આ વખતે દશેરાના દિવસે રાવણ નહીં પણ પીએમ મોદીના પુતળાનુ દહન થયુઃ રાહુલ ગાંધી
પટના, તા.28 ઓક્ટોબર 2020, બુધવાર
બિહારની ચૂંટણીમાં આજે ફરી એક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ.જેમાં રાહુલ ગાંધીએ આરજેડીના નેતા તેજસ્વી યાદવના ભરપૂર વખાણ કર્યા હતા અને પીએમ મોદી તેમજ બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની આકરી ટીકાઓ કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેટલાક વર્ષ પહેલા પીએમ મોદીએ અહીંયા આવીને કહ્યુ હતુ કે, ચંપારણ્ય વિસ્તાર શેરડીનો વિસ્તાર છે.અહીંયા હું ખાંડની મિલ ચાલુ કરીશ અને હવે જ્યારે આવીશ ત્યારે અહીંની ખાંડ નાંખીને ચા પીશ.પીએમ મોદીએ તમારી સાથે ચા પીધી?
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સામાન્ય રીતે દશેરાના દિવસે રાવણના પુતળાનુ દહન થાય છે પણ પંજાબમાં દશેરાના દિવસે આ વખતે પીએમ મોદી અને ઉદ્યોગપતિ અદાણીના પૂતળાનુ દહન કરાયુ હતુ.આખા પંજાબમાં આ સ્થિતિ હતી.આ દુખની વાત છે પણ આવુ એટલા માટે થયુ છે કે, ખેડૂતો પરેશાન છે.
રાહુલ ગાંધીએ રોજગારી પર કહ્યુ હતુ કે, બિહારના લોકોને બીજા રાજ્યોમાં રોજગાર મળે છે પણ પોતાના રાજયમાં નોકરીઓ મળી રહી નથી.પીએણ મોદીએ પહેલા બે કરોડ નોકરીઓ આપવાની વાત કરી હતી.હવે જો પીએમ મોદી અહીંયા આવી વાત કરશે તો લો કો તેમને ભગાડી દેશે.અમે રોજગારી પણ આપી શકીએ છે અને વિકાસ પણ કરી શકીએ છે પણ અમને જુઠ્ઠુ બોલતા નથી આવડતુ.આ મામલામાં અમારો ભાજપ સાથે કોઈ મુકાબલો નથી.
તેમણે કહ્યુ હતુ કે, લોકડાઉનમાં મજૂરોને પગપાળા વતન જવુ પડ્યુ હતુ અને તેમના માટે પીએમ મોદીએ કોઈ વ્યવસ્થા કરી નહોતી.
Comments
Post a Comment