બિહારની અંદર-બહાર .
- નીતીશે સત્તા માટે આમથી તેમ હવાતિયા મારવાને બદલે માત્ર શાસન પર ફોકસ કર્યું હોત તો આજે તેઓ દિગ્ગજ રાષ્ટ્રીય નેતા હોત
કોઈ પણ નેતાનો અસલી રંગ જોવો હોય તો તેની ચૂંટણી જુઓ. સભાઓમાં તે શું બોલે છે, બોલે છે અને કરે છે એમાં શું અંતર છે, ચૂંટણીના તબક્કા અને સીટ બદલાય તેમ તેનો વોઇસટોન કઈ રીતે બદલાય છે એ જુઓ. એ ખાસ જુઓ કે ચૂંટણીના બરાબર આગલે દિવસે કઈ ઘટના ઘટે છે. જોવા જેવું અને ન જોવા જેવું બધું જ બન્યા બાદ બિહારમાં આજે મતદાનનો પ્રથમ તબક્કો હતો. જેમાં કંઈક નવા જૂની, કંઈક જોવા જેવી થવાના એંધાણ મળી રહ્યા છે.
કોરોના પછી વિશ્વની સૌથી જૂની લોકશાહી અમેરિકાની ચૂંટણી યોજાઈ રહી છે. ભારતમાં એ રીતે બિહારની વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. બિહાર ભારતનું અમેરિકા નથી એ અલગ વાત છે. બંનેમાં સમાનતા એ છે કે સત્તાવાંછુ નેતાઓએ કોરોના મૃતકો કે પીડિતોનો મલાજો જાળવ્યો નથી. ટ્રમ્પે ત્રીજી દુનિયાના દેશના નેતાની જેમ સોશિયલ ડિસ્ટન્સિંગના છોતરા કાઢ્યા. તો જેને વ્યંગમાં ત્રીજી દુનિયા કહેવાય છે એનું બિહાર સાક્ષાત પ્રતિનિધિ છે. સત્તા પ્રાપ્તિની હોડમાં નેતાઓએ જનતાનો જીવ જોખમમાં મૂકી દેતા પહેલા કાચી સેકન્ડનોય વિચાર કર્યો નથી. અત્યારે કોરોનાના કેસ ઘટી ગયા હોવાથી સત્તાધારીઓ વિજયી નશામાં છે. યુરોપની જેમ આ મહામારીનો સેકન્ડ વેવ ફૂંકાશે ત્યારે આ નશો એક ઝાટકે ઊતરી જવાનો છે.
આગામી વર્ષે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને આસામની ચૂંટણી છે. બિહાર ચૂંટણીના જે પરિણામો આવશે તેના આધારે જ ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. કોરોનાને નાથવામાં સરકારની અણઆવડત સામેનો રોષ ચૂંટણીમાં કેટલા અંશે પ્રતિબિંબિત થશે તેના પર સૌની નજર છે. દેશભરના નાના મોટા તમામ રાજકીય પક્ષો આ ચૂંટણીને બહુ ધ્યાનથી જોઈ સબક તૈયાર કરી રહ્યા છે.
કોરોના ફાટી નીકળ્યો ત્યારે સૌથી ખરાબ હાલત મજૂરોની થયેલી. દેશવ્યાપી લોકડાઉન અને વાહન વ્યવહાર બંધ હોવાથી તેમને પગપાળા વતન જવું પડેલું. એ શ્રમિકો, તેના પરિવારજનો દાઝે ભરાઈને બેઠા છે. તેઓ જંગી મતદાન કરીને ઇશ્વર અને શ્રમિક બંનેની લાઠી અબોલ હોય છે એવી નવ્ય ઉક્તિ ચરિતાર્થ કરવા થનગની રહ્યા છે. બિહાર આજે ભલે પછાત હોય, પણ ભારતના ઈતિહાસનું તે મહત્ત્વનું કેન્દ્ર છે. તમે તેને હૃદય પણ ગણી શકો. ભારતનું સૌથી પહેલું મોટું રાજ્ય એ ધરતી પર ઊભું થયેલું. મગધ મહાજનપદ. બુદ્ધ, મહાવીર, અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય અને બીજા કેટકેટલા મહાપુરુષ એ ધરતીએ આપ્યા છે. હવે પોસ્ટ કોરોના ચૂંટણી રૂપે આ રાજ્ય ફરીથી ભારતવાસીઓનું માર્ગદર્શન કરવા જઈ રહ્યું છે.
નીતીશ કુમાર ૧૫ વર્ષથી સત્તામાં છે. બિહારને નજીકથી જોનારા વિશ્લેષકો અવલોકન કરે છે કે, નીતીશે કેવળ પાંચ જ વર્ષ સારું શાસન કર્યું છે. લાલુના સમયમાં શાસનના નામે મીંડું હતું. ટોટલ જંગલ રાજ હતું. સાંજે ઘરની બહાર નીકળવું કપરું બને એવી હાલત હતી. નીતીશે સત્તામાં આવ્યા બાદ સૌથી પહેલું કામ કાયદાનું રાજ સ્થાપિત કરવાનું કર્યું. મોટા-મોટા અપરાધીઓને જેલમાં નાખ્યા. એડમિનિસ્ટ્રેશન સુધાર્યું. ફલતઃ તેઓ સુશાસન બાબુના વિશેષણથી વિભૂષિત થવા લાગ્યા. પછીના પાંચ વર્ષમાં તેમની તેમનામાં કેન્દ્રની રાજનીતિમાં આગળ વધવાની લાલસા જાગી જતા બિહાર પર તેઓ પૂરતું ધ્યાન આપી શક્યા નહીં. તેની સ્થિતિ ફરીથી બગડવા લાગી. નીતીશના બિહારમાં લાલુરાજ જેવો ભય નથી.
અગ્રી. કિન્તુ એ વાત પણ એટલી જ સાચી છે કે તેમના બિહારમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચાર છે. ચમચીને આ બાજુથી પેલી બાજુ મૂકવાનું કામ પણ કરપ્શન વિના સંભવ નથી. જો નીતીશ તેમની મહત્ત્વાકાંક્ષાઓને દાબમાં રાખી માત્ર બિહાર પર ફોકસ કરતા રહ્યા હોત તો આજે ખરેખર બિહારની હાલત સારી હોત. તેમનામાં એ આવડત હતી. તેઓ કરી શક્યા હોત. જો ૧૫ વર્ષ માત્ર બિહારમાં સારું કામ કરી તેને બહેતર બનાવ્યું હોત તો આપોઆપ તેઓ નેશનલ હીરો બની જાત.
મહત્ત્વાકાંક્ષા કઈ રીતે ઝેરનું કામ કરતી હોય છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ નીતીશ કુમાર છે. આજે પણ બિહાર પછાત રાજ્ય, બીમારુ રાજ્ય કહેવાય છે. એક સમયે નીતીશ લાલુ સાથે હતા. પછી અલગ પડયા. ૯૦ના દશકમાં નીતીશ અડવાણીના રામરથનો વિરોધ કરતા. બાદમાં એ જ ભાજપ સાથે હાથ મિલાવ્યા. મોદીનો ઉદય રાષ્ટ્રીય રાજનીતિમાં થતા નીતીશે ફરી ભાજપ સાથે છેડો ફાડી લાલુ સાથે હાથ મિલાવ્યા. બાદમાં લાલુ સાથે છેડો ફાડી ફરીથી મોદી સાથે હાથ મિલાવ્યા. તેમના ગુરુ જ્યોર્જ ફર્નાન્ડીસને કટોકટી વખતે કોમરેડ કહેવામાં આવતા એ હદનો તેમનો ડાબેરી ઝુકાવ હતો. ને સેક્યુલર ઇમેજ જાળવીને ચાલતા રહેલા નીતીશ આજે સંપૂર્ણપણે ભગવા રંગે રંગાઈ ગયા છે. ઘડીક આમ-ઘડીક તેમ સત્તા માટે ગમે ત્યાં ગમે તેમ ભટકવાની નીતિએ નીતીશની ઇમેજ જે હદે ખરાબ કરી છે તેનો માર તેમને વર્તમાન વિધાનસભા ચૂંટણીમાં પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.
રાજનીતિમાં ૮૦ ટકા કામ તમારો કોન્ફિડન્સ કરતો હોય છે. ૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશે એકલા લડવાની જરૂર હતી. તેના બદલે તેમણે લાલુનો સાથ લીધો. સુશાસન બાબુ તરીકે પ્રખ્યાત બની ગયા પછી પણ તેમણે લાલુનો સાથ લેતા પોતાની ઊજળી છબિને બહુમતીમાં રૂપાંતરિત કરી શક્યા નહીં. એટલે તેમને આજે મોદીના શરણે થવું પડયું છે. જે પ્રથમ પાંચ વર્ષમાં તેમણે મેળવ્યું હતું તે ૧૫ વર્ષ પછી રહ્યું નથી એટલે પોતાના ૧૫ વર્ષની વાત કરવાને બદલે લાલુના ૧૫ વર્ષની વાત કરી રહ્યા છે. સ્થાનિક મુદ્દે કશું ઉકાળી શકે તેમ ન હોવાથી તેઓ અને મોદી સમગ્ર ચૂંટણી નેશનલ ઇશ્યૂ પર ખેલી રહ્યા છે. ભાજપ નીતીશ કુમારને સાથે રાખીને તેને ખતમ કરવામાં સફળ થયું છે.
માણસે સુખી થવું હોય તો હંમેશા પોતાની મર્યાદાઓ સ્વીકારીને ચાલવું જોઈએ. નીતીશ કુમાર એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર છે અને લાલુ પાર્ટી પોલિટિક્સમાં. નીતીશ આટલા સમયથી સત્તામાં હોવા છતાં ગ્રાઉન્ડ પર જનતા દળ યુનાઇટેડનું મજબૂત સંગઠન ઊભું કરી શક્યા નથી. એટલે જ સહેજ પવન વાય ત્યાં તેમનો આત્મ વિશ્વાસ અને નૈયા બંને ડગમગી જાય છે. જો તેઓ પોતાની મર્યાદાને સ્વીકારની ચાલ્યા હોત તો આજે જેટલા નિઃસહાય છે એટલા હોત નહીં. એની વે, ૧૫ વર્ષ સુધી કોઈ રાજ્યના સીએમ રહેવું એ પણ કંઈ નાની વાત તો નથી જ.
લાલુ પ્રસાદ યાદવ બિહારી અસ્મિતાનું પ્રતિનિધિત્વ કરે છે. અનેક પ્રકારના કૌભાંડ તેમણે આચર્યા છે, પણ તેમની બોલી એવી છે કે લોકો તેમની સાથે કનેક્ટ થઈ જાય છે. આ ચૂંટણીમાં તેમના ઉત્તરાધિકારી તરીકે તેજસ્વી યાદવ રણમેદાનમાં ઊતર્યા છે. ચૂંટણીના મેદાનમાં લાલુમાં એક લીડર તરીકે જે સ્પાર્ક હતો તે તેજસ્વીમાં દેખાઈ રહ્યો નથી. અલબત્ત કાલે તેઓ સારા સીએમ પૂરવાર થઈ પણ શકે. પ્રશાસન આખી અલગ વાત છે, પણ ચૂંટણીની રાજનીતિમાં તેઓ લાલુ કરતા ઓછા ચમકદાર દેખાઈ રહ્યા છે. તેજસ્વી ગ્રાઉન્ડ વર્કમાં લાલુ જેટલા પાકા ન હોવાની તથા સવારે મોડા ઊઠતા હોવાની ફરિયાદો પણ ઊઠી રહી છે. ક્રિકેટ ક્ષેત્રે કાઠું કાઢવામાં સફળ ન થયેલા નેતા પુત્ર રાજનીતિમાં સેન્ચુરી બનાવી શકશે કે કેમ તેની જાણ થવાને હવે ગણતરીના દિવસો આડા રહ્યા છે.
સાથોસાથ એ પણ નોંધવું પડે કે નીતીશ અને મોદીની તુલનાએ રાહુલ અને તેજસ્વીની જનસભામાં વધારે મેદની ઊમટી રહી છે. આ બંને યુવા નેતાઓ બેરોજગારી, ભ્રષ્ટાચાર, કોરોના વગેરે જેવા મુદ્દાઓ પર જ ચુનાવી જંગ ખેલી રહ્યા છે. બિહારમાં સત્તાવિરોધી જનાદેશ આવવાની સંભાવનાઓ પ્રબળ દેખાઈ રહી છે અને તે તેજસ્વી તરફ સ્પષ્ટ બહુમતમાં ફેરવાશે તેવી સંભાવનાઓ ધૂંધળી. અર્થાત ખીચડી સરકાર બને તેવી શક્યતાઓ અધિક છે. એલઇડીના જમાનામાં ફાનસનું ચૂંટણી ચીહ્ન જોઈએ એટલું લાઇટ ફેંકી રહ્યું નથી.
ચિરાગ પાસવાન નીતીશ કુમાર વિરુદ્ધ બોલીને આરજેડીને પરોક્ષ ફાયદો પહોંચાડવા મેદાને પડયા છે. પિતા રામવિલાસ પાસવાનનું મૃત્યુ તાજેતરમાં જ થયું હોવાથી તેમને સહાનુભૂતિ મત મળવાની શક્યતા તેમના વાઇરલ વીડિયોએ રોળી નાખી છે. એ વીડિયોમાં તેઓ પિતાને શ્રદ્ધાંજલિ આપવાનું રીહર્સલ કરતા દેખાઈ રહ્યા છે. નેતાઓ ડ્રામેબાજ હોય છે તે આખી દુનિયા જાણે છે, પરંતુ એ જ સમયે જનતા તેમની પાસે એક પ્રકારના દંભી સંયમની અપેક્ષા રાખતી હોય છે.
તેઓ ખુલ્લા પડી જાય ત્યારે અમુક સમય માટે તેમની ટકાવારી ઘટી જાય છે. તેઓ હાંસીપાત્ર બની જાય છે. માત્ર અમુક સમય માટે જ. આ અમુક સમય બિહારની ચૂંટણી પહેલા પૂરો થવાનો નથી. આથી ચિરાગને આ ચૂંટણીમાં ખાસ ફાયદો મળતો દેખાતો નથી. વળી, વડા પ્રધાન પોતે અંતિમ સમય સુધી રામવિલાસ પાસવાન સાથે રહ્યા હોવાનો જાહેરસભાઓમાં દાવો કરીને સહાનુભૂતિ મતનું મોજું ચુંબક બતાવીને ચિરાગ તરફથી પોતાના તરફ આકર્ષી રહ્યા છે.
લાલુ પ્રસાદ યાદવે એક સમયે જાતિવાદી રાજકારણ રમી બિહારમાં સામ્યવાદીઓને નબળા પાડી દીધા હતા. જાતિવાદી રાજકારણ ખરાબ છે તે ખતમ થઈ જવું જોઈએ, પણ દુઃખની વાત એ છે કે જાતિવાદને હિંદુવાદની રાજનીતિ દ્વારા ખતમ કરવામાં આવી રહ્યો છે. એક આંગળીમાં દુઃખાવો થતો હોય અને તેના પરથી ધ્યાન ભટકાવવા માટે અંગુઠા પર હથોડી મારવામાં આવે એના જેવી આ વાત છે. જાતિવાદ અને કોમવાદની રાજનીતિની રસ્સાખેંચમાં મુદ્દાઓની રાજનીતિ બેયબાજુંથી માર ખાય છે. આ વખતે કોરોના, બેરોજગારી અને પરપ્રાંતીય શ્રમિકોના મુદ્દા જો ચૂંટણીના પરિણામોમાં કંઈ નવું નહીં કરી શકે તો...
આજની નવી જોક
લીલી (છગનને): તમે મને નામ લઈને બોલાવો છો તો લલ્લુ પણ મને નામ લઈને બોલાવવા માંડયો છે.
છગનઃ ઓકે, કાલથી હું તને મમ્મી કહીને બોલાવીશ.
લીલીઃ હેં!?
Comments
Post a Comment