સારા અનુવાદકોની કારમી અછત


તાજેતરમાં એક મિત્રે એવી માહિતી આપી કે તેમણે ઉમાશંકર જોશીનાં કેટલાક પસંદ કરેલાં કાવ્યોના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. મને થયું કે એ અનુવાદો વહેલામાં વહેલી તકે પ્રગટ થવા જોઈએ. ઉમાશંકર તો નિમિત્ત છે. મારી અપેક્ષા તો એ છે કે આપણા બધા જ સારા કવિઓનાં કાવ્યો આપણે અંગ્રેજીમાં મુકી આપીએ.

માતૃભાષા અને રાષ્ટ્રભાષાનું ગૌરવ કરનારા મારા જેવા માણસને અંગ્રેજી અનુવાદોનું ભૂત કયાંથી વળગ્યું? એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતમાં અંગ્રેજી ભણાવતા એક પ્રાધ્યાપક સાથે આવા અનુવાદો વિશે ચર્ચા થતી હતી મેં જરા ઉગ્રતાથી પુછયું કે આ અનુવાદો કોને માટે કરવા છે? એમણે બહુ જ શાંતિથી પણ ઊંડી સમજદારી પૂર્વક જવાબ આપ્યો કે એ અનુવાદો ભારતની બધી ભાષાઓનાં વાચકો માટે કરવાની જરૂર છે.

એમની વાત મને સાચી લાગી ભારતમાં થતાં અંગ્રેજી મૌલિક લખાણો વિશે ભારતીય ભાષાઓમાંથી થતાં અંગ્રેજી અનુવાદો માટે હંમેશાં એક ટીકા થતી આવી છે એમ કહેવાય છે કે, આ બધાં લખાણો વિદેશી વાચકોને તો એને સૂંઘતા પણ નથી. આ ટીકામાં થોડું ઘણું સત્ય પણ હશે.

કવિઓ લેખકોને પોતાનાં લખાણો બ્રિટિશ અમેરિકન વાચકો સુધી પહોંચાડવાનો મોહ હશે પણ ખરો. પણ મહત્વ એ વાતનું નથી. મહત્વની વાત એ છે કે વિદેશી વાચકોને આ અનુવાદોની જરૂર હોય કે ન હોય પણ ભારતના જ વાચકોને એની જરૂર છે. 

એક મોટો સવાલ એ છે કે આ કામ કરનારા અનુવાદકો કયાંથી લાવવા? આપણે ગુજરાતીનો દાખલો લઈએ, તો નવલકથાઓ નવલિકાઓના અનુવાદ કરનારા શોધતાં જ એક અનુવાદ સંસ્થાને એટલી મુશ્કેલી પડે છે કે એ જ કારણે તેનું અંગ્રેજી અનુવાદો શોધતાં જો મુશ્કેલી પડતી હોય, તો કાવ્યોના અનુવાદકો મેળવવામાં તો ઘણી વધુ મુશ્કેલી પડે.

કાવ્યાનુવાદની સગવડ અગવડ વિચારાતી હતી. ત્યાં એક સૂચન વાંચવામાં આવ્યું જે લોકો અંગ્રેજીમાં કવિતા લખતાં હોય તેમણે પોતાના એ કામની સાથોસાથ પોતાની ભાષાનાં કાવ્યોના અંગ્રેજી અનુવાદો પણ કરવા જોઈએ.

આમાં કોઈ ખાસ નવી વાત નથી. છતાં અંગ્રેજીમાં કવિતા લખતાં ભારતીય કવિઓને એ કહેવાની ખાસ જરૂર હતી. ઘણી ભાષાઓના મોટા કવિઓ અંગ્રેજી કે સંસ્કૃતમાંથી પોતાની ભાષામાં અનુવાદો કરતા આવ્યા છે. એવી રીતે અંગ્રેજીમાં કવિતા લખતા કવિઓએ પોતાની ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદો કરવા જોઈએ. આ કવિઓ અંગ્રેજીમાં કવિતા કેમ લખે છે, પોતાની ભાષામાં કેમ લખતા નથી?

ગુજરાતીઓમાં અંગ્રેજીમાં સર્જનાત્મક લેખન કરનારા બહુ માણસો જોવામાં આવતા નથી પેલા મિત્રની જેમ સરસ કાવ્યોના અંગ્રેજી અનુવાદ કરવાની હોંશ ધરાવનારા માણસો અવશ્ય હશે, પણ આજે અંગ્રેજીમાં સ્વતંત્ર કાવ્યલેખન કરનારા જે ડઝનબંધ ભારતીય કવિઓ છે.

તેમાં ગુજરાતીઓનું પ્રમાણ અતિ અલ્પ લગભગ શૂન્યવત્ છે. એટલે એ પ૩કારનાં અનુવાદો ઝટ મળવાના નહીં, અત્યાર સુધીમાં સર્જનાત્મક ગદ્ય પદ્યના જે અનુવાદકો જોવામાં આવ્યા છે, તે જૂના જમાનાની ઢબે અંગ્રેજી ભણેલા, મોટી વયના માણસો છે. અંગ્રેજી માધ્યમથી ભણેલા નવા નાગરિકોમાં સર્જકો અનુવાદકો હજી સાંપડયા નથી.

પણ સાંપડશે એવી આશા રાખવાનું કારણ તો છે જ અત્યારે એમ મનાય છે કે, અંગ્રેજી માધ્યમમાં બાળકોને સારા શિક્ષણ માટે નહીં પણ નોકરી માટે અને દેખાદેખીથી મોકલવામાં આવે છે. આ વાત સાચી હોય તો પણ પરિસ્થિતિનું થોડું ઘણું સારું પરિણામ પણ આવ્યા વિના રહેવાનું નહીં. એમ તો અંગ્રેજી શિક્ષણપ્રથા નોકરિયાતો તૈયાર કરવા શરૂ કરવામાં આવી હતી. એમ કહેવાય છે.

એ શિક્ષણ લેવા જનારાઓમાં પણ ઘણી મોટ ીસંખ્યાના લોકો નોકરીની આશાએ જ જતા હશે. અને છતાં સમગ્ર આધુનિક ગુજરાતી સાહિત્ય એ લોકોની સાહિત્ય પ્રવૃત્તિની જ નીપજ છે. નર્મદથી માંડી આજ સુધીનાં અંગ્રેજી ભણેલાઓએ ગુજરાતી સાહિત્યના તમામ પક્ષકારોને સમૃધ્ધ કર્યા છે. એટલે અંગ્રેજી માધ્યમનાં અનેક નુકસાનોની સામે આપણને અંગ્રેજીમાં સર્જન - અનુવાદ કરનારા પણ પ્રાપ્ત થાય. એવો સંભવ તરછોડી કાઢવા જોવો નથી.

અનુવાદોની વાત નીકળે ત્યારે અન્ય ભારતીય ભાષાઓમાંથી આપણી પોતાની ભાષામાં અને કડીયાભાષા હિન્દીમાં અનુવાદો કરવાની વાત હંમેશાં આગળ ધરાય છે. આ બંને ભાષાઓ પોતાનો અધિકાર તદ્ન વાજબી રીતે આગળ ધરી શકે છે. આદર્શ પણ એ જ એવો હોવો જોઈએ કે ભારતીય ભાષાઓની કૃતિઓ બીજી બધી ભારતીય ભાષાઓમાં અને સૌથી વધુ તો હિન્દીમાં મળે.

ગુજરાતીમાં નહીં આવેલી કન્નડ કૃતિ હિંદીમાં મળે તે પણ આપણે માટે અનુકૂળ બની રહે, પણ વ્યવહારમાં કંઈક જુદું જોવા મળે છે. હિન્દીને કડીભાષા કહીએ છીએ તો પણ ઝાંઝું વાંચનારા અને પુસ્તકો ખરીદનારા ઘણા બધા લોકોની કડી ભાષા અંગ્રેજી જ છે. 

આસામમાં કે મેઘાલયમાં અથવા તામિલનાડુ કે કેરળમાં ગયેલો ગુજરાતી હજી આજ સુધી તો હિન્દીથી નહી પણ અંગ્રેજીની કામ ચલાવે છે. ભારતનો જે ભણેલ ગણેલ અને સરકારી નોકરીઓમાં કે વેપાર ઉદ્યોગમાં કામ કરતો વર્ગ છે તેની કડીભાષા અંગ્રેજી છે. એવી રીતે યુનિવર્સિટીઓના અધ્યાપકોની કડી ભાષા પણ અંગ્રેજી છે. અને હવે અંગ્રેજી પ્રકાશકોએ અનુવાદોમાં વધુ રસ બતાવવા માંડયો છે. એટલે આજના સંજોગો એવા છે કે ભારતની ભાષાઓમાંથી અંગ્રેજીમાં અનુવાદો પ્રગટ કરવાની શક્યતા વધતી જાય છે.

આ અનુવાદો વાંચનારા અને ખરીદનારાનું બજાર પણ અંગ્રેજીમાં વધુ મોટું દેખાય છે. અંગ્રેજીને પારકી, પરદેશી, સામ્રાજયવાદીઓની ભાષા ગણાવીને તેની આભડછેટ રાખવાની વાત કદી પણ ચાલી પણ નથી અને ચાલે તેવો સંભવ પણ નથી. કોઈ પણ એક ભાષા એક દેશની પોતાની ભાષા કેટલા વર્ષે બને? સો વર્ષે પણ નહિં?

અસલ મુદથી આપણે થોડા દૂર ખસી ગયા. મુદે અનુવાદો અને અનુવાદકોનો હતો. મારી દૃષ્ટિએ આદર્શ પરિસ્થિતિ એવી હોય કે ભારતની બધી ભાષાઓમાંથી કેલીક ઉત્કૃષ્ટ કૃતિઓ મને ગુજરાતી અનુવાદમાં જ વાંચવા મળે. તે પછી વધારે મોટી સંખ્યાની કૃતિઓ બને તેટલી વધી કૃતિઓ, હિન્દીમાં મળે.

 સાહિત્ય અકાદમી અને નેશનલ બુકટ્રસ્ટ જેવી સંસ્થાઓ એ કામ કરે પણ છે. પણ કામ ેટલું મોટું છે કે સરકારી સંસ્થાઓ તેને પહોંચી વળે નહિ. ખાનગી ક્ષેત્રના પ્રકાશકો તેમાં પડે નહિં. તો કામ સંતોષકારક વેગથી ચાલે નહિ જયાં સુધી હિન્દી આવા કામ માટે સાર્વત્રિક સ્વીકાર ન પામે, એટલે કે પ્રકાશકો અને વાંચકો બંને તેનો સ્વીકાર ન કરે. ત્યાં સુધી તેની અવેજીમાં અંગ્રેજી ચાલે એમ કહેવાય ખરું? એવા વલણને કદાચ બે બાજુથી માર પડશે. અંગ્રેજીના તરફદારો અંગ્રેજી અનુવાદો પોતાના હકથી ઉભા રહેશે, એમ કહેશે એ અનુવાદોને દેશની બહાર પણ બજાર મળવાની સંભાવનાને આગળ ધરશે.

બીજી બાજુ  હિન્દી પ્રેમીઓ એવી દલીલ પણ અવશ્ય કરી શકે કે આજ સુધી તો હિન્દીનું સ્થાન પચાવી પાડીને અંગ્રેજીએ દેશને નુકસાન કર્યું જ છે. અને અનુવાદોનું કામ આગળ ધપાવવા માટે અલ્પ સમય માટે પણ તેનો આશરો લેવા જઈશું, તો એ ત્યાંથી કદી ખસશે જ નહિં. બંને પક્ષની દલીલમાં વજૂદ છે. ચર્ચા ફકત સૈધ્ધાંતિક કે વિચારણા પુરતી જ મર્યાદિત હોય તો કદાચ આ કે તે નિર્ણય ઉપર આવ્યાનો સંતોષ લેવાનું બને પ ણ આખીય વાત વ્યવહારની છે. આપણે અમુક સ્થિતિ ઈચ્છીએ તેથી એ સ્થિતિ આવી જતી નથી.

આખરે આ પ્રજાના અને તેય દેશના સૌથી વધુ ભણેલા ગણેલા વર્ગના, માનસ પલટાનો સવાલ છે, અંગ્રેજી હટાવવાની વાત તો શક્ય પણ નથી અને સારી પણ નથી. સાચી વાત હિન્દીની સ્થાપના કરવાની છે. પ્રયત્ન એ માટે કરવાનો છે. ગમે તે કારણે પણ હિન્દી અંગ્રેજીનું સ્થાન લઈ શકી નથી. એમાં વાંક સરકારોની નીતિનો પણ હશે. હિન્દી ભાષાને અમુક જ પ્રકારનું સ્વરૂપ આપવાના આગ્રહીઓના પણ હશે.

હિન્દીને ભણેલગણેલ લોકોના વ્યવહારની ભાષા કે, બનાવી, તે વિશેની કલ્પનાશૂન્યતાનો અથવા ખોટી કલ્પનાનો હશે કે બીજી કોઈ ચીજનો હશે. અત્યારે તો અંગ્રેજી અને હિન્દી બંનેની કામગીરી આગળ વધારવી એ જ રસ્તો છે. હિન્દીની જવાબદારી વધુ મોટી છે. કારણ કે તે જ આ દેશની કડી ભાષા વ્યવહારમાં પણ બની રહે એમ કરવાનું હજી ઊભું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો