જામનગરમાં વધુ એક ગેંગ રેપની ઘટના: 14 વર્ષની સગીરાને ચાર નરાધમોએ પીંખી નાખી
જામનગર, તા. 27 ઓકટોબર 2020, મંગળવાર
જામનગર શહેર અને ધ્રોલમાં ગેંગરેપની બે ઘટનાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં જ કાલાવડ પંથકમાં ત્રીજી ગેંગરેપની ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. મૂળ મધ્યપ્રદેશની ગંજી ગેંગના એક ટાબરિયા સહિતના ચાર શખ્સોનું કારસ્તાન સામે આવ્યું છે. કાલાવડ તાલુકાના પીપર ગામની ચૌદ વરસની એક સગીરા પર ચારેય નરાધમોએ વારાફરથી સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવી છે. પોલીસે ગેંગરેપ આચરનાર ત્રણ આરોપીઓને પકડી પાડયા છે, અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે એક આરોપી સગીર હોવાથી તેની પણ અટકાયત કરી લઇ બાળ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યો છે.
જામનગર જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના પીપર ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ મધ્ય પ્રદેશના વતની શ્રમિક પરિવારની 14 વર્ષની પુત્રી કે તેણી પોતાના વાડીના મકાનમાં એકલી સુતી હતી, જે દરમિયાન ગત 20મી તારીખે રાત્રે દારૂના નશામાં ચકચૂર બનેલા મધ્યપ્રદેશના જ વતની એવા ગંજી ગેંગના ચાર સભ્યોએ પોતાની હવસનો શિકાર બનાવી લીધી હતી. જેમાં એક શખ્સ સગીર વયનો હતો. જે ચારેય શખ્સોએ સગીરાની એકલતાનો લાભ લઇ મોઢે ડૂચો દઈ વારાફરથી ગેંગરેપ કર્યો હતો, અને ભાગી છૂટયા હતા.
ભોગ બનનાર સગીરાએ રડતી અવસ્થામાં પોતાનાં માતા-પિતાને જાણ કરતાં આખરે મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સગીરાની ફરિયાદના આધારે ચારેય નરાધમો સામે ગેંગરેપનો ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો.
ગત 21મી તારીખે કાલાવડ ગ્રામ્ય પોલીસે ગંજી ગેંગના ચાર સભ્યો મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના ચોખલી ગામના વતની દિનેશ કેરમસિંગ કટારીયા ઉપરાંત પનેરી ગામના હી-મેન ચેતનસિંગ બગેલ આદિવાસી જ્યારે બળીજીરા ગામ જોબટ તાલુકાના વતની સુનિલ ગુલાબસિંગ અજનાર આદિવાસીની અટકાયત કરી લીધી હતી.
જેની સામે આઇપીસી કલમ 376 (ડી)(એ), 506-2 તથા પોક્સો એક્ટની કલમ 4-8 મુજબ ગેંગરેપનો ગૂનો નોંધવામાં આવ્યો હતો, જે કેસમાં ધરપકડ કરી લીધા પછી ત્રણેયનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવતાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી રહી છે.
સાથોસાથ ભોગ બનનાર સગીરાની સામે તેઓની ઓળખ પરેડ પણ કરાવવામાં આવી રહી છે. આ પ્રકરણમાં તેઓની સાથે સોળ વર્ષની વયનો એક ટાબરિયો પણ જોડાયેલો હોવાથી કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તેની પણ અટકાયત કરીને બાળ અદાલત સમક્ષ રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાની જામનગરની જી.જી. હોસ્પિટલમાં તબીબી ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં પણ તેણીની સાથે દુષ્કર્મ થયું હોવાનો પ્રાથમિક અહેવાલ મળ્યો હતો. પોલીસે તેણીનું વિગતવાર નિવેદન નોંધ્યા પછી માતા પિતાને ઘેર પીપર ગામે મોકલી દેવામાં આવી છે. આ સામુહિક દુષ્કર્મ ના બનાવને લઇને કાલાવડ ગ્રામ્ય પંથકમાં અને સમગ્ર જામનગર જિલ્લામાં ભારે ચકચાર જાગી છે.
Comments
Post a Comment