બેન્કિંગ ગોપનીયતા જાળવો :


આજકાલ મહામંદીના સમયમાં દેશભરમાં ફેઈક મેસેજ કંપનીઓ અસ્તિત્વમાં આવી છે જેના પર રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવતા નથી અને અનેક ધનભૂખ્યા લોકો એની લોભલાલચમાં ફસાઈને જે થોડા ઘણાં નાણાં પોતાની પાસે છે એ પણ ગુમાવવા લાગ્યા છે. આવી ચોર કંપનીઓને દેશની તમામ ટેલિકોમ કંપનીઓની હૂંફ છે. આ કંપનીઓની મોડેસ ઓપરેન્ડી સમાન છે. તેઓ ગમે તેમ કરીને તમારા બેન્ક એકાઉન્ટની વિગતો સુધી પહોંચવા ચાહે છે અથવા તો તમને એમના કહેલા એકાઉન્ટમાં ચોક્કસ રકમ ભરવાની પ્રેરણા આપે છે. આખી યોજના આજા ફસા જા - થી વિશેષ કંઈ નથી. દિલ્હીમાં આજકાલ આવી કંપનીઓના મોટા અડ્ડા છે. ઈન્ફોટેકના જાણકાર બેકાર યુવક-યુવતીઓને તેઓ નોકરીએ રાખે છે અને બલ્ક એસએમએસથી પોતાની જાળ પાથરે છે જેમાં થોડાં માછલાઓ તો ફસાઈ જ જાય છે. આ વાત દેશના બહુસંખ્ય સમુદાયમાં જાણીતી છે તો પણ જેઓ નથી જાણતા એની સંખ્યા પણ કંઈ નાનીસૂની તો નથી. બેન્કો પોતે પણ વારંવાર મેસેજ મોકલે છે છતાં લોકો ગોપનીયતા જાળવતા નથી અને પોપટની જેમ બધું બોલી જાય છેે. 

ગુરુગ્રામ, દિલ્હી, બેંગ્લોર અને ચંદીગઢમાંથી આવી ફોનકોલ પર આર્થિક લૂંટ ચલાવતી કંપનીઓ ઝડપાયેલી છે અને તેના માલિકો જેલની હવા ખાઈ રહ્યા છે. મુંબઈમાં પણ હમણાં આવી શરૂઆત થઈ છે. તો પણ સરકારની આવા અપરાધો પરત્વેની નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાય છે. કારણ કે આ પ્રકારના કુલ અપરાધીઓમાંથી પોલીસના સકંજામાં ઝડપાયેલાની સંખ્યા એક ટકા જ છે. પોલીસ આ પ્રકારની ફરિયાદોને મજાકમાં જ લે છે અને કોઈ કાર્યવાહી કરતી નથી. સામે પ્રજાને પક્ષે પોતાના બેન્ક એકાઉન્ટ ખાલસા કરનારાઓ સામે જંગે ચડવા પણ બધા તૈયાર નથી હોતા. જેઓ લૂંટાય છે તેમાંથીય બહુ ઓછા લોકો પોલીસ સ્ટેશન સુધી જવાની આને ફરિયાદ લખાવવાની તકલીફ લે છે. 

કેટલીક બોગસ કંપનીઓ અતિશય સૌજન્ય સાથે વાત કરે છે. ફોન કરનાર પોતાની ઓળખ બેન્ક અધિકારી તરીકે આપે છે અને કહે છે કે કુલ છ લાખ એટીએમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તો આપને નવું કાર્ડ ઈસ્યુ કરવાનું થાય છે એટલે તમારો પાસવર્ડ કહો. પછી તેઓ કહે છે કે અમે નવું કાર્ડ મોકલીએ છીએ તેમાં આ જ પાસવર્ડ રહેશે અને સલામતીના કારણોસર તમે પછી પાસવર્ડ બદલાવી લેજો. આપ કા દિન શુભ રહે. ક્યારેક વિષકન્યાઓના મધુર અવાજમાં જ તમારા બેન્ક બેલેન્સ પર ડંખ મારવામાં આવે છે. જેણે ફોન પર પોતાની પાસવર્ડ સહિતની બધી વિગતો જણાવી દીધી હોય એને થોડીકવારમાં જ ખબર પડી જાય કે આપણો દિન હવે શુભ રહ્યો નથી. કારણ કે બેન્કિંગ પ્રણાલિકામાંથી મેસેજ આવી જાય છે કે ખાતામાં હતા એટલા રૂપિયા ઉ(પ)ડી ગયા છે. 

પછી તેઓ પેલા નંબર પર ફોન કરે છે તો કોઈ ફોન ઉપાડતું નથી. એ ચોર કંપનીઓ એવી કુશળ છે કે હવે બહુ મોટી રકમ તેઓ નથી ઉપાડતા. બાવીસ હજાર, તેર હજાર કે સત્તર હજાર જેવી કોઈ રકમ જ ઉપાડે છે. જેથી બહુ મોટો અપરાધ થતો નથી એમ તેઓ માને છે અને આટલો આંચકો ખાતાધારક માટે સહ્ય બનશે એમ પણ માને છે. જો કે આ મંદીમાં અને આ મોંઘવારીમાં થોડાક રૂપિયાનો આંચકો પણ ભૂકંપ જેવો હોય છે. ખરેખર તો જેમ કીડી મારો કે હાથી, હિંસા એક જ સમાન છે એ રીતે લૂંટ એક પૈસાની હોય કે લાખની, અપરાધ એક સમાન ગંભીર છે. પરંતુ નાગરિકો અને પોલીસની મેન્ટાલિટી નાની રકમના અપરાધને નાનો માનવાની છે, જેનો લાભ અપરાધીઓ બેફામ લે છે. ગુજરાતમાં લક્ષ્મીઘેલાઓનો કોઈ તોટો નથી. પારકા પૈસે પાન ખાનારાઓ પણ વાતો તો કરોડોની કરતા હોય છે. એવા લોકોને આ કંપનીઓ બહુ ઝડપથી પોતાની જાળમાં ફસાવે છે. આટલા પૈસા અમારા ખાતામાં ભરો અને તમને લાગેલો સવા લાખનો જેકપોટ લઈ જાઓ. લોકો ફસાતા જ જાય છે.

આ કંપનીઓનો રિસર્ચ વિભાગ પણ બહુ સમૃદ્ધ હોય છે. તેમની પાસે તમારી આબાદ અધૂરી માહિતી હોય છે જેનો ઉલ્લેખ કરીને તેઓ બાકીની વિગતો આસાન રીતે વાતવાતમાં જાણી લે છે. હવે તો તમે નવી કાર લો એટલે એ કાર ઉત્પાદક કંપનીના નામે પણ ફોન આવે છે અને તમારી બધી જ બેન્ક ડિટેઈલ મેળવવામાં કેટલીકવાર તેઓ સફળ નીવડે છે. તમારા બેલેન્સ ખાલસા થયા પછી તમે ફોન કરો તો અવાજ સંભળાય છે - પ્લીઝ ચેક ધ નંબર યુ હેવ ડાયલ્ડ. આ તેમની કોલર ટયૂન હોય છે. ગુજરાતમાં હજારો લોકો આ કંપનીઓનો ભોગ બની રહ્યા છે. ખાનગી કે સરકારી કંપનીઓમાં નાગરિકોએ ઉતરાવેલા વીમાની માહિતીને આધારે તેઓ એવી વાતો કરે છે કે મૂર્ખ લોકો તેમને પોતાની અસલ પોલિસી મોકલી આપે છે જેને રોકડી કરતા તેમને આવડે છે. લાલચ બહુત બૂરી ચીજ હૈ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો