ભારત-અમેરિકા સંબંધચક્ર


આખરે ભારત અને અમેરિકા વચ્ચે એ બેઝિક એક્ષચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ (બૅકા) પર સમજૂતી થઈ ચૂકી છે, જે અંગે છેલ્લા કેટલાક સમયથી કામ ચાલી રહ્યું હતુ. આ બંને દેશના સૈન્યો વચ્ચે સહયોગ અને સમજણ વધારવા માટેની આ ચોથી સમજુતી છે. આ પૂર્વે બંને દેશો વચ્ચે ઈ. સ. ૨૦૦૨માં સામાન્ય સલામતી અને સૈન્ય માહિતી કરાર થઈ ચૂક્યા છે.

આ પછી ઈ. સ. ૨૦૧૬માં લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને ત્યાર બાદ ઈ. સ. ૨૦૧૮માં કોમ્પેટિબિલિટિ એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ પર પણ હસ્તાક્ષર થઈ ચૂક્યા છે. આપણે એક એવી દુનિયામાં વસીએ છીએ જેમાં બે દેશો વચ્ચે મિત્રતા પણ હપ્તા પદ્ધતિથી થાય છે. સંબંધો તબક્કાવાર આગળ વધે છે.

વળી એ બહુ આગેકૂચ ન કરે એની ચિંતા અન્ય દેશો કરતા હોય છે. અમેરિકા હજુ પણ પોતાના વ્યર્થ અહંકાર અને શ્રેષ્ઠતાના ખુશનુમા ખયાલમાં સપડાયેલું છે. અમેરિકાના સૌથી ખરાબ સમયમાં એને દક્ષિણપંથી વિચારધારા ધરાવતો રાષ્ટ્રપ્રમુખ મળ્યો. જેણે અમેરિકા ફર્સ્ટનું ભૂત ધુણાવ્યું અને અમેરિકનોના માનસમાં એવી ધૂળ ઉડાડી જેને ફરી સ્વચ્છ થતા દાયકાઓ લાગશે.

એનું કારણ છે કે દક્ષિણપંથી વિચારધારા એક બેવકૂફી સહિતનો નશો છે. એમ પણ માનવામાં આવી રહ્યું છે કે આ નવી સમજુતીને કારણે બંને દેશોની વચ્ચે સંરક્ષણની સાથે ભૌગોલિક રાજનીતિના ક્ષેત્રમાં સહયોગ અને તાલમેલ વધુ સંપૂર્ણ બનશે. અલબત્ત, અમેરિકા જેવા સુપરપાવરની સાથેે સંરક્ષણનો સહયોગ વધારવાની વાત જ્યારે પણ થાય છે, ત્યારે તેની સાથે ઘણી આશંકાઓ પણ જોડાયેલી રહે છે.

આ બૅકા તરીકે ઓળખાતી સમજુતી અંગે જ્યારે વાતચીત શરુ થઈ ત્યારે તત્કાલીન યુપીએ સરકારે અનેક પ્રકારની ચિંતા વ્યક્ત કરી હતી. સમજુતીના આ એક જ બિંદુ સુધી પહોંચવા માટે જો આટલો સમય લાગતો હોય તો તેનું કારણ એ હતું કે, લાંબી વાતચીતને આધારે બંને પક્ષોએ એક-બીજાની આશંકાઓને દૂર કરવાના રસ્તાઓ શોધ્યા અને ત્યાર બાદ સહમતીને મજબૂત બનાવી. આ એક શતરંજ જેવી રમત છે જેમાં સામેના પક્ષ દ્વારા હવે પછીની ચાલ એડવાન્સમાં જાહેર કરવાની હોય છે. દોસ્તીને આ રીતે ગાઢ થતા બહુ સમય લાગે છે.

અલબત્ત, આ સમજુતી પછી હવે ભારતને અમેરિકી સૈન્ય ઉપગ્રહો દ્વારા એકઠી કરવામાં આવેલી સંવેદનશીલ માહિતી અને તસવીરો રિયલ ટાઈમ આધારે ઉપલબ્ધ થઈ શકશે. અમેરિકા મહત્ત્વના આંકડા, નકશા વગેરે ભારતને આપી શકશેે, જેના આધારે ભારત તેના લશ્કરી લક્ષ્યાંકની સંપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણાયકતા હાંસલ કરી શકશે. આ બાબત સૈન્યના ગુપ્ત મિશનોને પાર પાડવા અંગે અને મિસાઈલના ટાર્ગેટ નક્કી કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતી હોય છે. આ સમજુતી એવા સમયમાં થઈ છે કે જ્યારે આખા વિશ્વમાં અજંપાનો માહોલ છે.

ભારતના પોતાના બંને પાડોશી દેશો સાથેના તનાવભર્યા સંબંધોને જોતા આ સમજુતી મહત્ત્વની બની જાય છે. જોકેે, આ પ્રકારની સમજુતી તાત્કાલિક સંદર્ભો સુધી મર્યાદિત હોતી નથી. વળી, આ કોઈ એક દેશને જ ફાયદો પહોંચાડે તેવી હોતી નથી. આમ પણ અમેરિકાની ઓળખ વર્ષોથી વેપારી દેશ તરીકેની છે અને હાલ જે સમજુતીમાં ભારતને લાભનો મોટો લાડુ મળશે તેવું દર્શાવવામાં આવી રહ્યું છે, તે સમજુતીથી અ્મેરિકાને શું ફાયદો થશે તે બાબતને પણ રહસ્યમયી રીતે ગુપ્ત રાખવામાં આવી છે, જે પણ સમજવાની જરુર છે. 

આ ઉપરાંત સમજુતીનો સમયગાળો પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. ચૂંટણી નજીક આવે એટલે માત્ર ભારતમાં જ સરકારો અચાનક લોકકલ્યાણના કામોમાં પ્રવૃત્ત બની જાય તેવું નથી. અમેરિકામાં પણ મતદારોને આકર્ષવા અને તેમના પર અમે કેટલું કામ કર્યું છે, તેવો ઉપકાર છડેચોક પોકારવાની તક પણ રાજકારણીઓ જતી કરવા માંગતા નથી.

અમેેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીનો અંતિમ તબક્કો છે અને ટ્રમ્પ સરકારે વ્યૂહાત્મક રીતે આ સમજુતી અંગે ઝડપ કરાવી હોવાનું પણ મનાય છે. આમ છતાં ચીન સામે થઈ રહેલા એક વૈશ્વિક બૃહદ જોડાણમાં ભારતનું પણ મહત્વનું સ્થાને છે એ બાબત નિવવાદ છે. એક રીતે ચીન વિરોધી લોબિંગ સિવાય આમાં વિશેષ કોઈ તથ્ય નહિ હોય.

અમેરિકાનો સતત એ ભાવ રહ્યો છે કે અમે નાના દેશોને સંબંધોમાં આવકારીએ છીએ. હાથી જાણે કે સસલા સાથે દોસ્તી કરતો હોય એવા અભિમાનમાં અમેરિકા રાચે જે. ચીનના વધતા પ્રભુત્વ તરફ અમેરિકાનું ધ્યાન નથી. કોઈ પણ અન્ય સંબંધોની જેમ રાજનેતાઓની દોસ્તી અને તાલમેલ બંને દેશોને લાભ પહોંચાડી રહી છે.

માત્ર સંરક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો ભારત અને અમેરિકાના સહયોગમાં થઈ રહેલા વધારા બાદ એટલેે કે ઈ. સ. ૨૦૦૭ પછીથી અત્યાર સુધી અમેરિકી કંપનીઓ ભારતને ૨૧ અબજ ડોલરથી વધુ શસ્ત્રોનું વેચાણ કરી ચૂકી છે. બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતાં આ બંને દેશોના સંબંધોમાં વધતાં તાલમેલથી માત્ર ભારતને જ નહી, અમેરિકાને પણ ફાયદો છે અને વૈશ્વિક શાંતિ અને ક્ષેત્રિય સંતુલન ટકાવી રાખવા માટે પણ તે ઉપયોગી છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો