સર શૉન કોનેરી : હોલિવૂડના નટ સમ્રાટની વિદાય
જેમ્સ બૉન્ડની ફિલ્મને આખું જગત ઓળખે છે. હવે તો અડધો ડઝન હોલિવૂડ એક્ટર જેમ્સ બૉન્ડનો રોલ કરી ચૂક્યા છે. પણ જગત આખામાં જાસૂસીનો સિક્કો જમાવનારી એ ફિલ્મોના શરૂઆતી જાસૂસ સ્કોટલેન્ડના અભિનેતા સર શૉન કોનેરી હતા. ૧૯૫૪થી ૨૦૧૨ સુધીમાં તો અઢળક ફિલ્મોમાં કર્યું પણ મૂળ ઓળખ જેમ્સ બૉન્ડ તરીકેની રહી. વારંવાર સૌથી લોકપ્રિય જેમ્સ બૉન્ડનો ખિતાબ મેળવનારા કોનેરીનું હવે ૯૦ વર્ષે નિધન થયું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ બહામાઝના નાસાઉ ટાપુ પર રહેતા હતા. જેમ્સ બોન્ડની પહેલી ફિલ્મ ડૉ.નોમાં જાસૂસ બનેલા જેમ્સને તેના ઉપરી અધિકારી તપાસ માટે મોકલે ત્યારે જેમ્સ જમૈકા પહોંચે છે. જમૈકા કેરેબિયન ટાપુ સમુહનો હિસ્સો છે.
એ કેરેબિયન સમુહમાં જ બહામાઝ ટાપુઓ પણ આવેલા છે. કેરેબિયન વિસ્તાર તેમને બહુ પસંદ આવી ગયો હતો માટે પાછલી જિંદગીમાં તેઓ ત્યાં જ હતા. એમાં પણ છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતા એટલે પરિવારના સભ્યો પણ એમની પાસે પહોંચી ગયા હતા. એમની વચ્ચે જ શાંતિથી તેમણે અંતિમ શ્વાસ લીધા.
સર કોનેરીએ એક પછી એક એમ કુલ છ ફિલ્મો બૉન્ડ તરીકે આપી અને આખા જગતમાં જાસૂસ જેમ્સ છવાઈ ગયો.
બૉન્ડની એ બધી ફિલ્મો ઈઓન પ્રોડક્શને બનાવી હતી. ઈઓન સિવાય પણ એક બોન્ડ ફિલ્મ ૧૯૮૩માં બની, નેવર સે નેવર અગેઈન. તેમાં પણ કોનેરીએ જેમ્સનો રોલ કર્યો હતો. પરંતુ તેમાં તેમની મોટી ઊંમર દેખાઈ આવતી હતી. હોલિવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મ સિરિઝમાં સૌથી આગળ બૉન્ડ ફિલ્મોને મુકવામાં આવે છે. લોકપ્રિય છે એટલે તો આજે ૬ દાયકેય એ સિરિઝની ફિલ્મો આવતી રહે છે. લોકપ્રિયતાના પાયા નાખવાનું કામ કોનેરીએ કહ્યું હતું.
કોનેરીનો જન્મ ૧૯૩૦ની ૨૫મી ઑગસ્ટે સ્કોટલેન્ડના જાણીતા નગર એડિનબર્ગમાં થયો હતો. તેમનો પરિવાર અહીં વળી આર્યલેન્ડથી સ્થળાંતરીત થયો હતો. તેમનું જન્મનું નામ પણ વળી થોમસ શૉન કોનેરી હતું. સ્કોટલેન્ડ બ્રિટનનો ભાગ છે, પણ સંસ્કૃતિ અલગ પડતી હોવાથી ત્યાંની પ્રજા પોતાને સ્કોટિશ કહેવડાવવાનું પસંદ કરે છે.
બાળપણમાં કોનેરીએ સ્કોટલેન્ડમાં ઈંટોના ભઠ્ઠામાં કામ કર્યુ હતું, શબપેટીઓને પોલિશ કરી હતી અને ૧૩ વર્ષની વયે તો સ્કૂલ પણ મુકી દીધી હતી. એ વચ્ચે તેમને બ્રિટનના નૌકાદળ (રોયલ નેવી)માં નોકરી મળી. ૩ વર્ષ સુધી ત્યાં કામ કર્યું.
શારીરિક બાંધો મજબૂત હતો, ઊંચાઈ છ ફીટ કરતા વધારે હતી. એટલે એડિનબર્ગના બજારમાં એક દિવસ છ ગૂંડા તેમને લૂંટવા આવ્યા તો છએયની કોનેરીએ ધોલાઈ કરી નાખી. ફિલ્મોમાં આવ્યા પહેલા જ તેઓ બૉન્ડ બની ચૂક્યા હતા. એટલે ફાયદો એ થયો કે તેમના ખડતલ બોડીથી આકર્ષાઈને તેમને બોડિબિલ્ડિંગના મોડેલિંગમાં થોડું ઘણું કામ મળ્યું. બાકીનો સમય ટ્રક ડ્રાઈવિંગ પણ કરી લેતા. ફૂટબોલર સારા એવા હતા એટલે માન્ચેસ્ટર યુનાઈટેડમાં રમીને થોડું ઘણુ કમાઈ લેતા.
એક્ટિંગમાં રસ પડવાની શરૂઆત થઈ એટલે ૧૯૫૩માં એડિનબર્ગમાંથી લંડન શિફ્ટ થયા. લંડનની ભવ્ય નાટય-સંસ્કૃતિમાં પ્રવેશ્યા અને જન્મજાત એક્ટર હોવાને કારણે થોડા વખતમાં જ લોકપ્રિય પણ થયા. શેક્સપિયરના હોય કે બર્નાડ શૉના હોય.. નાટકોમાં કોનેરીને ફાવટ આવી ગઈ. એટલે તુરંત ફિલ્મના દરવાજા ખૂલ્યા. પહેલી ફિલ્મ ૧૯૫૪માં આવેલી લાઈલક્સ ઈન ધ સ્પ્રિંગ હતી. એમાં તો રોલ સાવ નાનો હતો, પરંતુ આરંભ થઈ ચૂક્યો હતો.
એ વખતેે બીબીસી દ્વારા ટીવી સિરિઝ બ્લડ મની બની રહી હતી. તેમાં બોક્સરનો રોલ અમેરિકી એક્ટર જેક પાલેન્સે કરવાનો હતો. પણ એ કરી ન શક્યા. એટલે તેમના સ્થાને કોનેરીનું નામ આવ્યું. એ રોલ મળી ગયો. એ દરમિયાન પ્રોડયુસર આલ્બર્ટ બ્રોકલી અને હેરી સેલ્ત્ઝમાને મળીને ત્યારે લોકપ્રિય થયેલા લેખક ઈયાન ફ્લેમિંગની વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. પહેલી ફિલ્મ ડો.નો પરથી બનાવવા માટે હીરો શોધવા ફાઈન્ડ જેમ્સ બૉન્ડ સ્પર્ધા રખાઈ અને એમાં વળી હજારોમાંથી ૬ નામ ફાઈનલ થયા. શરૂઆતમાં તો બૉન્ડ તરીકે પિટર એન્થનીને પસંદ કરી લેવાયા હતા, પણ પછીથી એ યોગ્ય ન લાગતા ૬ પૈકીના બીજા નામ કોનેરી પર પસંદગી ઉતારી.
ફિલ્મ બની, રિલિઝ થઈ અને ભારે સફળ થઈ. ત્યાં સુધીમાં કોનેરી પણ યુ.કે.થી અમેરિકા શિફ્ટ થઈ ચૂક્યા હતા. પછી તો એક પછી એક બૉન્ડ ફિલ્મો આવતી ગઈ અને સફળતાના વાવટા ખોડતી ગઈ.
એક પછી એક રોલ કર્યા અને પોતાના નામેે આખો યુગ કહી શકાય એવી એક્ટિંગ આવડત તેમણે દર્શાવી.
એ પછી તેઓ જાહેર જીવનમાં પણ સક્રિય રહ્યા હતા. સ્કોટલેન્ડ એક સમયે આઝાદ પ્રાંત હતો, અત્યારે બ્રિટનના તાબામાં છે. વર્ષોથી સ્કોટલેન્ડની આઝાદીની ડિમાન્ડ ચાલતી આવે છે. કોનેરી તેમના સમર્થક હતા અને વારંવાર એ માટે ખુલીને બોલતા હતા. સ્કોટિશ નેશનલ પાર્ટીના તેઓ સક્રિય સભ્ય હતા અને ફંડ પૂરું પાડતા હતા.
જોકે સ્કોટેલન્ડ સરકારે તેમના પર ટેક્સ ચોરીનો કેસ કર્યો હોવાથી તેઓ સ્કોટલેન્ડમાં રહેતા ન હતા. બાદમાં કેસ ખોટો પૂરવાર થયો હતો. વળી સ્કોટલેન્ડની આઝાદીના તરફદાર હોવાથી બ્રિટિશ સરકારને પણ એ બહુ પ્રિય ન હતા. પરંતુ દર્શકોમાં સદા લોકપ્રિય હતા અને રહેશે.
એક વખત હોલિવૂડના ધૂરંધર ડિરેક્ટર સ્પિલબર્ગે કહ્યું હતું કે જગતમાં કુલ સાત સુપરસ્ટાર છે અને કોનેરી તેમાંના એક છે. કોનેરીએ આજીવન એ લોકપ્રિયતા જાળવી રાખી હતી.
જેમ્સ બૉન્ડ તરીકે રોલ
- ડૉ.નો (૧૯૬૨)
- ફ્રોમ રશિયા વિથ લવ (૧૯૬૩)
- ગોલ્ડફિંગર (૧૯૬૩)
- થન્ડરબોલ (૧૯૬૫)
- યુ ઓન્લી લાઈવ ટ્વાઈસ (૧૯૬૭)
- ડાયમન્ડ્સ આર ફોરેવર (૧૯૭૧)
- નેવર સે નેવર અગેઈન (૧૯૮૩)
દિલ્હીની હોટેલમાં સંતાઈને રહેવું પડયું
2007ના ફેબુ્રઆરીમાં અંગત કામે કોનેરી અને તેમના પત્ની માઈકલિન ભારત આવ્યા હતા અને દિલ્હીની હોટેલમાં ઉતર્યા હતા. તેમના આગમનની જાણ તેમના ચાહકોને થતાં તેઓ હોટેલમાં ઉમટી પડયા હતા. એ વખતે કોનેરી કોઈક કામસર લોબીમાં નીકળ્યાં ત્યાં સ્વાગત કરવા માટે મોટું ટોળું હાજર હતું. એ જોઈ તેઓ તુરંત રૂમમાં જતા રહ્યા હતા.
બૉન્ડ સિવાયની નોંધપાત્ર ફિલ્મો
- ધ લોંગેસ્ટ ડે (૧૯૬૨)
- મરિન (૧૯૬૪)
- ધ હિલ (૧૯૬૫)
- ધ ઓફેન્સ (૧૯૭૩)
- મર્ડર ઓન ધ ઓરિએન્ટ એક્સપ્રેસ (૧૯૭૪)
- ધ મેન હૂ વ્હુડ બી કિંગ (૧૯૭૫)
- અ બ્રિજ ટૂ ફાર (૧૯૭૫)
- ધ વિન્ડ એન્ડ ધ લાયન (૧૯૭૫)
- ટાઈમ બેન્ડિટ્સ (૧૯૮૧)
- ધ અનટચેબલ્સ (૧૯૮૭)
- ઈન્ડિયાના જોન્સ એન્ડ લાસ્ટ ક્રૂઝેડ (૧૯૮૯)
- ધ નેમ ઓફ ધ રોઝ (૧૯૮૬)
- ફેમિલી બિઝનેસ (૧૯૮૯)
- ધ હન્ટ ફોર ધ રેડ ઑક્ટોબર (૧૯૯૦)
- મેડિકલ મેન (૧૯૯૨)
- રાઈઝિંગ સન (૧૯૯૩)
- અ ગૂડ મેન ઈન આફ્રિકા (૧૯૯૪)
- ધ રોક (૧૯૯૬)
- ફાઈન્ડિંગ ફોરેસ્ટ (૨૦૦૦)
તેમને મળેલા એવોર્ડ
દાયકાઓ લાંબી કારકિર્દીમાં અનેક એવોર્ડ મળ્યા છે, પરંતુ સૌથી નોંધપાત્ર છે, ધ અનટચેબલ્સ માટે મળેલો સપોર્ટિંગ એક્ટરનો ઑસ્કર.
ગેેંગસ્ટાર અલ કેપોન પરથી બનેલી એ ફિલ્મમાં કોનેરીએ પોલીસ અધિકારી જીમ મેલોનનો રોલ કર્યો હતો. એ ઉપરાંત બે વખત બાફ્ટા, ત્રણ વખત ગોલ્ડન ગ્લોબ, સહિતના અનેક ફિલ્મ ક્ષેત્રના એવોર્ડ મળ્યા હતા. તો વળી જાહેર જીવનની કામગીરી માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ સહિતની સંસ્થા અને અનેક દેશોએ તેમનું સન્માન કર્યું હતું. વારંવાર તેમને ગ્રેટેસ્ટ લિવિંગ સ્કોટનું સન્માન પણ મળ્યું હતું.
Comments
Post a Comment