લંકામાં આતંકવાદી હિલચાલ


દુનિયાભરમાં ચપટીક આતંકવાદીઓ હવે મુસ્લિમ સમુદાય માટે માથાનો દુઃખાવો બની રહ્યા છે. ઈસ્લામ ધર્મના તમામ અનુયાયીઓ એક ટકાથીય ઓછા એવા ઉદ્દામવાદી અને ઉગ્રવાદીઓથી તંગ આવી ગયા છે. અત્યાર સુધી દુનિયા એમ કહેતી હતી કે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી પરંતુ હવે જુદી જ વાત કહે છે. આજકાલ આતંકવાદીઓના વડામથક તરીકે પાકિસ્તાન નામચીન છે. વિશ્વ સમુદાય એમ માને છે કે દરેક આતંકવાદીનું ઘર હવે પાકિસ્તાન છે. ઉપરાંત એને સમર્થન આપતી ઘટનાઓ પણ આંતરરાષ્ટ્રીય તખ્તા પર વારંવાર નજરે ચડે છે. કોલંબો નજીકના અંતરિયાળ ગ્રામ વિસ્તારોમાંથી કોલંબો પોલીસે પૂર્વપ્રાપ્ત ગુપ્ત માહિતીને આધારે આદરેલા એક સર્ચ ઓપરેશનમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ ઝડપાયા ત્યારથી એટલે કે એકાદ વરસ અગાઉથી લંકન સરકાર જાગી તો આજ સુધીમાં અનેક શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે. આરબ રાષ્ટ્રોની અંધારી આલમ પણ ક્રમશઃ લંકામાં પગ પેસારો કરી રહી છે.

ઈ. સ. ૨૦૦૯ પછી તામિલો અને લંકન પ્રજા વચ્ચેની અથડામણો શાન્ત થઈ ગઈ હતી. લંકામાં લાંબા સમયથી ચાલતું સિવિલ વૉર શમી ગયું હતું. પરંતુ એના એક દાયકા પછી ઈસ્ટર સન્ડે એટેક તરીકે ઓળખાતા આતંકવાદી હુમલાથી શ્રીલંકન સરકાર સફાળી જાગી અને એના તમામ દરદના મૂળરૂપ એવા પાકિસ્તાનને શંકાની નજરે જોતા શીખી છે. ચીનનો ઈરાદો પણ પરોક્ષ રીતે તો લંકાના જનજીવનને ડહોળવાનો છે જેથી લંકામાં આર્થિક તંગદિલી ઊભી થાય અને એણે ચીનની વધુ સહાય લેવાની જરૂર પડે. એક માહિતી પ્રમાણે ચીને પાકિસ્તાનને લંકા ડહોળવા માટે સોપારી આપેલી છે.

શ્રીલંકામાં ઈસ્લામ ધર્મનું પાલન કરનારા દસ ટકા નાગરિકો છે જેમાં તામિલભાષી મુસ્લિમો પણ સમાવિષ્ટ છે. આ દસ ટકા નાગરિકો દૂધમાં સાકર ભળે એમ હળીમળીને બહુસંખ્ય બૌદ્ધ અને હિન્દુઓ તથા ખ્રિસ્તીઓ સાથે સંપીને રહેતા હતા. એમને જુદા પાડવાની માસ્ટર ગેઈમના ભાગરૂપે ઈસ્લામિક સ્ટેટના નામે હુમલાઓ કરાવવામાં આવ્યા હતા. જો કે હુમલા પછી ઈસ્લામિક સ્ટેટ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં એ હુમલાની જવાબદારી સિરિયાના આઈએસ સંગઠને લીધી હતી. પરંતુ શ્રીલંકામાં ચર્ચ પર આતંકી હુમલાની યોજના ખરેખર પાકિસ્તાનના ડ્રગ માફિયાઓએ ઘડી હતી અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ચાલતી આતંકવાદી તાલીમ છાવણીઓની એક ટુકડીએ એ હુમલાને અંજામ આપ્યો હતો. તબક્કાવાર શ્રીલંકન સરકારે તપાસની હકીકતો જાહેર કરવાનો ઉપક્રમ રાખ્યો હોવાથી સમગ્ર લંકામાં પાકિસ્તાન વિરોધી વાતાવરણ ઊભું થયું છે.

છેલ્લાં થોડા દિવસોથી સિંહાલી નાગરિકોની ભૂગર્ભ પત્રિકાઓ સરકારના હાથમાં આવી છે, જે પ્રમાણે શ્રીલંકાના તમામ નાગરિકોને મુસ્લિમ વેપારીઓ પાસેથી માલસામાન ન ખરીદવા અને સામાજિક બહિષ્કાર કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જો કે સરકારના હાથમાં આ વાત આવી એ પહેલા એટલે કે બે-ત્રણ મહિનાથી મુસ્લિમ વેપારીઓનો સામાજિક બહિષ્કાર ચાલુ થઈ ગયેલો છે. શ્રીલંકાના સરકારી સમાચાર માધ્યમોમાં નાગરિકોને એવો અનુરોધ કરવામાં આવ્યો છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી માટે ઈસ્ટર સન્ડેના હુમલા માટે લંકન મુસ્લિમ નાગરિકોને જવાબદાર માનવાનો કોઈ અર્થ નથી. તો પણ આજ સુધી લંકાના મુસ્લિમ વેપારીઓના વ્યાપાર સ્થાનકોમાં સન્નાટો વ્યાપી ગયો છે. છેલ્લા ત્રણ મહિનામાં આઠ-દસ વેપારીઓએ તો પોતાના લંકન કામકાજ સંકેલીને વિવિધ અખાતી દેશો તરફ સપરિવાર પ્રયાણ કરી દીધું છે. ઈસ્ટર સન્ડે એટેકમાં ૨૫૦ થી વધુ લંકન નાગરિકો માર્યા ગયા હતા.

લંકાના રાષ્ટ્રીય મુસ્લિમ આગેવાનોએ સતત આતંકવાદીઓ અને પાકિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપેલા છે. શ્રીલંકાના જળ ડહોળવા માટે પાકિસ્તાનના ડ્રગ માફિયાઓ હવે બેનકાબ થઈ ગયા છે. મધ્ય એશિયા અને રશિયાના માર્ગો દ્વારા આ ડ્રગ માફિયાઓ નશીલા દ્રવ્યો છેક યુરોપ સુધી પહોંચાડતા હતા. પરંતુ એ બન્ને રસ્તે વિવિધ સંબંધિત સરકારોની નાકાબંધીને કારણે છેલ્લા સાતેક વરસથી પાકિસ્તાનથી રવાના થતા નશાકારક પદાર્થો જે કરોડોની કિંમતના હોય છે તે હવે વાયા શ્રીલંકાની હદના સમુદ્રમાંથી પસાર થાય છે. ડ્રગના કેટલાક કન્સાઈન્મેન્ટ લંકાના તટરક્ષક દળો અને એની નૌકાસેનાએ ઝડપેલા છે. જેના પાકિસ્તાની અપરાધીઓ હજુ લંકાની જેલમાં છે. તો પણ લંકાની હદના દરિયાનો ઉપયોગ હજુય પાકિસ્તાની ડ્રગ માફિયાઓ કરતા રહ્યા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો