કાળને નાથવા કાજ દેશી ઈલાજ રાખે લાજ
કડવી મદિરા પીવડાવે એને સાકી કહેવાય તો કડવી ફાકી પીવડાવે એને શું કહેવાય? સાકો? સાકી ભૂલાવે ભાન અનેે ફાકી બચાવે જાન. સાકી પાસે જઈ નશામાં ધૂત થઈ આવે એને બીબી-મારી ભગાડે અને ફાકી બીમારી ભગાડે. સાકી પ્રેમથી ગુલાબ આપે અનેે ફાકી જુલાબ આપે. માંદગીમાં મોત સામે ભાળી ઘણાંના જીવ પડીકે બંધાય જ્યારે વૈદરાજને ત્યાં માંદગી જોઈ પડકી બંધાય.
મેં કહ્યું કાકા કોરોના કાળની કમાલ જુઓ પહેલાં જે લોકો એએલોપેથી, હોમિયોપેથી કે તમારી જેવાં શિવામ્બુ ચિકિત્સા એટલે કે રેલોપથીની સારવારના બંધાણી હતા એમાંના મોટાભાગના આયુર્વેદની તરફ વળ્યા છે. એટલે જ તો આયુર્વેદ ભંડારોની બહાર સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખી લાઈન લગાવડી પડે છે. વૈદરાજોના દવાખાના ખાલીખમ જોવા મળતા એમાં ભીડ થવા માંડી છે. લાખોની આયુર્વેદિક દવાઓ ઓનલાઈન વેંચાવા માંડી છે. આયુર્વેદ ભંડારોમાંથી જાતજાતના કાઢા લાવી લોકો કડવા ઘૂંટડા પીવા માંડયા છે. તુલસીનો અર્ક ટીપું ટીપું પાણીમાં નાખી પીને જાણે પોતે 'ટીપું સુલતાન' બની ગયા હોય એમ છાતી ફુલાવીને ફરે છે. ગુજરાતમાં સોપારી ને તમાકુ ભેળવી જે ફાકી ખાતા એ હવે હરડે અને સુદર્શનની ફાકી લેવા માંડયા છે.
ે કાકાને કંઈક યાદ આવ્યું. મને કહે ચાલ મારી સાથે આજે મારે જૂના બંડુ વૈદરાજ પાસે જવાનું છે. તારી કાકી પણ આવશે ભેગી એટલે એની પણ દવા લઈ લેશું.
હું, કાકા અને કાકી શહેરના જૂના વિસ્તારમાં એક જૂનાપુરાણા બેઠા ઘાટના મકાનમાં આવેલા બંડુ વૈદરાજના દવાખાને પહોંચ્યા.
લાંબી દાઢી અને માથે વાંદરા ટોપી પહેરતા બંડુ વૈદજી લાઈનમાં ઊભેલા એક પછી એક દરદીની પાસે આવતા જાય, નાડી તપાસતા જાય અને દૂર ધોલકા જેવા દવાખાનાની અંદર બેઠેલા મદદનીશને સૂચના આપતા જાય કે કોને શું દવા આપવાની.
અમે છેલ્લાં જ હતા એટલે વૈદરાજે શીશીમાં કાઢો ભરીને આપતા કહ્યું કે કાકીને હલાવીને જમ્યા પહેલાં પીવડાવજો અમે ઘરે પહોચ્યાં ત્યારે બરાબર જમવાનો ટાઈમ થઈ ગયો હતો. કાકાના માથે કોણ જાણે શું ભૂત સવાર થઈ ગયું કે કાકીના ખભા પકડીને જોરજોરથી હલાવવા લાગ્યા, થોડીવાર તો (હો) બાળાકાકી હેબતાઈ ગયા કે કાકાને આ વળી શું ગાંડપણ ઉપડયું છે? પછી જોરથી કાકાને આધે હડસેલી બોલ્યા 'આ શું કરો છો?' પથુકાકાએ હાંફતા હાંફતા જવાબ આપ્યો કે વૈદરાજે શું કહ્યું હતું યાદ છે કે નહીં? વૈદરાજે કહ્યું હતું ને કે જમ્યા પહેલાં કાકીને હલાવીને કાઢો પીવરાવવો એટલે હું તને હલાવવા માંડયો, મારો શું વાંક?'
પથુકાકાએ મને એક વાર સવાલ કર્યો કે 'શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો આયુર્વેદના કયા ત્રણ નિયમનું પાલન કરવું જોઈએ? મેં માથું ધુણાવી ના પાડી એટલે કાકા બોલ્યા માણસ આયુર્વેદના ત્રણ નિયમ પાળે તો એણે માંદા પડવું ન પડે, ક્યા ત્રણ નિયમ ખબર છે? આહાર, વિહાર અન ે નિંદ્રા. એક તો પોષ્ટીક અને માપસર આહાર લેવાનો, પછી બેઠાડું જીવન ન થઈ જાય માટે ફરવા જવાનું એને વિહાર કહેવાય. અને છેલ્લે નિંદ્રા એટલે પૂરતી ઊંઘ લેવી જોઈએ તો મગજને આરામ મળે સમજી ગયોને?'
મેં પૂછ્યું કાકા આજના ધમાલિયા અને ભાગદોડવાળા જીવનમાં કોણ આ નિયમનું પાલન કરે છે જરા કહો તો ખરા?'
કાકા લુચ્ચું હસીને બોલ્યા 'તારી વાત સાચી. પણ બે અમુક એવાં નઠારા નેતા જોયા છે જે આ આયુર્વેદના પાયાના નિયમોનું જરા જુદી રીતે પાલન કરીન ે તાજામાજા રહે છે. આહાર, વિહાર, નિંદ્રાના નિયમનું કેવી રીતે પાલન કરે છે ખબર છે? એક તો હાથમાં સત્તા આવે ત્યારે ખાઈકી (આહાર) કરે છે. પછી પ્રજાના પૈસે લાંબી મોટરો કે વિમાનમાં ફરતા એટલે કે વિહાર કરતા રહે છે.અને જ્યારે મતદારો મુશ્કેલીમાં મૂકાય અને આવાં નઠારા નેતાને બંગલે જઈ પોકારો કરે કે દેકારો મચાવે ત્યારે નઠારા નેતા ટેસથી ઘોરતા રહે છે. બોલ આહાર, વિહાર, નિંદ્રા એ ત્રણેય નિયમનું પાલન કરે છે કે નહીં?'
મેં કાકાને દાદ દેતાં યાદ અપાવ્યું કે આજે એક અઠવાડિયું થયું, એટલે બંડુ વૈદજી પાસે જવાનું છેને? કાકા માથું ધુણાવી મારી ભેગા વૈદરાજને ત્યાં જવા તૈયાર થયા. (હો) બાળાકાકી પણ ભેગા આવ્યા. આજે નાડી તપાસની જરૂર નહોતી એટલે દવાખાને પહોંચી કાકાએ ચબરખી આપી. કમ્પાઉન્ડરે શીશીમાં દવા ભરી દીધી અને પછી પૈસા લઈ કાકાને આપી.
(હો) બાળાકાકીએ વૈદરાજને પૂછ્યું કે 'પેટમાં વાયુ થાય છે અને અપચો રહ્યા કરે છે કોઈ દેશી દવા આપો અને મારે શું ચરી પાડવાની એ પણ કહો તો સારૂં' વૈદરાજ બોલ્યા સૌથી પહેલાં તો આયુર્વેદમાં કેમ ભોજન કરવું એ સમજાવ્યું છે. જમતી વખતે કોળીયા પીવાના અને પાણી ધીમે ધીમે પીવાનું એટલે કે અન્નના કોળિયા ધીમે ધીમે ચાવીને એકરસ થઈ જાય પછી ગળે ઉતારવાના. પાણી ખાવાનું એટલે ધીમે ધીમે પીવાનું બસ ચાવીને ખાતા જાવ, કોઈ તકલીફ નહીં પડે જાવ, અને વાયુ માટે વાયુમુક્તાવટી ગોળી આપું છું. બસ આ વાયુમુક્તાવટી જમ્યા પછી લેવા માંડો, વાયુ-પ્રવચન શરૂ થઈ જશે અને પછી શ્રાવણનો મહિનો હોય કે ન હોય આ તમારા ધણીએ મનમાં ને મનમાં ગણગણવું પડશે સાવન કા મહિના, પવન કરે શોર...'
અમે દવા લઇને ઘરે આવ્યા. બે ત્રણ દિવસ પછી કાકા સામા મળ્યા એટલે મેં કાકીના ખબર પૂછ્યા કે 'ચાવીને ખાય છે કે નહીં? કાકા સવાલ સાંભળી ખડખડાટ હસતા હસતા કહે કે અરે તને શું વાત કરૂં? કાલે તારી કાકી રસોડામાં જમવા બેઠી ત્યારે કચડ... કચડ અવાજ આવવા માંડયો. મેં અંદર જઈ પૂછ્યું કે 'આ શેનો અવાજ કરે છે મોઢેથી' ત્યારે કાકીએ જવાબ આપ્યો કે વૈદરાજે ચાવીને ખાવાનું કહ્યું છેને? એટલે તિજોરીની ચાવીને ખાઉં છું, ચાવીને... આ સાંભળી હું તો હસીને બેવડ વળી ગયો.
મેં કહ્યું કાકા વિકાસની સાથે સાથે વસમા પાડોશી દુશ્મનોેના વિનાશની વાત પણ વિચારવી જોઈએ કે નહીં? આટલું સાંભળતાની સાથેે જ કાકા ઊછળી પડયા અને બોલી ઉઠયા કે માંદગી એ આપણાં શરીરની દુશ્મન છે બરાબરને? એનો નાશ કોણ કરે છે ? વૈદરાજની દવા બરાબરને? તો દેશના દુશ્મનનો ખાતમો બોલાવવા માટે પણ આયુર્વેદિક ઉપાય અજમાવવો જોઈએ.
મેં પૂછયું આયુર્વેદિક ઉપાય એટલે કેવી રીતે?' પથુકાકા બોલ્યા પાંચેેક વર્ષ પહેલાં છાપામાં એક રમૂજી સમાચાર વાંચેલા યાદ છે? એક મોટા શેઠની દુકાને નોકર રાખેલો. એનું કામ એટલું જ કે બપોરે શેઠને બંગલે જઈ ટિફિન લઈ આવવાનું. હવે આ નોકર એવો તો ભેજાબાજ નીકળ્યો કે કોઈક ઓળખીતા વૈદરાજ પાસેથી રેચ લાગે એવી સ્ટ્રોન્ગ ફાકી લઈ આવ્યો. પછી શું કરે ખબર છે? રસ્તામાં ટિફિન ઉઘાડી પડીકી ખોલી શાક-દાળમાં જરા ફાકી ભેળવી દે. શેઠ જમીને ટેસથી ગાદી પર આડા પડવા જાય ત્યાં તો ફાકીની અસર વર્તાય અને અર્જન્ટ કોલ આવતા પેઢીની પાછળ આવેલા કોમન ટોઈલેટ ભણી દોડવું પડે. જેવાં શેઠ બે ંનંબરે જાય એટલે ચાલાક નોકર હળવેકથી રોકડ કે કિંમતી સામાન સેરવી લે.
મહિનો બે મહિના આવું ચાલ્યું. પછી શેઠેે મોટા ડૉકટર પાસે ચેકિંગ કરાવ્યું. ડૉકટરરે કહ્યું કે રોજ જુલાબ લઈને આંતરડા નબળા પડી ગયા છે. આ સાંભળી શેઠના ભેજામાં ટયુબલાઈટ થઈ કે નક્કી આ નોકર રસ્તામાં ટિફિન ખોલી કંઈક ભેળવતો લ ાગે છે. એટલે બરાબર એની ઉપર વોચ રાખી રંગે હાથ પક્ડયો. જુલાબ આપી જાયદાદ લૂંટે એના નસીબ પણ કોક દિ'તો ખૂટે ને?
મેં પૂછ્યું 'પણ આમાં પાકિસ્તાનીઓ સામે આયુર્વેદિક ઉપાય અજમાવવાની વાત ક્યાં આવી?' કાકા કહે અરે આને જ ટોઈલેટ ડિપ્લોમસી કહેવાય સમજ્યો?' મેં માથું ધુણાવી ના પાડી એટલે વળી કાકાએ આગળ ચલાવ્યું કે આપણે પાકિસ્તાનનો મુકાબલો ફાકીસ્તાનથી કરવો જોઈએએ. બસ એક વૈદરાજોની તાલીમબદ્ધ ફોજ ઊભી કરવાની જરૂર છે. પછી લલકારવાના પાકલાઓનેે પાકને કહો ઉઠાવે બાણ... અમે છોડયું હવાબાણ...
મેં વળી સવાલ કર્યો કે 'આ વૈદરાજોની ફોજ કરશે શું?' કાકા બોલ્યા ફોરેસ્ટ ખાતાવાળા પાસે ખાસ પ્રકારની બંદૂક હોય છેે. કોઈ હાથી ગાંડો થયો હોય કે કોઈ દીપડાને પકડવાનો હોય ત્યારે આ બંદૂકમાંથી 'ડાર્ટ' છોડવામાં આવે છે. એ 'ડાર્ટ'માં જે દવા હોય છે એ જંગલી જાનવરના લોહીમાં ભળતા બેહોશ થઈ જાય છે.
આવી જ રીતે વૈદરાજોની ફોજને ખાસ પ્રકારની બંદૂક આપવાની. એ બંદૂકની કારતૂસોમાં શું ભરવાનું ખબર છે રેચની સ્ટ્રોન્ગ ફાકી. પછી પાકિસ્તાની જવાનોના પેટનું નિશાન તાકી ભડાકા કરવાના. આ ગોળીની તત્કાળ અસર થતા પાક સૈનિકો હથિયાર હેઠા મૂકી સીધી દોટ મૂકશે ટોઈલેેટ ભણી. એટલે પાકિસ્તાની સૈનિકોનો મુકાબલો કરવા કોઈ પેટન ટેન્કની જરૂર નહીં પડે, પેટની ટેન્ક ખાલી કરવા માટે સતત દોડી દોડીને દુશ્મન જવાનોનો ડૂચો નીકળી જશે ડૂચો. લોટે જઈ જઈને નરમઘેંસ જેવા થઈ ગયેલા દુશ્મન જવાનોએ જીવતા જ ઝબ્બે કરી લેવાતા. આ પાકિસ્તાન સામે ફાકીસ્તાનના અહિંસક જંગ સહુ બિરદાવશે.'
મેં કાકાની આ ટોઈલેટ ડિપ્લોમસીને બિરદાવતા કહ્યું 'વાહ ક્યાં બાત હૈ... પાકિસ્તાન સામે ફાકીસ્તાનની ફોજ ઊભી કરીને દુશ્મનોને થકવી દેવાતા બરાબરને? તમારી આ ટોઈલેટ ડિપ્લોમસી માટે કદાચ તમને 'નિશાને પાક'ન ે બદલે નિશાન-એ-થાક ઈલકાબથી નવાજવામાં આવશે.'
અંત-વાણી
એવું કહેવાય છે કે દવા કામ ન આવે ત્યારે દુવા કામ આવે છે. પણ હું એનાથી આગળ વધીને કહીશ કે આયુર્વેદમાં દુહા પણ કામ આવે છે. વાંચો આ દુહાઃ
ઓકી દાતણ જે કરે
નરણાં હરડે ખાય
દૂધે વાળું જે કરે
તે ઘર વૈદ ન જાય.
** ** **
ભોંય પથારી જે કરે
લોઢી ઢેબર ખાય
તુંબે પાણી જે પીએ
તે ઘર વૈદ ન જાય
** ** **
દાંતે લૂણ જે વાપરે
કવળે ઊનું ખાય
ડાબું પડખું દાબી સૂએ
તે ઘર વૈદ ન જાય.
** ** **
મગ કહે હું નાનો દાણો
મારે માથે ચાંદુ
ચાર દિવસ મને સેવો તો
બેઠું થાય હોય જે માંદુ
Comments
Post a Comment