્યા. વલ્લભભાઈ એમના જીવનમાં પહેલી જ વાર મિટિંગમાં પાંચ મિનિટ મોડા પડયા. આ સમયે જોવા મળેલી વલ્લભભાઈની સ્વસ્થતા નમૂનારૂપ ગણાય. કોઈ સત્તાવાહી અવાજ નહીં, કોઈના ય પર કશો ગુસ્સો નહીં, લેશમાત્ર ઉકળાટ નહીં. માત્ર શાંતિથી રાહ જોઈને ઊભા રહ્યા.

એકવાર વડોદરામાં વલ્લભભાઈની સભા પૂર્વે તોફાનો થયા, મંચ બાળી નાખવામાં આવ્યો. ભારે ધમાલ મચી ગઈ, આમ છતાં વલ્લભભાઈએ યોજાયેલી સભામાં ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યું. એ પછી પત્રકારો વલ્લભભાઈને ઘેરી વળ્યા અને સભાના તોફાનોની વાત કરવા લાગ્યા. તોફાનોથી વલ્લભભાઈ કરતાં પત્રકારોને વધુ મૂંઝવણ થઈ હોય તેમ લાગ્યું. વલ્લભભાઈએ કશું ન કહ્યું. એમણે તો એક જ વાત કરી કે બધું બરાબર છે. આટલું કહ્યા પછી એમણે પત્રકારોને પૂછ્યું, ''તમે જમ્યા છો કે પછી સાવ ભૂખ્યા પેટે છો ?''

તરત જ પોતાના સાથીને એમની સગવડ કરવા કહ્યું. આમ કોઈ પણ પરિસ્થિતિમાં વલ્લભભાઈની સ્વસ્થતા સહેજે લોપાતી નહીં.

વલ્લભભાઈ લોર્ડ માઉન્ટબેટન અને પંડિત જવાહરલાલ નેહરું કરતાં વયમાં મોટા હતા, તેથી વલ્લભભાઈ પોતાનું આધિપત્ય દેખાડતા હતા એવી ભ્રામક વાત ફેલાવવામાં આવી હતી. એવી જ રીતે વલ્લભભાઈના વિરોધીઓએ એમના પર કોમવાદી હોવાના આક્ષેપો કર્યા હતા. જેમણે ગાંધીજીની કંઠી બાંધી હોય એને કોમવાદી કઈ રીતે કહી શકાય ? વિરોધીઓના કોમવાદના આક્ષેપોના બાણ વલ્લભભાઈને વીંધી નાખતા હતા અને એમાંથી અપાર વેદનાનું રક્ત ટપકતું હતું.

એની ગવાહી આપતો એક પત્ર મારી પાસે છે. તે જમાનામાં ઇફતીખાર અલી પટૌડીને ભારતીય ટીમનું સુકાનીપદ આપવું કે પછી વિજય મર્ચન્ટને આપવું એનો વિવાદ જાગ્યો હતો. ઇફતીખાર અલી ખાન માત્ર ઇંગ્લૅન્ડમાં ક્રિકેટ ખેલતા હતા. ભોપાલના એ નવાબને ભારતીય ક્રિકેટરોનો કોઈ પરિચય નહોતો, જ્યારે વિજય મરચન્ટ એ ભારતમાં ક્રિકેટ ખેલતા હતા અને ભારતીય ક્રિકેટરોથી સુપેરે પરિચિત હતા. આ સમયે સરદારના વિરોધીઓએ એવી વાત ફેલાવી કે સરદાર વલ્લભભાઈ પટેલ પટૌડીના નવાબ (સિનિયર)ને સુકાનીપદ ન મળે તે માટે પ્રયત્નો કરે છે. આ અંગે ખુદ પંડિત જવાહરલાલ નેહરુએ સ્પષ્ટતા માગી, ત્યારે સરદાર વલ્લભભાઈએ ક્રિકેટબોર્ડને લખેલો પત્ર જોવા જેવો છે. એમણે કહ્યું કે જે રમતમાં મને સહેજે રસ નથી, જે વિશે હું કશું જાણતો નથી એમાં પણ તમે મારા પર આવા આક્ષેપો મૂકો છો કે મેં સિનિયર પટૌડીને બદલે વિજય મરચન્ટને સુકાનીપદ આપવા માટે એક લોબી ઊભી કરી છે અને એની પાછળનું મારું કારણ અને માનસ કોમવાદી છે. સરદારે કડક ભાષામાં આનો પ્રત્યુત્તર પાઠવ્યો છે, પણ સાથે એમાં એમની વ્યથા અને વેદના દેખાય છે.

સરદાર પર એમના વિરોધીઓએ મૂડીવાદી હોવાનો આરોપ મૂક્યો હતો. નાયબ વડાપ્રધાન તરીકે ત્રણ ખંડના નિવાસમાં પડદા વગેરે પોતાના ખર્ચે જ લાવતા હતા. ખાનગી કાગળો લઈ જવા-લાવવામાં સરકારી પટાવાળા કે સરકારી સ્ટેમ્પનો ક્યારેય ઉપયોગ નહોતા કરતા. એમનું ઘડિયાળ ત્રીસ વર્ષ જૂનું હતું. ચશ્માની એક દાંડી હતી અને બીજી દાંડીની જગ્યાએ દોરી હતી. ચશ્માનું ખોખું વીસ વર્ષથી વાપરતા હતા. ભારતના નકશાને આકાર આપનાર અખંડ હિંદના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ એટલે દેશભક્ત નિષ્કામ કર્મયોગી !

અખંડ ભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈએ અખંડિત ભારત આપ્યું અને ભારતીય ઇતિહાસના અગ્નિપરીક્ષાના કાળમાં દ્રઢ આગેવાની અને સંકલ્પબળથી દેશના વિકટ પ્રશ્નોનો પડકાર ઝીલ્યો. એમણે વહીવટી મુલ્કીતંત્રની સુદ્રઢ વ્યવસ્થા સ્થાપી. સત્તા પરિવર્તન થયું હોવા છતાં દેશમાં ઇન્ડિયન સિવિલ સર્વિસના અધિકારીઓને એમણે ચાલુ રાખ્યા અને અંગ્રેજ સરકારમાં એક નિષ્ઠાથી કાર્ય કરનારા વહીવટી અધિકારીઓએ ભારત સરકાર પ્રત્યે એવી જ નિષ્ઠા બતાવી, એ સરદારની દૂરંદેશીનું પરિણામ છે. એ રીતે એમણે આઝાદ દેશને માટે દ્રઢ અને કાર્યક્ષમ વહીવટી તંત્ર જાળવી રાખ્યું.

સક્રિય સેવાના દ્રષ્ટાંતો આપ્યાં, ઉત્પાદન વધારવાની આર્થિક નીતિની હિમાયત કરી અને પોલીસ ખાતામાં ઓછામાં ઓછી દખલગીરીનો આગ્રહ સેવ્યો. શ્રીકૃષ્ણ એમની વિષ્ટિમાં પાંચ પાંડવો માટે પાંચ ગામ જેટલી જમીન મેળવી શક્યા નહોતા. આવું હોય છે પોતાના રાજ તરફનું આકર્ષણ ! વલ્લભભાઈએ વિષ્ટિ અને વીરતા બંનેથી ખંડિત રાષ્ટ્રને અખંડિત બનાવ્યું. એમના વિચારોમાં ગહન દેશપ્રેમ દેખાય છે, જે આજે પણ પ્રત્યેક દેશવાસીને માટે પ્રેરક છે. દેશની અખંડિતતાનું દર્શન એમણે વાસ્તવિક ધરતી પર ઉતાર્યું. આજે એ અખંડિતતા સાધવા માટેના એમના પ્રયાસો ખંડિત થતા જતા દેશને કાજે દીવાદાંડીરૂપ છે. વલ્લભભાઈની કુનેહપૂર્ણ કાર્યશૈલી અને પ્રેમાળ હૃદયનો સ્નેહ દુશ્મનોના હૃદયમાં મિત્રતાનો સંચાર કરી ગયો. દેશની સાચી અખંડિતતાનું વલ્લભભાઈનું સ્વપ્ન આપણે સાર્થક કરી શક્યા છીએ ખરા ? કે પછી આપણી નજર સમક્ષ વલ્લભભાઈએ સર્જેલી અખંડિતતા ઓગળતી જતી જોઈએ છીએ !

આજની વાત

બાદશાહ: બીરબલ, ભારતના શા ખબર છે ?

બીરબલ: જહાંપનાહ, કુસ્તીના અખાડામાં અને રાજકીય અખાડામાં તફાવત છે.

બાદશાહ: ક્યો ?

બીરબલ: જહાંપનાહ, રાજકીય અખાડામાં સાચી કે ખોટી રીતે દરેક બાબતમાં વિરોધીને પછાડવાનો પ્રયત્ન થાય છે, જ્યારે કુસ્તીમાં સાચો દાવ ખેલ્યા બાદ પરસ્પર લડતા કુસ્તીબાજો અંતે એકબીજા સાથે હાથ મિલાવે છે !

પ્રસંગકથા

આ તે મહાનગરો કે ગેસચેમ્બર ?

પ્રાચીન ચીજવસ્તુઓની દુકાનમાં એક ગ્રાહક દાખલ થયો. એણે જોયું તો દુકાનમાં કેટલાય વર્ષો જૂની પ્રાચીન ચીજવસ્તુઓ રાખી હતી. એની નજર એક બંદૂક પર પડી, આથી એણે દુકાનદારને પૂછ્યું, ''આ બંદૂક કેટલી જૂની છે ?''

દુકાનદારે જવાબ આપ્યો, ''સાહેબ, આ બંદૂક સત્તરમી સદીની છે. આટલી જૂની બંદૂક તમને ક્યાંય જોવા નહીં મળે.''

ગ્રાહકે બંદૂક હાથમાં લીધી અને એ બંદૂક કઈ રીતે ફોડવામાં આવતી હશે તેનો વિચાર કરવા લાગ્યો, પણ એને ખ્યાલ આવ્યો નહીં પરિણામે એણે દુકાનદારને કહ્યું, ''જરા એ બતાવશો કે આ બંદૂકમાંથી કઈ રીતે ગોળી છોડવામાં આવતી હશે.''

દુકાનદારે બંદૂક હાથમાં લીધી અને કહ્યું, ''જુઓ, પહેલા બંદુકની નાળ અલગ કરવામાં આવતી હતી. એ પછી એમાં ગોળી મૂકવામાં આવતી હતી. ત્યાર બાદ થોડો બારૂદ મૂકવામાં આવતો. એની પાછળ થોડું રૂ મૂકવામાં આવતું. ત્યાર બાદ ગજ લઈને એને નાળીમાં ઘુસાડવામાં આવતી હતી અને એ પછી નાળી બંદૂકની આગળ લગાડવામાં આવતી હતી. આમ બંદૂકમાંથી ગોળી ફોડવા માટે બંદૂક તૈયાર થઈ જતી હતી.''

આટલી બધી લાંબી પ્રક્રિયા જાણીને આશ્ચર્યચકિત થયેલા ગ્રાહકે પૂછ્યું, ''ઓહ ! તમે એ કહેશો ખરા કે આ બંદૂક કેટલીકવાર ફોડવામાં આવી હશે ?''

દુકાનદારે કહ્યું, ''અરે સાહેબ ! એ વાત જવા દો ને ! જ્યાં સુધી આ બંદૂકને ગોળી ભરીને તૈયાર કરવામાં આવે ત્યાં સુધીમાં આખું યુદ્ધ પૂરું થઈ જતું.''

આ વાત અમને એટલા માટે યાદ આવી કે દેશમાં ભયજનક સ્તરે પ્રદૂષણ વધી રહ્યું છે. આ પરિસ્થિતિ અંગે આપણે ઘણી ચર્ચાઓ કરી. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કર્યા, પણ પ્રદૂષણને ઘટાડવા માટે નક્કર પગલા ભરવામાં નિષ્ફળ ગયા છીએ. બંદૂકમાં ગોળી ભરીને એને તૈયાર કરવામાં આવે, તે પહેલાં આખું યુદ્ધ પૂરું થઈ જાય એવી પ્રદૂષણ નિવારણની બાબતમાં આપણી હાલત છે.

આ પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે એક લાખ બાળકો મૃત્યુ પામે છે. શહેરોનું ભયજનક પ્રદૂષણ શ્રમજીવી વર્ગને રોગગ્રસ્ત બનાવે છે અને ગરીબ કુટુંબની આજીવિકા રળનારને ભરખી જાય છે. હૃદયની અને ફેફંસાની બીમારી વધતી જાય છે. વિચાર કરો કે તમે સિગારેટ ન પીતા હો તો પણ દિલ્હીમાં પ્રદૂષિત વાતાવરણમાં ત્રીસથી ચાલીસ સિગારેટ જેટલો ધૂમાડો તમારા શ્વાસની અંદર જાય છે. બેંગ્લોર, દિલ્હી, મુંબઈ, નોઇડા, ફરિદાબાદ અને બીજા કેટલાંય શહેરો ગેસચેમ્બર બની ગયા છે. પ્રદૂષણની બાબતમાં સવેળા જાગવાની વાત તો દૂર રહી, પણ મોડે મોડે મહાઆપત્તિ આવે તે પહેલાં જાગીએ તો ય ઘણું.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો