સંરક્ષણમાં ઝાઝા હાથ રળિયામણા

- ભારત-પાકિસ્તાન-અમેરિકા-ઓસ્ટ્રેલિયાની ચોકડી આપણને ચારે બાજુથી ઘેરવાના મનસુબા પર ચોકડી મારે છે


ચેમ્બર્સ ઑફ પ્રીન્સીઝને લોર્ડ માઉન્ટબેટન દ્વારા કરવામાં આવેલું સંબોધન ભારતનું ભવિષ્ય ઘડનારું હતું. તેમણે રજવાડાઓને પરોક્ષ ચેતવણી આપેલી, બે ડોમિનિયન વચ્ચે તમારું રાજ્ય સલામત નહીં રહે. માઉન્ટબેટનના એ શબ્દો અસલમાં આધુનિક વિશ્વની રાજનીતિ સમજાવી રહ્યા હતા. આધુનિક નીતિ કહે છે કે જે કોઈ જૂથમાં નથી તેની કોઈ ગણના થતી નથી. બિનજોડાણવાદી દેશોનું શું ઊપજ્યું? બેય હાથમાં લાડવાને બદલે બેય બાજુથી લાડવા જેવી થપાટું ખાધી કે બીજું કંઈ?

માઉન્ટબેટનની ચેતવણીને પગલે રજવાડા ઝપાટાભેર ભારત સાથે જોડાઈ ગયા. રાજા હરિસિંહ અવઢવમાં રહ્યા તે આજે પણ કાશ્મીરને અશાંતિ રૂપે કનડી રહી છે. જો રજવાડા ભારતમાં જોડાયા ન હોત તો આજે ભારતીય ઉપખંડ વિશ્વના સૌથી અશાંત ભૂભાગોમાંનો એક હોત.

જેમ જંગલમાં સલામત રહેવા માટે માણસો સમૂહમાં રહેતા તેમ જગત નામના જંગલમાં ગુ્રપમાં રહેવું બહુ જરૂરી છે. વિશ્વ રાજનીતિમાં પણ એક અને એકનો સરવાળો ૧૧ થાય છે. આથી ભારત અને અમેરિકાની બેકા સમજૂતિ લેખે છે. બહારી કલેવર ભલે બદલાયા કરે, અંદરનું સત્ય અફર છે, શાશ્વત છે, એક જ છે. તે એ છે કે ગુ્રપમાં રહો, સલામત રહો. પહેલા અને બીજા વિશ્વયુદ્ધે સાબિત કરી દીધું છે કે હવે કોઈ દેશના એકલા રહેવામાં માલ નથી. એકલા ચાલો રે... કવિતા તરીકે બરોબર છે, પણ રાજનીતિનો ભાગ ન બની શકે. કૂટનીતિનો તો ક્યારેય નહીં.

ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણને લઈને અત્યાર સુધીમાં ચાર સમજૂતિ થઈ છે. બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (બેકા) તેમાંનો એક. સૌથી પહેલી સમજૂતિ ૨૦૦૨માં થયેલી, જે સૈન્ય તરફથી મળતી માહિતીની સુરક્ષા સંબંધિત હતી. 

બીજી બે સમજૂતિ અનુક્રમે ૨૦૧૬થી ૨૦૧૮માં થયેલી, જે લોજિસ્ટિક્સ અને સંચાર સંબંધિત હતી. હમણા થયેલી ચોથી સમજૂતિ જીઓપોલિટિકલ સહયોગ બાબતે છે. પ્રાદેશિક સુરક્ષાની બાબતમાં હવે અમેરિકા ભારતની પડખે ઊભું રહેશે. બંને દેશો સૈન્ય અને સંરક્ષણ મુદ્દે એકબીજા સાથે માહિતીનું આદાન-પ્રદાન કરશે. શસ્ત્રોની ખરીદી પણ થશે.

ચીન સાથેનો સીમા વિવાદ વકરી ગયો છે ત્યારે આ સમજૂતિ આપણને બહુ મદદગાર સાબિત થઈ શકે એમ છે. અમેરિકાના સેટેલાઇટ્સ થકી આપણને એવી-એવી માહિતી ઉપલબ્ધ બનશે, જે ચીનનો સામનો કરવામાં મહત્ત્વપૂર્ણ પુરવાર થશે. અમેરિકા તરફથી મળનારો સહયોગ આપણી મિસાઇલસી સિસ્ટમને મજબૂત બનાવશે. તેણે બનાવેલા પ્રીડેટર-બી સશસ્ત્ર ડ્રોન દુશ્મનોના અડ્ડા શોધી અને તેને નષ્ટ કરી દેશે.

ચીન તેની ટેવ બદલવા તૈયાર નથી. વડા પ્રધાન મોદીએ શી જિનપિંગ સાથે અત્યંત ઉષ્માપૂર્ણ વ્યવહાર કર્યો ત્યારે પણ નહીં અને જ્યારે આક્રમક વલણ અપનાવ્યું ત્યારે પણ નહીં. મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે પણ સરહદે ચીનની સખળ-ડખળ ચાલુ હતી અને જિનપિંગ કાંકરિયામાં હિંડોળે ઝૂલતા હતા ત્યારે પણ. પેલી કહેવત છેને, ડ્રેગનની પૂછડી વાંકીની વાંકી. ભારતે તેની જાસૂસી એપ્લિકેશન્સ પ્રતિબંધિત કરી દેતા તે જે રીતે સીમા પર ઘર્ષણ વધારી રહ્યું છે તે તેનો એકસ્ટ્રા લાર્જ અહંકાર દર્શાવે છે. તેનું કહેવાનું એમ થાય છે કે અમને ઝૂકીને ચાલો, જે આપણા કેસમાં સંભવ નથી. ચીનનું વલણ એવું છે કે, અમે દવાવીએ તો દબાવાનું, અમે શોષણ કરીએ તો શોષણ થવા દેવાનું.

૧૯૬૨માં આપણી પડખે અમેરિકા જેવો મોટો દેશ હોત તો જે પરાજયનો આપણે સામનો કરવો પડયો તે કરવો પડત નહીં. આજનું ભારત ૧૯૬૨નું ભારત નથી. તોય સંરક્ષણ બાબતે ઝાઝા હાથ રળિયામણા. જેટલી વધુ તૈયારી થાય, એટલું વધારે વધારે સારું. બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન અને ૧૯૫૦ પછી દક્ષિણ કોરિયા સંરક્ષણની બાબતે ૧૦૦ ટકા અમેરિકાલંબી બની ગયેલું. ભારત વિશ્વમાં ચોથા ક્રમની સૌથી મોટી સૈન્યશક્તિ હોવાથી આવો તો કોઈ પ્રશ્ન નથી, પણ અમેરિકાનો સહકાર એશિયામાં ભારત-અમેરિકા બંનેના હિતોનું રક્ષણ કરી શકે છે.

બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ શરૂ કરીને ચીન વિશ્વનું શહેનશાહ બનવા નીકળી પડયું હતું. તેની આ યોજના એટલી જટિલ અને મહત્ત્વાકાંક્ષી હતી કે ક્યારેય પાર પડી જ ન શકે.

વન બેલ્ટ એન્ડ વન રોડ(ઓબીઓર) પર અછળતી નજર નાખો ત્યાં જ તમને ચીનની લાળ ટપકતી ચીની લાલસાની દુર્ગંધ આવી જાય. પાકિસ્તાન જેવા અમુક ગરીબ રાષ્ટ્રો સિવાય કોઈએ દેશે પોતાના ગળામાં ચીનની બેલ્ટ યોજના બાંધી નથી તેનાથી શ્રીમાન શી જિનપિંગનું ફ્રસ્ટ્રેશન નવી ઊંચાઈએ પહોંચ્યું છે.

કાશ્મીરની બાબતમાં ચીન બેના ઝઘડામાં ફાવી જનારો ત્રીજો બનવા માગતું હતું. આમાં તે થોડુંક સફળ પણ થયું છે. સી-પેકના નામે તેણે પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પગ જમાવવા માંડયા છે. ભારતે તેનો શાંતિપૂર્ણ વિરોધ કરેલો, હવે અમેરિકા સાથે મળીને આક્રમક ભૂમિકા પણ ભજવવી જોઈએ. 

ચીનની ગણતરી એવી હતી કે તે જમ્મુ-કાશ્મીરમાં પણ કંઈક સખળ-ડખળ કરશે. વર્તમાન સરકારે લદ્દાખને કેન્દ્રશાસિત બનાવી તથા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવી તેના મનસુબા ઉથલાવી દીધા. આ એક ઘટના અને બીજી ઘટના ભારતમાં જાસૂસી કરતી ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકવાની. ત્રીજી ઘટના જે આ બંને ઘટનાની પહેલા બનેલી તે દોકલામ સરહદે ચીનને પાછું ધકેલવાની. ભારતે સતત આક્રમક જવાબ આપતા તે ભારતના વિસ્તારમાં ઘૂસી ગયું છે અને સરહદ પર સતત સૈન્ય વધારતું જાય છે.

ચીન જ્યારે સરહદ પર સૈનિકોની સંખ્યા વધારે છે ત્યારે બીજી બાજુ પાકિસ્તાન પણ સીમાપાર ગોળીબાર વધારી દે છે. આના પરથી સમજાય છે કે બંને દેશ આપણને મળીને દબાવવા માગે છે. ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની ચોકડી ચીન-પાકિસ્તાનના આ મનસુબા પર પણ ચોકડી મારી દે છે.

નેપાળ, પાકિસ્તાન, માલદીવ, શ્રીલંકા બધા દેશોમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારીને ચીન ભારતને ચારે બાજુથી ઘેરી રહ્યું છે એવા સમયમાં ક્વોડ સક્રિય બનતા આપણું ત્રાજવું પણ થોડું સંતુલિત થયું છે. ચીન આપણી સાથે યુદ્ધ છેડે તે સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સધિયારો આપણને નિશ્ચિતપણે અજય બનાવશે. 

અમેરિકામાં હાલ ચૂંટણી ચાલી રહી છે. વિદેશનીતિના કેટલાક નિષ્ણાતો શંકા સેવી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે જે ટુ પ્લસ ટુ બેઠક થઈ છે અને ડેકા સમજૂતિ થઈ છે તેનું ઊંચું મહત્ત્વ આંકવાની ઉતાવળ કરવી જોઈએ નહીં. આગામી અમેરિકી સરકાર આ સમજૂતિને માન્ય રાખશે કે કેમ તે નક્કી નથી. બીજો પક્ષ એવું પણ કહે છે કે ટ્રમ્પ આવે કે માઇક પોમ્પિયો સંરક્ષણની બાબતમાં અને ભારત સાથેના સંબંધોની બાબતમાં અમેરિકાની નીતિમાં ખાસ ફેરફાર થવાનો નથી.

આમાં એક વાત યાદ રાખવી જોઈએ. અમેરિકાના સહયોગને સોને પે સુહાગા ગણીને ચાલવું જોઈએ. તે આપણી બેઝિક નીડ બનવી જોઈએ નહીં. જો આપણે જ દરેક પ્રકારે ચીનનો સામનો કરવા અને દરેક સ્થિતિનો સામનો કરવાની તૈયારી કરીએ, સામર્થ્ય કેળવીએ તો કોઈ આપણા માટે બેય હાથમાં લાડવા છે. બેશક.

ચીન સાથેના સંબંધો ખરાબ થતા આઇટી, મેડિકલ, મશીનરી અને બીજા અનેક ક્ષેત્રે ચીજવસ્તુઓના ભાવ વધી ગયા છે. ચીન પાસેથી આપણને ઘણા બધા ક્ષેત્રોમાં ઉત્તમ ગુણવત્તાનો માલ ઓછા ભાવે મળતો હતો. ચીન સાથેના સંબંધો ખરાબ થઈ ગયા પછી તેના ભાવ ત્રણ-ચાર ગણા વધી ગયા છે. જેમ કે સોફાનું ફોમ છેલ્લા એક મહિનામાં બેથી ત્રણ ગણું મોંઘું થઈ ગયું છે. ચીન પાસેથી આપણને જે વસ્તુઓ મળતી હતી તે બીજેથી ઉત્તમ ગુણવત્તાની અને વાજબી ભાવે મળે તે સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ.

આજની નવી જોક

લીલી (છગનને) : થોડા દિવસથી સાવ મોળી દેખાય છે, ડૉક્ટરને દેખાડ.

લીલીઃ દેખાડેલું. ડૉક્ટરે કહ્યું કે, લોહીમાં શોપિંગના ટકા ઘટી ગયા છે.

છગનઃ હેં!?

જીકે જંકશન

- દર વર્ષે ૨૮મી ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય એનિમેશન ડે મનાવવામાં આવે છે. એનિમેશનની કળાને પોખવાના હેતુથી સાલ ૨૦૦૨થી આ દિવસ ઉજવવાનું શરૂ થયું છે

- તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે દિલ્હીમાં ૨ પ્લસ ૨ બેઠક યોજાઈ હતી. ટુ પ્લસ ટુ એટલે બંને દેશના વિદેશ મંત્રી તથા સંરક્ષણ મંત્રી. ભારત તરફથી રાજનાથીસિંહ તથા એસ. જયશંકર તથા અમેરિકા તરફથી સંરક્ષણ સચિવ માર્ક ટી. એસ્પર અને વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ ભાગ લીધો હતો.

- છઠ્ઠા બ્રિક્સ સંસદીય મંચમાં ભારતનું પ્રતિનિધિત્વ ઓમ બિરલાએ કર્યું હતું. લુઇસ એર્સે બોલિવિયાના રાષ્ટ્રપતિ બની ગયા છે. કેરળ લોટના ભાવ બાંધનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.

- અમેરિકાના જાણીતા લેખક રોબર્ટ ડેનિયલ મેનકેરનું તાજેતરમાં નિધન થયું હતું.  ગુજરાત હાઇકોર્ટે અદાલતના લાઇવ સ્ટ્રીમિંગ માટેની કાર્યવાહી શરૂ કરી છે. ભોપાલમાં રાણી પદ્માવતીનું સ્મારક બનાવવામાં આવશે.

- ફેસબુકની પબ્લિક પોલિસી હેડ અંખી દાસે રાજીનામું આપ્યું હતું. પોલેન્ડના બ્રોકલૉ શહેરમાં એક ચોકનું નામ હરિવંશરાય બચ્ચનના નામ પરથી રાખવામાં આવ્યું છે.

- વૈશ્વિક કલા પ્રતિયોગિતામાં અંજાર મુસ્તીન અલીને વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બૈદરાબાદ એરપોર્ટ ઇ-બોર્ડિંગની સુવિધા શરૂ કરનારું ભારતનું પહેલું એરપોર્ટ બન્યું છે.

- ભારતીય મૂળના વેવલ રામકલવાન સેશલ્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બ્રિટનમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનકને વડા પ્રધાન બનાવવામાં આવે તેવી અટકળ છે. હાલ જનતા બોરિસ જૉન્સનથી નારાજ છે અને સત્તાધારી પક્ષને ઋષિ સુનકમાં દેશનું સુકાન સંભાળવાની તમામ ક્ષમતા દેખાઈ રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો