દેશના અર્થતંત્રમાં સુધારો થઇ રહ્યો હોવાનો દાવો: એસબીઆઇ ઇકોરેપે કરેલો સર્વે
- શ્રમિકો ઘેર વધુ પૈસા મોકલી રહ્યા છે એવો અહેવાલ
નવી દિલ્હી તા. 28 ઓક્ટોબર 2020 બુધવાર
દેશના અર્થતંત્રમાં ધીમો પણ મક્કમ રીતે સુધારો થઇ રહ્યો હોવાનો દાવો એક સર્વેના રિપોર્ટમાં કરાયો હતો. સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા અને ઇકોરેપ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં એવો દાવો કરાયો હતો કે શ્રમિકો પહેલાં કરતાં હવે સપ્ટેંબર દરમિયાન ઘરે વધુ પૈસા મોકલતા હતા. એજ રીતે પ્રોવિડન્ટ ફંડમાં પણ વધુ પૈસા જમા થતા જોઇ શકાયા હતા.
આ અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે ઇમિગ્રન્ટ શ્રમિકો દ્વારા પહેલાંની તુલનાએ હવે વધુ પૈસા ઘરે મોકલાઇ રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં જેટલી રકમ મજૂરો ઘરે મોકલતા હતા એટલી જ સપ્ટેંબરમાં મોકલતા જણાયા હતા. એ જ રીતે પ્રોવિડન્ટ ફંડ ખાતામાં પણ નવા રજિસ્ટ્રેશન વધ્યા હતા. મંગળવારે પ્રગટ કરાયેલા રિપોર્ટ મુજબ જનધન ખાતાંઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો હતો. આવા ખાતાંની સંખ્યા 41 કરોડના આંકને વટાવી ગઇ હતી.
પીટીઆઇના એક અહેવાલ મુજબ આ વર્ષના એપ્રિલ માસથી કોરોનાના પગલે શ્રમિકો દ્વારા પોતપોતાના ઘરે મોકલાતી રકમમાં ખાસ્સો ઘટાડો નોંધાયો હતો. જૂન અને જુલાઇ માસથી આ પરિસ્થિતિ સુધરી રહ્યાના અણસાર મળ્યા હતા. સપ્ટેંબરમાં આ સુધારો તરત નજરે પડે એવો હતો. આ વર્ષના આરંભે ફેબ્રુઆરીમાં શ્રમિકો જેટલા પૈસા ઘરે મોકલતા હતા એટલા જ સપ્ટેંબરમાં પણ મોકલી રહેલા જણાયા હતા. એનો એક અર્થ એવો પણ હતો કે ધીમે ધીમે મજૂરો પોતપોતાના કામ પર પાછા ફરવા લાગ્યા હતા.
જો કે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને પૂરના કારણે પૈસા મોકલવાની બાબતમાં ઘટાડો જોવા મળ્યો હતો.
Comments
Post a Comment