યુરોપ-અમેરિકામાં કોરોનાનું બીજું મોજું વધારે આકરું નીવડવાની આશંકા


યુરોપ અને અમેરિકામાં ફરી વખત કોરોનાના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ગયા અઠવાડિયે પાંચ લાખ નવા કેસો નોંધાયા છે. 

તો ફ્રાન્સમાં ગયા રવિવારે કોરોના સંક્રમિત લોકોનો આંકડો ૫૨ હજાર કરતા વધારે રહ્યો. જોકે જાણકારોના મતે આ આંકડો એક લાખની આસપાસ હોઇ શકે છે.

જર્મનીમાં પણ એક દિવસમાં ૧૦ હજારથી વધારે કેસોનો વિક્રમ નોંધાયો. સ્પેનમાં તો કોરોના મહામારીના બીજા આક્રમણના પગલે કટોકટી જાહેર કરવાની ફરજ પડી છે. ફ્રાન્સ અને જર્મની સહિતના અનેક યુરોપી દેશોમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની નોબત આવી છે. 

કોવિડ-૧૯ મહામારીને કાબુમાં કરવી દુનિયાભરના દેશોની સરકારો માટે પડકારજનક બની રહી છે. સરકારી જાહેરાતો જાણે ઠાલાં વચનો હોય એમ જણાઇ રહ્યું છે.

થોડા મહિના પહેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોનાને નાથવા વૈજ્ઞાાનિકો અને તબીબોની સલાહને અનુસરવાની સલાહ આપી હતી પરંતુ હવે બ્રિટનના સંશોધકો લૉકડાઉનની હિમાયત કરી રહ્યાં છે પરંતુ હવે બોરિસ જ્હોનસન તેમની સલાહ અવગણી રહ્યાં છે.

હકીકતમાં બ્રિટનમાં કોરોનાના કેસોથી હોસ્પિટલોમાં ભરાવો થઇ ગયો છે અને કોરોનાનું સંક્રમણ કાબુમાં લેવા સર્કિટ બ્રેકરની જરૂર હોવાનું વૈજ્ઞાાનિકોનું કહેવું છે. 

ફ્રાન્સના વડાપ્રધાન ઇમાનુએલ મેક્રોંએ કહ્યું છે કે કોરોનાનું બીજું મોજું પહેલા મોજા કરતા વધારે આકરું હશે. ફ્રાન્સમાં તો નવેમ્બરના અંત સુધી સંપૂર્ણ લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

શુક્રવારથી લાગુ કરવામાં આવેલા લૉકડાઉન અંતર્ગત લોકોને માત્ર અનિવાર્ય કારણોસર તેમજ મેડિકલ હેતુથી જ ઘરની બહાર નીકળવાની પરવાનગી મળશે.

રેસ્ટોરાં અને બાર બંધ રહેશે. જોકે સ્કૂલો અને ફેકટરીઓ ચાલુ રહેશે. લૉકડાઉનના કારણે અર્થવ્યવસ્થા ઠપ્પ ન થઇ જાય એટલા માટે સરકારે ઉદ્યોગો ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. 

જર્મનીમાં પણ એક મહિના સુધી આંશિક લૉકડાઉન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્મનીના ચાન્સેલર અંગેલા મર્કેલે કરેલી જાહેરાત અનુસાર બીજી નવેમ્બરથી લૉકડાઉન લાગુ થશે જેમાં રેસ્ટોરાં અને બાર બંધ રહેશે. થિયેટર અને સિનેમાગૃહો પણ બંધ રહેશે. સ્વીમિંગ પુલ અને જિમ બંધ રહેશે. 

મોટા ક્રાયક્રમો આયોજિત નહીં થઇ શકે. જોકે સ્કૂલો અને દુકાનો ચાલુ રહેશે. લૉકડાઉનના કારણે વેપાર ધંધાને અસર થયેલી નાની કંપનીઓની નવેમ્બરની આવકના ૭૫ ટકા જર્મન સરકારે આપવાનું નક્કી કર્યું છે.આમ તો જર્મનીની સ્વાસ્થ્ય સેવા સક્ષમ છે પરંતુ કેસો વધ્યાં તો એ પણ નબળી પડી શકે છે.

બ્રિટન ઉપરાંત સ્પેન અને ઇટાલીમાં પણ કોરોના સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યાં છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા ફોન ડેર લેયને યુરોપની સ્થિતિને અત્યંત ગંભીર ગણાવી છે. 

ભારતમાં રોજિંદા એક લાખ કેસ સુધી આંકડો પહોંચ્યા સુધી હવે કેસોની સંખ્યા ઘટી રહી છે. જોકે કોરોના સંક્રમણના મામલે ભારત હવે અમેરિકા બાદ બીજા ક્રમે છે.

આ વર્ષે ૩૦મી જાન્યુઆરીએ દેશમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો એના નવ મહિના બાદ કોરોનાના કેસો ૮૦ લાખને વટાવી ગયા છે.

એમાંયે માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ કોરોના સંક્રમણના ૨૬ લાખથી વધારે કેસો નોંધાયા હતાં. હવે કોરોનાના કેસોનો આંકડો દૈનિક ૫૦ હજારની નીચે આવ્યો છે. જોકે સાવચેતી ન રાખવામાં આવી તો સંક્રમણમાં ઉછાળો થઇ શકે છે. 

આમ પણ ભારતમાં કોરોના સંક્રમણના પ્રસારને લઇને જે અભ્યાસ થયા એમાં બહાર આવ્યું કે જો લોકો દ્વારા અને સરકારી સ્તરે બેદરકારી ન દાખવવામાં આવી હોત અને બચાવના ઉપાયોને સંપૂર્ણપણે અપનાવવામાં આવ્યાં હોત તો પરિસ્થિતિ આટલી હદે વણસી ન હોત.

આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં થયેલા એક અભ્યાસમાં સામે આવ્યું હતું કે માત્ર આઠ ટકા લોકોએ સાઠ ટકા લોકોને કોરોનાનો ચેપ લગાડયો. બંને રાજ્યોમાં પોણા છ લાખ કોરોના સંક્રમિતો પર આ સ્ટડી કરવામાં આવ્યો હતો જે આશરે ૮૫ હજાર કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હતાં. 

સ્પષ્ટ છે કે સંક્રમણની ચેઇન ઘણી ઝડપથી વધી. ચોંકાવનારી બાબત એ હતી કે સંક્રમણના આવા મામલા બાળકોમાં વધારે જોવા મળ્યાં જેમાં નવજાત શિશુથી લઇને ૧૪ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થતો હતો.

૬૫ વર્ષથી વધારે વયના લોકોમાં પણ સંક્રમણનો ફેલાવો ઝડપથી થયો. જો આંધ્રપ્રદેશ અને તામિલનાડુની જેમ જ બીજા રાજ્યોમાં પણ આવો અભ્યાસ હાથ ધરવામાં આવે તો લગભગ તમામ રાજ્યોમાં બેદરકારીની કથા લગભગ સમાન જોવા મળે એમાં શંકાને કોઇ સ્થાન નથી. 

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાના વધી રહેલા વ્યાપને લઇને ચેતવણી આપી છે કે દુનિયાના અનેક દેશો કોરોના વાઇરસ સામેની લડતમાં ખોટી દિશામાં જઇ રહ્યાં છે. જેના કારણે કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા અને તેના કારણે મરનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

હકીકતમાં કોરોનાથી બચવા માટે સાવચેતીના જે પગલાં સૂચવવામાં આવ્યાં છે એમનું પાલન થતું નથી. જો સમય રહેતા અસરકારક પગલા ન લેવામાં આવ્યાં તો સ્થિતિ બદતર બની જશે.

ખરેખર તો દુનિયા સામે એક જટિલ પડકાર છે કારણ કે હાલની પરિસ્થિતિમાં તમામ દેશો પોતાની સમગ્ર તાકાત કોરોના સામે લડવામાં લગાવી રહ્યાં છે અને આર્થિક મોરચે પરિસ્થિતિ ખરાબ બની રહી છે. 

દુનિયાના મોટા ભાગના દેશો લાંબા સમય સુધી લૉકડાઉન અમલમાં મૂકી ચૂક્યાં છે પરંતુ કોરોનાનું સંક્રમણ સતત વધતું જ રહ્યું છે. એવામાં લોકોને એ સવાલ પરેશાન કરી રહ્યો છે કે કોરોનાને નાથવાનો ઉપાય શો છે? કોરોનાથી બચવા માટે અનેક દેશોમાં વેક્સિન ઉપર તેજીથી કામ થઇ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઇ પણ દેશ વેક્સિન બનાવવામાં સફળ થઇ શક્યો નથી.

કોરોનાની વેક્સિન બનાવવાની પ્રક્રિયા જટિલ હોવાની સાથે સાથે ધીરજ માંગી લે એવી છે. જોકે અત્યારે કોરોનાની વેક્સિન બનાવવાની કામગીરી જે રીતે પૂરજોશમાં ચાલી રહી છે એ જોતાં આ વર્ષના અંત સુધીમાં તો કોરોનાની વેક્સિન લૉન્ચ થવાની અપેક્ષા છે. 

હજુ સુધી કોરોનાની  કોઇ ચોક્કસ દવા નથી શોધાઇ કે નથી વેક્સિન શોધાઇ એટલા માટે કોરોનાના સંક્રમણથી બચવું એ જ હાલ તો એક માત્ર ઉપાય છે અને એ વધારે મુશ્કેલ પણ નથી.

કોરોના વાઇરસ અંગે દેશવિદેશની તબીબી સંસ્થાઓએ જે દિશાનિર્દેશ જાહેર કર્યાં છે એમાં ત્રણ બાબતો પર જોર આપવામાં આવ્યું છે.

પહેલું એ કે લોકોએ વારંવાર હાથ સાબુથી ધોવા અથવા સેનિટાઇઝરથી સાફ કરવા. બીજી જરૂરી બાબત છે માસ્ક પહેરવો અને ત્રીજું એ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવું.

વિશ્વ આરોગ્ય સંસ્થા પણ કહેતી આવી છે કે લોકો વચ્ચે ઓછામાં ઓછી ૩.૩ ફૂટનું અંતર જાળવવામાં આવે તો કોરોના વાઇરસનું સંક્રમણ રોકવું શક્ય છે.

જોકે વૈજ્ઞાાનિકોના મતે હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સાવચેતીના પગલા જરૂરી તો છે પરંતુ પૂરતા નથી. બંધ જગ્યાઓએ અને ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓએ અને જ્યાં હવાની અવરજવરની પૂરતી વ્યવસ્થા ન હોય ત્યાં વાઇરસનો ચેપ લાગવાનો ખતરો વધારે છે. 

વૈજ્ઞાાનિકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટ તેમજ અન્ય જાહેર સ્થળોએ વધારે ભીડભાડ ન કરવાની સલાહ આપે છે. તેમના મતે માસ્ક પહેરવો ફરજિયાત કરવાની જરૂર છે. હજુ પણ ઘણાં લોકો માસ્ક પહેરવાનું ટાળી રહ્યાં છે. સરકારે માસ્ક પહેરવા અંગેના કાયદા વધારે કડક કરવાની પણ જરૂર છે.

શરૂઆતમાં તો દેશમાં કોરોનાના સંક્રમણ અંગે આશા જાગી હતી. કોરોનાના સંક્રમણમાં આપણે લગભગ ૫૦ દેશોથી પાછળ હતાં પરંતુ હવે આપણે બીજા સ્થાને આવી ગયા છીએ અને ભારતની વિશાળ વસતી જોતાં બહુ થોડા સમયમાં અમેરિકાને પાછળ મૂકીને કોરોનાના સૌથી વધારે કેસો આપણા દેશમાં થવાની શક્યતા નકારી ન શકાય. 

ખરેખર તો દરેક નાગરિકે જવાબદાર બનીને વિચારવું જોઇએ કે તે કોરોનાની ચેઇન આગળ વધારી રહ્યો છે કે પછી તોડી રહ્યો છે? કોરોના અટકાવવા દરેકે ચહેરા પર યોગ્ય રીતે માસ્ક પહેરવો જોઇએ.

આવશ્યક સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઇએ. કોરોનાથી બચવા માટે તંત્રએ જે આકરા નિયમો બનાવ્યાં છે એ સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવા આવશ્યક છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો