દિલ્હીની વાત : ડોભાલ ચીન સામે હુંકાર પછી પાણીમાં બેઠા


નવી દિલ્હી, તા.26 ઓકટોબર 2020, સોમવાર

ચીન સામે હુંકાર કર્યા પછી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીતકુમાર ડોભાલ પાણીમાં બેસી ગયા છે. ડોભાલે ઉત્તરાખંડના ઋષિકેશમાં એક ધાર્મિક કાર્યક્રમમાં કહેલું કે, આપણે બીજા દેશની ધરતી પર પણ યુધ્ધ લડવા માટે તૈયાર અને સક્ષમ છીએ. આ નિવેદનના ૨૪ કલાકમાં જ સરકારે સ્પષ્ટતા કરી છે કે, ડોભાલનું નિવેદન શુધ્ધ રીતે આધ્યામિક અર્થમાં હતું. સરકારી સ્પષ્ટતા પ્રમાણે, ડોભાલે આશ્રમમાં ધામક કાર્યક્રમમાં ભારતની આધ્યાત્મિક તાકાત અને સ્વામી વિવેકાનંદે વિદેશમાં ભારતનો જયજયકાર કરાવ્યો તેના સંદર્ભમાં આ વાત કરી હતી, તેને ચીન સાથે કંઈ લેવાદેવા નથી.

સરકારી સૂત્રોના મતે, મોદી ચીન સાથેના સંબંધો વધારે તંગ બને એવું ઈચ્છતા નથી તેથી આ સ્પષ્ટતા કરાવડાવી છે.

રાહુલને પ્રમુખ બનાવવા નવાં વોટર કાર્ડ અપાશે

કોંગ્રેસમાં નવા પ્રમુખ કોણ બનશે અને ક્યારે બનશે તેની ચર્ચા વચ્ચે સંકેત મળ્યા છે કે, ડીસેમ્બરના અંતમાં નવા પ્રમુખ નિમાઈ જશે.  નવા પ્રમુખ રાહુલ ગાંધી જ હોય એ માટે સોનિયાએ બનાવેલી સેન્ટ્રલ ઈલેક્શન ઓથોરિટી મથામણ શરૂ કરી છે.

કોંગ્રેસમાં પ્રમુખની ચૂંટણી કોંગ્રેસ વકગં કમિટી (સીડબલ્યુસી)ના સભ્યો કરે છે. સીડબલ્યુસીના સભ્યોની સંખ્યા ૧૨૦૦ની આસપાસ છે. છેલ્લા બે દાયકાથી કોંગ્રેસમાં પ્રમુખપદની ચૂંટણી થઈ જ નથી તેથી આ પૈકી કેટલા સભ્યો રાહુલની તરફેણમાં છે અને કેટલા સભ્યો વિરૂધ્ધ છે તેનો અંદાજ જ ગાંધી-નહેરૂ કેમ્પને નથી. આ કારણે સોનિયા કોઈ ચાન્સ લેવા નથી માગતાં. તેમણે તમામ સભ્યોને નવાં વોટર્સ કાર્ડ આપવા કહ્યું છે.

કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ પ્રક્રિયામાં શંકાસ્પદ લાગે ને સોનિયાના નેતૃત્વ સામે અવાજ ઉઠાવનારા નેતાઓના તરફદાર હોય એવા સભ્યોને કાપી નંખાશે કે જેથી રાહુલ સામે કોઈ પડકાર ના રહે. સોનિયાને ફરી કાર્યકારી પ્રમુખ બનાવાયાં તેની છ મહિનાની મુદત માર્ચમાં પતે એ પહેલાં રાહુલ માટે રસ્તો સાફ કરી દેવાશે.

ભાજપના મેયરોનાં કેજરીવાલના ઘરે ધરણાં

દિલ્હીમાં ડોક્ટરોના પગાર નથી થયા એ મુદ્દે રાજકીય ડ્રામા શરૂ થયો છે અને ભાજપ શાસિત ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર મુખ્યમંત્રી કેજરીવાલના ઘરે ધરણાં પર બેસી ગયા છે. દિલ્હીની ઘણી સરકારી હોસ્પિટલોમા ડોક્ટરો હડતાળ પર છે ત્યારે હવે ભાજપ પણ તેમાં જોડાતાં આ મામલો રાજકીય રીતે ગરમ થયો છે.

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન ત્રણેય મેયરને મળ્યા પણ મેયરોએ મુખ્યમત્રી આવીને વાત ના કરે અને રાજ્ય સરકાર કોર્પોરેશનોનાં બાકી નાણાં ના આપે ત્યાં સુધી નહીં ખસવાની જાહેરાત કરતાં કોઈ ઉકેલ ના આવ્યો. મેયરોનો આક્ષેપ છે કે, કેજરીવાલ સરકારે તેમને ૧૩ હજાર કરોડ રૂપિયા આપવાના છે પણ સરકાર આ નાણાં દબાવીને બેસી ગઈ છે. સામે કેજરીવાલ સરકાર કેન્દ્ર નાણાં નથી આપતી એવો બચાવ કરે છે.

વિશ્લેષકોના મતે, આ બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળી રહ્યો છે ને પ્રજા પિસાઈ રહી છે. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે જ આરોગ્ય કર્મચારીઓની હડતાળથી લોકોને સારવાર મળતી જ બંધ થઈ ગઈ છે.

લદાખમાં બહુમતી મળતાં ભાજપમાં હાશકારો

લડાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂટણીમાં સ્પષ્ટ બહુમતી મળતાં ભાજપને રાહત થઈ છે. કાઉન્સિલની કુલ ૩૦ બેઠકો છે જેમાંથી ૨૬ બેઠકો માટે ચૂંટણી થઈ હતી. ભાજપે ૨૨ બેઠકોના પરિણામ આવ્યાં તેમાંથી ૧૩ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. કોંગ્રેસને છ બેઠકો મળી છે જ્યારે ત્રણ બેઠકો અપક્ષોએ જીતી છે. આમ આદમી પાર્ટીએ પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવેલું પણ હજુ ખાતું નથી ખૂલ્યું.

આ ચૂંટણી પહેલાં ભાજપમાં ટેન્શન હતું કેમ કે તમામ રાજકીય પક્ષો અને સંગઠનો લડાખનાં લોકોના જૂના અધિકારો જાળવવા એક થઈ ગયાં હતાં. ઉત્તર-પૂર્વનાં રાજ્યોનાં લોકોને બંધારણના છઠ્ઠા  શીડયુલ હેઠળ પોતાની ઓળખ જાળવી રાખવાનો અધિકાર મળ્યો છે એ પ્રકારનો અધિકાર લડાખનાં લોકોને પણ મળે એ માટે પીપલ્સ મુવમેન્ટ નામની સંસ્થા બનાવી છે.

 ભાજપના નેતાઓ પણ આ સંગઠનમાં સભ્ય છે. ભાજપે તેમની માગણી સ્વીકારવાની ખાતરી આપી તેમને મનાવ્યા હતા પણ પ્રજાનો અસંતોષ બહાર ના આવે તેની ભાજપને ચિંતા હતી. મતદારોએ ભાજપ પર વિશ્વાસ મૂકતાં ભાજપને હાશકારો થયો છે.

બિહારમાં મતદાન પહેલાં ભાજપમાં તણાવ

બિહારમાં બુધવારે પહેલા તબક્કાનું મતદાન છે એ  ૭૧ બેઠકો પર સોમવારે સાંજે પ્રચાર સમાપ્ત થઈ ગયો. પહેલા તબક્કાના મતદાન પહેલાં ભાજપમાં અશાંતિનો માહોલ છે. મોદીએ ભાજપના તમામ ટોચના નેતાઓને ભાજપ મુખ્યાલય પર આવીને મોરચો સંભાળવા કહી દીધું છે. બે દિવસ સુધી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયને ચોવીસે કલાક ચાલુ રાખવાનું ફરમાન પણ કરી દેવાયું છે.

ભાજપ આ વખતે ચિરાગ પાસવાનને કારણે તણાવમાં છે. ચિરાગ પાસવાને ૪૨ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપમાં મોટો વર્ગ નીતિશ કુમારને પસંદ નથી કરતો તેથી આ નેતાઓ ચિરાગને મદદ   કરે તેની ભાજપને ચિંતા છે. ભાજપે દરેક ટોચના નેતાને શંકાસ્પદ લાગતા નેતાઓ સાથે સંપર્કમાં રહીને ચિરાગને મદદ કરતા રોકવાની જવાબદારી સોંપી છે.

પહેલા તબક્કામાં જે ૭૧ બેઠકો પર મતદાન છે તેમાં ભાજપના ૨૯ ઉમેદવારો છે. છેલ્લી ચૂંટણીમાં ભાજપે મોટા ભાગની બેઠકો પર ઉમેદવાર ઉભા રાખેલા પણ તેને માત્ર ૧૩ બેઠકો મળેલી. એ વખતના મહાગઠબંધનમાંથી આરજેડીને ૨૫, જેડીયુને ૨૩ અને કોંગ્રેસને ૮ બેઠકો મળી હતી.

* * *

દિવસેને દિવસે નીતીશની આબરૂનું ધોવાણ થતું જાય છે

અત્યંત ઉત્તેજક બની ગયેલી બિહાર વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીની પ્રચારના પડઘમ થંભી ગયા.પરંતુ હવે એ અંગે વધુ ચર્ચા થવા લાગી છે કે એક સમયે અત્યંત મૃદ ભાષી અને નરમ તબીયતના મનાતા નીતીશ કુમાર કેમ વારેઘડીએ ગુસ્સે થાય છે.તેમની સરળ સ્વભાવના  વ્યક્તિ તરીકેની પ્રતિભા તેઓ ગુમાવતા જાય છે. તેઓ અસહ્નીય અને આક્રમક બની ગયા છે. એટલું જ નહીં તેમના સભામાં સૂત્રોચ્ચાર કરનારાઓને બહાર ધકેલી દેવાની ધમકીઓ પણ આપતા થઇ ગયા છે. બેગુસરાય જિલ્લામાં તેગહરા વિધાનસભા મત વિસ્તારમાં ચાલુ સભામાં કેટલાક યુવાનોએ નીતીશ વિરૂધ્ધ અને તેમના હરિફ લાલુ પ્રસાદની તરફેણમાં સૂત્રો પોકાર્યા હતા. નીતીશ તરત જ ગુસ્સે થઇનમે બોલવા લાગ્યા 'અગલ બગલ દેખ લો સબ કા હાલ ઠીક કરદેંગે'.ત્યાર પછી તેમણે લાલુ પૂત્ર તેજસ્વી પર પ્રહાર  શરૂ કર્યા હતા.નીતીશ કહ્યું હતું કે લાલુ પ્રસાદ અને તેમના પત્ની રાબડી દેવા રાજ્યમાં શાળાઓ બનાવી શક્યા નહતા.'શું તેમણે શાળાઓ બાંધી હતી? તમારા બાપાને પૂછી લેજો. તેઓ સત્તામાં હતા ત્યારે માત્ર લેવાનું જ કામ કર્યું હતું અને જેલમાં ગયા ત્યારે પોતાની પત્નીને ગાદી સોંપી દીધી હતી.  આમ નીતીશ બાબુ હવે હાર ભાળી જતા લોકો પર ગુસ્સો ઉતારવા લાગ્યા છે, એવું બિહાર રાજકારણના જાણકારો કરે છે.

હવે ચિરાગ પાસવાન ભાજપ માટે મત માગે છે

એલજેપીના વડા ચિરાગ પાસવાને જ્યાં એલજેપીના ઉમેદવાર ઊભા રહ્યા નથી ત્યાં ભાજપના ઉમેદવાર માટે મત માગે છે.'જ્યાં જ્યાં અમારા ઉમેદવાર ઊભા છે ત્યાં એલજેપીને મત આપજો, પરંતુ જ્યાં એલજેપીનો ઉમેદવાર ઊભો રહ્યો નથી ત્યાં ભાજપને જ મત આપજો. બિહાર ફર્સ્ટ એન્ડ બિહાર ફર્સ્ટ.બિહારની આગામી સરકાર નીતીશ મૂક્ત હશે. જો કે ભાજપના નેતાઓ તો એક જ રાગ આલાપે છે કે ચિરાગ એનડીએમાં નથી.તો કેટલાક લોકો એમ માને છે કે ભાજપ નીતીશને નીચે દેખાડવા અને હરાવવા ચિરાગ પાસવાનનો ઉપયોગ કરે છે.એલજેપીએ રાજ્યની કુલ ૨૪૩ બેઠકો પૈકી માત્ર ૧૩૬ બેઠકો પર જ પોતાના ઉમેદવારોને ઊભા રાખ્યા છે.પરંતુ જ્યાં ભાજપના ઉમેદાવરો છે ત્યાં એલજેપીનો ઊમેદવાર નથી. 

સુશાંત રાજપુત હવે બિહારમાં કોઇ મુદ્દો જ નથી

બિહારની ચૂંટણીમાં લગભગ તમામ રાજકીય પક્ષોએ સુશાંત આત્મહત્યા કેસને મુદ્દો બનાવી તેને ન્યાય અપાવવાની માગ કરી હતી, પરંતુ હવે એ મુદ્દો જ ભુલાઇ ગયો હોય એવું લાગે છે.સુશાંતના પિત્રાઇ અને ભાજપનો ધારાસભ્ય નીરજ કુમાર સિંહ બબલુ પણ હવે સુશાંત અંગે કંઇ જ બોલતો નથી.છતરપુર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા નીરજે  ક્યારે પણ સુશાંતનો  મુદ્દો સભાઓમાં ઉછાળ્યો નહતો.જદયુના પ્રવકતા રાજીવ રંજન પ્રસાદે કહ્યું હતું કે નીતીશ કુમારે આ કેસની સીબીઆઇની તપાસની માગ કરી હતી કે જેથી મૃતકના પરિવારને ન્યા નળી.જદયુએ ક્યારે એને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો નહતો. 

ભાગવતના ભાષણમાં ભાજપ અને સંધ વચ્ચેની દૂરી દેખાઇ

આમ તો જો કે સરકાર અને સંઘ પરિવાર વચ્ચે સારા સબંધો હોય છે જ. પરંતુ દશેરાના દિવસના સંઘના વડા ભગવતના લેકચરમાં જે વાતો જોવા મળી હતી તેના પરથી જાણકારો એવું માનવા લાગ્યા છે કે  સંઘ અને સરકાર વચ્ચે પહેલાં જેવી 'દોસ્તી' રહી નથી.કેટલાક મુદ્દાઓ પર સંઘ અને સરકાર વચ્ચે ભારે મતભેદ પ્રવર્તે છે.વિજયાદશમીના દિવસે તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતોને દલાલો અને કોર્પોરેટ વચ્ચે ફસાવવા ના જોઇએ.સરકારે  ખેડૂતોને વધુ સુરક્ષા પુરી પાડવી જોઇએ.આમ તેમની વાત સરકાર માટે ચેતવણી સમાન ગણાય છે. તેમણે ટેકનિકલ જાણકારીની વહંચણી માટે વિદેશી સહકારને આવકારી હતી અને આંતરરાષ્ટ્રીય સહકારના મહત્ત્વને સમજ્યું હતું. ભાગવતે ઉત્પાદન, કામદારોના અધિકારી, આર્થિક બાબતો અને તમામ ઉત્પાદન રાષટ્રીય નિયંત્રણ હેઠળ હોવાની વાત પર ભાર મૂકર્યો હતો. આ ઉપરાંત ચીને પચાવી પાડેલી ભારતની જમીન અંગેના તેમના વિધાનો પણ આશ્ચર્યજનક હતા.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો