કોરોનાકાળમાં બિહાર વિધાનસભાનો રસપ્રદ મુકાબલો


બિહાર વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે યોજાવાનું છે. પહેલા તબક્કા દરમિયાન કુલ ૨૪૩ બેઠકોમાંથી ૭૧ બેઠકો માટે વોટ આપવામાં આવશે. કોરોના સંકટના દોરમાં દેશમાં પહેલી વખત વિધાનસભાની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે તમામ પક્ષો પૂરા જુસ્સા સાથે ચૂંટણીપ્રચારમાં લાગ્યાં છે. ઉમેદવારો કે મતદારોમાં કોરોનાનો ડર હોય એવું જણાતું નથી. 

રાજ્યમાં સીધો મુકાબલો એનડીએ અને મહાગઠબંધન વચ્ચે છે. બિહારમાં એનડીએ નીતીશ કુમારના નેતૃત્ત્વ હેઠળ ચૂંટણી લડી રહ્યો છે. વર્ષ ૨૦૧૫માં મહાગઠબંધનને મોટો વિજય મળ્યો હતો. ૨૪૩ બેઠકોવાળી બિહાર વિધાનસભામાં મહાગઠબંધનને ૧૭૮ બેઠકો પર વિજય મળ્યો હતો. નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી બન્યાં હતાં. પરંતુ ચૂંટણીના બે વર્ષ બાદ જ નીતીશ કુમારે મહાગઠબંધનથી અલગ થઇને ભાજપ સાથે હાથ મિલાવી લીધાં હતાં. 

ત્રણ વર્ષ પહેલા લાલુપ્રસાદ એન્ડ ફેમિલી ઉપરના ભ્રષ્ટાચારના આરોપોના પગલે નીતીશ કુમાર આરજેડી અને કોંગ્રેસ સાથેના મહાગઠબંધનથી છેડો ફાડીને ભાજપના સહયોગથી રાજ્યમાં ફરી વખત મુખ્યમંત્રીપદે બિરાજ્યાં ત્યારે ઘણાં લોકોએ તેમના આ પગલાને બિરદાવ્યું હતું. જોકે એ પછી તેમના ભાજપ સાથેના સંબંધો ખાટાંમીઠાં રહ્યાં છે. નીતીશ કુમાર હાલ દેશના ગણ્યાંગાંઠયા એવા નેતાઓમાં સામેલ છે જેમની છબી સાફ છે. જોકે બિહારમાં છેલ્લા પંદર વર્ષથી શાસનમાં હોવા છતાં રાજ્યનો એ હદે વિકાસ થઇ શક્યો નથી જે ગતિએ થવો જોઇતો હતો. એ સંજોગોમાં હવે નીતીશ કુમાર માટે પોતાના પક્ષનું મહત્ત્વ જાળવી રાખવાની સાથે સાથે પોતાનું કદ જાળવી રાખવાનો પડકાર પણ ઊભો થયો છે. એટલા માટે જ બિહારમાં એનડીએનો ચહેરો નીતીશ કુમાર છે.

એક સમય હતો જ્યારે નીતીશ કુમાર ભાજપ અને મોદી વિરોધી જૂથના ટોેચના નેતાઓમાં ગણાતા હતાં. ઘણાં લોકો તો તેમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ જોતા હતાં. સાફસૂથરી છબી હોવાના કારણે તેઓ વડાપ્રધાન મોદી સામે બરોબરીની ટક્કર આપી શકે એમ લાગતું પણ હતું. પરંતુ હવે ભાજપ સાથે જોડાણ કર્યા બાદ ચિત્ર સાવ બદલાઇ ચૂક્યું છે. આજે વડાપ્રધાન મોદીની છબી સામે નીતીશ કુમારની છબી સાવ વામણી બની ચૂકી છે. જાણે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાના નહીં પરંતુ સ્થાનિક કક્ષાના કોઇ નેતા હોય એવું લાગે છે. 

એક જમાનામાં એનડીએમાં નીતીશ કુમારનો ડંકો વાગતો હતો. આ એ જ નીતીશ કુમાર છે જેમણે લગભગ ૧૫ વર્ષ સુધી બિહારમાં પોતાની શરતો ઉપર એનડીએ સાથેના ગઠબંધનનું નેતૃત્ત્વ કર્યું હતું. આ એ જ નીતીશ કુમાર છે જેમણે બિહારમાં ભાજપને આજ્ઞાાંકિત પાર્ટીની જેમ પોતાની આગેવાની હેઠળ કામ કરવા મજબૂર કરી હતી. આજે ફરી વખત નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને ભાજપ રાજ્ય સરકારમાં જુનિયર પાર્ટનર છે. તેમ છતાં પરિસ્થિતિ સાવ અલગ છે. નીતીશ કુમાર સુપેરે જાણે છે કે અડવાણી-વાજપેયીના ભાજપ કરતા મોદી-શાહના ભાજપમાં જમીન આસમાનનું અંતર છે. 

મહાગઠબંધનની જુદા થયા બાદ એટલું તો સ્પષ્ટ બન્યું છે કે નીતીશકુમાર એકલા હાથે બિહારમાં સરકાર ચલાવી શકે એમ નથી. લાલુપ્રસાદ યાદવના આરજેડી અને કોંગ્રેસથી અલગ થયા બાદ હવે તેઓ એ દિશામાં તો પાછા જઇ શકે એમ નથી. તો રાજ્યમાં વધી રહેલા સાંપ્રદાયિક તણાવ વચ્ચે ભાજપ સાથેનું ગઠબંધન પણ વધારે સમય ટકાવવું તેમની રાજકીય કારકિર્દી માટે ઘાતક સાબિત થઇ શકે છે. નીતીશકુમાર સાંપ્રદાયિક સૌહાર્દ માટે જાણીતા છે. અગાઉ બિહારમાં તેમના બાર વર્ષના શાસનમાં ક્યાંય કોઇ મોટું કોમી રમખાણ થયું નથી. 

બિહારમાં સાંપ્રદાયિક વિષ ન ફેલાય એ માટે તેઓ એક સમયે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ બિહારમાં આવવા માટે મનાઇ ફરમાવી ચૂક્યા છે. લોકસભા ચૂંટણી વખતે ભાજપે નરેન્દ્ર મોદીને જ્યારે વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે તેમની સાંપ્રદાયિક છબીના કારણે જ નીતીશકુમારે ૨૦૧૩માં એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો હતો. જોકે છેલ્લા થોડા સમયથી બિહારની જનતાનો મિજાજ બદલાયો હોય એવું જણાઇ રહ્યું છે. ખાસ વાત એ કે નીતીશ કુમારની ઇમેજ વિકાસ પુરુષ તરીકેની રહી છે પરંતુ છેલ્લા થોડા સમયથી બિહારનો માહોલ જોતા નીતીશ કુમારને મળેલું આ બિરુદ સાર્થક જણાતું નથી. અગાઉ નીતીશ કુમાર જોરશોરથી કહેતા હતાં કે બિહારમાં છેલ્લા કેટલાય વર્ષોથી સાંપ્રદાયિક હુલ્લડ થયા નથી પરંતુ હાલ પરિસ્થિતિ અલગ છે. પરંતુ હવે બિહારમાં પણ સાંપ્રદાયિક તણાવ જોવા મળે છે. 

બિહારમાં નીતીશકુમારની જેડીયૂ, રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી અને ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીએ સાથે મળીને જે સમીકરણ રચ્યું હતું એમાં બિનયાદવ ઓબીસી અને મહાદલિતો મળીને ૩૮ ટકા વોટબેંક બની જતી હતી. નીતીશકુમારને બિહારમાં કુર્મી અને કોયરી જાતિઓના પ્રતિનિધિ તરીકે જોવામાં આવે છે. પરંતુ ઉપેન્દ્ર કુશવાહા કોયરી વોટબેંકમાં ભાગ પડાવી ચૂક્યા છે. જો કુશવાહા નીતીશકુમાર સાથે આવી જાય તો તેઓ વધારે મજબૂત બની શકે એમ છે. આમ તો આ ત્રણેય નેતાઓમાં વિવાદ પણ ઓછા નથી રહ્યાં. બિહારની ગત વિધાનસભા ચૂંટણી અગાઉ નીતીશકુમારે માસ્ટર સ્ટ્રોક રમતા દલિતોમાં પણ મહાદલિતની જાહેરાત કરી હતી ત્યારે રામવિલાસ પાસવાને તેનો વિરોધ કર્યો હતો. 

મહાદલિત આયોગની ભલામણો ઉપર ૨૨ દલિત જાતિઓમાંથી ધોબી, મુસહર, નટ, ડોમ સહિતની ૧૮ જાતિઓને મહાદલિતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. દલિતોમાં આ જાતિઓની વસતી લગભગ ૧૩ ટકા જેટલી છે. વળી ચમાર અને પાસી જાતિઓને પણ તેમાં સમાવી લેવામાં આવી હતી. હવે માત્ર પાસવાન જાતિ જ મહાદલિતની બહાર છે જેને લોક જનશક્તિ પાર્ટીની વોટબેંક ગણવામાં આવે છે. ઉપેન્દ્ર કુશવાહા કોઇરી સમુદાયમાંથી આવે છે. બિહારમાં આ સમુદાયના લગભગ ત્રણ ટકા વોટ છે. જ્યારે આરજેડીની વોટબેંક યાદવ અને મુસ્લિમ છે. બિહારની કુલ વસતીમાં ૧૬ ટકા મુસ્લિમ અને ૧૪.૪ ટકા યાદવ વસતી છે. આ ઉપરાંત દલિત અને પછાત વર્ગોમાં પણ લાલુપ્રસાદ યાદવની પહોંચ સારી છે. 

એક સમયે નીતીશ કુમારના નિકટના વર્તુળમાં રહી ચૂકેલા કુશવાહાએ ૨૦૧૩માં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીની રચના કરી હતી. જોકે નીતીશ કુમાર ફરી વખત એનડીએમાં જોડાયા ત્યારે કુશવાહાને ગમ્યું નહોતું. એનડીએમાં પોતાનું મહત્ત્વ જળવાઇ રહે એ માટે કુશવાહા અવારનવાર નિવેદનો આપીને ભાજપને ચેતવણી આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ નીતીશ કુમાર સામે ગજ ન વાગતા છેવટે કુશવાહા એનડીએ છોડીને મહાગઠબંધનમાં જોડાયા હતાં. જોકે લોકસભાની ચૂંટણી પૂરી થયે એક વર્ષ થયું છે ત્યાં જ તેમનો મહાગઠબંધનથી પણ મોહભંગ થઇ ચૂક્યો છે. 

અત્યાર સુધી ચૂંટણીપ્રચારમાં એનડીએનો હાથ ઉપર જણાતો હતો પરંતુ પહેલા તબક્કાના મતદાન પહેલા મતદારોમાં મહાગઠબંધન તરફ ઝોક વધી રહ્યો હોય એમ જણાય છે. મહાગઠબંધનમાં આરજેડી અને કોંગ્રેસ ઉપરાંચ ડાબેરી પક્ષો પણ છે. મહાગઠબંધનમાં થયેલી બેઠકોની ફાળવણી અનુસાર આરજેડી ૧૪૪ બેઠક પરથી તો કોંગ્રેસ ૭૦ બેઠક પરથી ચૂંટણી લડશે. ડાબેરીઓના ફાળે ૨૯ બેઠક ગઇ છે.

 વર્ષ ૨૦૧૫ની વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી ૧૦૧, જેડીયૂ ૧૦૧ અને કોંગ્રેસ ૪૧ બેઠકો પર ચૂંટણી લડયાં હતાં. એ વખતે જેડીયૂ મહાગઠબંધનનો ભાગ હતી પરંતુ હવે તે ફરી જૂના સહયોગી ભાજપ સાથે છે. 

રામવિલાસ પાસવાનના અવસાન બાદ તેમના પુત્ર ચિરાગ પાસવાને એનડીએથી છેડો ફાડીને એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચિરાગ પાસવાનના નિર્ણય બાદ એનડીએની વોટબેંકમાં ગાબડું પડવું નક્કી છે. એનડીએના નેતાઓની રેલીઓમાં લોકોની પાંખી હાજરીથી ભાજપ અને જેડીયૂમાં ચિંતા પ્રસરી રહી છે. બીજી બાજુ આરજેડીની રેલીઓમાં ભીડ જોવા મળી રહી છે. જોકે રાહુલ ગાંધીના આગમન બાદ પણ કોંગ્રેસની છાવણીમાં જુસ્સો જણાતો નથી. સૌના આશ્ચર્ય વચ્ચે ડાબેરીઓની રેલીઓમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો