દિલ્હીની વાત : મોદીને કોંગી નેતાએ 'ઠગ' કહેતા ભાજપને ચૂંટણીમાં ફાયદો


નવીદિલ્હી, તા.29 ઓકટોબર 2020, ગુરુવાર

કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ નરેન્દ્ર મોદીને 'ઠગ' કહેતાં બિહારમાં ભાજપના નેતા ખુશ છે. મોદી પોતાની સામેની ટીકાઓ અને ગાળોનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરીને લોકોની સહાનુભૂતિ જીતવામાં માહિર છે. બિહાર ભાજપના નેતાઓને પાકો ભરોસો છે કે, મોદી હવે પછીની ચૂંટણી સભાઓમાં કોંગ્રેસીઓ પોતાને 'ઠગ' ગણાવે છે એ મુદ્દાને ઉઠાવીને ભાજપને ફાયદો કરાવશે. મણિશંકર ઐયરે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મોદીને 'નીચ આદમી' કહ્યા તેનો લાભ લઈને મોદીએ પાસુ પલટી નાંખ્યું હતું. મોદી 'ઠગ' કોમેન્ટનો ઉપયોગ બિહારમાં એ રીતે જ કરશે એવો તેમને પાકો વિશ્વાસ છે. મોદીને 'ઠગ' કહેનારા પાંધી એઆઈસીસી ડિજિટલ કોમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાના નેશનલ કો-ઓડનેટર છે. પાંધી વિવાદાસ્પદ ટ્વિટ કરવા માટે જાણીતા છે. કોંગ્રેસના નેતાઓને પાંધીએ કરેલા બફાટનો ખ્યાલ આવી ગયો તેથી આ ટ્વિટ પછીથી પાંધીના એકાઉન્ટ પરથી ગાયબ થઈ ગઈ પણ એ પહેલાં તેના સ્ક્રીન શોટ વોટ્સએપ પર વાયરલ થઈ ગયા હતા એ જોતાં કોંગ્રેસ-આરજેડીના મહાગઠબંધનને પાંધીની ટ્વિટ નડે એવા અણસાર છે.

અમિત શાહ અંગે ભાજપના નેતાઓ બિલકુલ ચૂપ

દિલ્હીનાં રાજકીય વર્તુળોમાં અમિત શાહની તબિયતનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ગુરૂવારે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થતાં અમિત શાહે ટ્વિટ કરીને શ્રધ્ધાંજલિ આપી પોતાનો આદર વ્યક્ત કર્યો પણ કેશુભાઈ પટેલની અંતિમવિધીમાં હાજરી ના આપી. શાહ હાલમાં અમદાવાદમાં જ હોવાનું મનાય છે છતાં અંતિમ વિધીમાં હાજર ન રહ્યા એ મુદ્દાને તેમની તબિયત સાથે જોડવામાં આવી રહ્યો છે. ભાજપના નેતા આ મુદ્દે બિલકુલ ચૂપકીદી સેવી રહ્યાં છે. શાહ હાલમાં ક્યાં છે અને શું કરે છે એ મુદ્દે પણ ભાજપના નેતા કશું બોલવા તૈયાર નથી. શાહ ગૃહ મંત્રાલયમાં દેખાતા નથી કે સરકારની બેઠકોમાં હાજરી આપતા નથી. બિહાર જેવા મહત્વના રાજ્યના ચૂંટણી પ્રચારમાં પણ સક્રિય નથી તેના કારણે પણ તેમની તબિયતનો મુદ્દો વધારે ચગ્યો છે. ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, ભાજપના ગણતરીના નેતાઓને બાદ કરતાં તેમનો કોઈની સાથે સંપર્ક નથી. શાહ ઓગસ્ટ મહિનામાં કોરોનાનો ભોગ બન્યા પછી તેમની તબિયતનો મુદ્દો સતત ચર્ચાયા કરે છે.

ગડકરીના આક્રોશનું નિશાન પીએમઓના અધિકારીઓ

મોદી સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) બ્યુરોક્રસીને 'નાલાયક, નિકમ્મી ઔર ભ્રષ્ટ' ગણાવી તેના કારણે ખળભળાટ મચ્યો છે. ગડકરીએ તો એવું પણ કહ્યું કે, પોતાના મંત્રાલયના પ્રધાનોનું પણ નહીં સાંભળતા આ અધિકારીઓને તગેડી મૂકવાની જરૂર છે.

એક અઠવાડિયાના ગાળામાં બીજી વાર એવું બન્યું છે કે, મોદી સરકારના કોઈ પ્રધાને અધિકારીઓ સામે આ રીતે જાહેરમાં આક્રોશ ઠાલવ્યો હોય. આ પહેલાં કિરેન રિજિજુએ ૧૩ વર્ષ પહેલાં મંજૂરી મળવા છતાં જવાહર નવોદય વિદ્યાલયનું નિર્માણ નહી કરનારા અધિકારીઓની વિરૂધ્ધ ટ્વિટ કરી હતી.

ભાજપનાં સૂત્રોના મતે, ગડકરીએ ભલે નિશાન એનએચએઆઈના અધિકારીઓને બનાવ્યા પણ તેમનો બળાપો પીએમઓ સામે છે.  એનએચએઆઈ રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલયની નોડલ એજન્સી છે પણ સ્વાયત્ત છે. તેને સીધા પીએમઓમાંથી આદેશો મળે છે તેથી એ ગડકરીને ઘોળીને પી ગઈ છે. પીએમઓના અધિકારીઓનું સુરક્ષા કવચ હોવાથી પોતાને કશું નહીં થાય એવો આ અધિકારીઓને વિશ્વાસ છે તેથી ગડકરીને ગણકારતા જ નથી.

મધ્ય પ્રદેશમાં મુસ્લિમ ઉમેદવારોથી કોંગ્રેસ ચિંતામાં

મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં જ દિગ્વિજયસિંહનો એ ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં દિગ્વિજય ગ્વાલિયર બેઠકના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રોશન મિર્ઝાને વિધાનસભાની ચૂંટણીમાંથી ખસી જવા કહે છે.

દિગ્વિજય મિર્ઝાને કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ આપવાની જવાબદારી પણ લે છે. મિર્ઝા એક તબક્કે દિગ્વિજયને 'મહારાજ' કહીને સંબોધે છે તો દિગ્વિજય કહે છે કે, ' મૈં કહી મહારાજ નહી હૂં, વો સિંધિયા ઓર વે સબ હૈં, મુઝે મહારાજ મત કહો.'

દિગ્વિજયના ઓડિયોના કારણે ભાજપને કોંગ્રેસ સામે હથિયાર મળ્યું છે. કોંગ્રેસ ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ મૂકે છે ત્યારે દિગ્વિજય શું કરી રહ્યા છે ? કોંગ્રેસે એમ કહીને બચાવ કર્યો છે કે, કોઈને ઉમેદવારી પાછી ખેંચાવવી અને ધારાસભ્યોને ખરીદવામાં ફરક છે.

વિશ્લેષકોના મતે, દિગ્વિજયનો આ ઓડિયો એ વાતનો પુરાવો છે કે સપા તથા અન્ય મુસ્લિમ ઉમેદવારોના કારણે કોંગ્રેસ ડરેલી છે. કોંગ્રેસને મુસ્લિમ મતોમાં વિભાજનના કારણે ફટકો પડશે એવો ડર સતાવે છે તેથી દિગ્વિજયે મેદાનમાં આવવું પડયું છે.

ગેહલોતે સ્કૂલોની 40 ટકા ફી માફ કરી દીધી

લોકડાઉનના કારણે બંધ સ્કૂલો ક્યારે ખૂલશે તે નક્કી નથી ત્યારે રાજસ્થાનમાં ગેહલોત સરકારે આ મુદ્દાનો ઉપયોગ પોતાની લોકપ્રિયતા વધારવા કરી લીધો છે. ગેહલોતે તમામ ખાનગી સ્કૂલોની ફીમાં ૪૦ ટકા કાપનો નિર્ણય લઈને વાલીઓએ આખા વર્ષની ફી ભરવાના બદલે ૪૦ ટકા ઓછી ફી ભરવી એવો આદેશ ગેહલોત સરકારે આપી દીધો છે. નવેમ્બર મહિનામાં સ્કૂલો ખૂલે પછી જ ફી લેવો આદેશ પણ આપ્યો છે.

સીબીએસઈએ અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો કાપ મૂકીને ૩૦ ટકા ઓછી ફી લેવા કહ્યું છે. આ તર્કના આધારે ગેહલોત સરકારે ૪૦ ટકા અભ્યાસક્રમ ઓછો કર્યો હોવાથી ૪૦ ટકા ફી માફ કરી દીધી છે. જે બાળકોએ ઓનલાઈન ક્લાસ નથી ભર્યા તેમણે તો ફી જ નહીં ચૂકવવી એવો આદેશ પણ ગેહલોત સરકારે આપ્યો છે.

સચિન પાયલોટના બળવા પછી ગેહલોત એક પછી એક લોકપ્રિય નિર્ણયો લઈને પોતાની તાકાત વધારવામાં પડયા છે. ગેહલોતના નિર્ણયના કારણે દેશનાં બીજાં રાજ્યોમાં પણ ઓછામાં ઓછી ૪૦ ટકા ફી ઘટાડવાની માંગ ઉઠશે.

અંબાણીની નજીક મનાતાં અન્નુના કોંગ્રેસના રામ રામ

યુપીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં અખિલેશ યાદવ પોતાની તાકાત વધારવામાં પડયા છે. માયાવતીની બસપાના સાત ધારાસભ્યોને તોડયા પછી હવે તેમણે કોંગ્રેસમાં ધાપ મારી છે. ઉન્નાવનાં ભૂતપૂર્વ સાંસદ અન્નુ ટંડને ગુરૂવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ટંડન તેમની નવી રાજકીય ઈનિંગ્સ સમાજવાદી પાર્ટીમાંથી શરૂ કરશે એ નક્કી મનાય છે. ટંડને હજુ સત્તાવાર જાહેરાત કરી નથી પણ એકાદ-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થઈ જશે. અન્નુએ ૨૦૦૯માં ઉન્નાવમાંથી લોકસભાની ચૂંટણી જીતીને સૌને આશ્ચર્યમા મૂકી દીધા હતા.  

અન્નુ ટંડનની કોંગ્રેસમાંથી વિદાયના કારણે રાજકીય રીતે કોંગ્રેસને બહુ નુકસાન થાય એવી શક્યતા નથી પણ સમાજવાદી પાર્ટીને ચોક્કસ ફાયદો થશે. ટંડન પરિવારની દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના જૂથ સાથેની નિકટતા જાણીતી છે.  અન્નુના પતિ સંદીપ ટંડન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની નોકરી છોડીને રીલાયન્સમાં જોડાયા હતા. અન્નુ પણ રીલાયન્સની કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર હતાં. તેમના બંને પુત્ર પણ મુકેશ અંબાણી સાથે કામ કરે છે. અંબાણી પરિવાર સાથેની અન્નુની નિકટતા સપાને આથક ફાયદો કરાવી શકે છે. 

***

બિહારમાં બાવન ટકા ઉમેદવારો 40 વર્ષ કરતાં ઓછી વયના

ગઇ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પુરો થયો જેમાં ૭.૧૮ કરોડ લોકોએ મત આપ્યા. બુધવારના મતદાનમાં બાવન ટકા ઉમેદવારો ૪૦ વર્ષ કરતાં ઓછી વયના હતા, એમ એડીઆર નામની સંસ્થાના રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું. છેલ્લા ત્રણ દાયકાથી બિહારના રાજકારણમાં  પ્રભૂત્વ ધરાવતા ત્રણ દિગ્ગજ નેતાઓ આ વખતે ચૂંટણીમાંથી ગાયબ છે. રાજદના લાલુ પ્રસાદ યાદવ રાંચીની જેલમાં છે. રામ વિલાસ પાસવાન તાજેતરમાં જ અવસાન  પામ્યા હતા. તેમના વારસદારોએ પક્ષને યોગ્ય રીતે નેતૃત્વ પુરૂં પાડયું નથી. છતાં તેઓ તાજેતરના દિવસોમાં મતદારોમાં લોકપ્રિયા બની રહ્યા છે. આ જોઇને ભાજપના પીઢ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું તેજસ્વી યાદવને કહ્યું હતું ' આ બધું શુ ચાલી રહ્યું છે'તેજસ્વીના રાજદના પોસ્ટરોમાંથી  માતા-પિતાના ફોટા ગાયબ છે જેમણે પંદર વર્ષ સુધી બિહારમાં શાસન કર્યું હતું. શું તેઓ તેમના માતા-પિતાના કારણે શરમ અનુભવે છે?'.એમ તેમણે પુર્ણીયાના એક સભામાં કહ્યું હતું. તેના જવાબમાં રાજદના પ્રવકતા મનોજ ઝાએ કહ્યું હતું કે 'લાલુ પ્રસાદ વગર અમે પક્ષની કલ્પના પણ કરી શકતા નથી.પરતું અમે લોકલાગણીની સાથે છીએ. લોકો નીતિશ કુમારના જવાબમાં તેજસ્વી યાદવને પસંદ કર્યો હતો. તેજસ્વી જ એનો જવાબ છે.

પોસ્ટરમાંથી પાયલોટનો ફોટો ગાયબ

રાજસ્થાનમાં આગામી મહિનાઓમાં યોજાનારી  મ્યુ.કોર્પો.ની ચૂંટણી માટેના વિઝન ડોક્યુમેન્ટમાંથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટનો ફોટો મૂક્યો નથી. આ જોઇ કોંગ્રેસના અનેક નેતાઓ અને કાર્યકરોને આઘાત લાગ્યો હતો.

 ડોક્યુમેન્ટ વિઝનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતનો ફોટો છે, નવા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતાસરાનો ફોટો છે અને શહેરી વિકાસ મંત્રી  શાંતિ ધારીવાલના ફોટો છે.પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટનો ફોટો નહતો. રાજ્ય કક્ષાના મંત્રી પ્રતાપ ખાચરિયાવાસે કહ્યું હતું 'પાયલોટ ના તો નાયબ મુખ્યમંત્રી છે કે ના તો પ્રદેશ અધ્યક્ષ. તો અમે શા માટે તેમનો ફોટો મૂકીએ? ઉલ્ટાનું તેમણે તો રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વસંુધરા રાજેનો ફોટો ભાજપના વિઝનમાંથી ગાયબ કેમ એવા સવાલ પૂછ્યો હતો.

દરમિયાન પાયલોટને મધ્ય પ્રદેશમાં પ્રચારની જવાબદારી સોંપાતા તેઓ મદ્ય પ્રદેશ ગયા હતા.

પાટનગરમાં કોરોના કેસ ચેતવણી સમાન

 બુધવારે દિલ્હીમાં કોરોનાના ૫૦૦૦ ઉપરાંત નવા કેસો સામે આવ્યા હતા જે ભારતમાં કોરોનાવાઇર સત્રાટક્યો ત્યાર પછી સૌથી વધુ હતા. આમ દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૩.૭ લાખ પર પહોંચી ચૂકી છે. એક જ દિવસમાં ૪૦ લોકો મૃત્ય પામ્યા હતા. આ સાથે જ દિલ્હીમાં ૬૩૯૬ લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. મંગળવારે દિલ્હીમાં ૪૮૫૨ નવા કેસ આવ્યા હતા અને ૪૪ લોકોના  મોત થયા હતા.

 અગાઉ ૧૬ સપ્ટેમબરે૪૪૭૩ કેસો નોંધાયા હતા. જૂન- જુલાઇ પછી રાષ્ટ્રીય પાટનગરમાં આ ંસખ્યા ખુબ વધારે મનાય છે. નીતિ આયોગના એક સભ્ય ડો. વી.કે. પૌલે અગાઉ કહ્યું હતું કે દિલ્હીમાં શિયાળામાં દરરોજના ૧૫૦૦૦ કેસો આવી શકે છે. દિવાળીનો તહેવાર નજીક આવતા પ્રદુષણ વધશે અને સોશિયલ ડિસેટન્સ જેવું કંઇ રહેશે જ નહીં.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો