મફત રસીની ચૂંટણી કથા ભેંસ ભાગોળે-છાશ છાગોળે
- તેજસ્વીની વધતી જતી લોકપ્રિયતા જોઇને ભાજપે બિહારમાં મફત કોરોના રસીનો દાવ ખેલ્યો, પરંતુ તેનું બૂમરેંગ થયું હતું
બિહારના ચૂંટણી જંગમાં એનડીએના ચૂંટણી ઢંઢેરાએ વિવાદ ઉભો કર્યો છે. ઢંઢેરામાં લખ્યું છે કે અમારી સરકાર એટલેકે નિતીશ કુમાર ફરી મુખ્ય પ્રધાન બનશે તો કોરોનાની રસી દરેકને મફત આપવામાં આવશે. ભારતના રાજકારણમાં આવા નુસખા બહુ લાંબા નથી ચાલતા.પરંતુ કોરોના કાળમાં દરેકની નજર જ્યારે રસી પર રહેલી છે ત્યારે તે મફતમાં આપવાની જાહેરાત સૌનું ધ્યાન ખેંચે તે સ્વભાવિક છે.
આ મફત જાહેરાત અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ થઇ છે પરંતુ ફરિયાદ કરનાર પક્ષે જ બીજા દિવસે પોતે પણ મફત રસી આપશે એવી જાહેરાત કરી દીધી છે. કોરોનાથી દરેક બચવા મથે છે. રાજા હોય કે રંક દરેકને કોરોનાએ ડંખ મારેલો છે. કોરોના જ્યારે જીવલેણ બને છે ત્યારે લોકોમાં ફફડાટ વધે તે પણ સ્વભાવિક છે.
બિહારના ચૂંટણી જંગમાં મતદારોને લલચાવવા અનેક વચનો રાજકીય પક્ષો આપી રહ્યા છે. દરેક ચૂંટણીમાં દરેક વચનો તોડવા માટેજ હોય છે તેમ જાણતા હોવા છતાં લોકો તેને હર્ષ ભેર આવકારતા હોય છે. બિહારનો જંગ ઝનૂની બની રહ્યો છે. કેમકે પોતાને સુશાન વીર કહેતા મુખ્ય પ્રધાન નિતીશ કુમાર આ વખતે બહુ ગાજી શકે એમ નથી. આ પ્રકારની જાહેરાતો સામે ચૂંટણી પંચ વાંધો ઉઠાવી શકે એમ નથી કેમકે પંચના દાંત અને નહોર કાઢી લેવાયા છે. નિતીશ કુમાર પાસે આ વખતે મતદારોને પ્રલોભન આપવા કશું નથી એટલેતો બિહારમાં ભાજપે બાજી સંભાળી લીધી હતી અને રાતોરાત પ્રચાર વેગીલો બનાવ્યો હતો. વિપક્ષના ગઠબંધનમાં લાલુ પુત્ર તેજસ્વિ યાદવ સૌથી સક્રીય છે.
તેમની જાહેર સભાઓમાં કિડીયારૂં ઉભરાતું જોઇને સત્તાધારી પક્ષનું જોડાણ એનડીએ ખળભળી ઉઠયું હતું. એટલે તો મતદારોનું ધ્યાન ખેંચવા કોરોનાની રસી મફત આપવાની જાહેરાત કરી હતી. જેવી એનડીએ મારફતે જાહેરાત થઇ કે તરતજ તેજસ્વિ યાદવે કહ્યું હતું કે એમાં શું ધાડ મારવાની છે અમે પણ મફત રસી આપીશું.
કેટલાક સળગતા પ્રશ્નો જેવાંકે બેરોજગારી અને મોંઘવારીનું સોલ્યુશન નિતીશ કુમાર પાસે નહોતું. કોરોના કાળથી ત્રસ્ત લોકોને બિહારના વિપક્ષો ખાસ કરીને લાલુ પ્રસાદ યાદવે સ્થાપેલા રાષ્ટ્રીય જનતા દળે ૧૦ લાખ સરકારી નોકરીઓનું વચન આપ્યું છે. ૧૦ લાખ નોકરીનું વચન જોઇને નિતીશ કુમારથી લોકો દુર થવા લાગ્યા છે અને વિપક્ષ તરફ ઢળવા લાગ્યા છે. નિતીશ કુમાર પાસે આ વખતે મતદારોને પ્રલોભન આપવા કશું નથી એટલેતો બિહારમાં ભાજપે બાજી સંભાળી લીધી હતી અને રાતો રાત પ્રચાર વેગીલો બનાવ્યો હતો. પરંતુ આ વખતે વિપક્ષોના ગઠબંધને પ્રચારનો હવાલો તેજસ્વિ યાદવને સોંપીને તેમને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેના પિતા ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં હોય અને જેના કુટુંબમાં સત્તા માટે ખોંચતાણ છે તે બિહારને કેવી રીતે સંભાળી શકે જેવી તમામ દલીલોને તેજસ્વિએ ઉઠાવેલા ૧૦ લાખ લોકોને સરકારી નોકરી વાળા મુદ્દાએ બાજુ પર હડસેલી દીધી છે.
તેજસ્વિની વધતી જતી લોકપ્રિયતા જોઇને ભાજપે બિહારમાં મફત કોરોના રસીનો દાવ ખેલ્યો હતો. પરંતુ તેનું બૂમરેંગ થયું હતું. કોરોનાથી લોકો ડરે છે તે વાત સાચી પણ લોકોને રોજગારી પણ જોઇએ છે તે હકિકત સમજવામાં ભાજપવાળા થાપ ખાઈ ગયા હતા.કોરોનાનો ડર બિહારમાં ક્યાંય દેખાતો નથી. દરેક જાહેર સભાઓમાં લોકો ઉમટે છે ભાગ્યેજ કોઇ માસ્ક પહેરતાં હોય છે અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવામાં તો કોઇ સમજતું નથી.
કોરોના રસી ક્યારે આવશે તેની કોઇને ખબર નથી પણ તેને મફત આપવા બાબતે અત્યારથીજ ઉહાપોહ શરૂ કરી દેવાયો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરએેે કહ્યું હતું કે જો બિહારને મફત રસી આપવામાં આવે તો શું બીજા રાજ્યો બાંગ્લાદેશમાં આવેલા છે?અનેક લોકોએ મફત રસી બાબતે પોતાના અભિપ્રાયો આપ્યા છે. દરેકનો મત એવો છે કે બિહારને મફત રસીની લોલીપોપ બતાવાઇ છે.
બિહારની ચૂંટણીઓના પરિણામો ૧૦મી નવેમ્બરે છે. કોણ જીતશે તે બાબતે આ તબક્કે કંઇ કહી શકાય એમ નથી. પરિણામો પોતાની તરફ કરવા એનડીએએ કરેલી મફત રસી માટેની જાહેરાત મતદારો પર કોઇ પ્રભાવ ઉભો કરી શકી નથી. રાજકારણીઓ બહુ ઉસ્તાદ હોય છે. રસી હજુ શોધાઇ નથી, તેનું ત્રીજા તબક્કમાં પરિક્ષણ ચાલે છે. છતાં તેને મફત આપવાની જાહેરાતને તેમજ તેના વિવાદને ભેંસ ભાગોળે અને છાશ છાગોળે અને બિહારમાં ધમાધમ સાથે સરખાવી શકાય...
Comments
Post a Comment