જો બાઇડન શા માટે અમેરિકાના પ્રમુખ બનવા જોઈએ?
દરેક સમજદાર વ્યક્તિ માને છે કે ડોનલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનવા જોઈએ નહીં, પણ જો બાઇડનને ચૂંટી કાઢવાનું આ એક માત્ર કારણ હોઈ શકે નહીં. જો બાઇડનમાં એવી કઈ ક્વોલિટીઝ છે અથવા વર્તમાન સમયમાં એવી શું જરૂરિયાત ઊભી થઈ છે કે તેમાં જો બાઇડન જ ફિટ બેસે છે, તે વિશે વિચારવું જોઈએ. જો બાઇડનને અમેરિકાના પ્રમુખ બનાવવા માટેના કારણો આ રહ્યા.
૧) અમેરિકાને સિઝન્ડ રાજનેતાની જરૂર છે: કોઈ પણ સારો નેતા જે-તે સમયની દૃષ્ટિએ જ જોવાતો-પરખાતો હોય છે. કોઈ નેતા ગમે તેટલો ઉત્તમ હોય, પણ જો તેનો સમય વીતી ગયો હોય તો તે કામનો નથી અને તેનો સમય ન આવ્યો હોય તો પણ તે મિસફિટ રહે છે. વળી જે આ રેસમાં નથી તે ગમે તેટલો લાયક હોય તો પણ તેની વાત થઈ શકે નહીં. રેસમાં જે બે પ્લેયર્સ છે તેમાંથી જો બાઇડન પર પસંદગીનો કળશ ઢોળાવો જોઈએ તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકાને એક સીઝન્ડ પોલિટિશિયનની જરૂર છે. પાર્ટ ટાઇમ પોલિટિશિયનની નહીં.
જો બાઇડનનો નેતા તરીકેનો અનુભવ બહુ લાંબો છે જ્યારે ડોનલ્ડ ટ્રમ્પે પેરાશ્યુટ એન્ટ્રી મારી છે. તે સારા ડાયલોગ મારી જાણે છે, પોતાના એકશન્સ થકી લોકોને ચકિત કરી શકે છે. તેઓ સેલિબ્રીટી મટિરિયલ જરૂર છે, પણ પોલિટિશિયન બિલકુલ નથી. જ્યારે બાઇડન તેનાથી વિપરીત વર્ષોથી રાજનીતિમાં નખશિખ ડૂબેલા રહ્યા છે. તેને આ ક્ષેત્રની રજેરજની અને ઝીણી-ઝીણી ખબર છે. આમ તો કોઈ પણ દેશનું રાષ્ટ્રપતિનું પદ નાનું હોતું નથી. તો પછી અમેરિકામાં પાર્ટ ટાઇમ પોલિટિશિયન પ્રેસિડેન્ટ બને તે કેમ ચાલે?
૨) અમેરિકાના હિતો મલ્ટિ કલ્ચરલિઝમમાં છે: ડેમોક્રસી અને લિબરલિઝમ એકબીજાના પર્યાય છે. આ બંને શબ્દો ભેગા થાય ત્યારે એક ત્રીજો અર્થ પણ નીકળે છે, સહઅસ્તિત્ત્વ. ડેમોક્રેટિક પાર્ટી પાસે આ વિચારનો સમૃદ્ધ વારસો છે. અમેરિકાનો વિકાસ અને સમૃદ્ધિ તો જ વૃદ્ધિ પામી શકે અને જળવાઈ શકે જો ત્યાં વિવિધ સંસ્કૃતિની બેસ્ટ ટેલેન્ટ્સ ત્યાં રહે. ટ્રમ્પ જે રાજનીતિ કરી રહ્યા છે તે જો દાયકાઓ સુધી ચાલુ રહે તો દુનિયાના સારા-સારા મગજો અમેરિકાથી ઉચાળા ભરી જાય. જે બૌદ્ધિક સંપદા તેમણે દશકાઓમાં ભેગી કરી છે તે એક વખત વિખેરાય જાય તો પછી ડેમેજ કંટ્રોલ થઈ શકે નહીં. મલ્ટિ કલ્ચરલિઝમે અમેરિકાને કેવળ સામાજિક નહીં, આર્થિક સમૃદ્ધિ પણ આપી છે. તેના ખોરવાવાથી અમેરિકાના આર્થિક હિતો ખોરવાઈ શકે છે. જો બાઇડનમાં અમેરિકાના સર્વગ્રાહી હિતો સાચવવાની કાબેલિયત છે.
૩) વિશ્વને અમેરિકાની જરૂર છે:
અમેરિકાનો મહાસત્તા તરીકે જે રીતે ઉદય થયો તે કોઈ હોલીવુડ ફિલ્મ જેવી જ રોમાંચકારી ઘટના છે. એક મિનિટ માટે કલ્પના કરો, અમેરિકાનું અસ્તિત્ત્વ જ ન હોત અને બીજું વિશ્વયુદ્ધ થયું હોત તો? તો આપણે ૧૯૪૮થી હમણા સુધી જે વિશ્વ જોયું તેના કરતા કંઈક અલગ જ જોવા મળત. વિશ્વ અત્યારે એવા વળાંક પર ઊભું છે, જેને ફરીથી અમેરિકાની જરૂર છે.
ઔદ્યોગિક ક્રાંતિના નશામાં ડમ્મર થઈ ગયેલા બ્રિટને પોણા વિશ્વને ગુલામ બનાવેલું. આજે ચાઇના પણ એવા જ કંઈ મનસૂબા લઈને ચાલી રહ્યું છે. કોરોના તો એક ટ્રેલર માત્ર છે. તે આવા કંઈક ખેલ કરીને દુનિયાને અરાજક બનાવી પોતાની અંડરમાં લાવવા માગે છે તે નિશ્ચિત છે. ત્યારે તેના ગળામાં ઘંટડી બાંધી શકવાની જો કોઈમાં તાકાત હોય તો તે અમેરિકામાં છે. આ પ્રકારે અમેરિકાની શક્તિનો યોગ્ય ઉપયોગ જો બાઇડન જ કરી શકે. ટ્રમ્પ નહીં. ટ્રમ્પ સ્ટન્ટ કરી શકે અને મોટા પરાક્રમો સ્ટન્ટ થકી નહીં, પણ ટાઢા કલેજે ઘડાયેલી રણનીતિથી પાર પડતા હોય છે.
૪) નવી પોલિસી ઘડવાનો સમય છે: કોરોના પછી શું? કેવી હોવી જોઈએ વૈશ્વિક નીતિ. ચીને કોરોના જાણી જોઈને ફેલાવ્યો કે ભૂલથી ફેલાઈ ગયો તે અત્યારે ખબર નથી, પણ માની લો કે જાણી જોઈને ફેલાવ્યો હોય તો ફરીથી તે આવું ન કરી શકે તે માટે શું કરવું? કોઈ દેશ ભૂલથી પણ આ પ્રકારનો વાઇરસ ન ફેલવી દે તે માટે કેવા નીતિ નિયમો ઘડવા? અત્યારે બધા લોકલ ફોર વોકલની વાતો કરી રહ્યા છે, પણ એક વાત યાદ રાખો. વૈશ્વિકરણ વિના દુનિયાને ચાલવાનું નથી. ગમે તેવા લોકલાઇઝેશનના યુગમાં પણ ભારતીયોએ એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી ખરીદી કરવાનું બંધ કર્યું નથી. ઊલટું, સેલ્સ વધ્યું છે. સ્વદેશી બ્રાન્ડ્સનું પ્રમોશન જરૂર કરી શકાય, પણ માત્ર અને માત્ર પોતાના દેશની વસ્તુઓથી કોઈનું ઘર ચાલે એમ નથી.
જે રીતે આજે જુદા-જુદા દેશના લોકો જુદા-જુદા દેશમાં ઠરીઠામ થઈને ગૂંથાઈ ગયા છે તેના કરતાય વધારે જટિલ તાણાવાણા ઇન્ટરનેટના માધ્યમથી ગુંથાઈ ગયા છે. વોકલ ફોર લોકલ કહેનારા ગૂગલનો વિકલ્પ આપવાના છે? નહીં. એ વાત અલગ છે કે ક્યારેક નેચરલી ગૂગલનો વિકલ્પ ઊપસી આવે.
એક તો આ પ્રકારના વાઇરસનો ફેલાવો અટકે તે માટે શું પોલીસી ઘડવી, મહામારી વચ્ચે પણ કઈ રીતે વૈશ્વિકરણ સાધીને બહુજન હિતાય, બહુજન સુખાય કાજે કામ કરી શકાય તેની નીતિ ઘડવી પડે તેમ છે. આ માટે જેટલું ચિંતન કરવાની શક્તિ જોઈએ તે તો ટ્રમ્પમાં નથી જ, તે સમજવાનીય શક્તિ ટ્રમ્પમાં નથી.
યુએનની સુરક્ષા પરિષદના પુન:ગઠનની માગણી વર્ષોથી થઈ રહી છે. તેમાં કદાચ હજીય મોડું થશે તો ચાલશે, પણ કોરોનાએ આપણને સમજાવી દીધું છે કે હૂની પુન:રચના કરવાની જરૂર છે. તેમાં રીફોર્મ્સ લાવવાની આવશ્યકતા છે. આ સંસ્થા કોરોનાને તાગવામાં ફેઇલ થઈ ગઈ છે.
ટ્રમ્પ એવું પ્રલોભન આપે છે કે હવે થોડા જ અઠવાડિયામાં રસી આવી જશે. રસી અત્યારે મોટી લાગતી વાત હોય તો પણ નાની છે. રસી તો આવી જ જશે, પણ ભવિષ્યમાં આવા રોગચાળા ન આવે તે માટે શું કરવું? એ વિશે વિચારવું, તેનું આયોજન કરવું તે મોટો પડકાર છે. એ પ્રશ્ન વિશે વિચારવામાં નહીં આવે તો ચીન થોડા જ વર્ષોમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ વિના વિશ્વવિજેતા બની જશે.
ડોનલ્ડ ટ્રમ્પ ભારતમાં ચૂંટણી લડતા હોત તો એક વિશાળ સમુદાય એવું કહેતો ફરત કે ટ્રમ્પને ન ચૂંટવા જોઈએ, પણ એનો વિકલ્પ ક્યાં? જ્યારે આવો સવાલ પેદા થાયને કે વિકલ્પ ક્યાં? ત્યારે જ સમજી જવું કે એ માણસ હવે દેશના ટોચના પદ માટે લાયક રહ્યો નથી. ક્યારેય કોઈને એવું કહેતા સાંભળ્યા કે સચિન ખૂબ સારી બેટિંગ કરે છે પણ વિકલ્પ ક્યાં? કોહલીને કેપ્ટન બનાવતા પહેલા બીસીસીઆઈએ એવું વિચારેલું કે, ધોનીની કેપ્ટનશિપ ખૂબ સારી છે, પણ વિકલ્પ ક્યાં? વિકલ્પ ક્યાં? એવો સવાલ પૂછાવાનો શરૂ થાય એનો અર્થ જ એ થયો કે વિકલ્પની જરૂર તો છે જ. અમેરિકા મતદારોને આવો સવાલ પૂછવાની જરૂર ઊભી થઈ નથી, કારણ કે જો બાઇડન ત્યાં સશક્ત વિકલ્પ છે.
Comments
Post a Comment