નામ તેનો નાશ છે અને નાક તેને નાસ છે
લોકડાઉનની મહારાષ્ટ્રમાં 'લોક-શાહી'મો ગોંધાઇ રહ્યાં પછી અન-લોકશાહીમાં જરા પણ છૂટો કરવા માટે ઘરની બહાર નીકળ્યો. શેરીના નાકે આવેલા પથુકાકાના ઘરના ઓટલા ઉપર માસ્ક પહેરીને (હો) બાળાકાકી બેઠા હતા નજીક ગયો અને જોયું તો સફેદ રંગના માસ્ક ઉપર લાલ રંગે લખેલું હતું. આયુર્વેદિક પાની-પુરી શોપ નંબર-૪ મે પૂછયું ' કાકી આ વળી શું નવુ નાટક છે?' કાકીએ જરાક માસ્ક હટાવી જવાબ આપ્યો કે 'લોકડાઉનમાં સાત મહિના આપણાં આ રામખીલાવન પાણીપુરીવાળાનો ધંધો બંધ થઇ ગયો હતો. હવે લોક ખુલતા એનો સ્ટોલ પણ ખુલી ગયો છે. એ ભૈયાજીએ કહ્યું તમે અને કાકા રોજ ઘરના ઓટલે બેસો છોને? તો હવે આ મારી દુકાનની પબ્લિસિટી થાય માટે આ આયુર્વેદિક પાનીપુરી શોપ નંબર-૪ લખેલા માસ્ક પહેરીને બેસજો. અજાણ્યાને પણ માસ્કનું લખાણ વાંચીને ખબર તો પડે કે પાણીપુરી કયાં મળે છે?'
મે સવાલ કર્યો કે 'તમે સાવ મફતમાં આયુર્વેદિક પાણીપુરીની પબ્લિસિટી કરો છો?' ત્યારે કાકીએ માથું ધૂણાવી ના પાડતા કહ્યુ ંકે મફતમાં થોડી જ જાહેરાત કરાય ? રોજ રાત્રે દુકાન વધાવતા પહેલાં ભૈંયાજી મને અને તારા કાકાને બે-બે પ્લેટ પાણીપુરી અને ભેળ આપી જાય છે. આયુર્વેદિક પાણીપુરીમાં હરડે હિંગળાસ્ટક, સૂઠ અને કાઢો ભેળવેલું પાણી વાપરે એટલે નડે નહીં. ચટ મંગની પટ શાદી એ કહેવતને જરા ફેરવીને કહી શકાય કે પટ ખાના ઔર ઝટ જાના પેટ-સુખ પાના.....
મેં કહ્યું કાકી આ કોરોનાકાળમાં લોકોને આયુર્વેદિક ઔષધીઓ એવી ફાવી ગઇ છેને કે હવે એલોપથીની દવાઓ ભૂલીને બધા આયુર્વેદિક ઉપચાર તરફ વળ્યા છે. આ પાણીપુરીવાળાએ પણ કેવું ભેજુ દોડાવ્યું ? આયુર્વેદિક પાણી-પુરી વાહ પેટને નડે નહીં તે ક-નડે નહીં. બસ ખાના ઔર જાના, ખાનાથી નીકળે ખરાબી એ ગજબ કહેવાય ખાના-ખરાબી કાકી કહે ' એટલે જ લોકડાઉનમાં ઘરની દલાલીનો ધંધો ગુમાવ્યા પછી તારા કાકા આસપાસમાં કયાંક સાર્વજનિક શૌચાલય કોન્ટ્રેકટ પર ચલાવવા મળે તો લેવા માગે છે. આયુર્વેદિક ે પાણીપુરી ખાધા પછી પેલુ ગીત યાદ જ ન કરવું પડે : જાયે તો જાયે કહાં સમજે ગા કૌન યહાં ....'
મેં પૂછયું 'આજે તમારી સાથે કાકા કેમ નથી બેઠા?' કાકી છણકો કરીને કહે કે 'આ મહામારીની જ બધી પંચાત છેને ? ભલભલા પતિને નાસપતિ બનાવી દીધા છે.' મે પૂછયું કે 'કોઇ પતિ સફળ હોય કોઇ૨ નિષ્ફળ હોય પણ તમે તમારા પતિને ફલ કેમ બનાવી દીધા ? પથુકાકાનો બીચ્ચારાને નાસપતિ કેમ કહો છો?' (હો) બાળાકાકી બોલ્યા 'તું અંદર જઇને નજરોનજર જોઇ લે નાસ-પતિને એટલે ખાતરી થશે.'
હું અંદર ગયો તો જૂના વખતની આગગાડીને વરાળના એન્જિન ખેંચતા એવો ભક-છૂક...... ભક-છૂક...... ભક - છૂક..... અવાજ કાને પડયો. ઝાંખા અજવાળામાં જોયું તો પથુકાકા ચાદરથી ધુમટો તાણીને નાસ લેતા હતા. બસ આ દ્રશ્યે જોઇને સમજાયું કે કાકીએ તેમના પતિને નાસપતિ કેમ કહયાં ? ખખડાટ સાંભળી કાકાએ ચાદર હટાવી પરસેવે રેબઝેબ ચહેરાને લૂછીને કહ્યું કે ઓલા કથાકાર અપલખણાનંદ બાપુ કાયમ કહેતા હોય છેને કે જીવન તો નાશવંત છે, પણ આ કોરોનાએ બધાતું જીવન 'નાસ-વંત' બનાવી નાખ્યું છે.
મેં કહ્યુું 'કાકા વાયરસથી બચવા વરાળ લેવી પડે....... નાસ લેવો પડે એમાં શુંકામ ધૂંધવાઇ જાવ છો ?' કાકા તાડૂકયા કે 'આ તારી (હો) બાળાકાકીને તું ઓળખે છેને ? આખો શ્રાવણ મહિનો ફરાળ પીરસવાને બદલે મને ધરાર વરાળ લેવા મજબૂર કર્યો. અત્યારે સવારે નાસ્તો માગું ત્યારે રાડ પાડીને કહે છે કે નાસતો લ્યો..... આ વખતે નવરાત્રીની પણ શું વાત કરૂં તને? રાસની બોલી નહીં રમઝટ ને ભલભલા થઇ ગયા નાસથી ગ-રમ ઝટ. એટલે જ કહું છુંને જેની પત્ની તેના પતિને દમ મારે આ દમ-પતિ, સમ આપી આપી પોતાનુ ધાર્યું કામ પતિ પાસેથી કરાવે એ સમ-પતિ અને મારી જેવાં પતિને સતત નાસ લેવડાવી ડૂચો કાઢી નાખે એને કહેવાય નાસ-પતિ.'
મારો અવાજ સાંભળી કાકી અંદરથી દિવાનખંડમાં આવ્યા અને બોલ્યા સવારના પહોરમાં તું આવ્યો તો ભલે આવ્યો પણ ગરમ નાસ્તો-પાણી લીધા વગર જવાનું નથી. એટલું બોલી કાકી રસોડા તરફ ગયા, અને મને આશા બંધાણી કે હાશા ઘણાં વખતે ગરમ ઉપમા કે બટેટાપૌઆ જેવું કંઇ નાસ્તામાં ખાવા મળશે. મનોમન ખયાલી પુલાવ પકાવતો હતો ત્યાં તો કાકી વેપરાઇઝર મશીન લઇને આવ્યા અને બોલ્યા 'આ લે ગરમ નાસ્તો - પાણી.' મેં કહ્યું 'તમે ગરમ નાસ્તો-પાણીનો આગ્રહ કર્યો. અને હવે આ વરાળયંત્ર કેમ લઇ આવ્યા?' કાકી નકટાઇથી હસીને કહે કે 'જો ભાઇ પાણી ગરમ થાય પછી જ નાસ લેવાયને? આને જ કહેવાય ગરમ નાસ-તો - પાણી.'
પથુકાકા વચ્ચે ડબકું મૂકતા બોલ્યા સાસનો પ્રાસ નાસ સાથે મળે બરાબર? પણ થોડા વર્ષો પહેલાં બનેલી એક ઘટના આજેય મને યાદ છે જેમાં સાંસથી૨ નાસ લેવાને બદલે એક જમાઇ રાજા 'સાસ' એટલે કે સાસુને લઇને નાસી ગયો ત્યારે ગામમાં ભારે હોબાળો મચ્યો હતો અને આખો કિસ્સો છાપે ચડયો હતો યાદ છે? એટલે સાસથી નાસ લેવાય પણ 'સાસ' સાથે નાસ-વાનો પ્રયાસન થવો જોઇએ સાચું કે નહીં?
કાકી છણકો કરીને બોલ્યા કે તારા કાકાને આવાંને આવાં કિસ્સા યાદ રહેશે, પણ જેમાંથી પ્રેરણા લઇ શકાય એવી કોઇ વાત યાદ નહીં રહે. જમાઇ રાજા સાસુના પ્રેમમાં પડી નાસી ગયો એમાં વળી શું બહાદુરી કરી? સાસ ભી 'અભી' બહુ થી એવી કોઇ સિરિયલ બનાવશે ?
મેં કહ્યું 'કાકીની વાત સાચી છે હો ? જે જમાઇ સાસુને ભગાડે ઇ ત્રણના જીવન બગાડે. બાકી જૂના વખતમાં લાજ કાઢવાનો રિવાજ હતો બરાબરને ? કાળક્રમે લાજ કાઢવાનો રિવાજ ભૂલોતો ગયો. પણ જેવો આ કાળમુખો કોરોના આવ્યો એટલે એટલે સ્ત્રીઓ જ નહીં મરદો પણ લાજ કાઢી કાઢીને નાસ લેવા માંડયા એ વિધિની કેવી વક્રતા કહેવાય?' બચાવ કરતા પથુકાકા બોલ્યા 'ઇલાજ ખાતર ઇ-લાજ કાઢવામાં વાંધો નહી.'
કાકી કહે 'આ તારા કાકા પણ જો પહેલાં કેવાં પૂજા-પાઠ કરતા? હવે લોકડાઉન પછી નાસ્તિક થઇ ગયા છે નાસ્તિક.' મારા કાન ચમકયા એટલે સવાલે કર્યો કે કાકા નાસ્તિક થઇ ગયા એવુું કેમ કહો છો ? ત્યારે (હો) બાળાકાકી બોલ્યા કે તારા કાકા આખો દિવસ નાસ લઇ લઇને જ ઠીક થયાને? એટલે હું કહું છું કે તારા કાકા 'નાસ-ઠીક' થઇ ગયા, બરાબર સાંભળ તો ખરો ?
ઘરમાંને ઘરમાં નાસ લેતા અને ઓનલાઇન ઉજવણીમાં જોડાઇ રાસ લેતા લેતા કયારે દશેરાનો દિવસ આવી ગયો એ ખબર જ ન પડી. નવમાં નોરતાની રાત્રે કાકીએ વળી મને આમંત્રણ આપ્યું કે 'દશેરાની સવારે ગરમાગરમ જલેબી -ફાફડાનો નાસ્તો કરવા આવી જ્જે ભૂલતો નહીં.' હું તો દશેરાની સવારે ગરમાગરમ જલેબી ફાફડાનો નાસ્તો કરવા મળશે એવાં સ્વાદિષ્ટ સપના જોતો જોતો સૂઇ ગયો.
સવારે ઉઠીને તરત બ્રશ કરી સીધો જ કાકાના ઘરે પહોંચી ગયો અને તડકામાં છાપું વાંચતા કાકાની બાજુમાં બેસી ગયો. ઘણી વાર બેઠો છતાં ગરમાગરમ ફાફડા-જલેબીનો નાસ્તો ન આવ્યો એટલે મેં રસોડમાં ચા બનાવતા કાકીને બૂમ પાડી કે 'હવે ફાફડા-જલેબીનો ગરમાગરમ નાસ્તો કયારે આવે છે?' તરત કાકી માત્ર ચા લઇને આવ્યા પછી મારૂં અને કાકાનું નાક ખેંચી બોલ્યા 'જુઓ નાસ લઇ લઇને બેઉના નાક ફાફડા જેવાં થઇ ગયા છે, અને ગરમાગરમ વરાળ નાકમાં જાય એટલે જલે-બી (બળે પણ ખરૂં) બસ આને જ કહેવાય ગરમાગરમ ફાફડા અને જલે-બીનો નાસ-તો......... હા...... હા...... હા..........'
પથુકાકા કહે કે 'આ વખતે તો નોરતામાં પણ ઘરમાંને ઘરમાં રાસ અને નાસનો ખેલ જોવા મળ્યોને? ઠીક છે ભાઇ, નામ તેનો નાશ છે અને નાક તેને નાસ છે બરાબરનો ?'
મેં કહ્યું 'કાકા આ ચીને તો બધા તહેવારોની ઉજવણીના ઊમંગ ઉપર પાણી ફેરવી દીધું. આખી દુનિયાને માસ્ક પહેરતી અને નાસ લેતી કરી દીધી.' પથુકાકા બોલ્યા 'મને મનમાં વિચાર સળવળ્યો કે આખી દુનિયા નાસ લે છે તો જયાંથી વાયરસ ફેલાયા એ ચીનના ચીનાઓ નાસ લેતા હશે કે નહીં.' મેં કહ્યું 'તમે જ હમણાં કહ્યુને કે નાક તેને નાસ છે....... બરાબર ? તો ચીબા ચીનાઓને કયાં નાક છે ? આખી દુનિયા ચીનનું નાક કાપે છે છતાં કયાં ચીનને નાક છે ?' આ સાંભળી પથુકાકા બોલ્યા કે 'ચીનનું વારંવાર કપાતુ નાક છતાં એ૨ ખતર-નાક છે. એટલે જ હું કાયમ કહુ છું કે બેથી કાયમ ચેતના રહેવુ, એક તો ના-પાક પાકથી અને ચીનના ચીબા નાકથી.'
*****
અંત -વાણી
નામ તેનો નાશ છે
નાસ લે તેને હાશ છે.
** **
સાવધ રહેજો
ગળુ ભીંસતી નેક-ટાઇથી
અને દેશને ભીંસમાં લેતી
ચીબા ચીનાની નક-ટાઇથી.
** **
સદભાગી ઉજવે નોરતા
કમભાગી રહે ઘોરતા.
**
નવરાત્રીમાં શરણાયુંને ઢોલ
પછી બધે પોલંપોલ
ઢોલની વચમાં પોલ
પોલ (ચૂંટણી)માં ચાલે પોલંપોલ.
Comments
Post a Comment