આંદોલન પર ઊતરીને ખેડૂતોએ મર્દાનગી બતાવી


- કેન્દ્ર સરકાર શા માટે પરાણે કાયદો લાવી ? : ખુલ્લેઆમ ચોરી કરતા ઘણાય જોયા છે, છુપાઈ-છુપાઈને પ્રમાણિકતા દાખવવાવાળા પહેલીવાર જોવા મળ્યા

- મફતમાં વાડીએ જીંજરા અને મગફળી ખાવા પહોંચી જતા લોકો ખેડૂતોની ટીકા કરે તે શોભતું નથી

કળિયુગ બહુ સારો હતો. હળહળતા કોરોના યુગમાં સરકાર કોરોના અંકુશમાં લેવા સિવાયના બધા કામ કરી રહી છે. આખું ગામ કોઈ જાહેર પ્રસંગમાં ચોરે ભેગું થયું હોય ત્યારે ઘરફોડી થઈ જાય એમ ઓર્ડિનન્સ લાવવામાં આવે છે. સંસદ ખૂલે અને વિપક્ષ વૉક આઉટ કરી જાય પછી ખરડા પસાર કરી દેવામાં આવે છે. કોઈ કોઈને પૂછનારું નથી, કોઈ કોઈને રોકનારું નથી. જનતા કાં તો કોરોનાથી ગ્રસિત છે અથવા ભયથી. એવામાં મરદના ફાડિયા જેવા ખેડૂતોએ આંદોલન પર ઊતરવાની હિંમત દાખવી છે. બિચારા કરે પણ શું? ખતમ થઈ જવું કે આંદોલન કરવું એવા બે વિકલ્પ જ બચ્યા હોય તો સ્વાભાવિક છે કે બીજા પર પસંદગી ઉતારવી પડે. આત્મહત્યા તો આમેય કરતા જ હોય છે તો એક તક આંદોલનને પણ આપી રહ્યા છે.

કિસાન નેતા યોગેન્દ્ર યાદવ રગ પકડે છે, આ આપણા દેશમાં કેટલી ગંદી મજાક ચાલી રહી છે. ખેડૂતોને કહેવામાં આવી રહ્યું છે કે અમે તમને ઐતિહાસિક ગિફ્ટ આપી રહ્યા છીએ. ખેડૂતો બે હાથ જોડીને કહી રહ્યા છે, ભાઈ, મેં આ ગિફ્ટ ક્યારેય માગી જ નહોતી. મેં જે માગ્યું હતું એ મને આપી દો. કિસાનોની માગણી માત્ર એટલી છે કે સરકાર એમએસપીને કાયદો બનાવી દે. મંડી કે મંડીની બહાર ક્યાંય પણ એમએસપીથી નીચેના ભાવે અનાજની ખરીદી થઈ શકે નહીં.

પહેલું ખોટું તો તેઓ એ બોલી રહ્યા છે કે, કિસાનો હવે દેશમાં ક્યાંય પણ માલ વેચી શકશે. તેનો અર્થ એવો થયો કે પહેલા દેશમાં ક્યાંય પણ માલ વેચી શકાતો નહોતો. જે વાત બિલકુલ ખોટી છે. હું ચાહુ તો મારો બાજરો કલકત્તામાં વેચી શકું. પ્રતિબંધ કેવળ આડતિયા અને વ્યાપારી પર હતો. (આવું જ કોન્ટ્રેક્ટ ફાર્મિંગનું. એ પણ આ કાયદો લવાયો એની પહેલાથી, વર્ષોથી થાય છે.)

નરસિંહરાવ સરકાર જ્યારે એલપીજીના સુધારા લાવી ત્યારે કોર્પોરેટ્સે વિરોધ કરેલો. કારણ કે હવે આંતરરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા કરવાની હોવાથી તેમનો ગરાસ લૂંટાતો હતો. એલપીજી એ ગ્રાહકો માટે એક સુઘટના હતી. કોઈ ગ્રાહક ૧૯૯૧માં નાણાંમંત્રી મનમોહનસિંહે કરેલા સુધારાના વિરોધ માટે સડક પર ઊતર્યો નહોતો. એ રીતે જો સરકારે ખેડૂતોના હિતના ખરડા પસાર કર્યા હોય તો આંદોલન કે વિરોધ માત્ર આડતિયા કે વેપારીઓ કરતા હોત. તેવું થઈ રહ્યું નથી. વેપારીઓ અને આડતિયા બીજા ક્રમે છે. પહેલો અને વધારે બૂલંદ વિરોધ ખેડૂતો કરી રહ્યા છે. ક્યારેય એવું જોયું છે કે જેને ફાયદો થતો હોય એ વિરોધ કરે? ભારતનો ખેડૂત ઓછું ભણેલો હશે, પરંતુ એટલો ગમાર તો નથી જ કે તેનો ફાયદો થતો હોય તો પણ વિરોધ કરવા નીકળી પડે.

યાદવ ધ્યાન દોરે છે, સરકાર એમ કહે છે કે ખેડૂતોના વિકલ્પ વધી જશે એ વાત પણ સદંતર ખોટી છે. યાર્ડની અંદર ટેક્સ લાગે છે અને બહાર લાગતો નથી. યાર્ડમાં બેસતો વેપારી પણ હવે યાર્ડની બહાર બેસીને ધંધો કરશે. પરિણામે બેક વર્ષમાં ધંધો ઠપ થઈ જશે. ખેડૂતો ઉપર જે છત છે તે ધ્વસ્ત થઈ જશે. માન્યું કે તે કાચી છત છે, તૂટેલી છત છે, તેમાંથી પાણી ચૂંવે છે. બીજેપીવાળા કહે છે, જોવો કેવી ખરાબ છત છે, ચલો તમને આનાથી આઝાદ કરી દઈએ. છત હટાવી દઈએ.  (ઘરમાં તૂટેલી છત હોય તો તમે શું કરો? તેનું લીકેજ રીપેર કરશો કે જેસીબીથી છત હટાવી દેશો?)

ખેડૂતો કહે છે, મારા ઉપરની છતને મજબૂત કરો. તેને હટાવો નહીં. આડતિયા અનેક જગ્યાએ ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે.  આ શોષણ બંધ કરાવવા એપીએમસી એક્ટ સુધારવાની જરૂર છે. એપીએમસી બંધ કરવાની નહીં. એમએસપીમાં હાલ બે પ્રોબ્લેમ છે. એક તો માત્ર છ ટકા કિસાનોને જ તેનો લાભ મળે છે. કિસાનો તો આ છ ટકામાંથીય બહુ જ ઓછા હોય છે. આડતિયા કિસાનો પાસેથી ઓછા ભાવે માલ ખરીદી તે ટેકાના ભાવે વેચી મારે છે. આમ એમએસપીનો લાભેય આડતિયા લઈ જાય છે. પ્રહાર આડતિયાની આડોડાઈ પર કરવાનો છે. ખેડૂતો પર નહીં.

આ તો એવું થયું કે ઉંદરનો ત્રાસ છે તો રીંછ ખુલ્લા મૂકી દો. એપીએમસી બંધ થઈ જવાથી આડતિયા ખતમ નહીં થાય. સરકારી એપીએમસી ખતમ થઈ જશે એટલે પ્રાઇવેટ એપીએમસી આવી જશે અને ત્યાં પ્રાઇવેટ આડતિયા આવી જશે. દેશી આડતિયાની બદલે અંગ્રેજી આવી જશે એટલું જ બદલાશે. બાકી કશું ખતમ નહીં થાય.

આજની વ્યવસ્થામાં જે ક્ષતિઓ છે તે દૂર કરવાની જરૂર છે. કંપનીઓની વ્યવસ્થા લાવવામાં આવશે તો કંપનીરાજ આવી જશે જેમાં કિસાનોનું જરા પણ ચાલશે નહીં. અમેરિકામાં પાંચ ટકા લોકો ખેતી કરે છે. ભારતમાં ૪૫ ટકા. ૧૦૦માંથી ૬૦ જણા ખેતી પર આધારિત છે. નવા કાયદાથી ન તો તેમની આવકમાં વધારો થશે, ન તેમની ખુશાલીમાં. તેઓ બરબાદ થઈ જશે. નવો કાયદો તેમની બરબાદીની બ્લૂ પ્રિન્ટ છે.  અમેરિકન સ્ટાઇલ વ્યવસ્થા ભારતમાં ચાલી શકે નહીં.

ભારતની પોતાની તાસીર છે. તેનું અમેરિકીકરણ સંભવ નથી. ને અમેરિકામાં શું સ્થિતિ છે એ તો જુઓ. ત્યાં ખેતીનું સંપૂર્ણ બજારીકરણ થઈ ગયું છે. તેના કારણે ત્યાં પણ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ત્યાંની સરકાર ખેડૂતોને દર વર્ષે ૭,૦૦૦ ડોલરની સબસિડી ચૂકવે છે. ભારતીય ચલણ પ્રમાણે રૂા.સાડા પાંચ લાખ થાય. તોય ખેડૂતો પરનું દેણું વધીને ૪૨૫ અબજ ડોલરનું દેણું થઈ ગયું છે. અમેરિકાના ગામડાંમાં આત્મહત્યાનું પ્રમાણ શહેરની તુલનાએ ૪૫ ટકા વધારે છે. 

અમેરિકા, યુરોપ અને કેનેડામાં માત્ર ખેતી નહીં, ખેત પેદાશોની નિકાસ પણ સબસિડી પર અવલંબિત છે. અમેરિકન સરકાર દર વર્ષે રૂા.૨૪૬ અબજ ડોલરની સબસિડી આપે છે. જો મુક્ત બજાર તેમને મદદરૂપ બનતું હોત તો અમેરિકન સરકાર ખેડૂતોને આટલી સબસિડી શામાટે આપતી હોત. તેના પરથી સ્પષ્ટ થાય છે કે મુક્ત બજારનો વિકલ્પ ખેતી માટે અમેરિકામાંય વ્યવહારું નથી તો ભારતમાં તો ન જ હોય. હા, અમુક કોર્પોરેટ્સને તેનાથી જરૂર ફાયદો થાય અને ઉદ્યોગપતિઓના ઓબ્લિગેશન હેઠળ જીવતા નેતાઓ તેમના માટે મહેનત કરે તેમાંય કોઈ શંકા નથી.

વિધેયક રાજ્યસભામાં છળ કરીને પસાર કરવામાં આવ્યા. ડિવિઝન વોટિંગની માગણી હોવા છતાં ધ્વનિમતથી પસાર કરી દેવાયા.  ડિવિઝન વોટની માગણી કરાઈ ત્યારના વીડિયો રેકોર્ડિંગમાં ઓડિયો મ્યુટ કરીને કઈ રીતે પપેટ રાજ્યસભા ટીવીએ દેશવાસીઓને છેતર્યા તે પણ ધુ્રવ રાઠીએ તેની યુટયુબ ચેનલ પર એક્સપોઝ કર્યું છે. ધ્વનિમત ક્યારે હોય? જ્યારે ૯૦ ટકા સાંસદો કોઈ ખરડાની તરફેણમાં હોય અને તેથી એ કામ ઝડપથી પૂરું કરવાનું હોય ત્યારે. ૪૦-૬૦ના કેસમાં ધ્વનિ મત ન હોઈ શકે. કારણ કે આમાં છેતરપિંડીની શક્યતા છે. ઉપરાષ્ટ્રપતિ કે સ્પીકરને ૪૦ ટકાનો અવાજ ૬૦ ટકા કરતા વધુ લાગી શકે છે. તેમ છતાં ધ્વનિમતથી ખેડૂતોના ખરડા પસાર કરી રાજ્યસભાના નિયમોનો ઉલાળિયો કરાયો.

સરકાર જો ખેડૂતોના મુદ્દે ખોટી નથી તો પછી ચર્ચાથી કેમ ભાગી રહી છે? ધારો કે તમે પીડબલ્યુડી કચેરીમાં પોતાનું કોઈ કામ લઈને જાવ છો. તમારે તમારા કામ માટે કાયદેસરના રૂા.૫,૦૦૦ ભરવાના થાય છે. તો શું તમે રૂા.૫,૦૦૦ની રકમ અંડર ટેબલ આપશો? શું તમે ઇલેક્ટ્રિસિટી બોર્ડની કચેરીએ જઈને લાઇટબિલના પૈસા અંડર ટેબલ આપશો? નેવર. બે નંબરની રકમ જ ચોરી છૂપીથી અપાય છે અને લેવાય છે. સરકાર આવું તે કયું પ્રમાણિક કામ લોકડાઉનમાં ઓર્ડિનન્સ લાવીને, કોઈ પણ પ્રકારની ચર્ચા ન થવા દઈને, રાજ્યસભામાં બળજબરી કરાવીને કરી રહી છે? ખરી ભલાઈ છે આ તો. ખુલ્લેઆમ ચોરી કરતા તો ઘણા જોયા છે અત્યાર સુધી, છુપાઈ-છુપાઈને પ્રમાણિકતા દાખવવાવાળા પહેલીવાર જોવા મળ્યા. કળિયુગમાં આવું જોવા નહોતું મળતું, કોરોના યુગ કેવું-કેવું દેખાડી રહ્યો છે!

સરકારની અસલી મુરાદ કોર્પોરેટ્સને ખટાવવાની અને સત્તાનું કેન્દ્રીકરણ કરવાની છે. વેટ હતો ત્યારે દરેક રાજ્ય પાસે પોતાની આવક હતી. હવે તેઓ કેન્દ્ર સરકારના ભિક્ષુક બની ગયા. કેન્દ્રમાં બેઠેલો પક્ષ જે રાજ્યમાં પોતાનો પક્ષ બેઠો હોય તેમને તેમનો જીએસટી શેર વહેલો આપી દે, જ્યાં કૉન્ગ્રેસ કે બીજા પક્ષો સત્તામાં હોય તેમને મોડો આપે. આ રીતે રાજ્યો નબળા પડયા અને કેન્દ્રની શક્તિ વધી. 

એપીએમસી ખતમ થઈ જવાથી પણ આવું જ થવાનું. એપીએમસી પાસેથી રાજ્ય સરકારને ટેક્સ મળે છે તો તે ખેડૂતો માટે, માલવહન માટે સડકો બનાવી શકે છે. એપીએમસી ખતમ થઈ ગયા પછી રાજ્ય સરકારો આ બાબતમાં પણ કેન્દ્રની દાન-દક્ષિણા પર અવલંબિત થઈ જશે. નવા કાયદા આ રીતે ભારતના ફેડરલ સ્ટ્રક્ચર પર પણ ઘા કરે છે. મરણતોલ ઘા. ખરેખર આ સરકાર જબરી તીરંતાજ છે! એક તીરમાં અનેક નિશાન વિંધી શકે છે!

ખેડૂતોને ખોટા માને છે તેમણે એક વર્ષ ખેડૂતો ભેગું રહી જોવું. આપોઆપ સમજાઈ જશે કે કોણ ખોટું છે અને કોણ સાચું? મફતમાં ઝીંઝરા અને મગફળી ખાવા વાડીએ પહોંચી જવું અને ખેડૂતોની ટીકા પણ કરવી એ શોભતું નથી. જોવાનું એ છે કે ખેડૂતો પોતાના હિતોની રક્ષા કરી શકે છે કે કેમ? બાકી જે થાય તે હરિઇચ્છા.

આજની નવી જોક

છગન (ડૉ.મગનને) : ડોક્ટર સાહેબ, ચશ્માં પહેર્યા પછી હું વાંચી તો શકીશને?

ડૉ.મગનઃ હા બિલકુલ.

છગનઃ સરસ લ્યો, બાકી હું તો આ નિરક્ષરતાથી ભયંકર કંટાળી ગયેલો.

ડૉ.મગનઃ હેં!?

અર્થચિંતન

અર્થશાસ્ત્રી મનમોહનસિંહની અત્યારે સૌથી વધુ જરૂર

હમણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહનો જન્મ દિવસ ગયો. તેમની જેટલી ટીકા થઈ તેટલી ભાગ્યે જ કોઈની થઈ હશે. મૌન રહેવા બદલ તેમની ટીકા થઈ અને કમાલ એ છે કે તેમના મૌને જ આખરે તેમના કામની કિંમત કરાવી. સોરી, કરેક્શન કરવું પડે, તેમના મૌને નહીં પણ વર્તમાન વડા પ્રધાને કરાવી છે. તેમણે સમજાવી દીધું છે કે દેશના મોટા હોદ્દાઓ સંભાળવા તે કારખાનું ચલાવવા જેવું કે માત્ર વેપારી મંડળ ચલાવવા જેવું કેવળ કોઠાસૂઝ અને ગણતરથી થઈ શકે તેવું કામ નથી. તેના માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં મેળવેલું આધુનિક શિક્ષણ પણ અત્યાવશ્યક છે. સારા ભણતર સાથે મૌન રહેીને કામ કરીએ તો દેશનો વિકાસ ૧૦ ટકાને ક્રોસ કરી જાય છે. નહીં તો માઇનસ ૨૩ ટકા. ડૉ.મનમોહનસિંહ ભાગ્યશાળી છે કે તેમના જીવતા જીવ દેશવાસીઓને તેમની પ્રતિભાનું મૂલ્ય સમજાઈ ગયું છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો