ચોકલેટઃ સ્વાદ, સંસ્કૃતિ, વિચાર અને ઘણું બધું

- દક્ષિણ અમેરિકાની ચોકલેટ તીખી હતી, યુરોપે તેને મીઠી બનાવી, તેને લિક્વિડમાંથી સોલિડ બનાવવાનો શ્રેય પણ યુરોપને જાય


જૉ ન હેરિસે ૧૯૯૯માં એક નવલકથા લખેલી, ચોકલેટ. કથા એવી છે કે એક અનૌરસ સંતાનની માતા લેન્સેનેટ-સૌસ-ટેનેસ નામના ફ્રેન્ચ ગામડાંમાં રહેવા જાય છે. ત્યાં તે ચોકલેટની દુકાન શરૂ કરે છે. ગામડું બહુ જ રૂઢિચૂસ્ત છે. શરૂઆતમાં એ મહિલાનો તિરસ્કાર કરવામાં આવે છે. ધીમે-ધીમે ગ્રામજનો ચોકલેટના સ્વાદથી રંગાય છે. લહુ મૂહ લગ ગયાની ઢબે ચોકલેટનો સ્વાદ તેમની જીભે રમતો થાય છે. તેમની જિંદગી બદલાઈ જાય છે. લેસ હેલસ્ટ્રોમે આ નવલકથા પરથી ૨૦૦૦ની સાલમાં ફિલ્મ બનાવેલી. તેનું પણ એ જ નામ હતું.

જે મહિલા બધાને ધરમ પળાવે છે, ચોકલેટ પીવાથી દૂર રાખે છે, સ્વભાવે કડક છે અને કડકાઈપૂર્વક શિસ્તપાલન કરાવે છે તેનું જ મુખારવિંદ એક સવારે લિક્વિડ ચોકલેટ બાઉલમાં પડે છે. તે પોતાને અરીસામાં જોવે છે. ગ્રામજનો તેને જોઈને દંગ રહી જાય છે. એવું લાગે છે જાણે તે ચોકલેટના હોજમાં સ્નાન કરીને બહાર નીકળી છે. પ્રભુભજનનો સ્વાદ લાગે એવી રીતે તેને ચોકલેટનો સ્વાદ લાગે છે અને તેનું સઘળું અભિમાન પલકારામાં ખરી પડે છે. આવો ચોકલેટનો મહિમા છે સાહેબ. તેની કથા હાથમાં ચોખા નહીં, પણ કોકોબીન લઈને સાંભળવાનો રિવાજ છે. એવું કરનારની ચોકલેટ ગળચવાની મનોકામના પૂર્ણ થાય છે.

ઇસપૂર્વે ૧૫૦૦માં મેક્સિકોના ઑલમેક્સ ખાતે સૌપ્રથમ વખત કોકો બીન્સ આથવામાં, શેકવામાં તથા પીસવામાં આવેલા. તેનું પીણું બનાવીને ઘટક-ઘટક પીવામાં આવતું. અહીંથી તેઓ યુકાટન, ગ્વાટેમાલા અને આસપાસની માયા સંસ્કૃતિના લોકો પાસે પહોંચ્યું. ત્યાંથી ૧૫મી સદીની એઝટેક સંસ્કૃતિના શાસકો પાસે. એઝટેક સામ્રાજ્યના શાસકોએ મેસો-અમેરિકા (મેક્સિકો અને મધ્ય અમેરિકા)નો વિસ્તાર જીતી લીધેલો. જીત્યા બાદ તેમણે કોકોબીન્સમાંથી કોકો બનાવવાની પદ્ધતિ શીખી. એ સમયે ઝોકોનોચો પ્રાન્તમાં સૌથી ઉત્તમ ગુણવત્તાના કોકોબીન ઉગાડવામાં આવતા. એઝટેક શાસકોએ તે પ્રાન્ત જીતી લીધેલો.

ઓલ્મેક, માયા અને એઝટેક સંસ્કૃતિના લોકો કોકોબીનનો ઉપયોગ દવા તરીકે કરતા, ઈશ્વરને પ્રસાદ તરીકે ધરતા. એક સમયમાં કોકો બીનનો ઉપયોગ કરન્સી તરીકે પણ થતો. એ સમયની હસ્તપ્રતોમાં એવા ૧૦૦થી વધુ ઉપચાર વાંચવા મળે છે જેમાં કોકોનો ઉપયોગ દવા તરીકે થતો હોય. સૂકલકડીઓનું વજન વધારવા માટે ઉપયોગ થતો. શિથિલ થઈ ગયેલા દરદીઓના જ્ઞાાનતંતુઓની ચેતના વધારવા માટે થતો. પાચનતંત્ર સુધારવા અને આંતરડાને અધિક કાર્યક્ષમ બનાવવા માટે થતો. ખરાબ સ્વાદવાળી દવાઓ ચોકલેટ પેસ્ટમાં મિક્સ કરીને ખવડાવી દેવામાં આવતી. વર્તમાન ફાર્માસ્યુટિકલ જાયન્ટ્સ પણ આ આઇડિયાનો ઉપયોગ કરે છે.

ગાંધીજી ચોકલેટને મૃત્યુ આપનારી કહેતા, ચોક... લેટ. તેનાથી વિપરીત માયા અને એઝટેક સંસ્કૃતિના લોકો ચોકોલેટને દિવ્ય પદારથ માનતા હતા. તેઓ માનતા કે દેવતાઓએ પહાડ પરથી કોકોબીનની શોધ કરેલી. તેનો ઉપયોગ તેઓ કર્મકાંડ અને બલિ માટે કરતા. હર્નાન્ડો કોર્ટ્સ નામના એક સ્પેન્યાર્ડને જ્યારે એઝટેકના રાજા મોન્ટેઝુમાના દરબારમાં લઈ જવામાં આવ્યો ત્યારે તે શું જુએ છે? તે જુએ છે કે ફીણવાળા પ્રવાહીથી ૨૦૦૦ જગ ભરેલા છે. તે ડ્રિંકનું નામ કાકાહુઆટી. તે કોકો પાઉડર, વેનિલા, મરચા અને મરચાના પાઉડરમાંથી બનાવવામાં આવેલું છે. મજા વધારવા માટે ઘણા લોકો આ પ્રવાહીમાં શરાબ નાખીને પી રહ્યા છે.

તેણે એઝટેક પર વિજય મેળવ્યો અને બાદમાં ભારે માત્રામાં કોકોબીજ અને ચોકલેટ (કાકાહુઆટી) બનાવવાના યંત્રો સ્પેન લઈ ગયો. ઇટાલીના ફ્રાન્સિસ્કો કારલેટીએ ચોકલેટની બાબતમાં સ્પેનની મોનોપોલી તોડી નાખી. ફ્રાંસે ૧૬૧૫માં ડ્રિન્કિંગ ચોકલેટનો સ્વાદ ચાખ્યો. ૧૬૫૦માં તે ઇન્ગ્લેન્ડ પહોંચી. અંગ્રેજ ડૉક્ટર સર હેન્સ સ્લોને દક્ષિણ અમેરિકાની યાત્રા કરી. તેમણે સૌપ્રથમ ચોકલેટ બાર બનાવી. યુરોપે ચોકલેટને પીવામાંથી ખાવાની ચીજ તો બનાવી જ સાથોસાથ તીખીમાંથી ગળી પણ બનાવી. 

ચોકલેટ નવલકથાની નાયિકા વિયેન ચોકલેટને દેવતાઓનું કટું અમૃત કહે છે. ૧૫૧૯માં યુરોપિયનો મેક્સિકો પહોંચ્યા એ  પૂર્વે કોકોબીનનો ઉપયોગ કેવળ પીણું બનાવવા માટે થતો અને એ પણ પુખ્ત પુરુષોને જ અપાતું... ખાસ કરીને પાદરીઓ, ઉચ્ચ સરકારી અધિકારીઓ, મિલિટરી ઑફિસર, યોદ્ધાઓ તથા જેની બલિ ચડાવવાની હોય તેને અપાતું. કોકોને નશીલો પદાર્થ માનવામાં આવતો હોવાથી મહિલાઓ અને બાળકોને અપાતો નહોતો. તેને દેવતાઈ માનવામાં આવતો હોવાથી માત્ર ઉચ્ચ ઘરાનાના લોકો જ તે પી શકાતા. જેવી રીતે સોમરસ માત્ર દેવતાઓ માટે હતો તેમ. કોકો દક્ષિણ અને મધ્ય અમેરિકાની સંસ્કૃતિનો સોમરસ હતો એમ પણ કહી શકાય. એઝટેકની ભાષા નેહુટલમાં ચોકલેટનો અર્થ થાય છે ખાટું અથવા કડવું. 

કોકો પીનારો પુરુષ હાયર સ્ટેટસનો અનુભવ કરતો. કોકો પીનારા સાથે કોકો પીનારો જ જમી શકતો. કોકો પીનારને ઘણા બધા સામાજિક લાભ મળતા. મહિલાઓને કોકો પીવાનો પ્રતિબંધ હતો. બનાવવાનો નહીં. કોકો બિન્સમાંથી માદક પીણું બનાવવાની જવાબદારી તેમની જ રહેતી. ૧૬મી સદીમાં કોકોબીન્સ અને તેનું પીણું (લિક્વિડ ચોકલેટ) યુરોપમાં પહોંચ્યા. 

સૌપ્રથમ સ્પેન અને ત્યાંથી લંડન પહોંચ્યા. ૧૬૫૭માં ધ પબ્લિક એડ્વાઇઝર નામના જાહેરાત સામયિકમાં છપાયું, ઇન ધ બિશપગેટ સ્ટ્રીટ, ક્વીન્સ હેડ એલી, એટ એ ફ્રેન્ચમેન્સ હાઉસ, ઇઝ એન એક્સલન્ટ વેસ્ટ ઇંડિયા ડ્રિન્ક કોલ્ડ ચોકોલેટ. આ જાહેરાત આપનારો ફ્રેન્ચમેન ઇન્ગ્લેન્ડનો પહેલો ચોકલેટ સેલર કહેવાય છે. પ્રથમ ચોકલેટ બાર ૧૮૪૯માં બની અને પ્રથમ ડેરી મિલ્ક ૧૯૦૫માં. યુરોપના સામ્રાજ્યવાદીઓ કોકોબીન્સને કેરેબિયન ટાપુ, વેસ્ટ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયા લઈ ગયા. ત્યાં તેનું કોમર્શીયલ ઉત્પાદન શરૂ કર્યું. તેઓ ગુલામો પાસે કોકોની ખેતી કરાવતા. એટલે ગાંધીએ કોકોને મૃત્યુ આપનારું પીણું કહ્યું છે. દેવતાઓનું નહીં, દૈત્યોનું પીણું કહ્યું છે.

જ્હોન કેડબરીએ ૧૮૨૪માં બર્મિંગહામમાં કેડબરીની સ્થાપના કરી. ભારતમાં કોકોની ખેતી શરૂ થઈ. આજે પણ આન્ધ્ર પ્રદેશ અને કેરળમાં કોકોની ખેતી થાય છે. ચા, કોફી અને કોકોની આદતના મૂળ યુરોપિયન સામ્રાજ્યવાદના મૂળમાં રહેલા છે. ભારતમાં ચા વધારે પીવાય છે કારણ કે અંગ્રેજો ચા વધારે વેચતા. 

ચોકલેટથી ફાયદો કે નુકસાન એ વિશે અત્યારે પણ દ્વંદ્વ ચાલુ છે. કારણ કે કોકોને ખાવા લાયક બનાવવા માટે તેને ઘણી બધી પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. વળી, બજારમાં મળતી જે ચોકલેટ આપણે ખાઈએ છીએ તેમાં કેફિન જેવા મગજને ઉત્તેજિત કરનારા દ્વવ્યો પણ હોય છે. ચોકલેટના ફાયદા વિશે ઘણા બધા અભ્યાસ થયા છે, કિન્તુ એકેય અભ્યાસ ફાઇનલ કન્ક્લુઝન સુધી પહોંચી શક્યો નથી. આજે ચોકલેટની બજાર ૪૪.૩૫ અબજ ડોલર (આશરે રૂા. ૩,૫૪૮ અબજ)ની છે. ૨૦૨૭માં ૬૧.૩૪ અબજ ડોલર (રૂા.૪,૯૦૭ અબજ)ની હશે.

એઝટેક અથવા માયા સંસ્કૃતિ કરતા આજનો યુગ વધારે સારો એ દૃષ્ટિએ છે કે આજે ચોકલેટ ગરીબ-તવંગર, કાળા-ગોરા બધા માટે અવેલેબલ છે. હજાર રંગરૂપમાં અવેલેબલ છે. ડાર્ક ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ચિલી ચોકલેટ, કેરામલ ચોકલેટ, હેઝલ્નટ ચોકલેટ, સોલ્ટેડ કેરામલ ચોકલેટ, મિન્ટ ચોકલેટ, જિન્જર ચોકલેટ, સેલ્ટેડ કેરામલ ચોકલેટ, કૉફી ચોકલેટ, ફ્રુટી ચોકલેટ, હોટ ડ્રિન્કિંગ ચોકલેટ, કોકો જીન, કોકો વોડકા, કોકો બીયર અને ચોકલેટ બાથ. 

ચોકલેટ એક વિચારધારા છે. શાહરુખ ખાન ચોકલેટી હીરો છે. ચોકલેટી રગિડનો વિરોધી શબ્દ છે.  સ્વાદ, સંસ્કૃતિ, વિચારધારા, સામ્રાજ્યવાદ, વેપાર, આનંદ કેટલું સમાયેલું છે તેમાં... ને કુછ મીઠા હો જાયે કહેતાની સાથે આ બધું જ ઓગળી જાય છે. કેવળ એક સ્વાદ રહી જાય છે. નિરાકાર બ્રહ્મ શો.

ચોકલેટ વિશે વાંચવાથી મોંમાં પાણી જરૂર આવે છે, પણ તેનો આર્ટીકલ ચાવી જવાથી ચોકલેટનો સ્વાદ આવે છે કે નહીં તે વિશે હજુ કોઈ રીસર્ચ થયો નથી.

આજની નવી જોક

લીલી (છગનને): મારી ભલાઈ જુઓ મેં તમને જોયા વિના જ તમારી સાથે લગ્ન કરી લીધેલા.

છગનઃ તું મારી ભલાઈ જો મેં તને જોયા પછી પણતારી સાથે લગ્ન કર્યા.

લીલીઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો