કાશ્મીરની બેનઝીર બનવા મથતા મહેબૂબાને પાકિસ્તાનનો ટેકો નથી
- ભારતીયોના દિલમાં ત્રિરંગો ફરકી રહ્યો છે એ સત્ય સમજવામાં મહેબૂબા-ફારૂકનું ઓરકેસ્ટ્રા થાપ ખાઇ ગયું છે
કાશ્મીરમાં કેન્દ્ર સરકાર વ્યૂહાત્મક રીતે આગળ વધી રહી છે. દેશનો કોઇ પણ નાગરિક કાશમીરમાં જમીન ખરીદી શકશેની જાહેરાત કાશ્મીરમાં ભાગલાવાદી વિચાર વાળા તત્વોના ગાલે લપડાક સમાન છે. એક તરફ ત્રિરંગો ફરકાવવાની બાબતમાં નનૈયો ભણનાર કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી આજકાલ ચર્ચામાં છે તો બીજી તરફ કેન્દ્રનું બોલ્ડ સ્ટેપ પણ ચર્ચામાં છે. કહે છે કે હોટલ ઉધ્યોગ વાળા કાશ્મીરમાં જમીનો લેવા પડાપડી કરશે.
મહેબૂબા મુફ્તી તેમના ગઢ ગણાતા અનંતનાગમાં પણ થૂ-થૂ થઇ રહ્યા છે. આમતો, મહેબૂબા રાજકારણના ખેલાડી છે પરંતુ પોતે ત્રિરંગો નહીં ફરકાવે એમ કહીને ફસાઇ ગયા છે. તે માનતા હતા કે દેશમાં રહેલા ૩૭૦મી કલમના વિરોધીઓ તેમને સાથ આપશે પરંતુ કોઇ તેમની બાજુમાં ઉભા રહેવા તૈયાર નથી તે તો ઠીક પણ તેમના પક્ષના કાર્યાલય પર જ દેશ ભક્તો રોજ ત્રિરંગો ફરકાવવા જાય છે.
હકિકત એ છે કે મહેબૂબા મુફ્તી કાશ્મીરના બેનઝીર ભુત્તો બનવા પ્રયોસ કરી રહ્યા છે. તેમને એમ હતું કે વિશ્વ ભરના મુસ્લિમ દેશો તેમને સહકાર આપવા આગળ આવશે અને તેમને ભાગલાવાદી નેતા તરીકે નવાજશે પરંતુ કોઇ તેમને ટેકો નથી આપતું. પાકિસ્તાનમાં પણ તેમના ત્રિરંગા વિરોધ એપિસોડના કોઇ ટેકેદાર જોવા નથી મળતા.
મહેબૂબા ક-સમયે ૩૭૦ના વિરોધ માટે આગળ આવ્યા છે. શાહીન બાગમાં ૩૭૦ના વિરોધનો શામિયાણો બંધાયો હતો ત્યારે તે ચૂપ રહ્યા હતા. તે જેલમાં હતા પરંતુ તેમના પક્ષે પણ કોઇ નક્કર રજૂઆત નહોતી કરી. જ્યારે બિહારમાં રસાકસી ભર્યો ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે ત્યારે મહેબૂબાના ટેકામાં ઉભો રહેવા કોઇ રાજકીય પક્ષ તૈયાર નથી. દરેક જાણે છે કે મહેબૂબાએ વિવાદનો મધપૂડો છંછેડયો છે માટે તેમાં પડવાની જરૂર નથી.
મહેબૂબાએ જ્યારે ભાજપ સાથે હાથ મિલાવ્યા અને મુખ્ય પ્રધાન પદું મેળવ્યું ત્યારથી તેમની સત્તા લાલસા લોકોની નજરમાં ખાસ કરીને ભાગલાવાદી તત્વોની નજરમાં આવી ગઇ હતી. એટલેજ મહેબૂબાને જ્યારે નજર કેદ કરાયા ત્યારે તેમની તરફેણમાં ભાગલાવાદી લોબીએ કોઇ વિરોધ નહોતો કર્યો. ૩૭૦મી કલમ હટાવાયાનો વિરોધ એટલે ભાજપનો નહીં પણ દેશનો વિરોધ અને વિરોધ કરનારા દેશદ્રોહીઓ છે એવું લોકોના મનમાં ઠસાવવામાં મોદી સરકાર સફળ થઇ હતી.
જમ્મુ કાશમીરના બંને પ્રાદેશિક પક્ષોએ કાશમીરના લોકો સાથે ગદ્દારી કરી છે. આ પક્ષોએ કેન્દ્રના પૈસા પોતાની બેંકો તરફ વાળ્યા હતા અને લોકોમાં ભારત વિરોધી માનસ ઉભું કર્યું હતું. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદે કાશ્મીરને સ્વર્ગમાંથી નર્ક બનાવી દીધું હતું. દરેક રાજકીય પક્ષ આ બંને પ્રાદેશિક પક્ષ સાથે હાથ મિલાવ્યા વિના સરકાર બનાવી શકે એમ નહોતા. એટલે ફારૂક કોંગ્રેસના થઇને રહેતા હતા તો મહેબૂબા ભાજપ સાથે દોસ્તી રાખતા હતા.
૩૭૦મી કલમ હટાવાઇ તે દિવસથીજ આ બંને પ્રાદેશિક પક્ષોનો મૃત્યુ ઘંટ વાગવો શરૂ થઇ ગયો હતો. હવે જ્યારે ૩૭૦ને પાછી લાવવા બંને ભેગા થયા છે ત્યારે કાશ્મીરના લોકોજ તેમને ભગાડશે એમ લાગે છે. રાજકીય સમિક્ષકો માને છે કે ફારૂક અબ્દુલ્લાની જાળમાં મહેબૂબા ફસાઇ ગયા છે. ફારૂકે જેલમાંથી છૂટયા પછીના ચાર મહિના બાદ ૩૭૦મી કલમનો મુદ્દો છંછેડયો હતો.
શા માટે તે ચાર મહિના ચૂપ રહ્યા તેનું રહસ્ય જાણવા સમિક્ષકો પ્રયાસ કરી રહ્યા છે. ફારૂકે ૩૭૦ને ફરી પાછી અમલી બનાવવા ચીનનો સહકાર લેવાની વાત કરીને પોતાની રાજકીય બુધ્ધિનું દેવાળું કાઢ્યું છે તેમજ રાજકીય ફલક પર તે કોઇનેે મોં બતાવવા લાયક રહ્યા નથી.
ફારૂક આગળ ના આવી જાય એટલે મહેબૂબાએ તેમની સાથે હાથ મિલાવીને ૩૭૦ને પાછી લાવવાનું ઓરકેસ્ટ્રા શરુ કર્યું હતું. જેમાં ચીન અને પાકીસ્તાન તરફી ભજનો ગાવાના શરુ કરાયા હતા. આ રીતે ફારૂકના ટ્રેપમાં મહેબૂબા ફસાઇ ગયા છે. ભારતના રાજકારણે રાહત એટલા માટે અનુભવી જોઇએ કે બે પ્રાદેશિક પક્ષો જે જમ્મુ-કાશમીરને પોતાના બાપ દાદાની મિલ્કત સમજતા હતા તે પ્રજાની નજરમાં દેશદ્રોહી બની ગયા છે. ભારતીયોના દિલમાં ત્રિરંગો ફરકી રહ્યો છે એ સત્ય સમજવામાં મહેબૂબા-ફારૂકનું ઓરકેસ્ટ્રા થાપ ખાઇ ગયું છે.
Comments
Post a Comment