કાશ્મીરમાં પીડીપી ભંગાણ


પીડીપીના ત્રણ નેતાઓએ પક્ષના વડા મહેબુબા મુફ્તિના વિરોધમાં રાજીનામુ આપી દીધું છે. ૩૭૦મી કલમ નાબૂદી પછી જમ્મુ અને કાશ્મીરને કેન્દ્ર સરકાર કંઈક પરદામાં રાખે છે. મહેબૂબા કહ્યું કે કાશ્મીરનો અગાઉનો દરજ્જો અમે પાછો લાવીશુ અને ત્યાં સુધી હું દેશનો કોઈ ધ્વજ મારા હાથમાં ધારણ નહિ કરું.

આ સાંભળીને ભાજપના કાર્યકરોએ પીડીપીના જ્યાં જ્યાં કાર્યાલયો છે ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને ભારે દેખાવો કર્યા. પીડીપીના જે ત્રણ નેતાઓએ રાજીનામા આપ્યા તેમણે કહ્યું કે મહેબૂબા દ્વારા રાષ્ટ્રનું અપમાન અમે સહન નહિ કરીએ. એ કહેવાની જરૂર નથી કે એ રાજીનામા ભાજપના ઇશારે જ પડયા છે. ભાજપે અહીં પણ તૈયાર માલની ખરીદી શરૂ કરી છે. કાશ્મીરની માટીમાં ઊંડા મૂળ ધરાવતા નેતાઓને ભાજપ તબક્કાવાર પોતાના તરફ ખેંચે છે.

કાશ્મીરના સ્થાનિક પક્ષો હવે ડૂબતા જહાજો છે એમ માનીને જે કોઈ ઉંદર કૂદી નીકળે છે એને પોતાનામાં સમાવી લેવા ભાજપે દાલ સરોવરમાં પોતાના હોડકાં તરતા કરી દીધા છે. ભાજપની ગણતરી પીડીપીમાં ભંગાણ કરાવતા રહીને સ્થાનિકનું મહોરું પહેરેલો એક નવો પક્ષ સ્થપાવવાની છે.

જમ્મુ અને કાશ્મીરમાં આંતરિક જનજીવન અત્યારે કેવા અનુભવમાંથી પસાર થઈ રહ્યું છે તે બહિર્જગત માટે એક કલ્પનાનો વિષય છે, કારણ કે કાશ્મીર સંબંધિત સમાચારો પર કેન્દ્ર સરકારની ચાલાકીપૂર્વકની નાકાબંધી છે. એનું કારણ એમ નથી કે સરકાર ભારતીય પ્રજાથી કંઈ છુપાવવા ચાહે છે, પરંતુ ભારત બહારના દેશોનો હસ્તક્ષેપ ઘટાડવા કે દૂર કરવા માટે અપનાવવામાં આવેલી આ એક પ્રણાલિકા છે.

જ્યારથી સરકારે કાશ્મીરમાં કાનૂની અને ભૌગોલિક વિભાજન સંબંધિત ફેરફારો કર્યા ત્યારથી બ્રિટિશ મીડિયાએ તો એના અનેક ડોબરમેનને ભારત વિરોધી અહેવાલો તૈયાર કરવા માટે છુટ્ટા મૂકેલા છે. આઝાદીના છેલ્લા સાત દાયકાનો ઈતિહાસ તપાસો તો ખ્યાલ આવે કે બ્રિટને આજ સુધી તમામ ભારતશત્રુઓને આશ્રય આપ્યો છે અને સતત ભારત વિશે આખી દુનિયાના કાનમાં ઝેર રેડવાની પ્રવૃત્તિ ચાલુ રાખી છે.

પાકિસ્તાનના મિત્ર તરીકે અમેરિકાને ઓળખાવવામાં આવે છે અને બ્રિટન, સાઈડમાં રહી જાય છે. હકીકત એ છે કે પાકિસ્તાનના અનેક ભારત વિરોધી ઈસ્લામિક સ્ટડીઝના વિદ્વાનોને બ્રિટને પોતાની યુનિવસટીઓમાં આશ્રય આપીને સતત ભારતને નુકસાન કરનારી ચિનગારીઓ ચાંપી છે. આજે પણ અલગ ખાલિસ્તાનની ઝુંબેશના જે અંગારાઓ રાખ નીચે ધરબાયેલા છે તે રાખનું નામ પણ બ્રિટિશ સરકાર જ છે. ખાલિસ્તાની કમાન્ડો લંડનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમાંના કેટલાકને તેમની ભારત વિરોધી પ્રવૃત્તિઓના બદલામાં વિવિધ ખિતાબો આપીને નવાજવામાં આવ્યા છે. દુનિયાભરમાં બ્રિટને જ આજકાલ એવી અફવા ફેલાવી છે કે લશ્કરની એડી તળે કાશ્મીરમાં ચકલુંય ફરતુ નથી. જ્યારે કે આ વાત વાસ્તવિકતાથી સાવ વિપરીત છે. કાશ્મીરમાં ફરી નવા જીવનનાં ગીતો વહેતા થઈ ગયા છે.

કાશ્મીરના નવા ઘટનાક્રમમાં મધ્યસ્થીનો મોહ દાખવતા અમેરિકાને પણ ભારતની સરહદો ઓછીવત્તી સળગતી રહે તેમાં રસ છે. પાકિસ્તાન આમ તો અમેરિકાના હાથનું એક ભાંગ્યુતૂટયુ રમકડું જ છે.

પાકિસ્તાનનો ઉપયોગ કરીને અમેરિકાએ ભારતમાં અજંપો ફેલાવવાનો તેનો ગુપ્ત એજન્ડા અદ્યાપિ ચાલુ જ રાખ્યો છે. એ જ રીતે ચીન પણ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં તેના પ્રવાસી લશ્કરી અધિકારીઓને મોકલીને પશ્ચિમોત્તર છેડેથી ભારત પર નજર રાખે છે. હાલની તંગદિલીમાં ચીને પોતાની કેટલીક સૈન્ય ટુકડીઓનો પાક હસ્તકના કાશ્મીરમાં જમાવડો કરેલો છે.

કાશ્મીર સંબંધિત વૃત્તાંતો પર ભારત સરકાર કેટલોક સમય બ્લેકઆઉટ કાયમ રાખશે એમ લાગે છે. લડાખને તો જે જોઈતું હતું તે મળી ગયું એટલે ત્યાં તો પ્રજાજીવનમાં ઉત્સવનો માહોલ રહેવાનો છે. જમ્મુ અને કાશ્મીર સાથે પનારો ન પાડવો પડે એ જ તેમને માટે સુખ છે. આમ પણ છેલ્લા દસ-પંદર વરસથી કાશ્મીર તરફ પ્રવાસ કરવા ચાહતો આખો પર્યટક વર્ગ લેહ-લડાખ તરફ જ વળી ગયો છે.

જમ્મુ અને કાશ્મીરમાં તો અલગાવવાદીઓએ ઘેર ઘેર માટીના ચૂલાની જેમ ઘેર ઘેર એક ભારત વિરોધી ઊભો કરેલો છે. કેટલાક લોકો કહે છે કે નવા ફેરફારોથી કાશ્મીરનું કલ્યાણ થયું છે, પરંતુ કાશ્મીરની પ્રજાને પોતાના કલ્યાણમાં ક્યાં રસ છે? પોતાના સ્વાર્થથી ભટકી ગયેલી પ્રજાને કોઈ પણ ચાલાક નેતા પોતાના હેતુઓ માટે તાણીને લઈ જતો હોય છે એમ ઈતિહાસે પુરવાર કરેલું છે.

કાશ્મીરમાં દેખાય છે એના કરતાં નેતૃત્વની કેડર બહુ વિશાળ છે, એને તોડવાનું કામ સરકાર કે સૈન્યથી થાય નહિ. નવા વાતાવરણના અનુભવો જ એમનો હૃદયપલટો કરાવી શકે. જેમ દત્તક પુત્ર, ઓરમાન માતા અને બીજવરનું સાવ અનોખું મનોવિજ્ઞાાન હોય છે એ રીતે જ કાશ્મીર તો આપણું પોતાનું જ છે, છતાં એની પ્રજાનું મનોવિજ્ઞાાન સાવ અલગ છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો