દિલ્હીની વાત : શાહ અંતે જાહેરમાં દેખાયા પણ વાત ના કરી
નવીદિલ્હી, તા.31 ઓકટોબર 2020, શનિવાર
અમિત શાહે અંતે જાહેરમાં દેખા દીધી. શનિવારે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજ્યંતિ નિમિત્તે દિલ્હીના પટેલ ચોકમાં શાહે સરદારને પુષ્પાંજલિ અર્પણ કરી. શાહ પહોંચ્યા ત્યારે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયાહ નાયડુ પણ પહોંચતાં શાહે તેમની સાથે ઉભા રહીને ફોટો ખેંચાવ્યો પણ વાત ના કરી.
શાહે રાષ્ટ્રીય એકતા દિવસે નિમિત્તે રાષ્ટ્રીય એકતાને સમપત રહેવાના શપથ પણ લીધા. એક મિનિટ કરતાં પણ ઓછા સમયના આ શપથ બાદ શાહ કોઈની સાથે વાત કરવા રોકાયા વિના રવાના થઈ ગયા. મીડિયા સાથે વાત કરવાનું પણ તેમણે ટાળ્યું. ભાજપના બીજા કોઈ નેતા આ કાર્યક્રમમાં શાહની સાથે નહોતા આવ્યા એ પણ સૂચક છે.
પહેલાં સતત શાહની આગળપાછળ ફરતા નેતાઓમાંથી કોઈ શાહની સાથે નહોતા. શાહે એક મિનિટના શપથને બાદ કરતાં બીજી કોઈ વાત ન કરી પણ તેમણે શપથ લીધા તેમાં તેમનો જુસ્સાભર્યો રણકો ગાયબ હતો. શાહની હાજરીના કારણે શાહ હાલમાં ક્યાં છે એ સવાલનો જવાબ તો મળી ગયો પરંતુ તેમની માંદગી અંગે અને પીએમઓની ઓફિસ સાથેના ઠંડા યુદ્ધના ઘણા સવાલોના જવાબ હજુ મળ્યા નથી.
ઈન્દિરાની પુણ્યતિથિએ રાહુલ આરામમાં વ્યસ્ત
શનિવારે ઈન્દિરા ગાંધીની પુણ્યતિથી હતી. આશ્ચર્યજનક રીતે ઈન્દિરાજીની સમાધિ શક્તિસ્થલ ખાતે નહેરૂ-ગાંધી ખાનદાનમાંથી પ્રિયંકા ગાંધી સિવાય કોઈ ના ગયું. સોનિયા અને રાહુલે ટ્વિટ કરીને ઈન્દિરાજીને શ્રધ્ધાંજલિ આપી પણ શક્તિસ્થળ પર જવાનું ટાળ્યું. પ્રિયંકા વહેલી સવારે એકલાં શક્તિસ્થળ ગયાં હતાં. પતિ રોબર્ટ વાડરા કે બંને સંતાનોમાંથી કોઈ તેમની સાથે નહોતું. પ્રિયંકાની સાથે કોંગ્રેસના થોડાક નેતા ગયા હતા પણ કોઈ ટોચના નેતા શક્તિસ્થળ પર ના દેખાયા.
સોનિયાની તબિયત ખરાબ હોવાથી તેમણે જવાનું ટાળ્યું જ્યારે રાહુલ ગાધી શિમલા પાસેના પ્રિયંકાના કોટેજમાં આરામ ફરમાવી રહ્યા હોવાથી દિલ્હીમાં જ નથી તેથી ના દેખાયા. બિહારમાં ૨૮મીએ પહેલા તબક્કાનું મતદાન પત્યું કે તરત રાહુલ આરામ કરવા ઉપડી ગયા હતા.
રાહુલના વર્તનની કોંગ્રેસમાં જ ટીકા થઈ રહી છે. કોંગ્રેસીઓનું કહેવું છે કે, રાહુલે મોદી પાસેથી શીખવાની જરૂર છે. મોદી સરદાર પટેલની જન્મજ્યંતિ અચૂક ઉજવે છે જ્યારે રાહુલ ઈન્દિરાની પુણ્યતિથીએ પણ દેખાતા નથી. લોકો સુધી પોતાના વિચારો પહોંચાડવાની તક ક્યારે મળે તેની પણ રાહુલમાં સમજ નથી.
યુપીમાં પોતાના નામે ટ્રસ્ટ બનતાં મોદી યોગીથી નારાજ
ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના નામે બનાવટી ટ્રસ્ટ બનાવીને ઠગાઈનો ભાંડો ફૂટતાં નારાજ મોદીના ઈશારે પીએમઓએ યોગ આદિત્યનાથ સરકાર પાસે જવાબ માંગ્યો છે.
મોદીના નામે તેમના મતવિસ્તાર વારાણસીમાં ટ્રસ્ટ રજિસ્ટર્ડ કરીને લોકો પાસેથી નાણાં ઉઘરાવવાનો ધંધો શરૂ કરી દેવાયો છતાં યોગી સરકારને ખબર પણ ન પડી તેથી મોદી બગડયા છે. પીએમઓએ ચેરિટી કમિશ્નરની ઓફિસમાંથી કોણે આ ગોરખધંધામાં મદદ કરી હતી તેની વિગતો માંગી છે.
અજય પાંડે નામના ભેજાબાજે 'આદર્શ નરેન્દ્ર દામોદર દાસ મોદી જનકલ્યાણકારી ટ્રસ્ટ' બનાવીને યુનિવસટી બનાવવા માટે લોકો પાસેથી દાન લેવા માંડેલું. પાંડેએ કલેક્ટરને પત્ર લખીને પિંડરા વિધાનસભા મતવિસ્તારમાં યુનિવસટી માટે ૧૬૦ એકર જમીન માંગી હતી. કલેક્ટરે જવાબ ના આપતાં પીએમઓની વેબસાઈટ પર ફરિયાદ કરીને તેની નકલ બતાવીને કલેક્ટરને ધમકાવ્યો પણ હતો. ૧૦૦ જેટલા સાંસદોને પત્ર લખીને તેમની પાસેથી પણ ફંડ માંગ્યું હતું.
ભાજપ સૂત્રોના મતે, પાંડે જેવા અલેલટપ્પુને કોઈ નાણં આપે એ વાતમાં માલ નથી એ જોતાં ભાજપના કોઈ નેતા તેની પાછળ હોવાની શક્યતા છે.
તેજસ્વીએ મોદીના પહેરવેશની નકલ શરૂ કરી ?
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેજસ્વી યાદવનો પહેરવેશ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પહેલા તબક્કાના મતદાન સુધી સાદો ઝભ્ભો-લેંઘો પહેરીને પ્રચાર કરતા તેજસ્વીના રંગઢંગ છેલ્લા ત્રણેક દિવસથી બદલાયા છે.
તેજસ્વી હવે ડીઝાઈનર કુર્તા-પાયજામા પર બંડી પહેરીને નિકળે છે. બંડી પર આરજેડીના ચૂંટણી ચિહ્ન લાલટેનનો બેજ લગાવે છે. મોદી શરૂઆતનાં વરસોમાં રાખતા એ રીતે ખભા પર શાલ પણ રાખે છે તેથી તેજસ્વી મોદીની નકલ તો નથી કરી રહ્યા ને એવી ચર્ચા શરૂ થઈ છે.
મોદી સ્ટાઈલિશ લૂક-પહેરવેશ માટે જાણીતા છે અને મતદારોને આકર્ષી પણ શકે છે. બિહારમાં પહેલા તબક્કાના મતદાન પછી વાતો ચાલી છે કે, નીતિશ ચિત્રમાં છે જ નહીં ને હવે તેજસ્વી વર્સીસ મોદીની ટક્કર છે. આ વાતોના કારણે પણ તેજસ્વીએ મોદીની નકલ કરવા માંડી હોય એવી પૂરી શક્યતા છે.
ભાજપનાં સૂત્રો તેજસ્વીમાં આવેલા પરિવર્તનને સ્વીકારે છે પણ કટાક્ષ કરે છે કે, ખાલી કપડાંથી મોદી બની જવાતું હોત તો બધાં રાજ્યોમાં એક્ટર જ ગાદી પર ના બેસી જાય ?
નલ-જલ કોન્ટ્રાક્ટરોને ત્યાં દરોડાથી નીતિશ ભડક્યા
બિહારમાં નીતિશ કુમાર સરકારની નલ-જલ યોજનાના એક ડઝન જેટલા કોન્ટ્રાક્ટરોને ત્યાં શનિવારે ઈન્કમટેક્સના દરોડા પડતાં નીતિશ ભડક્યા છે. નીતિશે આ મુદ્દે મોદીને ફરિયાદ કરી પણ મોદીએ એમ કહીને હાથ અધ્ધર કરી દીધા હોવાનું કહેવાય છે કે, આ દરોડા ચૂંટણી પંચના કહેવાથી પડાયા છે.
રસપ્રદ વાત એ છે કે, નલ-જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ચિરાગ પાસવાને કર્યો હતો. પાસવાન આ મુદ્દે સતત નીતિશ પર પ્રહારો કરી રહ્યા છે ત્યારે જ કેન્દ્ર સરકારની એજન્સીએ દરોડા પાડતાં ભાજપ અને પાસવાન અંદરખાને એક હોવાની છાપ મજબૂત બની છે.
કેન્દ્ર સરકારે વાત ના સાંભળતાં જેડીયુએ બચાવ કર્યો છે કે, કોન્ટ્રાક્ટરો પર ભ્રષ્ટાચાર કરવા બદલ નહીં પણ ટેક્સ ચોરી માટે દરોડા પડયા છે તેથી આ વાતને નલ-જલ યોજનાના કોન્ટ્રાક્ટ સાથે કંઈ લેવાદેવા નથી.
આ બચાવ લૂલો ને ગળ ઉતરે તેવો નથી. બીજા કોઈ નહીં ને નીતિશની પાર્ટીની નજીકના કોન્ટ્રાક્ટરોને ત્યાં જ દરોડા કેમ પડયા એ સવાલનો જવાબ આ બચાવમાં નથી મળતો.
જાંબાઝ ઓફિસરે મોદી સરકારની ઓફર ઠુકરાવી
દિલ્હીમાં જાંબાઝ અને ગમે તેવા ગુનાનો ભેદ ઉકેલનારા પોલીસ ઓફિસર તરીકે જાણીતા રાજેન્દ્રસિંહે મોદી સરકારની એક્સટેન્શનની ઓફરને ઠુકરાવીને આશ્ચર્ય સર્જ્યું છે. રાજેન્દ્રસિંહ શુક્રવારે નિવૃત્ત થયા ત્યારે સાઉથ દિલ્હીમાં એસીપી હતા.
રાજેન્દ્રસિંહની કાર્યક્ષમતાના કારણે તેમના માટે સાઉથ દિલ્હીમાં અલગ યુનિટ જ બનાવી દેવાયું હતું. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. ગૃહ મંત્રાલયે સિંહને આ યુનિટ ચાલુ રાખીને એક્સટેન્શનની ઓફર કરેલી પણ સિંહે પરિવાર સાથે સમય વિતાવવાનું કારણ આપીને આ ઓફર ન સ્વીકારી.
રાજેન્દ્રસિંહે ઘણા ચકચારી કેસો ઉકેલ્યા હતા. દિલ્હીમાં બંટી ચોરે તરખાટ મચાવેલો ત્યારે સિંહને કેસ સોંપવો પડેલો. સિંહે કરોડોની ચોરી કરનારા બંટીને ઝડપીને ચોરીઓ બંધ કરાવી દીધી હતી. બંટી પરથી ઓયે લકી લકી ઓયે ફિલ્મ બની હતી. નિર્ભયા બળાત્કાર કેસ બન્યો ત્યારે સાઉથ દિલ્હીનાં એસીપી છાયા શર્માએ સિંહની મદદ લીધી હતી. સિંહે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઓળખીને તેમને ઝડપી લીધા હતા. ધૌલાકુઆં વિસ્તારમાં કોલ સેન્ટરની છોકરી પર ગેંગ રેપ કરનારા બળાત્કારીઓને સિંહે મેવાત જઈને ઝડપ્યા હતા.
***
દિલ્હીની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા
દિવાળી પહેલાં હજારો લોકો દિલ્હીના જાણીતા બજારોમાં ખરીદી કરવા ઉમટી પડયા હતા જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા એ પણ એવા સમયે કે જ્યારે પાટનગરમાં કોરોનાના કેસોમાં વધારો થતો જાય છે.સદરબજાર, સરોજીની માર્કેટ, લાજપતનગર અને કરોલ બાગમાં લોકો તૈયાર કપડાંથી લઇ ઘરેલુ સામાન ખરીદતા જોવા મળ્યા હતા. જો કે સરોજીની નગરના એક વેપારીએ બળાપો કાઢતા કહ્યું હતું કે આ વખતે ગ્રાહકી ઓછી છે. અમે ખુબ હતાશ થયા છીએ.તહેવારોના દિવસોમાં લોકો પોતાન પ્રિયજનો માટે ખરીદી કરતાં અમને થોડી રાહત મળી છે.સદર બજારના શાદાબ આરિફે કહ્યું હતું કે તહેવારોના દિવસો તેમજ આગામી દિવસો શિયાળાના હોવાથી લોકો તેમની જરૂરિયાત મુજબ ધાબળા અને ગરમ કપડાં ખરીદે છે. અમે તેમને કન્સેશન આપીએ છીએ, બસ એ અમારા માટે રાહત.
બિહારમાં બાંકીપુર બેઠક પર સૌની નજર
બિહારના બાંકીપુર વિધાનસભાની બેઠક પર સૌની નજર એટલા માટે ચોંટી છે કે ત્યાંથી ભાજપના યુવાન ધારાસભ્ય નિતિન નવીન સતત ત્રીજી વખત પોતાની જીત નક્કી કરવા મરણીયા પ્રયાસ કરી રહ્યા છે.પણ આ વખતે તેમની સામે કોંગ્રેસે એક વધુ યુવાન ચહેરો ઉતાર્યો છે અને તે છે શત્રુઘ્ન સિંહાનો પુત્ર લવ સિંહા. ૨૦૧૫માં નીતિને કોંગ્રેસના કુમાર આશિષને ૩૯૭૬૭ મતોથી હરાવ્યા હતા. ૨૦૧૦માં તેમણે રાજદના બિનોદ કુમારને ૬૦૮૪૦ મતોથી હાર આપી હતી. પરંતુ આ વખતે તેમનો મુકાબલો શત્રુઘ્ન સિંહાના પુત્ર સામે હોવાથી તેમને ખુબ મહેનત કરવી પડે છે.૨૦૦૯ અને ૨૦૧૪માં શત્રુઘ્ન સિંહા અહીંથી લોકસભા ચૂંટણી જીત્યા હતા. પરંતુ એ વખતે તેઓ ભાજપના ઉમેદવાર હતા. પરંતુ ત્યાર પછી મોદી અને અમીત શાહ પર સતત પ્રહાર કરતા તેમને પક્ષમાં ટિકિટ આપવામાં નહીં આવતા તેઓ કોંગ્રેસ વતી પટણામાંથી કેન્દ્રની હાલના મંત્રી રવિ શકર પ્રસાદ સામે લડયા અને હાર્યા હતા.તેઓ પ્રસાદ સામે બે લાખ ઉપરાંત મતોથી હાર્યા હતા.તેમણે મોદી-શાહને 'વન મેન શો એન્ડ ટુ મેન આર્મી' કહ્યા હતા.૨૦૧૪માં આ બિહારી બાબુ અત્યંત ખરાબ રીતે હાર્યા હતા. ત્યાર પછીથી તેમના બાળકો અંગે બહુ સાંભળવામાં આવ્યું નહતું. શોટગનનો બીજો પુત્ર કુશ અભિનય ક્ષેત્રે આવ્યો હતો, પરંતુ કંઇ ઉપજ્યું નહતું.
સચિન પાયલોટ નવા અવતારમાં
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટના દાઢી સાથેના નવા અવતારથી અનેક લોકોને આશ્ચર્ય થયું હતું. ટ્વિટર પર અનેક લોકો તેમના નવા અવતાર અંગે પૂછપરછ કરતા હતા. પાયલોટે પાકટ પુરૂષનું સ્વરૂપ ધારણ કર્યું હતું.મધ્ય પ્રદેશની પેટા ચૂંટણીઓમાં પ્રચારમાં જોડાયેલા પાયલોટ દાઢી અને મુછમાં દેખાય છે. તો કેટલીક જગ્યાએ તેઓ પાઘડી અને કુર્તામાંં પણ દેખાયા હતા. લોકોએ કોમેન્ટ કરી હતી કે 'રાજસ્થાન કા શેર'
કમલનાથન સ્ટાર પ્રચારક તરીકે દૂર કરાતા કોંગ્રેસ ખફા
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની એક કોમેન્ટના કારણે તેમનો સ્ટાર પ્રચારકનો સ્ટેટસ પાછો લઇ લેવામાં આવતા કોંગ્રેસે ચૂંટણી પંચ વિરૂધ્ધ ફરીયાદ કરવાની શરૂઆત કરી હતી. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના બારણા પણ ખખડાવશે.આની સામે નાથે કહ્યું હતું કે મને પંચ તરફથી આવો કોઇ જ સંદેશો મળ્યો નથી.રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ વકીલ વિવેક તમખાએ પત્રકારોને કહ્યું હતું કે તેઓ વહેલી તકે સુપ્રીમ કોર્ટમાં આ અંગે ફરીયાદ કરશે. ચૂંટણી પંચે કહ્યું હતું કે અમે ખુબ વિચાર અને સંશોધન કર્યા પછી આ પગલું ભર્યું હતું.તેઓ વિરોધ પક્ષના નેતા હોવા છતાં અનેક વખતે આદર્શ આચાર સંહિતાનો ભંગ કરતા જણાયા હતા.
- ઇન્દર સાહની
Comments
Post a Comment