કોમેડી અને ડાયલોગના ખાં

- મા મસ્જિદ મોકલતી તો કબ્રસ્તાન જતા રહેતા, કબર પર બેસીને ઊંચા અવાજે ડાયલોગ બોલતા


ક માટીપુરામાં રહેતો  તેમનો પરિવાર અત્યંત ગરીબ હતો. ધારાવીથી પણ ખરાબ ઝોપડપટ્ટીમાં રહેતા હતા. રેડલાઇટ એરિયા હતો. ખૂનથી લઈને ડ્રગ્સ લગીના બનાવો આંખ સામે બનતા. મા કાદર ખાનને રોજ મસ્જિદ મોકલતી. કાદર કબ્રસ્તાન જતા રહેતા. તેમની પાસે પહેરવા માટે ચંપલ પણ નહોતા. મા તેના પગ જોઈને સમજી જતી કે દીકરો મસ્જિદ નથી ગયો. આ સાહિત્ય છે. તમારી પાસે પહેરવા ચંપલ નથી અને એ અભાવ તમારા પર વૉચ રાખવાનો આધાર બની જાય. આ સાહિત્ય છે. કાદર ખાન આવા સાહિત્યથી ભરેલા હતા. એટલે જ ઉત્તમ સ્ક્રિપ્ટ લખી શક્યા. આ જ સાહિત્યે તેમને ઉત્તમ અભિનેતા પણ બનાવ્યા.  તેઓ માનતા, જે અનેક પ્રકારના દુઃખમાંથી પસાર થયો છે એ જ સારું લખી શકે છે.

શો મી યોર વર્ડ્સમાં કોમી હામે એક કિસ્સો વર્ણવ્યો છે. કાદર ખાનનો પરિવર સખત ગરીબી ભોગવી રહ્યો હતો. એક દિવસ તેઓ કંટાળીને કામની શોધમાં નીકળતા હતા ત્યાં ખભા પર કોઈએ હાથ મૂક્યો. એ હાથ માનો હતો. તેમણે કહ્યું, મને ખબર છે કે તું કમાવા જઈ રહ્યો છે, પણ યાદ રાખ. જો તું મજૂરી કરીશ તો જીવનભર મહિને ત્રણ રૂપિયા જ કમાતો રહીશ. તારા ત્રણ રૂપિયાથી આપણી ગરીબી દૂર નહીં થાય. જો ગરીબી દૂર કરવી હોય તો તારે ભણવું પડશે. માના આ શબ્દોની તેમના પર એટલી ઊંડી અસર થઈ કે ગમે તેમ કરીને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. એક મા જ્યારે આટલું વિચારે ત્યારે છોકરાને પાછળ રહી જવાનું કોઈ કારણ રહેતું નથી. તમે દુનિયા આખી ઘૂમી વળો ને જોવો. એ જ લોકો આગળ છે જેના માતાપિતા અથવા બેમાંથી કોઈ એક સ્ટ્રોન્ગ છે.

પિતા અબ્દુલ રહેમાન ખાન કાબૂલના અને માતા ઇકબાલ બેગમ ભારતના. અબ્દુલ રહેમાન ઇસ્લામિક સ્કોલર હતા. મૌલવી અને પ્રોફેસર. તેમને ચાર સંતાન થયા. શમ્સ ઉર રહેમાન, હબીબુર રહેમાન, ફૈઝલ રહેમાન અને કાદર. કાદર સૌથી નાના હતા. મોટા ત્રણે ભાઈઓ આઠ-આઠ વર્ષના થયા ત્યાં સુધીમાં ગુજરી ગયા. ઇકબાલ બેગમ અને અબ્દુલ રહેમાનને એમ થયું કે આ જગ્યા જ કમનસીબ છે. અહીંથી જતા રહેવું જોઈએ. તેઓ મુંબઈ આવી ગયા. થોડા વર્ષો બાદ બંનેના તલાક થઈ ગયા. માતાએ બીજા લગ્ન કર્યા. બીજો પતિ અત્યંત દુષ્ટ હતો. તે અવાર-નવાર કાદર ખાનને તેના બાપ પાસેથી પૈસા લઈ આવવાનું કહેતો.

સ્કૂલમાં જ્યારે પહેલી વખત નાટકમાં ભાગ લીધો ત્યારે તેમનો અભિનય જોઈને ઑડિયન્સમાં બેઠેલા એક બુઝુર્ગે તેમને ૧૦૦ રૂપિયા આપેલા. કોલેજમાં તેમનું પરફોર્મન્સ જોઈને દિલીપ કુમારે તેમને સંવાદ લખવાની ઑફર કરેલી. તેમણે ૩૦૦ ફિલ્મોમાં કામ કર્યું તેમાંથી ૨૫૦ ફિલ્મોમાં સ્ક્રીપ્ટ રાઇટિંગ પણ કર્યું. મુકદ્દર કા સિકંદર, લાવારિસ, શરાબી, મિ. નટવરલાલ, ખૂન ભરી માંગ, મેં ખિલાડી તુ અનાડી, ગંગા જમના સરસ્વતી, નસીબ, યારાના અને બીજી કંઈ કેટલીય ફિલ્મો. અમિતાભ બચ્ચન અને ગોવિંદાનોની કરિયરમાં તેમની સ્ક્રિપ્ટ્સનું મહત્ત્વનું યોગદાન રહ્યું. તેમની પહેલાના સ્ક્રિપ્ટ રાઇટર્સ અઘરા-અઘરા રૂઢિ પ્રયોગોનો ઉપયોગ કરતા. તેની સામે તેઓ બોલચાલની ભાષામાં સંવાદ લખવાની કળા લઈને આવ્યા. બમ્બૈયા ભાષા પણ ફિલ્મોમાં તેઓ જ લાવ્યા.

મનમોહન દેસાઈ રોટી માટે સારા સ્ક્રિપ્ટ રાઇટરની શોધમાં હતા. તેમને કોઈએ કહ્યું, અહીં સ્મશાનમાં એક યુવાન ઊંચા અવાજે સંવાદ બોલે છે. તે કાદર ખાન હતા. મનમોહન દેસાઈએ કાદર ખાનને એ જમાનામાં સંવાદ લખવાના રૂા.૧,૨૧,૦૦૦ આપેલા. 

તેમના પિતા અરબી ભાષા અને ઇસ્લામિક સાહિત્યમાં અનુસ્નાતક હતા. વિવિધ જગ્યાએ જઈને ધાર્મિક શિક્ષણ આપતા. તેમણે કાદર ખાનને પોતાનો વારસો લેવા કહ્યું.

મને ધર્મનું જરા પણ જ્ઞાાન નથી., કાદર ખાને કહ્યું.

તું બોલીવુડમાં પ્રવેશ્યો એ પહેલા તને બોલીવુડનું જ્ઞાાન હતું? પિતાએ પૂછ્યું.

કાદર ખાન ધાર્મિક અભ્યાસ માટે રેડી થઈ ગયા. આ માટે તેમણે થોડા વર્ષો ફિલ્મોમાંથી બ્રેક પણ લીધો. ૧૯૯૩માં ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક સાહિત્ય અને અરબી ભાષામાં એમએ કર્યું. જીવનના અંતિમ દિવસોમાં અબ્દુલ રહેમાન હોલેન્ડના વિદ્યાર્થીઓને ઇસ્લામ ભણાવતા હતા. તેમણે પુત્રને કહ્યું, તે મને પ્રોમિસ કર્યું છે એ ભૂલતો નહીં. 

મેં પ્રોમિસ નથી કર્યું, પણ હું ઇસ્લામ ભણાવવાની ટ્રાય કરીશ. 

થોડા દિવસોમાં તેઓ જન્નત સિધાવ્યા. કાદર ખાને ઇસ્લામિક કાનૂન અને હદીસ ભણાવવાનું શરૂ કરી દીધું. પિતાની ઇચ્છા પૂરી કરવા માટે તેમણે ઇસ્લામિક શિક્ષણના અલગ-અલગ કોર્સ પણ ડિઝાઈન કર્યા. દુબઈ અને કેનેડામાં કેકે ઇન્સ્ટિટયુટ ઑફ એરેબિક લેન્ગ્વેજ એન્ડ ઇસ્લામિક સ્ટડીઝની સ્થાપના કરી.

આ માણસે ફિલ્મોમાં જેમ અનેક પાત્રો ભજવ્યા, રિયલ લાઇફમાં પણ બિલકુલ એવું જ કર્યું. સિવિલ એન્જિનિયર, પ્રોફેસર, કોમેડિયન, ચરિત્ર અભિનેતા, લેખક, ઇસ્લામિક સ્કોલર. નાના હતા ત્યારે કબ્રસ્તાનમાં જઈને સંવાદ બોલતા. જીવનની ઘટનાઓના સંવાદ. કોઈ શબ, કોઈ આત્મા આ સંવાદ સાંભળી ગયું હશે. તેનું રંજન થયું હશે અને તેને આશીર્વાદ આપી દીધા હશે! (હાહાહા)

અમિતાભ બચ્ચન માટે તેમને ખૂબ પ્રેમ હતો. એક ફિલ્મમાં આ દોસ્તી બિલકુલ ફિલ્મી સ્ટાઇલથી તૂટી. તેઓ અમિતાભને અમિત કહીને બોલાવતા. પ્રોડયુસરે સૂચના આપી, બધાએ તેમને સરજી કહેવાનું. કાદર ખાને ત્યાર પછી પણ અમિત કહેતા તેમને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવ્યા. ગોવિંદા સાથે તેમની જોડી જબરી જામી. કૂલી નંબર વન, હીરો નંબર વન, સાજન ચલે સસુરાલ, દુલ્હે રાજા તો ઝી સિનેમા પર સેંકડો વખત બતાવાઈ હશે અને સેંકડો વખત જોવાઈ હશે. 

શક્તિ કપૂર સાથે પણ તેમની જોડી જામી. બાપ નંબરી બેટા દસ નંબરી યાદ આવી જાય.  તેમનું કોમિક ટાઇમિં એવું કે મોજ પડી જાય. તેમનું પરફોર્મન્સ એકથી વધુ વખત નહીં, વારંવાર જોવું ગમે. આજે આવા અભિનેતા મળવા મુશ્કેલ છે. સારો અભિનય કરવાવાળા કલાકારો ઘણા છે, પણ જે યાદ રહી જાય, જે મગજમાં છાપ છોડી જાય એવા બહુ જ ઓછા. 

ઘર હો તો ઐસામાં બજરંગી કુમાર, બોલ રાધા બોલમાં જુગનુ, મુજસે શાદી કરોગીમાં મિસ્ટર દુગ્ગલ, હસીના માન જાયેગીમાં અમીરચંદ, દુલ્હેરાજામાં કે. કે. સિંઘાનિયા, કૂલી નંબર વનમાં સેઠ હોશિયારચંદ, હમમાં જનરલ ચિત્તોરાઈ પ્રતાપ સિન્હા અને સતરંગી, મિસ્ટર એન્ડ મિસીઝ ખિલાડીમાં બદ્રી પ્રસાદ, બાપ નંબરી બેટા દસ નંબરીમાં રમણ, મેં ખિલાડી તુ અનાડીમાં પોલિસ કમિશનર અને જુડવામાં શર્મા સાબના તેમના પાત્રો સ્મરણપટ પરથી ભૂંસાઈ શકે તેમ નથી. 

અંતે તેમના કેટલાક ડાયલોગ્સ,

ઝિંદગી તો ખુદા કી રહેમત હૈ, જો નહીં સમજા ઉસકી ઝિંદગી પે લાનત હૈ. (નસીબ)

મુહબ્બત કો સમજના હૈ તો પ્યારે ખુદ મુહબ્બત કર, કિનારે સે કભી અંદાઝ-એ-તૂફાન નહીં હોતા. (હમ)

વિજય, વિજય દિનાનાથ ચૌહાન. (અગ્નિપથ)

દુખ જબ હમારી કહાની સુનતા હૈ, તો દુખ ખુદ દુખી હો જાતા હૈ. (બાપ નંબરી, બેટા દસ નંબરી)

ઝિંદગી મે આદમી દોઇચ ટાઇમ ઇતના જલ્દી ભાગતા હૈ, ઑલિમ્પિક કા રેસ હો યા પોલિસ કા કેસ હો. (અમર, અકબર, એન્થની)

આજની નવી જોક

લીલી (છગનને): જો હું મરી જઈશ તો તમે શું કરશો?

છગનઃ તો હું પણ મરી જઈશ?

લીલીઃ કેમ?

છગનઃ આટલી ખુશી કોણ સહી શકે, ભલા?

લીલીઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો