બિલના વિરોધમાં પંજાબમાં રેલ રોકો આંદોલન, યુપીમાં ખેડૂતો ભૂખહડતાળ કરશે
અમૃતસર, તા. 26 સપ્ટેમ્બર, 2020, શનિવાર
કેન્દ્ર સરકારના કૃષિ બિલોના વિરોધમાં 25મીએ ખેડૂતોએ દેશભરમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. જોકે બીજા દિવસે 26મી તારીખે પણ કેટલાક રાજ્યોમાં ખેડૂતોનું પ્રદર્શન જારી રહ્યું છે. પંજાબમાં ખેડૂતોએ રેલ રોકો આંદોલન શરૂ કરી દીધુ છે અને શનિવારે ઠેર ઠેર પાટા પર સુઇને ટ્રેનોને રોકી હતી. જ્યારે કેટલાક રેલવે ટ્રેક પર મંડપ ઉભા કરીને પાટા પર જ ધરણા પર બેસી ગયા હતા.
ખેડૂતોના બીજા દિવસે પણ ધરણા શરૂ રહેતા પંજાબમાં રેલ વ્યવહાર હજુ નથી શરૂ કરી શકાયો. અહીં 24મી તારીખથી જ ખેડૂતો ધરણા પર બેસી ગયા છે અને અનેક સૃથળે પાટા પર પ્રદર્શનો જારી છે. રેલ રોકો પ્રદર્શનને કિસાન મઝદૂર સંઘર્ષ કમિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને આગામી દિવસોમાં પણ આ પ્રદર્શન શરૂ રહેશે તેવી ચીમકી આપી છે. ખેડૂતો બિલને પરત લેવાની માગણી કરી રહ્યા છે.
રેલવે ટ્રેક પર અનેક ખેડૂતો એકઠા થયા હતા અને કેન્દ્રની ભાજપ સરકારની સામે સુત્રોચ્ચાર પણ કર્યા હતા. જે ત્રણ બિલ લાવવામાં આવ્યા છે તેને ખેડૂતોએ કાળો કાયદો નામ આપ્યું છે અને તેને કોઇ પણ સંજોગોમાં પરત લેવાની માગણી કરી છે. અમૃતસરમાં ખેડૂતોએ પોતાના શર્ટ કાઢીને પ્રદર્શન કર્યું હતું.
કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના જનરલ સેક્રેટરી સરવણસિંહે કહ્યું હતું કે ખેડૂતો પોતાના કુર્તા અને શર્ટ કાઢી પ્રદર્શન કરી રહ્યા છે કે જેથી સરકાર તેમનું સાંભળે. ખુલ્લી છાતી કરીને અનેક ખેડૂતો અમૃતસર-દિલ્હી રેલવે ટ્રેક પર બેસી ગયા હતા. પંજાબમાં રેલ રોકો આંદોલન શરૂ થતા રેલવેએ રાજ્યની આશરે 14 જેટલી સ્પેશિયલ ટ્રેનને સસ્પેન્ડ કરી દીધી છે.
આશરે નવ જિલ્લાઓમાં ખેડૂતોએ રેલવે ટ્રેક પર બેસીને પ્રદર્શન કર્યા હતા. અને જ્યાં સુધી સરકાર માગ ન સ્વીકારે ત્યાં સુધી ધરણા શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે ઉત્તર પ્રદેશના ભારતીય કિસાન સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ચરણસિંહે જણાવ્યું હતું કે 28મીએ અમે ખેડૂતોની મહાસંપાચત બોલાવી છે અને તેના બીજા દિવસે અનેક ખેડૂતો ભુખહડતાળ પર બેસી જશે.
Comments
Post a Comment