દિલ્હીની વાત : મોદીએ નીતિશના કટાક્ષનો પાંચ વર્ષે જવાબ આપ્યો
નવીદિલ્હી, તા.28 ઓકટોબર 2020, બુધવાર
મોદીએ પોતે કશું ભૂલતા નથી એ વાતનો પરચો આપીને પાંચ વર્ષ પહેલાં નીતિશ કુમારે મારેલા ટોણાનો જવાબ ટોણાથી આપી દીધો. નીતિશે ૨૦૧૫ની ચૂંટણીમાં અયોધ્યામા રામમંદિરના નિર્માણના ભાજપના વચનની યાદ અપાવીને કટાક્ષ કર્યો હતો કે, ભાજપ અને આરએસએસ કહ્યા કહે કે રામલલ્લા હમ આયેંગે, મંદિર વહીં બનાયેંગે પર તારીખ નહીં બતાયેંગે.
મોદીએ બુધવારે ભાજપ-જેડીયુનો પ્રચાર કરતાં નીતિશની હાજરીમાં ભાજપ શાસનમાં અયોધ્યામા રામમંદિરના નિર્માણનું વચન પળાયું તેની યાદ અપાવી હતી. મોદીએ કટાક્ષ કર્યો કે, થોડાં વરસ પહેલાં ઘણા રાજકારણીઓ અમને મંદિર નિર્માણની તારીખ જાહેર કરવા કહેતા હતા ને આજે તેમણે અમારાં વખાણ કરવાં પડે છે. આ ભાજપની ઓળખ છે.
મોદીએ નીતિશની ભૂતકાળની ટીકાનો જવાબ આપ્યો હોય એવું એક અઠવાડિયામાં બીજી વાર બન્યું છે. નીતિશ ભૂતકાળમાં જમ્મુ અને કાશ્મીરને લગતી કલમ ૩૭૦ને નાબૂદ કરવાનો વિરોધ કરતા હતા. ગયા અઠવાડિયે મોદીએ નીતિશની હાજરીમાં કહેલું કે, કલમ ૩૭૦ની નાબૂદીનો વિરોધ સરહદની રક્ષા માટે પોતાના દીકરાઓને મોકલતા બિહારીઓનું અપમાન છે.
ખડસે પછી પંકજા પણ એનસીપીમાં જોડાશે ?
ભાજપનાં રાષ્ટ્રીય સચિવ પંકજા મુંડેએ શરદ પવારનાં મોંફાટ વખાણ કરતાં એકનાથ ખડસે પછી હવે પંકજા પણ એનસીપીમાં જોડાવાનાં છે કે શું એવો સવાલ થઈ રહ્યો છે. પંકજાએ ટ્વિટ કરીને શરદ પવારની સતત કામ કરવાની ક્ષમતાને વખાણી છે.
પંકજાએ લખ્યું છે કે, કોરોનાની કટોકટીમાં પણ તમારી અવિરત સક્રિયતા વ્યસ્ત કાર્યક્રમે મને દંગ કરી દીધી છે, સલામ છે તમને. મારા પિતા ગોપીનાથ મુંડેએ સખત પરિશ્રમ કરનારા માણસો ગમે તે રાજકીય વિચારધારા કે મત ધરાવતા હોય તેમનો આદર કરવાનું શીખવ્યું હતું.
પંકજાને અચાનક પવાર પર કેમ હેત ઉભરાયું એ મુદ્દો અત્યારે ચર્ચાઈ રહ્યો છે. પંકજા પણ મહારાષ્ટ્ર ભાજપમાં અસંતુષ્ટ છે. દેવેન્દ્ર ફડણવિસે જેમનાં પત્તાં કાપી નાખ્યાં તેમાં એક પંકજા પણ છે. પંકજાને મનાવવા રાષ્ટ્રીય સચિવ બનાવાયાં છે પણ પંકજાને તેનાથી સંતોષ નથી. પંકજાની ઈચ્છા મહારાષ્ટ્રના રાજકારણમાં રહેવાની છે. પંકજા ખડસેની નજીક પણ છે તેના કારણે પણ એ ભાજપનો સાથ છોડીને એનસીપીમાં જોડાઈ જશે એવી અટકળો ચાલી રહી છે.
ભાજપની આંતરિક લડાઈમાં કુલપતિ વધેરાઈ ગયા
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે દિલ્હી યુનિવસટીના કુલપતિ યોગેશ ત્યાગીને સસ્પેન્ડ કરી દીધા. ત્યાગી સામે ફરજમાં બેદરકારી બતાવવા બદલ તપાસના આદેશ પણ અપાયા છે.
ત્યાગી પોતાની સામેની તપાસમાં પુરાવા સાથે ચેડાં ના કરે ને ન્યાયી રીતે તપાસ થવા દે એ કારણસર સસ્પેન્ડ કરાયા છે પણ ભાજપનાં સૂત્રોના મતે, ભાજપની આંતરિક લડાઈમાં ત્યાગી વધેરાઈ ગયા છે. ત્યાગી છેલ્લાં પાંચ વર્ષથી કુલપતિપદે હતા અને તેમણે પ્રમાણમાં સરળતાથી યુનિવર્સિટીનો વહીવટ ચલાવ્યો હતો. શિક્ષણશાસ્ત્રી તરીકે ભારે પ્રતિષ્ઠા ધરાવતા ત્યાગી તેમની સામે ભ્રષ્ટાચાર કે ગેરરીતિના આક્ષેપ સુધ્ધાં થયા નથી પણ તેમની નિમણૂક સ્મૃતિ ઈરાનીએ કરી હતી તેથી વર્તમાન શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલને ત્યાગી નહોતા ગમતા.
સ્મૃતિ પછી માનવ સંસાધન મંત્રી બનેલા પ્રકાશ જાવડેકર આવી નાની નાની વાતોમાં નહોતા પડતા પણ પોખરીયાલે આવતાં વેંત જ મહત્વની સંસ્થાઓમાં પોતાના માણસોને મૂકવા માંડેલા. પોખરીયાલે ત્યાગીને ખસી જવા કહેલું પણ ત્યાગી ના માનતાં છ મહિના પહેલાં જ ત્યાગીને ઘરભેગા કરવાનું ઓપરેશન શરૂ કરી દેવાયેલું ને અંતે ત્યાગીએ જવું પડયું છે.
કાશ્મીરમાં નો બ્લેક ડે, મોદીએ સિંહાની પીઠ થાબડી
જમ્મુ અને કાશ્મીરમાં આઝાદી પછી પહેલી વાર ૨૭ ઓક્ટોબરે બ્લેક ડે ના મનાવાતાં મોદી સરકાર ખુશ છે. આ પરિવર્તન બદલ મોદીએ પોતે ફોન કરીને બુધવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાન પીઠ થાબડી હોવાનું કહેવાય છે.
પાકિસ્તાને ૧૯૪૭માં જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ કર્યુંં પછી મહારાજા હરિસિંહે સરદાર પટેલ સાથે કાશ્મીરના ભારતમાં જોડાણના કરાર કર્યા હતા. ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ના દિવસે ભારતીય લશ્કરે પાકિસ્તાની લશ્કરને ભગાડવા કાશ્મીરની ધરતી પર પગ મૂક્યો હતો. પાકિસ્તાનની પીઠ્ઠુ વરસોથી દર વરસે આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવે છે. હુરયત કોન્ફરન્સના નેતાઓ આ દિવસે બંધનું એલાન આપીને રેલીઓ કરતા, સભાઓ કરીને ભારત સામે ઝેર ઓકતા હતા.
સૂત્રોના કહેવા પ્રમાણે, લેફ્ટનન્ટ ગવર્નરે આ વખતે પાકિસ્તાન તરફી નેતા ઘરમાંથી બહાર ના નિકળી શકે એવો પાકો બંદોબસ્ત પહેલાં જ કરી દીધો હતો. તેમના કોમ્યુનિકેશન પર પણ નિયંત્રણ મૂકી દેવાયાં હતાં. તેના કારણે કોઈ કાર્યક્રમ ના થઈ શક્યો અને જનજીવન રાબેતા મુજબ ચાલુ રહ્યું.
કોરોનાની રસી મુદ્દે મોદી સરકાર ફસાઈ
ભાજપે બિહારમાં ચૂંટણી જીતવા માટે મફત કોરોના રસીનું વચન તો આપી દીધું પણ આ મુદ્દે ભાજપ સરકાર પોતાની જ જાળમાં ફસાઈ ગઈ હોય એવી સ્થિતી છે. રાજ્ય કક્ષાના મંત્રી પ્રકાશ સારંગીએ દેશભરમાં મફત રસી આપવાની જાહેરાત કરીને સરકારની મુશ્કેલી વધારી છે કેમ કે મફત રસી આપવા માટે કેટલો ખર્ચ થશે એ જ હજુ નક્કી નથી.
મોદી સરકારે કોરોનાની રસી મુદ્દે એક્સપર્ટ પેનલ બનાવી છે. આ પેનલ રસીના ટ્રાયલથી માંડીને તેના પર થનારા ખર્ચ સુધીની તમામ બાબતો પર નજર રાખે છે. આ પેનલના પ્રમુખ ડો. વી.કે. પોલ છે. ડો. પોલે મોદી સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, હાલમાં મફત રસી આપવા અંગે કશું કહી શકાય તેમ નથી કેમ કે બધો આધાર રસીની કિંમત શું હશે તેના પર છે. અત્યારે ત્રણ રસીનું કામ ચાલી રહ્યું છે ને તેમાંથી કઈ રસી સફળ થાય છે તેના આધારે કેટલો ખર્ચ થશે એ નક્કી થાય. ત્યાં સુધીમાં અંધારામાં તીર ચલાવવા પેનલ તૈયાર નથી.
***
વડા પ્રધાન મોદીની બિહારમાં ત્રણ સભા
બિહારમાં ચૂંટણીના જંગમાં વડા પ્રધાનમોદી પણ સક્રિય થતા છે અને આજે તેમણ એક પછી એક ત્રણ સભા સંબોધી હતી.હાલમાં ચાલી રહેલી રેલીઓમાં તેમની આ બીજી રેલી હતી. તેમણે રાજદના નેતા તેજસ્વી યાદવ પર ભારે પ્રહાર કર્યા હતા. તેમણે યાદવને પ્રિન્સ ઓફ જંગલ રાજ'ગણાવ્યો હતો.
જાણકારો કહે છે કે સરકાર વિરોધી લહેરની અસર ભાજપ પર ઓછી પડી છે. તેઓ માને છે કે નિતીશ કુમાર સામે લોકોનો રોષ સતત વધતો જાય છે, પરંતુ ભાજપના મતદારો ભાજપ તરફી વલણ છોડાતા નથી. એવું લાગે છે કે કેસરિયા પક્ષ જદયુનો ભાગીદાર હતું જ નહીં.આખા બિહારમાં ભાગ્યેજ કોઇ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી વિષે વાત કરે છે. તમામ લોકોએ સરકારની નિષ્ફળતા માટે જદયુને જ જવાબદાર માને છે. કાગળ પર તો એનડીએ માટે લાભદાયી દેખાતી જાતીવાદી પધ્ધતીને બિહારમાં લોકો છોડી રહ્યા હોય એવું દેખાય છે.
રાજયના વસ્તીના પંદર ટકા ઉચ્ચ વર્ણના લોકો ભાજપના પાકા ટેકેદાર છે. તેઓ ઇચ્છે છે છે નીતિશની હાર થાય. કેટલાક પોકેટ છોડીને જ્યો તેઓ રાજદના સાથી પક્ષોને મત આપી શકે છે. તેઓ એમ માને છે કેભાજપ અને એલજેપીનું મિલન શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ ચિરાગના રાજ્યના રાજકારણમાં એક નવા અને ઊભરતા ચહેરા તરીકે જુએ છે. જ્યાં ભાજપ એકલી ચૂંટણી લડે છે ત્યાંના સવર્ણ સમાજના લોકો કહે છે કે પંદર વીસ દિવસ પછી બિહારમાં જંગલરાજ શરૂ થશે. તેઓ એમ માને છે કે વિપક્ષોને સત્તા મળશે. જ્યો જદયુના ઉમેદવારો લડે છે ત્યાં આ લોકો એલજેેપીને મત આપશે, એવું કહેવાય છે.
બીજા તબક્કામાં 34 ટકા ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે
બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં આશરે ૩૪ ટકા ઉમેદવારો ભૂતકાળમાં અથવા વર્તમાનમાં પણ ગુનેગારો છે અથવા તેમની સામે કેસ થયા હતા. ૩૮૯ ઉમેદવારો પૈકી આશરે ૨૭ ટકા એ પોતાના સોગંધનામામાં ગંભીર ગુનાઓ કબુલ્યા હતા. ગંભીર અપરાધ એટલે એવા ગુના જેમાં પાંચ વર્ષ કરતાં વધુની સજા થઇ શકે છે અને જે જામીન પાત્ર હોતા નથી. ૪૯૫ ઉમેદવારો પૈકી આશરે ૩૪ ટકા એ કરોડોની સંપત્તિ દર્શાવી હતી. તો ત્રણ ઉમેદવારોએ પોતાની સંપત્તિ શુન્ય બતાવી હતી. એટલે કે તેમની પાસે કોઇ જ મિલકત નથી. અહેવાલ અનુસાર, ૬૪ ટકા એટલે કે ૫૬ પૈકી ૩૬ રાજદના ઉમેદવારોએ પોતાની સામેના કેસની વિગતો સોગધનામામાં દર્શાવી હતી. ૨૮ ઉમેદવારોએ ગંભીર ગુનાની વિગતો દર્શાવી હતી. ભાજપના ૪૬ પૈકી ૨૯ ઉમેદવારોએ તેમની સામે ફોજદારી કેસો થયા હોવાની કબુલાત કરી હતી. ૨૦ ઉમેદવારો સામે અતિ ગંભીર ગુના નોંધાયા હતા.
સિંધીયા-પાયલોટ પ્રચારમાં સામસામે
જેમના કારણે મધ્ય પ્રદેશમાંથી કોંગ્રેસની સરકાર પડી ગઇ હતી તે જ્યોતિરાદિત્ય સિંધીયાના હોમટાઉન ગ્વાલિયરમાં કોંગ્રેસે રાજસ્થાનના સચિન પાયલોટને પ્રચારમાં ઉતાર્યા છે. ગ્વાલિયર જિલ્લા અને તેની આસપાસમાં ૧૬ બેઠકો છે જ્યાં કમલનાથ અને પાયલોટ જબરજસ્ત પ્રચારમાં ઉતર્યા છે. સત્તામાં રહેવા માટે ભાજપને ૨૩૦ બેઠકોની વિધાનસભામાં આઠ બેઠકા ેજીતવાની ની જરૂર છે. જો કોંગ્રેસ તમામ ૨૮ બેઠકો જીતશે તો ફરીથી રાજ્યમાં તેની સત્તાની વાપસી થઇ શકે છે. સચિન પાયલોટ સ્ટાર પ્રચારક છે જે સિંધીયાના પૂર્વ સાથી છે. પાયલોટના કારણે રાજ્યસ્થાનમાં પણ સરકાર પર જોખમ ઊભું થયું હતું.
બિહાર પ્રચારમાં કોંગ્રેસની રણનીતી અલગ કોંગ્રેસે રાષ્ટ્રીય મુદ્દાઓ અને મોદી પર પ્રહાર કરવાને બદલે સ્થાનિક મુદ્દાઓ પર જ ધ્યાન આપ્યું છે. તેઓ બિહારીઓની ચિંતાની વાત કરે છે.
કદાચ રાજદના નેતા તેજસ્વીએ તેમને આવું કરવાનું કહ્યું હશે. હવે તેમણે નીતિશ કુમાર પર ફોકસ વધાર્યું છે જેઓ બિહારીઓ માટે લુઝર મનાય છે. કોંગ્રેસે સોશિયલ મીડિયામાં 'સ્પીક અપ ફોર બિહાર'ઝુંબેશ શરૂ કરી છે જેમાં લોકડાઉનમાં બિહારીઓને યાતનાઓ અને પ્રવાસી મજુરોને વેઠવી પડેલી મહામારીઓનો વાત કરાય છે.
કોંગ્રેસના પ્રચાર સમિતિના પ્રભારી રણદીપ સુરજેવાલા પણ મોદી વિષ બોલવાનું ટાળે છે. આખું પ્રચાર તંત્ર માત્ર નીતિશની નિષ્ફળતાની આસપાસ જ રાખ્યું છે. નીતિશને 'અપરાધ કુમાર'કહેવામાં આવે છે.રાજ્યમાં વધતા જતા ગુનાઓના સંદર્ભમાં આ વાત કહેવામાં આવે છે. તેઓ કોંગ્રેસ અને રાજદના ગઠબંધને મત આપવા અપીલ કરે છે.
- ઇન્દર સાહની
Comments
Post a Comment