દિલ્હીની વાત : મોદીનો કાશ્મીર મુદ્દે મહેબૂબાને આકરો મેસેજ


નવીદિલ્હી, તા.27 ઓકટોબર 2020, મંગળવાર

મોદી સરકારે મંગળવારે જાહેરનામું બહાર પાડીને જમ્મુ અને કાશ્મીર તથા લડાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોઈ પણ ભારતીય નાગરિક જમીન ખરીદી શકે એ કાયદાને અમલી બનાવ્યો છે. આ પહેલાં બંને પ્રદેશોમાં જમીન ખરીદવા માટે રાજ્યના કાયમી નિવાસી હોવાની શરત હતી પણ ગૃહ મંત્રાલયે તાત્કાલિક રીતે આ શરત દૂર કરી છે. મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લડાખને લગતા ૨૬ જૂના કાયદા એકઝાટકે બદલી નાંખ્યા છે.

સરકારનાં સૂત્રોના મતે, મોદી સરકારે બંધારણની કલમ ૩૭૦ નાબૂદ કર્યા પછી આ ફેરફાર કરવાનો જ હતો પણ મહેબૂબા મુફતી આણિ મંડળીએ રાજકીય વિરોધ શરૂ કર્યો તેના પગલે મોદી સરકારે તાત્કાલિક આ સુધારાનો નિર્ણય લીધો છે. કાયદામાં ફેરફાર દ્વારા મોદી સરકારે મહેબૂબા સહિતના કાશ્મીરના રાજકારણીઓને સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે, કલમ ૩૭૦ મુદ્દે હવે કોઈ પીછેહઠ શક્ય નથી. બલ્કે મોદી સરકાર કાશ્મીરને દેશની બીજાં રાજ્યોની જેમ દેશના તમામ નાગરિકો માટે ખુલ્લુ કરવાની દિશામાં આગળ વધવા માગે છે. રાજકીય દબાણ કે ત્રાગાંથી સરકારને કોઈ ફરક પડતો નથી.

કોંગ્રેસનો ભાજપ સામે સંઘના પત્રનો દાવ

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની પેટાચૂંટણી પહેલાં જ કોંગ્રેસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના કહેવાતા સ્વયંસેવક રાજેશ કુમારનો મોહન ભાગવતને લખાયેલો પત્ર વાયરલ કર્યો છે. આ પત્રમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં પ્રવેશથી સ્વયંસેવકો નારાજ હોવાનો દાવો કરાયો છે. આ પત્રમાં કમલનાથ સરકારને ગબડાવી દેવાઈ તેને લોકશાહીની હત્યા ગણાવાઈ છે અને સંઘ પણ તેમાં ભાગીદાર છે કે શું તેવો સવાલ કરાયો છે. સિંધિયાનો વરસો સુધી વિરોધ કર્યા પછી તેમની સાથે સોદાબાજી કરવા સામે પણ સવાલ ઉઠાવાયા છે. આ પત્રના કારણે સંઘ-ભાજપ ટેન્શનમાં છે. પેટાચૂંટણીમાં આ પત્રની અસર ના પડે એ માટે ડેમેજ કંટ્રોલ શરૂ કરીને સ્વયંસેવકોની બેઠકો શરૂ કરી દેવાઈ છે. સંઘના ટોચના નેતાઓ પણ સ્થાનિક નેતાઓ સાથે વાત કરી રહ્યા છે અને આ બધી વાતોમાં નહીં આવવા સલાહ અપાઈ રહી છે.  ભાજપનો દાવો છે કે, કોંગ્રેસે સ્વયંસેવકોમાં ફૂટ પડાવવા આ પત્ર ઉભો કર્યો છે, બાકી સંઘમાં સિંધિયા સામે નારાજગી નથી. અલબત્ત સ્વયંસેવક રાજેશ કુમારના મુદ્દે ભાજપ ચૂપકીદી સાધે છે.

ભાજપના નેતા કોરોનાનો કહેર પત્યા પછી જાગ્યા

દિલ્હીમાં ભાજપના નેતાઓએ કોરોનાવાયરસ સામે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે ભાજપના નેતાઓ 'જબ તક દવાઈ નહીં, તબ તક ઢીલાઈ નહીં' લખેલાં પોસ્ટર મહત્વનાં સ્થળો પર વહેંચતા અને લોકોને કોરોના સામે લડવા સામે સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવા જોવા મળ્યા.

દિલ્હી પ્રદેશ ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તા ઉપરાંત વિરેન્દ્ર સચદેવ, કુલજીત ચહલ, રાજન તિવારી, આદિત્ય ઝા સહિતના નેતાઓ આ અભિયાનમાં જોડાયા. દિલ્હી ભાજપે શનિવારે આ અભિયાન શરૂ કર્યું ત્યારે સાંસદો-ધારાસભ્યો જોડાશે તેવી જાહેરાત કરેલી પણ કોઈ સાંસદ કે ધારાસભ્ય ક્યાંય ના દેખાયા. ગુપ્તાને સાંસદો-ધારાસભ્યો પોતાના બોસ તરીકે સ્વીકારતા નથી તેનો આ પુરાવો છે એવી ટીકા ભાજપના કાર્યકરો જ કરતા હતા.

ભાજપના અભિયાનથી લોકો પણ પ્રભાવિત નથી. લોકોના મતે, ભાજપ બહુ મોડો જાગ્યો છે. કોરોનાના કારણે લોકડાઉન લાદવું પડયું એ વખતે જાગૃતિ અભિયાનની જરૂર હતી પણ ભાજપના નેતાઓ એ વખતે ગાયબ થઈ ગયા હતા. કોરોનાનો કપરો કાળ પસાર થઈ ગયા પછી હવે શિખામણોનો અર્થ નથી.

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા

ભાજપે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ડો. સંજયસિંહને લટકાવી દીધા છે. સંજયસિંહ ગયા વરસે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમા જોડાયા હતા. એ વખતે સંજયસિંહને  રાજ્યસભાની ટિકિટ આપવાનું વચન અપાયેલું પણ મંગળવારે રાત્રે ભાજપે જાહેર કરેલા ૮ બેઠકો માટેના ઉમેદવારોમાં સંજયસિંહનું નામ જ નહોતું.

ડો. સંજયસિંહની સાથે કોંગ્રેસ છોડીને આવેલા ભુવનેશ્વર કલિતાને ભાજપે માર્ચમાં આસામમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. સંજયસિંહનો યુપીની ચૂંટણી વખતે નંબર લાગશે એવું મનાતું હતું પણ આ માન્યતા ખોટી પડી છે. સંજયસિંહ અમેઠીના રાજવી પરિવારમાંથી આવે છે. એક સમયે નહેરૂ-ગાંધી ખાનદાનની અત્યંત નજીક મનાતા સંજયસિંહનું નામ બેડમિંટન ચેમ્પિયન સૈયદ મોદીની હત્યામાં સંડોવાતાં ખળભળાટ મચ્યો હતો. સંજયસિંહે પછીથી સૈયદની પત્ની અમિતા સાથે લગ્ન કર્યાં હતાં. સંજયસિંહની પહેલી પત્ની ગરિમા સિંહ ભાજપની ધારાસભ્ય છે જ્યારે ગરિમાનો પુત્ર અનંત વિક્રમ સિંહ ભાજપ યુવા મોરચામાં હોદ્દેદાર છે.

સંજયસિંહની જેમ નરેશ અગ્રવાલ પણ લટકી ગયા છે. ૨૦૧૮માં સમાજવાદી પાર્ટી છોડીને આવેલા અગ્રવાલને ભાજપે લોકસભાની ટિકિટ પણ નહોતી આપી.

નીતિશનો ચિરાગ-તેજસ્વીના બહાને મોદી પર પ્રહાર ?

બિહારની ચૂંટણીમાં પહેલા તબક્કા માટે બુધવારે મતદાન છે પણ એ પહેલાં ચિરાગ પાસવાન  અને તેજસ્વી યાદવ નીતિશ વર્સીસ મોદી સીનેરિયો સર્જવા મથામણ કરી રહ્યા છે. બંનેએ નીતિશ કુમાર વિરોધીઓને બહાને મોદી પર નિશાન સાધી રહ્યા હોવાના આક્ષેપો કરીને રાજકીય ગરમી પેદા કરી છે. નીતિશ કુમારે ચિરાગ પાસવાનને જંબુરો કહીને કટાક્ષ કરેલો. પાસવાને સામો પ્રહાર કર્યો કે, હું તો મોદીના ઈશારે નાચું છું તો તમે મોદીને મદારી માનો છો ? નીતિશે તેનો જવાબ નથી આપ્યો પણ જેડીયુએ વળતો પ્રહાર કર્યો છે કે, પાસવાનનો મદારી જેલમાં બેઠેલો છે. ઈશારો લાલુ પ્રસાદ યાદવ તરફ છે એ કહેવાની જરૂર નથી.   નીતિશે લાલુ પ્રસાદ યાદવ પર કટાક્ષ કરેલો કે, જેમને નવ-નવ સંતાનો છે તેમને પોતાની દીકરીઓ પર ભરોસો નથી તેથી નાના દીકરાને આગળ કરે છે. તેજસ્વીએ વળતો પ્રહાર કર્યો છે કે, નીતિશ અમારા બહાને મોદી પર કટાક્ષ કરી રહ્યા છે કેમ કે મોદીને પણ છ ભાઈ-બહેન છે. 

***

બિહારના ચાણ્ક્ય નીતિશ કુમાર એકલા પડી ગયા

એક સમયે બિહારના ચાણ્ક્ય તરીકે ઓળખાતા નીતિશ કુમાર સાવ એકલા પડી ગયા છે. આજે તેઓ પોતાની જ ચાતુર્યમાં ખોવાઇ ગયા છે.આ વખતની ચૂંટણી તેમના અને તેમના શાસન સામે લોકમત સાબીત થઇ રહી છે.૬૯ વર્ષની વયે તેઓ તેમના જીવનની સૌથી મુશ્કેલ ચૂંટણી લડી રહ્યા છે.તેમના સાથીઓ તેમજ વિપક્ષોએ પણ તેમને એકલા છોડી દીધા છે. તેમણે આ લડાઇને અંગત બનાવી લીધી છે.લાલુ પ્રસાદ પર નવ નવ બાળકોની  વ્યંગ કરીને તેમણે અંગત હુમલા શરૂ કર્યા હતા. લાલુ પુત્રો ઇચ્છતા હતા એમ કહીને તેમણે તેજસ્વીને ઉશ્કેર્યો હતો જેઓ માતા પિતાની આઠમી સંતાન છે. તેજસ્વીએ તેનો જવાબ આપતા કહ્યું હતું કે 'પીએમના પણ અનેક સબંધીઓ છે'. ખૈર, હવે વાતો એવી થવા લાગી છે કે ભાજપ તેમના માટે માસ્ક બની ગયું છે. ભાજપના પોસ્ટરોમાં નીતિશ કુમાર દેખાતા નથી.આ એક એવા લગ્ન છે જેના વિષે બંને જાણે છે કે ટકવાના નથી, ગમે ત્યારે તેનો અંત આવી શકે છે.છેલ્લા બે સપ્તાહથી બે સાથીઓ સમાંતર  સભાઓ કરે છે. જદયુની રેલીમાં સુશીલ મોદી અને બિહાર રવિ શંકર પ્રસાદ સિવાય ભાજપનો એક પણ નેતા નીતિશ કુમાર ની સભામાં આવ્યા નથી. એવું કહેવાય છે કે જો નીતિશને બહુમતી ના મળે તો ભાજપ તેમને છોડી દેશે. જાણકારો કહે છે કે નીતિશ કુમાર દેશના ઇતિહાસમાં એકમાત્ર એવા નેતા છે જેમની ઓળખ ખુબ જ મર્યાદિત છે અને પક્ષનું સંગઠન પણ મજબુત નથી, છતાં ત્રણ વખતે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા.

બેરોજગારી અને પ્રવાસી મજુરોના કારણે નીતિશ પરેશાન

એવા અહેવાલો મળી રહ્યા છે કે  નીતિશ સરકારે કોરોના મહામારી પર નિયંત્રણ કરવા નિષ્ફળ જતાં અને પ્રવાસી મજુરોને તેમના રાજ્યમાં જ નોકરીઓ ન આપવાના કારણે લોકોમાં આક્રોશ છે..એનડીએ દ્વારા નોકરીઓના કરવામાં આવી રહેલા દાવાઓ વચ્ચે નીતિશ કુમારની હાલત ખુબ ખરાબ થઇ રહી છે.તેજસ્વીએ દસ લાખ નોકરીઓ આપવા વાયદો કર્યો હતો જ્યારે નીતિશે ૧૯ લાખ રોજગારી આપવા વચન આપયું હતું.'લોકોમાં ગુસ્સો છે અને તેઓ મુઝાયેલા પણ છે'એમ એશિયન ડેવેલપમેન્ટ બેન્કના સભ્ય સચિવ સૈબલ ગુપ્તાએ કહ્યું હતું. તમામ કક્ષાના અંસખ્ય બેરોજગારો હવે ખુલ્લામાં આવી ગયા છે. તેઓ વિપક્ષોની સભાઓને ભરચક બનાવે છે.લાખો પ્રવાસી મજુરો પણ નીતિશ પર ગુસ્સે ભરાયા છે. તેમના યાતનાઓ અને કહી ના શકાય એવા દુખનો સરકારે ક્યારે ઉપાય શોધ્યો નહતો. પણ બિહારના જાણકારો કહે છે કે  જો વાસ્તવિક અહેવાલ અને તેજસ્વીની સભામાં ઉમટતી ભીડ જોઇએ તો કહી શકાય કે આ વખતે પરિવર્તન છે. તેઓ કહે છે કે સામાજીક ઓળખને બદલે બેરોજગારીનો મુદ્દો તેજસ્વીનો માસ્ટર સ્ટ્રોક છે.

તમામ પક્ષોએ વાર્ષિક પૂરનો મુદ્દે છોડી દીધો

રાજકીય પક્ષોએ તેમના ઢેંઢેંરામાં અનેક વચનો આપ્યા હતા. પરંતુ એક પણ પક્ષે બિહારમાં આવતા ભયંકર પૂર અંગે એક શબ્દ પણ લખ્યો નહતો. નવાઇની વાત એ છે કે બિહારના ૩૮ પૈકી ૨૮ જિલ્લા પૂર પ્રભાવિત છે.દર વર્ષે લાખો રૂપિયાનું નુકસાન થાય છે અને પર્યાવરણી નુકસાન તો ખરૂં.ચાલુ વર્ષે ૧૬ જિલ્લાના ૮૩ લાખ લોકો વિસ્થાપિત બન્યા હતા. આજે પણ હજારો લોકો રાહત છાવણીઓમાં રહે છે. આશરે ૭.૫૪ લાખ હેકટર જમીનના પાક નાશ પામ્યો હતો. નીતિશ સરકારે આના માટે અગાઉની સરકારો પર દોષનો ટોપલો નાંખ્યો હતો.

કમલનાથ 'રાવણ': શિવરાજ ચૌહાણ

 મધ્ય પ્રદેશના  મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની સરખામણી રાવણ સાથે કરી હતી. મોરેના જિલ્લામાં એક સભાને ંસબોધતા ચૌહાણે કહ્યું હતું 'ભૂતકાળમાં તેમણે ખેડૂતો માટેની લોન માફીની જાળ બનાવી હતી. તેઓ ફરીથી એ જ જાળ ગુંથે છે. જો જો તેની જાળમાં ના ફસાતા'.તેમણે વધુમાં  કહ્યું હતું કે રાવણે પણ પ્રપંચ કરીને સીતાને જાળમાં ફસાવી તેમનું અપહરણ કર્યું હતું. ચૌહાણના વાર પર કમલનાથે પલટવાર કરતાં કહ્યું હતું 'શિવારાજજી,લોકોએ તમને ૨૦૧૮ની જેમ આ વખતે પણ ઓળખી લીધા છે. આ વખતે લોકો તેમને ફરીથી વિપક્ષમાં જ બેસાડશે'.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો