ભારત-અમેરિકાનો ટુ પ્લસ ટુ ડાયલોગ મહત્ત્વનો બની રહેશે


અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને રક્ષા મંત્રી માર્ક એસ્પર ટૂ પ્લસ ટૂ ડાયલોગમાં ભાગ લેવા દેશની રાજધાની દિલ્હી પહોંચી ગયા છે. આ યાત્રા દરમિયાન અમેરિકાના બંને મંત્રીઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાર્તાલાપ યોજશે. ઉપરાંત બંને મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલને પણ મળશે. ભારત અને અમેરિકા વચ્ચેના ટૂ પ્લસ ટૂ ડાયલોગની શરૂઆત ૨૦૧૮માં થઇ હતી.

ત્યારથી દર વર્ષે આ બેઠક યોજાય છે. આ વર્ષે ટૂ પ્લસ ટૂ ડાયલોગની ત્રીજી બેઠક યોજાવાની છે. અમેરિકાના રક્ષા મંત્રાલયે આ બેઠકના એજન્ડા વિશે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે અધિકૃત ચર્ચા ચાર મુદ્દા પર કેન્દ્રીય રહેશે જેમાં ક્ષેત્રીય સુરક્ષા સહયોગ, રક્ષા માહિતીની આપલે કરવી, સૈન્ય સહયોગ અને રક્ષા વ્યાપારનો સમાવેશ થાય છે.

સૌથી પહેલા તો ટૂ પ્લસ ટૂ ડાયલોગ શું છે એ સમજીએ. આમ તો આ બે દેશો વચ્ચે થતી એક પ્રકારની રાજનીતિક વાતચીત છે જેમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ અને રક્ષા મંત્રીઓ ભાગ લે છે. ટૂ પ્લસ ટૂ ડાયલોગમાં બંને દેશોના વિદેશ મંત્રીઓ અને રક્ષા મંત્રીઓ વચ્ચે પરસ્પરના વ્યૂહાત્મક અને સુરક્ષા હિતો ઉપર વાતચીત થાય છે. આંતરરાષ્ટ્રીય સંબંધોની વાત કરીએ તો જાપાને આ ફોર્મેટનો સૌથી વધારે પ્રયોગ કર્યો છે. જાપાને અમેરિકા, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા અને ભારત સાથે ટૂ પ્લસ ટૂ ડાયલોગ યોજ્યાં છે. ભારત સાથે જાપાન ૨૦૧૦થી દર વર્ષે ટૂ પ્લસ ટૂ ડાયલોગ કરતું આવ્યું છે. 

ટૂ પ્લસ ટૂ ડાયલોગનો ઉદ્દેશ ભારત અને અમેરિકાના રક્ષા અને વિદેશ મંત્રીઓને એક મંચ ઉપર લાવવાનો હતો. છેલ્લા ઘણાં સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો ગાઢ બની રહ્યાં છે. બંને દેશો વચ્ચે સૈન્ય સમજૂતિ અને સૈન્ય અભ્યાસ તો વધ્યાં છે પરંતુ ડિપ્લોમેટિક સ્તરની વાતચીત ખાસ ગતિ પકડી શકી નહોતી.

ટૂ પ્લસ ટૂ ડાયલોગ દ્વારા આ ખામીને દૂર કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આમ તો ભારત અને અમેરિકા વચ્ચે ઘણી ડિપ્લોમેટિક વાતચીત થઇ છે પરંતુ મહત્ત્વની સુરક્ષા સમજૂતિઓને મૂર્તિમંત સ્વરૂપ મળી શક્યું નહોતું. એટલા માટે બંને દેશો વચ્ચે ટૂ પ્લસ ટૂ ડાયલોગ યોજવાનું નક્કી થયું. સામાન્ય રીતે ટૂ પ્લસ ટૂ બેઠકમાં અમેરિકાની દક્ષિણ એશિયા નીતિ ઉપર વાતચીત થાય છે. એ ઉપરાંત ચીન અને એશિયા પેસિફિક ક્ષેત્રની રણનીતિ ઉપર પણ ચર્ચા થતી હોય છે.

આ વખતની બેઠકમાં બંને દેશો વચ્ચે બેઝિક એક્સચેન્જ એન્ડ કોઓપરેશન એગ્રીમેન્ટ બીઇસીએ પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. આ સંધિ ઘણી મહત્ત્વની મનાઇ રહી છે. આ સમજૂતિ થયા બાદ ભારત અમેરિકાની જીયોસ્પેશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી શકશે અને મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોન જેવા હથિયારો અને ઓટોમેટેડ પ્રણાલિઓની સચોટતા પણ વધારી શકશે. અગાઉ ફેબુ્રઆરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સમજૂતિ વહેલી તકે કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. 

એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત સંઘ સાથે શરૂ થયેલા શીત યુદ્ધના સમય દરમિયાન અમેરિકાએ અનેક દેશોને પોતાના સહયોગી બનાવ્યાં હતાં. એ વખતે ભારત તેના કટ્ટર શત્રુ સોવિયેત સંઘનું મિત્ર બની રહ્યું હતું. જોકે સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે.

પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે. 

બરાક ઓબામાના શાસન દરમિયાન અમેરિકાની વિદેશ નીતિમાં થોડો ફેરફાર જરૂર થયો અને ઓબામાએ દુનિયાના દાદા બનીને રહેવાના બદલે દુનિયા સાથે મળીને ચાલવાની પહેલ પણ કરી. આ એ જ સમય હતો જ્યારે અમેરિકા અને ભારત નજીક આવ્યાં. એ પછી તરંગી મગજના ગણાતા હોવા છતાં ટ્રમ્પે દુનિયાના શક્તિશાળી દેશોને સાથે લઇને ચાલવાનું શાણપણ પણ દાખવ્યું છે. ઓબામાકાળમાં શરૂ થયેલા અમેરિકા અને ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને તેઓ આગળ ધપાવી રહ્યાં છે એટલું જ નહીં વધારે ને વધારે ગાઢ પણ બનાવી રહ્યાં છે. 

અમેરિકાએ નવી સુરક્ષા નીતિમાં હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન પણ કર્યું છે. વળી, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ચતુષ્કોણીય ધરી રચવાની વ્યૂહરચના પણ આગળ વધી રહી છે. ખરી વાત એ છે કે ચીનના વધી રહેલા પ્રભુત્ત્વના કારણે એશિયા-પેસિફિકના દેશોમાં અમેરિકાનો દબદબો ઘટી રહ્યો છે. 

એ તો સ્પષ્ટ છે કે એશિયામાં અમેરિકા નવા દોસ્તને શોધી રહ્યું છે. ભારતને પોતાનું વ્યૂહાત્મક ભાગીદાર બનાવવાના અમેરિકાના પ્રયાસો ઓબામાના કાર્યકાળ દરમિયાન જ શરૂ થઇ ગયા હતાં. એ વખતે તત્કાલિન વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન વારંવાર દાવો કરતા હતાં કે ભારત સાથે થયેલો પરમાણુ કરાર વ્યૂહાત્મક સંધિની દિશામાં મહત્ત્વનું પગલું છે. અમેરિકાની એકાધિકારવાદી વિદેશ નીતિઓના કારણે તેમણે દુનિયાના દરેક ખૂણામાં કોઇ ને કોઇ સાથીદારની જરૂરત રહેતી જ હોય છે. પોતાનું આ હિત સાધવા અમેરિકા ગમે તે હદ સુધી જઇ શકે છે.

શીત યુદ્ધના સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપેલી કડવાશને પાછળ છોડીને છેલ્લા બે દાયકામાં બંને દેશો એકબીજાની ઘણાં નિકટ આવ્યાં છે. ખાસ કરીને એશિયામાં અને દુનિયામાં ચીનના વર્ચસ્વ પર લગામ કસવા માટે અમેરિકાને ભારત જેવા લોકશાહી દેશની જરૂર છે. એટલું જ નહીં, ભારતની સવા અબજ વસતીના રૂપમાં અમેરિકાને એક વિશાળ બજાર પણ દેખાય છે. તો ભારતને અમેરિકાના ટેકનિકલ જ્ઞાાન અને વ્યૂહાત્મક સંશોધન ક્ષમતા અને મોટા બજારનો ફાયદો મળ્યો છે.  ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકા ભરોસાપાત્ર સાથીદાર નથી. અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે.

ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે. હકીકતમાં ભારત અને અમરિકા વચ્ચેના સંબંધોની આ ગુંચવણ નવી નથી. છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. 

સોવિયેત સંઘના પતન બાદ ભારત અમેરિકાની નજીક આવ્યું છે ખરું પરંતુ હજુ પણ ભારતની રશિયા ઉપરની નિર્ભરતા ખતમ થઇ નથી. અમેરિકા એ વાત સમજી શકતું નથી કે ભારત જાપાન કે યુરોપની જેમ તેનું ભાગીદાર બની શકે એમ નથી. આ દેશોને અમેરિકા સુરક્ષા પૂરી પાડે છે. પરંતુ પરમાણુ હથિયારોથી સજ્જ અને લશ્કરી રીતે અત્યંત બળવાન એવા ભારતને અમેરિકાની સુરક્ષાછત્રીની જરૂર નથી. ભારતની પોતાની સુરક્ષા ચિંતાઓ છે અને વ્યૂહાત્મક જરૂરિયાતો છે જે અમેરિકા કરતા અલગ છે.

એ હકીકત છે કે ચીન અને પાકિસ્તાન પ્રત્યે ટ્રમ્પ સરકારનું જેવું વલણ છે એવું ભારતને અનુકૂળ વલણ આ પહેલા અમેરિકાના એકેય રાષ્ટ્રપતિના શાસનકાળમાં જોવા નથી મળ્યું. પરંતુ એનો અર્થ એ પણ નથી કે ભારત અમેરિકાનું પીઠ્ઠું રાષ્ટ્ર બની રહે. ચીન સાથે આદરેલા ટ્રેડ વૉરમાં અમેરિકાએ ભારતને પણ ઘસડયું છે. તો એચવન બી વિઝા મામલે પણ તે ભારતને કોઇ રાહત નથી આપતું. ટૂંકમાં દોસ્તીની આડમાં તે ભારતનો હાથ મરોડવાના પ્રયાસો તો ચાલુ જ રાખે છે. 

જોકે ભારત સાથે ચીનના તંગ બનેલા સંબંધો દરમિયાન અમેરિકાએ ભારતની પડખે રહેવાનું પસંદ કર્યું છે. આ વખતની બેઠકમાં બંને દેશો વચ્ચેના રક્ષા અને વેપાર સહયોગ ઉપરાંત ચીનની ગતિવિધિ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. એટલા માટે આ બેઠક પર ચીનની પણ ચાંપતી નજર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો