દિલ્હીની વાત : શાહે નિમેલા સંગઠન મહામંત્રીને તાત્કાલિક દૂર કરાયા


નવીદિલ્હી, તા.30 ઓકટોબર 2020, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં ભાજપે સંગઠન મહામંત્રીપદેથી સુબ્રતા ચટ્ટોપાધ્યાયને દૂર કરીને અમિતાવ ચક્રવર્તીને મૂક્યા તેના કારણે ભાજપના નેતાઓને આંચકો લાગ્યો છે. ચક્રવર્તીને મળેલું પ્રમોશન  સંગઠનમાં અમિત શાહના ઘટતા પ્રભાવનો પુરાવો હોવાનું ભાજપનાં સૂત્રો માને છે. ચટ્ટોપાધ્યાયને અમિત શાહે સંગઠન મહામંત્રી બનાવ્યા હતા. જેપી. નડ્ડાએ તેમને દૂર કરીને ચટ્ટોપાધ્યાયના સહાયક એટલે કે સંયુક્ત મહામંત્રી તરીકે કામ કરતા ચક્રવર્તીને મૂક્યા છે.

ચટ્ટોપાધ્યાયે સંગઠન મહામંત્રી તરીકે જોરદાર કામગીરી કરી હતી એવું ભાજપના નેતાઓ જ સ્વીકારે છે. બંગાળમાં ભાજપ સંગઠનને મજબૂત બનાવીને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને સમકક્ષ ઉભું કરવાનો યશ ચટ્ટોપાધ્યાયને જાય છે.

બંગાળમાં લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપે ભવ્ય દેખાવ કર્યો ત્યારે મોદીએ પોતે ચટ્ટોપાધ્યાયને શાબાશી આપી હતી. હવે બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના મહિના બચ્યા છે ત્યારે તેમને વિદાય કરી દેવાયા છે. ચટ્ટોપાધ્યાય માટે આઘાતજનક વાત એ હતી કે, તેમને તાત્કાલિક હોદ્દો છોડવા નડ્ડાએ આદેશ આપ્યો અને  ચક્રબર્તીને હોદ્દો સંભાળવા કહી દીધું.  ભાજપનાં સૂત્રોના મતે,  ચટ્ટોપાધ્યાયની વિદાય ભાજપને નડી શકે.

પાકિસ્તાનની સંસદમાં 'મોદી મોદી'નો વીડિયો ખોટો

સોશિયલ મીડિયા પર છેલ્લા બે દિવસથી પાકિસ્તાનની સંસદમાં 'મોદી મોદી'ના નારા લાગ્યા એવો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. એક ટીવી ચેનલે બુધવારે રાત્રે આ વીડિયો બતાવ્યો પછી ભાજપના નેતા મચી પડયા. ભાજપના સંખ્યાબંધ નેતાએ આ વીડિયો રીટ્વિટ કરીને મોદીની લોકપ્રિયતા હવે પાકિસ્તાનની સંસદ સુધી પહોંચી છે એવો દાવો કર્યો હતો.

આ વીડિયો બનાવટી હોવાનો શુક્રવારે ખુલાસો થયો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી ફ્રાન્સમાં પયગંબર સાહેબનાં કાર્ટૂન પ્રસિધ્ધ કરાયાં તેની નિંદા કરતો  ખરડો રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી સભ્યો પોતાના ખરડા પર મતદાન કરાવવા 'વોટિંગ વોટિંગ' એવો સૂત્રોચ્ચાર કરતા હતા તેને મોર્ફ કરીને 'મોદી મોદી'ના નારા લાગ્યા એ રીતે રજૂ કરી દેવાયો હતો. ઈમરાનના વિરોધીઓએ 'મોદી મોદી'ના નારા લગાવ્યા એવો દાવો કરાયો હતો.

વિશ્લેષકોના મતે, સોશિયલ મીડિયાનો કઈ હદે દુરૂપયોગ કરી શકાય છે તેનો આ પુરાવો છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ આ જૂઠાણું ફેલાવવામાં સહભાગી બન્યા ને મોદીની ચાપલૂસી કરવા બેજવાબદારીથી વર્ત્યા એ શરમજનક કહેવાય.

કેન્દ્ર પાસે ટીઆરએફ અંગે માહિતી જ નથી

જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ યુવા નેતાઓની હત્યાંથી ભાજપમાં સન્નાટો છે. કાજીગુંડમાં ભાજપ યુવા મોરચાના મહામંત્રી ફિદા હુસૈન સહિત ત્રણ નેતા કારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ ત્રણેયની હત્યા કરી નાંખી.

આ હત્યાના કારણે એવો મેસેજ ગયો છે કે, ભાજપ સાથે રહેવું સલામત નથી અને ભાજપ સાથે જાય એ મરે છે.  ૨૦૨૦માં જ ભાજપના ૯ નેતાઓની હત્યા થઈ છે. નવા ફૂટી નિકળેલા આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ)એ તો લાશો માટે સ્મશાન ઓછાં પડશે એવી ચીમકી આપી છે.

મોદી સરકાર પણ હચમચી ઉઠી છે પણ કેન્દ્ર પાસે ટીઆરએફ અંગે કોઈ માહિતી નથી. ટીઆરએફએફએ ફેબ્રુઆરીમાં શ્રીનગરના લાલ ચોકમાં ગ્રેનેડ હુમલો કરીને પહેલી વાર હાજરીની નોંધ લેવડાવી પછી એપ્રિલમાં પાંચ જવાનોની હત્યા કરી હતી. મોદી સરકારે એ વખતે જ ટીઆરએફની કુંડળી કાઢવા કહી દીધેલું પણ તેનો મુખિયા કોણ છે કે બીજા કોણ કોણ છે તેની માહિતી ગુપ્તચર તંત્ર પાસે નથી એ જોતાં તેને નાથવા શું કરવું એ જ સમજાતું નથી.

વર્લ્ડ રેકોર્ડ માટે યોગીની આગ સાથે રમત

યોગી આદિત્યનાથે અયોધ્યામાં દિવાળી વખતે ભવ્ય દીપોત્સવ યોજવાનો નિર્ણય લીધો તેના કારણ વિવાદ થઈ ગયો છે. યોગીની યોજના સાડા પાંચ લાખ દીપ પ્રગટાવીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની છે.

કોરોનાનો ખતરો ગયો નથી ત્યારે યોગી વાહવાહી માટે લોકોના જીવ જોખમમાં મૂકી આગ સાથે રમત કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યોગીનો બચાવ છે કે, આ દીપ પ્રાગટય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કરાશે. કોરોના સામેની લડાઈમાં નાણાં ખર્ચવાના બદલે દીપ પાછળ ખોટો ખર્ચ કરાઈ રહ્યો હોવાના આક્ષેપ પણ થયા છે.

યોગીએ દીપ પ્રગટાવવાની જવાબદારી અવધ યુનિવસટીને સોંપી છે. યુનિવસટીએ છ લાખ દીવા ખરીદવા ટેન્ડર બહાર પાડી દીધું છે. ૧૧ નવેમ્બરથી ૧૩ નવેમ્બર દરમિયાન સરયૂ નદીના કિનારે ૨૪ મોટા ઘાટ અને ૪ નાના ઘાટ પર દીવા પ્રગટાવાશે.  દીવા પ્રગટાવવા માટે ૮ હજાર વિદ્યાર્થીઓને મેદાનમાં ઉતારાશે એવું સત્તાવાર રીતે કહેવાયું છે પણ છ લાખ દીવા પ્રગટાવવા માટે વધારે માણસો જોઈશે એ જોતાં મોટી સંખ્યામાં ભીડ જામશે એ નક્કી છે.

'લવ જિહાદ' મુદ્દે દિગ્વિજય પર પસ્તાળ

કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ 'લવ જિહાદ' મુદ્દે ભાજપને ઘેરવા જતાં પોતે જ ભેરવાઈ ગયા ને હાસ્યાસ્પદ બની ગયા. દિગ્વિજયસિંહે પત્રકાર પરિષદમાં સવાલ કર્યો કે, ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવી અને શાહનવાઝ હુસૈને પણ હિંદુ છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે તો તેમણે પણ 'લવ જિહાદ' કરેલી ?

સિંહે પોતે જ પોતાના સવાલનો જવાબ આપીને કહ્યું કે, ભાજપ પાસે કોઈ મુદ્દા નથી તેથી વારંવાર હિંદુ-મુસ્લિમ મુદ્દાને ભડકાવે છે અને ધર્મના નામે લોકોને લડાવે છે.

સિંહની કોમેન્ટ સામે સોશિયલ મીડિયા પર લોકોએ ટીકાનો મારો ચલાવ્યો. લોકોએ સિંહને સલાહ આપી કે, હિંદુવાદીઓ 'લવ જિહાદ' કોને કહે છે એ પહેલાં તો સમજો ને પછી વાત કરો. ઘણાંએ લખ્યું કે, નકવી કે હુસૈને ફેસબુક પર હિંદુ બનીને કે પોતાની મુસ્લિમ તરીકેની ઓળખ છૂપાવીને પોતાની વર્તમાન પત્નીઓને ફસાવી નહોતી.  ઘણાંએ કટાક્ષ પણ કર્યો કે, સિહં સાહેબ તમને 'જિહાદ' સામે વાંધો નથી, 'લવ જિહાદ' સામે વાંધો નથી, માત્ર હિંદુઓ સામે જ છે ?

ઉધ્ધવ ઉમલા પર કેમ મહેરબાન થઈ ગયા ?

મહારાષ્ટ્રમાં શિવસેનાએ વિધાન પરિષદ માટે પોતાના ચાર સભ્યોના ક્વોટામાંથી ઉમલા માતોંડકરનું નામ નક્કી કરીને આશ્ચર્ય સર્જ્યું છે. વધારે આશ્ચર્ય એ વાતનું છે કે, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ પોતે ફોન પર વાત કરીને ઉમલાને જાણકારી આપી. ઉમલાને શિવસેના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવશે એ પણ નક્કી મનાય છે.

વિધાન પરિષદમાં રાજ્યપાલ દ્વારા ૧૨ સભ્યોની નિમણૂક કરાય છે તેમાં ઉમલા પણ હશે. ભાજપ છોડીને એનસીપીમાં આવેલા એકનાથ ખડસે અને ખેડૂત નેતા રાજુ શેટ્ટી વિધાન પરિષદમાં જશે એ નક્કી હતું પણ ઉમલાના નામે શિવસેનાના નેતાઓને પણ આંચકો આપી દીધો છે.  ઉમલા લોકસભાની ચૂંટણીમાં મુંબઈ ઉત્તર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવાર હતાં પણ તેમની હાર થઈ હતી. ઉમલા કોંગ્રેસ છોડીને ક્યારે શિવસેનામાં આવી ગયાં તેની શિવસૈનિકોને જ ખબર નથી.

શિવસેનાના સૂત્રોના મતે, ઉધ્ધવ ઈચ્છે છે કે મીડિયામાં શિવસેનાની વાતોને પણ મહત્વ મળે. અત્યારે મીડિયા અને ખાસ તો ચેનલો ગ્લેમર પાછળ ભાગે છે અને ઉમલા ગ્લેમરસ હોવાથી ઉધ્ધવે તેમને પ્રવક્તા બનાવવાનું નક્કી કર્યું છે.

***

મધ્ય પ્રદેશમાં ભાજપનો આંતરિક ડખો મોટી પરેશાની

મધ્ય પ્રદેશમાં યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપને નેતાઓ નિષ્ક્રિય બની ગયેલા કાર્યકરોને એમ કહીને સક્રિય થવા પાનો ચઢાવી રહ્યા છે કે જો આપણા  હાથમાંથી સત્તા જતી રહેશે તો તમને જ મુશ્કેલી પડશે.૨૮માંથી ૨૫ બેઠકોમાં એ ઉેમેદવારો છે જેઓ કોંગ્રેસને દગો કરીને ભાજપમાં આવ્યા હતા. પરિણામે ભાજપના પાયાના કાર્યકરો તદ્દન નિષક્રિયબની ગયા છે. ગયા મહિને ભોપાલમાં આયોજીત ભાજપના કાર્યકરોની બેઠકને સંબોધતા મુખ્યમંત્રી શિવરાજ સિંહે કહ્યું હતું કે 'જ્યાં સુધી આપણે સત્તામાં છીએ ત્યાં સુધી જ આરામ છે.

જો આપણે હારી જઇશું તો જો મોભો છે તે પણ ગુમાવી દઇશું'.દેખીતી રીતે જ તેઓ પક્ષથી દૂર થઇ ગયેલા કાર્યકરોને ફરી સક્રિય થવા કહી રહ્યા હતા. પક્ષની બેઠકને સબંધતા કેન્દ્રના મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું કે 'જો આપણે આ વખતે સત્તા ગુમાવીશું તો એના પરિણામો પણ બોગવવા પડશે' આ કવાયત પાછળનો મુખ્ય આશર તો કાર્યકરોને પેટા ચૂંટણીમાં સક્રિય કરવાનો હતો, છતાં કાર્યકરોમાં જોઇએ એટલો ઉત્સાહ દેખાતો નથી.

કેટલાક ધારાસભ્યોની કારકિર્દીનો આધાર આ ચૂંટણી પર છે જેમાં જયભાણ સિંહ પવૈયા,પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર દીપક જોશી, પૂર્વ મંત્રી લાલ સિંહ આર્યા,રૂસ્મત સિંહ અને ગૌરી શકંર શેજવારનો સમાવેશ થાય છે.

માયાવતીની માયા, ભાજપ સાથે જશે

બહુજન સમાજ પક્ષના વડા માયાવતીએ ગઇ કાલે જાહેર કર્યું હતું કે આગામી વિધાન પરિષદની ચૂંટણીઓમાં તેઓ ભાજપના  ઉમેદવારને મત આપશે અને સમાજવાદી પક્ષના ઉમેદવારને હરાવવા ગમે તે હદે જઇ શકે છે.

ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રભારી પ્રિયંકા ગાંધી વાઢરાએ માયાવતીની જાહેરાત પછી કહ્યું હતું કે 'ઇસ કે બાદ કુછ બાકી રહેતા હી નહીં'.અગાઉ પણ  પ્રિયંકાએ માયાવતી માટે ભાજપના બિન સત્તાવાર પ્રવકતાનો શબ્દ પ્રયોગ કર્યો હતો.સામાન્ય ચૂંટણીઓ પછી માયાવતીએ ભાજપ  પ્રત્યે કુણું વલણ અપનાવ્યું હતું. હાથરસ કેસમાં પણ તેઓ ઓછું બોલ્યા હતા અને સીએએને તેમણે ચાલાકીપૂર્ણ ટેકો આપ્યો હતો. તો સાથે સાથે તેમણે કોંગ્રસ પર પણ જબરજસ્ત હુમલા કર્યા હતા.

તેમણે પ્રિયંકા ગાંધી પર ઉત્તર પ્રદેશમાં નાટકબાજી કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.પ્રિયંકાએ માયાવતી પ્રત્યે સખત વલણ અપનાવ્યું છે જ્યારે તેમના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સમાધાનકારી વલણ અપનાવે છે.

બિહારમાં નવો ખેતી કાયદો  એ મુદ્દો જ નથી

સાચી વાત છે. બિહારની ચૂંટણીમાં ખેતીના નવા કાયદાનું કોઇ જ મહત્ત્વ નથી. એનું કારણ એ હોઇ શકે કે આખા દેશમાં બિહારના કૃષિ પાકમાંથી સૌથી ઓછી આવક મળે છે. તેમાંથી ખેડુતોને સંતોષકારક આવક પણ મળતી નથી. બિહારના જાણકારો કહે છે કે  બિહારમાં ઓછી જમીન ધરાવનાર લોકોની ંસખ્યા પણ ઓછી છે.

બિહારમાં કૃષિનો કોઇ લેવાલ નથી. બલકે એ તો નુકસાનીનો ધંધો મનાય છે. સિચ્યુએશન એસેસમેન્ટ સર્વે અનુસાર, રાજ્યમાં પાક લેવા માટે જે ખર્ચ કરવો પડે છે તે  મોટા રાજ્યોની સરખામણીમાં પાંચનો હિસ્સો પણ નથી.એને સૌથી ઓછો ટેકાનો ભાવ મળે છે.

જ્યારે પાકની વાવણીની બાબતમાં સોથી વધારે ખર્ચ કરવો પડે છે અને વ્યાજ માટે પણ તેઓ ઓછો ખર્ચ કરે છે.જ્યારે સિંચાઇની બાબતને બિહાર આખા દેશમાં સૌથી અગ્રેસર છે.ઉપજની બાબતમાં સૌથી પાછળ. નેશનલ સ્ટેટીસ્ટીકલ ઓફિસના આંકડા અનુસાર, ગ્રામિણ બિહારમાં જમીનની માલીકીની બાબતમાં તેઓ માત્ર ૦.૨૪૨ હેકટર જ માલિકી ધરાવે છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે