ઝૂમ પર વર્ચ્યુઅલ બેસણા માટે ફાવટ : લોકોએ નવું અપનાવ્યું
- મૃત્યુ પછીની જે વિધિઓ સમાજ સુધારકો કાઢી શક્યા નહોતા તેને કોરાનાએ એક ઝાટકે કાઢી નાખી હતી
કોરોનાની પકડમંા કોઇ ફેર પડયો નથી પરંતુ મૃત્યુ પછી યોજાતા બેસણાની સિસ્ટમ લોકો છોડવા તૈયાર નથી તે દેખાઇ આવે છે. ટેલિફોનિક બેસણું, ડ્રાઇવ-યુ, વોક-યુ કે ઝૂમ જેવા પ્લેટફોર્મ પર બેસણા યોજાવા લાગ્યા છે. સરકારે બેસણા માટે બહુ ઓેછા લોકોની છૂટ આપી હોઇ નવતર સિસ્ટમ ઉભી કરાઇ રહી છે. જોકે આવા બેેસણા લોકોને પસંદ નથી પડતા પરંતુ તેને સ્વિકારવા પડે છે. ટેલિફોનિક બેસણાનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં ટૂંકમા દિલાસો આપવાનો હોય છે કેમકે પાછળ બીજા કોલ વેેઇટીંગમાં હોય છે.
ઓનલાઇન મિટિંગ પ્લેેટફોર્મ ઝૂમ પરના બેસણાં યોગ્ય લાગી રહ્યાં છે. જેમાં દરેને ઇન્વાઇટ કરાય છે . લોકો પોતાના ૈંઘેર બેસીને ઝૂમ પર ભાગ લઇ શકે છે. દરેક બોલીને અંજલિ આપી શકે છે તે તો ઠીક પણ બીજાઓની અંજલિ સાંભળી પણ શકે છે. સામસામે ચર્ચા પણ થઇ શકે છે. ઝૂમ જેવા અન્ય પ્લેટફોર્મ પણ છે પરંતુ ઝૂમમાં વધુ લોકોને સમાવી શકાય છે.
તેમાં એડવાન્સમાં સમય ફિક્સ કરાય છે અને ભાગ લેવા માંગતા લોકોને પાસવર્ડ મોકલી અપાય છે. લોકો બેસણાની જાહેરાતમાંજ ઝૂમનેા પાસવર્ડ અને સમય આપતા થઇ ગયા છે.
કોરોનાએ મૃત્યુ પછીની વિધિઓનો ખાત્મો બોલાવી દીધો છે. દરેક વર્ગને કોરાનાએ એક પંગતમાં લાવીને બેસાડી દીધા છે. મૃત્યુ પછીની બે વિધિઓ દરેક સમાજમાં જોવા મળતી હતી. ગરૂડ પુરાણ કે ગીતાજી બેસાડવાનો રિવાજ દેખાડા પુરતોજ રહ્યો હતો એમ બારમા-તેરમાનું હતું. મૃત્યુ પછીની આખી સિસ્ટમ મૃતકના નજીકના સગાંઓને એકલવાયું ના લાગે એેટલા માટે આપણા પૂર્વજોએ ઉભી કરી હતી. ત્યારે વાહનોની સવલતો ઓછી હતી એટલે દરેક એકાદ અઠવાડીયું રહેવાની પ્રથા અપનાવતા હતા. હવે તો લોકો મુંબઇ બેસણામાં જઇને એકજ દિવસમાં પાછા ફરે એવી વ્યવસ્થા ઉભી થઇ છે.
સ્પીડ અને સ્પર્ધાના યુગમાં કોઇને ત્યાં લાંબો સમય રોકાવાની વ્યવસ્થાનો છેદ ઉડી ગયો હતો. આ સ્થિતિમાં બારમું-તેરમું પણ અંગત લોકો માટેજ અમલમાં રહ્યું હતું. સરવણી જેવા શબ્દોની ઓળખ નવી પેઢીના મનમાં ઉતારવી મુશ્કેલ બની ગઇ હતી. નદી પર જઇને વિધિ કરવામાં પણ નવી પેઢીને સમજાવવી પડતી હતી. પિંડદાન જેવી વિધિઓ યંત્રવત થયા કરતી હતી.
આવી સ્થિતિ કોરોના કાળ પહેલાની હતી. કોરોનાના સમય ગાળામાં મૃત્યુ પછીની અનેક વિધિઓ પર ફરજીયાત કાપ મુકવો પડયો છે. એેક રીતે જોવા જઇએ તો જે વિધિઓ સમાજ સુધારકો કાઢી શક્યા નહોતા તેને કોરાનાએ એક ઝાટકે કાઢી નાખી હતી. મૃત્યુ પછી યોજાતા બેસણા પરથી મૃતક કેટલા લોકપ્રિય છે તેનો અંદાજ બાંધવામાં આવતો હતો. બેસણું પણ નવતર રીતે ગોઠવાતું હતું. પૈસાદાર લોકો બેસણા માટે પણ ઇવેન્ટ મેનેજરો ગોઠવતા હતા.
શણગારેલો હોલ હોય અને કર્ણપ્રિય સંગીત વાગતું હોય, બગલાની પાંખ જેવા સફેદ કપડાં લોકોએ પહેર્યા હોય અને બહુ લોકો આવ્યા હતા એવું મૃતકના સગાઓ ગૌરવ ભેર કહેતા હોય છે. આવનાર સૌને યાદગીરી રૂપે તુલસીનો છોડ કે ગીતાજી આપવામાં આવે છે. આ રીતે બેસણા દેખાદેખીની સ્ટાઇલમાં આવી ગયા હતા. કેટલાંક લોકો એવી નોંધ મુકતા હતા કે મૃતકની ઇચ્છા અનુસાર બેસણામાં કોઇએ સફેદ કપડાં પહેરીને આવવું નહીં. બેસણા ખર્ચાળ બનતાં જતા હતા. જોકે કોરાનાએ મૃત્યુને મામુલી બનાવી દીધું છે.
મૃત્યુ પછીની વિધિઓને તો લોકો સામે ચાલીને ના પાડી રહ્યા છે. જ્યારે વિધિ કોરોનાના ડર વચ્ચે થતી હોય ત્યારે તેમાં લોકોનું મન બહુ ચોંટતું નથી દરેક ડરના માહોલ વચ્ચે હાજર રહેતા હોય છે પરંતુ ઝૂમ વગેરે પર કોરનાનો કોઇ ડર રહેતો નથી. જે લોકો પાસે સ્માર્ટ ફોન છે તેમના માટે ઝૂમ બેસણા આશિર્વાદ સમાન પુરવાર થઇ રહ્યા છે.
માર્કેટીંગ સાથે સંકળાયેલા લોકો વિવિધ સ્થળે રહેલા કંપનીના સેલ્સમેનોને સલાહ સૂચનો આપવા ઝૂમનો ઉપયોગ કરતા હોય છે. હવે ઓનલાઇન બેસણા માટે ઝૂમ વપરાતું થઇ ગયું છે.વર્ચ્યુઅલ બેસણા માટે ઝૂમ સાથે લોકો ટેવાઇ ગયા છે.
Comments
Post a Comment