ભણેલા અભણોની સમસ્યા .
દેશમાં બેરોજગારીનું બાહ્ય ચિત્ર એવું છે કે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરોડો યુવક-યુવતીઓને નોકરી મળી રહી ન હોવાની એમાં બૂમાબૂમ છે. જેઓને નોકરી મળતી નથી અને શૈક્ષણિક યોગ્યતાનો તેઓ દાવો કરે છે તેમની કુશળતાઓનું મૂલ્યાંકન કરવાનો ઉપક્રમ કોઈ હાથ ધરતું નથી. આપણા દેશનું વર્ક કલ્ચર હજુ અનેક પ્રકારના ફેરફારો ચાહે છે.
પોતાના ભાગે આવેલું કામ 'જેમ તેમ પૂરું કરવું' એવો વર્ગ બહુ મોટો છે. પોતાનું કામ સર્વશ્રે રીતે, સમયસર, વિનમ્રતાપૂર્વક અને ઈનોવેટિવ પદ્ધતિથી કરનારાઓ અલ્પસંખ્યક છે. જ્યાં સુધી આ અલ્પસંખ્યકો બહુમતીમાં ન આવે ત્યાં સુધી પ્રગટ અને ગુપ્તએવી બન્ને પ્રકારની દરિદ્રતા પ્રજા જીવનને ઘેરી વળેલી રહેવાની છે.
નોટબંધી, જીએસટી અને કોરોનાને કારણે છુટા થયેલા કારીગરો અને કર્મચારીઓ બીજે ક્યાંય સમાઈ શક્યા ન હોય તો વાંક માત્ર સંયોગોનો નથી. દેશનો આધેડ વયનો એક મોટો સમુદાય કાર્યકુશળતા ગુમાવી ચૂક્યો હતો જેને ઉદ્યોગક્ષેત્રએ એકસાથે પોતાની ઉત્પાદન પ્રક્રિયામાંથી બહાર ફેંકી દીધો. પોતાની મર્યાદાઓ, પ્રમાદ અને કામચોરીના ફળ ભોગવનારાઓ પણ દેશની સરકારને દોષ દેતા જોવા મળે છે.
જો કે તેમના પરિવારો તો એ રહસ્ય જાણતા જ હોય છે કે આપણો સિક્કો ખોટો છે અને ક્યાંય ચાલે એવો નથી. આધેડવયના આ નૂતન બેરોજગાર સમુદાયની વાત છે. હવે નવી પેઢીના બેરોજગારો પર એક નજર નાંખીએ તો કોલેજોમાં પૂર્ણતથ હાજર રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા આપણા દેશમાં ૩૦ ટકાથી વધુ નથી. તો બાકીના ૭૦ ટકા વિદ્યાર્થીઓ કોલેજના વરસો દરમિયાન ક્યાં જાય છે? તેઓ પિતાના પૈસે લીલા લહેર કરે છે.
તેઓને ગુજરાતી પ્રજા બીપીએલ એટલે કે બાપના પૈસે લહેર કહે છે! નવી પેઢીના બેરોજગારોમાં આવા બીપીએલ 'કાર્ડધારકો'ની સંખ્યા પણ બહુ જ મોટી છે. તેઓ ક્યાંય ચાલે એમ નથી. ખોટું બોલીને કે દંભ કરીને કોઈ યુવતીને પોતાની મોહજાળમાં ફસાવીને તેઓ કદાચ લગ્નના ચાર ફેરા ફરી લે તો પણ એમનો સંસાર ચાલતો નથી. ગુજરાતમાં તો દરેક જ્ઞાાતિમાં આર્થિક રીતે ખોટું બોલીને કરેલા લગ્ન ભાંગી પડવાના કિસ્સાઓ છે.
કેટલાક કિસ્સાઓમાં જૂની મૂડી કામ આવે અને વડીલો નવદંપતીને ટકાવે તે વાત જુદી છે. ક્યાંક માતાપિતાના પેન્શનના આધારે પણ નવદંપતીનો ગૃહસ્થાશ્રમ નભે છે, આવા કિસ્સાઓ સમાજમાં ઓછા નથી, પરંતુ અપ્રગટ છે, અને જાહેરમાં એની ચર્ચા ભાગ્યે જ થાય છે, એને કારણે એવા કિસ્સાઓની સંખ્યા વધતી જ જાય છે. મુંબઈ અને સુરતમાં એવા લાખો ગુજરાતી નવદંપતી છે જેમના સંસાર હજુ રાગે પડયા નથી અને એમના જીવનના કોઈ યોગ્ય ઠામ-ઠેકાણા નથી.
દક્ષિણ ભારતમાં પિતા, પુત્રને પૈસા આપે એના બદલામાં તુરત જ કામ લે છે. સહુ ઓછુવત્તુ કમાતા રહે છે. આપણે ત્યાં એક ટકા યુવાવર્ગ એવો છે જે વહેલી સવારે સાયકલ પર દૂધ કે અખબારો વહેંચવા ઘરે ઘરે ફરે છે. વહેલી સવારનું આ કામ એવું છે કે જગત જાગીને પોતાના નોકરી-વ્યવસાય કરવા નીકળે એ પહેલા તેઓ કમાઈ લે છે.
એ નાનકડા ટેકા પર એ છોકરાઓ ઘરનો આધાર બનવાની કે પોતાનો ખર્ચ પોતે જ કમાઈ લેવાની શરૂઆત કરે છે. એમને માટે ભવિષ્યમાં આ દુનિયામાં અનેક ઊંચા આસનો હોવાના નિશ્ચિત છે. પરંતુ સોળ વરસ પૂરા કર્યા પછી જે સંતાનોને તેમના માતા પિતાએ વહેલી સવારે જગાડવા માટે વારંવાર સાદ કરવા પડે છે તેમનું કોઈ ભવિષ્ય નથી.
દેશના યુવા વર્ગમાં વિદ્યાવૃત્તિ ધરાવતો વર્ગ બહુ નાનો છે. મોટાભાગના લોકો ભણેલા અભણની વ્યાખ્યામાં આવે છે. તેમની આંખમાં મનોરંજનના રંગો અંજાયેલા છે, એટલે તેમની દ્રષ્ટિ પોતાનો વર્તમાન કે ભવિષ્ય જોઈ શકતી નથી. લોકડાઉન વખતે હાથમાં પુસ્તક લઈને બેઠેલો યુવાન કોઈએ આડોશ-પાડોશમાં જોયો હોય તો ધન્ય ભાગ્ય. મોબાઈલ ફોન નામક એક યંત્ર દેશના કરોડો યુવાનોને રમાડે છે અને તેમના હાથમાંથી જિંદગીના ઘડતરના મહામૂલા વરસો પડાવી લે છે.
જ્યારે ભાન થાય છે ત્યારે એક યુગ વીતી ગયો હોય છે. દેશની લગભગ તમામ વિદ્યાશાખાઓમાં આ પરિસ્થિતિ છે કે વિદ્યાર્થીને ભણવાની ચાનક ચડતી જ નથી. સહુ ભણવા ખાતર ભણે છે, પરીક્ષા આપવા ખાતર આપે છે અને નોકરી શોધવા ખાતર શોધે છે, એટલે છેવટે આ ત્રણેયના ખાતરથી કોઈ પણ ફસલ તૈયાર થતી નથી અને જિંદગીના ખેતરો ખુલ્લા વેરાન રહી જાય છે.
Comments
Post a Comment