તુર્કીમાં 7નો પ્રચંડ ભૂકંપ : 18નાં મોત, 450 ઘાયલ


પચાસ લાખ લોકો અસરગ્રસ્ત, 35 મેડિકલ રેસ્ક્યુ ટીમે કામગીરી શરૂ કરી 

ભૂકંપની સાથે દરિયા કાંઠે સુનામીની લહેર, અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં

અંકારા, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર

તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. 18 લોકોનાં મોત થયા હતા અને 450થી વધુ  લોકો ઘાયલ થયા હતા. ભૂકંપનું એપી સેન્ટર એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર અંદર દર્જ થયું હતું. તુર્કી ઉપરાંત ગ્રીસમાં પણ ભૂકંપની અસર થઈ હતી. લાખો લોકો આ ભૂકંપથી પ્રભાવિત થયા હતા.

તુર્કી અને ગ્રીકના ટાપુમાં ભૂકંપ ત્રાટક્યો હતો. તુર્કીના ઈઝમિર શહેરમાં 20 જેટલી ઈમારતો ધરાશાયી થઈ હતી. તુરંત બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. સરકારે 38 એમ્બ્યુલન્સ, બે એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર્સ અને 35 મેડિકલ રેસ્ક્યૂ ટીમને તૈયાર કરીને બચાવ કામગીરી શરૂ કરાવી હતી. ઈઝમિર શહેરમાં લગભગ 100 જેટલાં લોકોને કાટમાળમાંથી બચાવી લેવાયા હતા. ઈઝમિરમાં અસંખ્ય ઈમારતોને નુકસાન થયું છે.

એજિયન સમુદ્રના પેટાળમાં શક્તિશાળી ધરતીકંપ ત્રાટક્યો હોવાથી સુનામીની પણ અસર થઈ હતી. તુર્કી ઉપરાંત ગ્રીસના સામોસ ટાપુમાં સુનામી ત્રાટક્યાનો દાવો થયો હતો. ભૂકંપ અને સુનામીથી લગભગ પચાસ લાખ લોકો પ્રભાવિત થયા છે. ઈઝમિર શહેરમાં પાણી ભરાયું હોવાનો દાવો પણ સોશિયલ મીડિયામાં થયો હતો. ઘણાં લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરીને ભૂકંપની ભયાનકતાનો ચિતાર આપ્યો હતો.

ગ્રીસ સરકારે સામોસ ટાપુમાં રહેતા 50 હજાર લોકોને દરિયાથી સલામત અંતરે રહેવાની તાકીદ કરી હતી. ભૂકંપનું એપી સેન્ટર ગ્રીસના આ ટાપુથી ઘણું નજીક હોવાથી સુનામી ઉપરાંત ભૂકંપની શક્યતા છે. અમેરિકન જિયોલોજિકલ એજન્સીના કહેવા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર ગ્રીસના નોન કાર્લોવસિયન શહેરની ઉત્તર-પૂર્વમાં 14 કિલોમીટર દૂર હતું.

સૌથી નજીક આવેલા આ ભૂભાગમાં સૌથી વધારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નિષ્ણાતોના મતે તુર્કી અને ગ્રીસ જમીનની અંદર આવેલી એવી પ્લેટની બરાબર ઉપર આવેલું છે, જ્યાં ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય છે. આ વિસ્તારમાં છેલ્લાં દશકામાં ભયાનક અને શક્તિશાળી ભૂકંપ ત્રાટકી ચૂક્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે