ધ્રુજાવી દેતા વંટોળ વચ્ચે ટેમ્પરેચર માઈનસ 100 ડિગ્રી

- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-26

- અલાસ્કામાં જબરજસ્ત કટોકટીના તબક્કે પહોંચેલી સ્લેજગાડીની રિલે રેસ..

- નોર્ટન સાઉન્ડ વિસ્તાર એટલે અલાસ્કા પ્રાંતની જાણે 'આઈસ ફેક્ટરી'


આ વિસ્તારમાં બીજું જોખમ અત્યંત જોશથી ફુંકાતા ઠંડા પવનોનું છે, અહીં ભયંકર ઠંડી કે હિમ વર્ષા વચ્ચે ઘુમરી લેતો ને સુસવાટા મારતો પવન ભયંકર ઝંઝાવાતની જેમ ફુંકાતો રહે છે, જેના ઝપાટામાં આખેઆખી સ્લેજગાડી ઘુમરીઓ લેતી હવામાં ફંગોળાય છે. કલાકે ૭૦ માઇલ કરતાંય વધુ ઝડપે ફુંકાતા ઠંડાગાર પવનના કારણે ક્યારેક ટેમ્પરેચર માઇસ ૧૦૦ ડિગ્રી જેટલું અ.. ધ.. ધ નીચું ઊતરી જાય છે.

કાંઠા પર દૂર સુધી કોઇ ગામ દેખાતા નથી. 'નોર્ટન સાઉન્ડ' વિસ્તારમાં આમેય ગામડા બહુ ઓછા અને તે ય છૂટાછવાયા અને એકબીજાથી દૂર દૂર વસેલા છે.

આ વિસ્તારમાં વસતા એસ્કિમોના છોકરાઓ પણ એટલા ચપળ થઇ ગયા છે કે બેરિંગ સમુદ્રના ખાડી વિસ્તારમાં જામેલા બરફના અલગઅલગ રંગની ઝાંય પરથી બરફની એ સપાટી મજબૂત છે કે તકલાદી, અને એ બરફમાં ગાબડું પડવાની સંભાવના કેટલી અને ગાબડું પડે તો કેટલં મોટું પડશે, તેની આગાહી ચોક્સાઇપૂર્વક કરી શકે છે.

દાખલા તરીકે બરફની સપાટી પર કાળા રંગના ટપકા (બ્લેક સ્પોટસ) હોય તો એ બરફની સપાટી વધારે પડતી પાતળી હોય છે, વળી આ સપાટી અસ્થિર પ્રકારની હોય છે, સપાટી પાતળી હોવાથી તેની બે-ત્રણ ફૂટ નીચે જ સમુદ્રનું પાણી વહેતું હોય છે. હળવા ભૂખરા રંગનો (લાઇટ ગ્રે કલર) બરફ હોય તો સમજવું કે તેની સપાટી ઘણી જાડી છે. અર્થાત બરફનો થર દશ-બાર કે ૧૫ ફૂટ સુધી જાડો હોવાથી તેની પર સ્લેજગાડી સલામત રીતે હંકારી, શકાય છે.

અલાસ્કાની સ્લેજગાડીના ડોગ્સને પણ વર્ષોના અનુભવના આધારે નોર્ટન સાઉન્ડ વિસ્તારમાં જામેલા બરફની સપાટીના થરની જાડાઇ કે મજબૂતીનો ખ્યાલ આવી જાય છે.

જો કે ક્યારેક એવા કમનશીબ કિસ્સા પણ બનેલા છે કે જેમાં સ્લેજગાડીનો ડ્રાયવર બરફમાં ગાબડું પડશે કે નહીં તેનો અંદાજ લગાવવામાં ગોથું  ખાઇ જવાથી દુર્ઘટના સર્જાઇ છે.

તા.૩૧ જાન્યુઆરીને શનિવારની સવારનો સમય, એટલે કે સ્લેજગાડીની રિલે રેસ શરૂ થયાના ચોથા દિવસની સવારના સુમારે  ર્નોર્ટન સાઉન્ડ વિસ્તારના બે સામસામા છેડે સ્લેજગાડીનો ડ્રાયવર માયલેસ ગોનાન્ગન એક તરફ અને બીજો ડ્રાયવર લીઓનહાર્ડ સેપ્પાલા, બીજા છેડે ઊભા હતા. બંન્નેને એકમેકના લોકેશનનો સ્હેજેય ખ્યાલ નહોતો.

બન્ને જણ ઊભા ઊભા નોર્ટન સાઉન્ડમાં  જામેલા બરફના થરની જાડાઇ પુરતા પ્રમાણમાં છે કે નહી અને આજે એ વિસ્તારમાં ઠંડા પવનની ગતિ વધીને કેટલી થવાની સંભાવના છે, તેની ગણત્રી માંડી રહ્યા હતા. 

બન્નેએ પોતપોતાની રીતે નિર્ણય કરવાનો હતો કે નોર્ટન સાઉન્ડની ખાડી પર જામેલા બરફની સપાટી પરથી સ્લેજગાડી હંકારવી કે પછી ખાડીના કિનારા પરના રસ્તેથી સ્લેજગાડી હંકારવી. બરફ પરથી સ્લેજ હંકારવા કરતા કાંઠા પરના માર્ગેથી સ્લેજ લઇ જવાનું પ્રમાણમાં વધારે સલામત હતું. જો કે  તેમાં એક ગેરફાયદો એ હતો કે કાંઠા પરનો રસ્તો જરા વધારે લાંબો હોવાથી તેમાં સમય વધારે લાગે જ્યારે બરફની સપાટી પરથી સ્લેજ લઇ જવામાં  ઓછો સમય લાગે તેમ હતો. 

શનિવારની વહેલી સવારે લગભગ પાંચેક વાગ્યાના સુમારે આગળથી દવાનું પાર્સલ લઇને આવેલા સ્લેજના ડ્રાયવરે તેની રાહ જોઇને ઊભેલા બીજી સ્લેજગાડીના ડ્રાયવર ગોનાન્ગનના હાથમાં પાર્સલ સુપ્રત કર્યૂં.  ત્યાં સુધીમાં ગોનાન્ગને નિર્ણય લઇ લીધો હતો કે નોર્ટન સાઉન્ડ વિસ્તારના બરફ પરથી જવામાં જોખમ વધારે છે, કારણ એ બરફના થરમાં ગમે ત્યારે ગાબડું પડી જવાની સંભાવના  હોવાથી  તેના પોતાના અને સ્લેજના ડોગ્સના જાનનો ખતરો છે, માટે બરફની સપાટી પરથી જવાના બદલે કાંઠા પરના પર્વતીય તળેટીના રસ્તેથી જ સ્લેજ હંકારીને આગળ વધવું. તેણે નોમ ટાઉનની દિશામાં આગળ વધવાનું હતું. તો સામેથી  સેપ્પાલા નામનો સ્લેજગાડીનો ડ્રાયવર તેની પાસેથી દવાનું પાર્સલ લેવા ગોનાન્ગનની દીશામાં આગળ આવી રહ્યો હતો. પણ ગોનાન્ગન  દરિયાકાંઠાના રસ્તે નોમ તરફ આવતો હતો. જ્યારે  નોમ બાજુથી આવતો સેપ્પાલા  બરફની સપાટી પરથી સ્લેજ હંકારીને સામેથી આવતો હતો...!

ગોનાન્ગન કાંઠા પરના રસ્તે આગળ વધતો હતો, જે રસ્તો ઊચી ટેકરી પર થઇને આગળ વધતો હોવાથી તેણે ક્યારેક ક્યારેક સ્લેજમાંથી નીચે ઊતરીને પાછળથી સ્લેજને ધક્કો મારવો પડતો હતો, કારણ કે રસ્તો ઢોળાવ પર  ચઢતો હોવાથી સ્લેજના ડોગ્સ હાંફી જવાથી ઊભા રહી જતા હતા.  વધારામાં આ રસ્તે ધીમે ધીમે પવનનું જોર વધતા ભારે સુસવાટાભર્યા  ઠંડાગાર પવન વચ્ચે સ્લેજગાડી ખેંચવાનું ડોગ્સ માટે  મહામુશ્કેલ બની ગયું હતું.

નોંધપાત્ર વાત એ છે કે ગોનાન્ગન નોર્ટન સાઉન્ડ ખાડી વિસ્તારમાં જામી ગયેલા બરફની સપાટીવાળા રસ્તે નહીં, પણ કાંઠા પરના પર્વતીય તળેટીના  રસ્તે સ્લેજગાડી હંકારતો હતો. જ્યારે સામી બાજુથી તેના તરફ આવતા નોમ ટાઉનના  ડ્રાયવર સેપ્પાલાએ તેની સ્લેજગાડી નોર્ટન સાઉન્ડ વિસ્તારના બરફવાળા ટૂંકા રસ્તે થઇ હંકારવાનું નક્કી કર્યૂં હતું. આ બન્નેને, એકબીજાની ખબર નહોતી કે તેઓ અલગ અલગ રસ્તે સામસામા આગળ આવી રહ્યા છે. 

ગોનાન્ગને મળસ્કે લગભગ સાડા પાંચ વાગે તેની સફર શરૂ કરી હતી, પણ માર્ગમાં  બરફના ઢગ વચ્ચેથી પસાર થવાનું ખૂબ મુશ્કેલ બનતા પાંચેક કલાકના પ્રવાસ પછી સવારના ૧૦.૩૦ વાગ્યાના સુમારે તે માત્ર ૧૨ માઇલનું અંતર કાપી શક્યો હતો. ઠંડીનું જોર કલાકે કલાકે વધતુ જતુ હતું. સાથે સાથે હિમ ઝંઝાવતના સુસવાટા ડોગ્સની ઝડપ સાવ જ ઘટાડી દેતા હતા,   છતાં ગોનાન્ગન હિંમતભેર  પર્વતીય ઢોળાવ પરથી સ્લેજગાડી ધીમી ગતિએ નીચે તળેટીના રસ્તા સુધી હંકારી લાવ્યો હતો. હવે આગળનો રસ્તો બેરિંગ સમુદ્રના કાંઠે આગળ વધતો હતો. 

પરંતુ અહીંથી આગળ વધતા પહેલા ગોનાન્ગને રસ્તામાં માછીમારીની એક વસાહતમાં સ્લેજગાડી થોભાવી દીધી. 

જો કે ઘણા સમય પહેલા માછીમારો આ વસાહત છોડી ગયા હોવાથી ચાર-છ ખાલી ઝૂંપડા સિવાય ત્યાં બીજુ કશું જ નહોતું. આખી વસાહતમાં ઘેરો સૂનકાર વ્યાપેલો હતો. ઠંડી એટલી તો ભયંકર હતી કે ગોનાન્ગને અહી  થોડીવાર માટે સ્લેજગાડી થોભાવ્યા સિવાય ચાલે તેમ જ નહોતું. પ્રમાણમાં થોડા મોટા એવા એક ઝૂંપડા પાસે સ્લેજગાડી થોભાવીને ગોનાન્ગન તેની સાથે દવાનું પાર્સલ લઇને ઝૂંપડાની અંદર ગયો. 

ઝૂંપડામાં જઇને તેણે તાપણું સળગાવ્યું અને દવાનુ પાર્સલ ખોળામાં લઇને તે તાપણા નજીક બેસી ગયો. તેને અણસાર આવી જ ગયો હતો કે તેની ખરી કસોટી તો હવે આગળના રસ્તે થવાની હતી એટલે શક્ય તેટલો ગરમાવો લઇ લેવા થોડીવાર સુધી તે તાપણા નજીક જ બેસી રહ્યો. ઝૂંપડા બહાર ભારે સૂસવાટાભેર ઠંડા પવન ફુંકાઇ રહ્યા હતા.

માછીમારોની આ નિર્જન વસાહત પછી પાંચેક માઇલ સુધીનો રસ્તો વાંકોચૂકો અને થોડા ચઢાણ- ઉતરાણવાળો હતો, એ રસ્તો બ્લ્યૂબેરી હિલ્સ સુધી જતો હતો.

બ્લ્યૂબેરી હિલ્સ સમુદ્ર કાંઠા વિસ્તારથી લગભગ ૧૦૦૦ ફૂટની ઊંચાઇએ છે, એ રસ્તે ૧૦૦૦ ફૂટનું ચઢાણ સ્લેજગાડીના ડોગ્સ માટે બહું કપરૂં બની રહે તેવું છે. પણ અહીંથી કાંઇ મુશ્કેલીનો અંત આવવાનો નહોતો. ૧૦૦૦ ફૂટ ઊંચાઇનો રસ્તો ચઢ્યા પછી રસ્તો દક્ષિણ દિશામાં ફંટાય છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો