નિતીશ માટે કપરાં ચઢાણ ત્રિશંકુ પરિણામના સંકેત
બિહાર વિધાનસભા જંગમાં ભાજપે કોવિડ-૧૯ની રસી મફત આપવાનું તેના ચૂંટણી ઢંઢેરામાં બતાવતા રાજકીય ઉહાપોહ થયો હતો પરંતુ તેની કોઇ ખાસ અસર ઉભી થઇ નથી કેમકે તેના પ્રતિસ્પર્ધી પક્ષો પણ મફત વેક્સીન આપવા તૈયાર છે. બધાજ કહે છેકે અમે સત્તા પર આવીશું તો રસી મફત આપીશું. જોકે ચૂંટણી પંચના એક ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે ભાજપે જે ઓફર કરી છે તેનાથી આચાર સંહિતાનો કોઇ ભંગ નથી થતો. જોકે તેનાથી એવો સંદેશ જાય છે કે ભાજપ શાસિત રાજ્યોને પહેલાં રસી મળશેે તેમ છતાં તેમાં કશું ગેરકાયદે નથી લાગતું.
જોકે ભાજપે એ સ્પષ્ટ કર્યું છે કે જોતે સત્તા પર ફરી આવશે તો રસી મફત આપશે. એક લાખથી વધુ લોકોના જીવ લેનારો વાઇરસ જન્ય રોગ જીવનમાં ક્યારેક જ જોવા મળે છે. આવા રોગ વચ્ચે ચૂંટણીઓ આવી છે. આ સ્થિતિમાં મફત રસીની ઓફર કેટલાક વર્ગના મતદારોને આકર્ષી શકે છે.
એ પણ હકિકત છે કે કોઈ પણ જાતિના લોકો હોય પણ દરેક કોરોના વાઇરસથી ડરતા ચાલે છે. ચૂંટણી જંગમાં પહેલી નજરે એવું લાગે કે રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદ યાદવે નક્કી કરેલા પોતાની રાજકીય વારસદાર પુત્ર તેજસ્વી યાદવ પ્રચારમાં ભીડ ખુબ ઉભી કરે છે. તે જ્યારે વર્તમાન મુખ્ય પ્રધાન નિતીશ કુમારની ટીકા કરે છે ત્યારે લોકો પણ તેમને રિસ્પોન્સ આપતા હોય છે. લાલુ યાદવે યાદવ-મુસ્લિમ બેંકનો જે ગઢ ઉભોે કર્યો હતો ત્યાં આવો ટેમ્પો વધુ જોવા મળે છે પરંતુ પ્રશ્ન એ છે કે શું ચૂંટણી સુધી મતદારો તેમના નેતાઓ સાથે રહેશે ખરા?
જે લોકો શરૂઆતમાં નિતીશ માટે આસાન જીત કહેતા હતા તે પ્રચારના બે અઠવાડીયા પછી હવે નિતીશ માટે પડકાર ઉભો થયો છે એમ કહી રહ્યા છે. હકિકત એ છે કે ગઇ ચૂંટણી કરતાં આ વખતે નિતીશ બાબુ જેડી(યુ) અને ભાજપના સમર્થકોમાં પણ અપ્રિય છે. લાલુ પ્રસાદનું જંગલરાજ, સ્કુલે જતી છોકરીઓને મફત સાઇકલ કે પાકા રોડ જેવા વચનો ગઇ વખતે વાપરી નાખ્યા છે.
પંદર વર્ષના શાસનમાં નિતીશ કુમાર સામે મોટા પાયે એન્ટી ઇન્કમબન્સી ઉભી થઇ છે તેને નિતિશકુમાર દુર કરી શકે એમ નથી. તેમણે સામાન્ય મતદારોે સાથેનો સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. તેમની જાહેરસભાઓમાં પણ બહુ ઓછા લોકો જોવા મળે છે.
જોકે નિતીશ કુમાર માટે સાવ અંધારપટ જેવું પણ નથી. રામવિલાસ પાસવાનના મૃત્યુ પછી તેમના પુત્ર ચિરાગે પણ નિતીશ કુમાર સામે હલ્લાબોલ શરૂ કર્યું હતું. ભાજપ પણ ચિરાગ પાસવાનની ડુપ્લીકેટ ગેમ થી ચેતીને ચાલે છે. તેણે જેડી(યુ) સામે ઉમેદવારો ઉભા રાખ્યા છે અને ભાજપના ઉમેદવારોને ટેકો આપે છે.
લોકજનશક્તિના મતદારો પણ ચિરાગ પાસવાનના આઇડયાથી કન્ફ્યૂઝ ચાલે છે. જો જેડી(યુ) અને ભાજપ આસાનીથી સરકાર બનાવી શકશે તો ચિરાગ પાસવાન અટવાઇ જશે કેમકે ચૂંટણઓમાં તેણે નિતીશ કુમાર વિશે ઘણું એલફેલ કહ્યું છે.
અહીં મહત્વની વાત એ છે કે બિહારમાં બ્રાન્ડ મોદી ચાલી રહી છે. બિહારના લોકો એટલું તો જાણે છે કે આ ચૂંટણી પટણા માટે છે દિલ્હી માટેની નથી. બિહારના લોકો મોદીને વડાપ્રધાન તરીકે ઇચ્છે છે પરંતુ નિતીશને ફરી ચાન્સ આપવા તૈયાર નથી.
ભાજપની વાત કરીએ તો ભાજપના ઉમેદવારો આત્મવિશ્વાસ સાથે પ્રચાર કરી રહ્યા છે. બિહારના જંગમાં સૌથી વધુ પૈસાદાર પાર્ટી ભાજપ છે. રાજકીય ગપસપ એવી પણ ચાલે છે કે નિતીશ સમય આવે ભાજપ સાથે છેડો ફાડીને આરજેડી સાથે બેસી શકે છે. એવી પણ વાત ચાલે છે કે જો ત્રિશંકુ પરિણામો આવશે અને કોઇને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો નિતીશ કુમાર ભાજપમાંથી કૂદકો મારીને સત્તા રચનારની ટીમમાં બેસી જશે અને ભાજપને છોડી દેશે...
Comments
Post a Comment