ભાજપ પ્રત્યેની બિહારી ખિન્નતા નીતિશ માટે જોખમી


દેશમાં કોરોનાને કારણે કેટલુંક અટકાવી રાખવું અને ક્યાં સુધી ? વેવિશાળ અને વિવાહના કામો પણ ખોરંભે પડી ગયા. હવે સરકારે અને પ્રજાએ એક કડવી વાત સ્વીકારી લીધી છે કે કોરોના તો છે જ. અતિથિ કબ જાઓગે એવું કોરોનાને તો પૂછી શકાતું નથી ! કોરોના પ્રકરણ પૂરું થઈ જાય એની રાહ તો દરેક જીવિત મનુષ્ય જોઈ રહ્યો છે. ભારતનું ચૂંટણી પંચ પણ હવે કોરોનાને કારણે કોઈ ચૂંટણી પ્રક્રિયા અટકાવે એમ નથી.

એની પ્રથમ પ્રતીતિ બિહાર છે. તમામ અટકળો બાદ આખરે ચૂંટણી પંચેે બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેેરાત કરી દીધી છે. અલબત્ત, પંચેે કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર સંંબંધિત દિશા-નિર્દેેશ પ્રસારિત કરીને એ સ્પષ્ટ કરી દીધું છે કેે તેઓ ચૂંટણી ટાળવા ઈચ્છતાં નથી.

આમ છતાં જે પ્રકારેે આ મહામારી ફેલાયેલી છે અને વધુ ફેલાઈ રહી છે, તે જોતાં એવી આશંકા તો વ્યક્ત થઈ જ રહી છે કે ક્યાંક છેેલ્લે છેલ્લે ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવો ન પડેે ! અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીની સમાંતર યોજાનારી આ ચૂંટણી કોરોનાકાલીન દુનિયાની બે સૌથી મોટી ચૂંટણી કવાયતોમાંની એક હશે.

ચાલુ મહામારીના આંકડા પર ધ્યાન આપવામાં આવે તો ખ્યાલ આવે કેે બિહારમાં જેે હાલત છે, તે અન્ય રાજ્યો કરતાં ઘણી જ સારી છેે. આમ છતાં બિમારી વધુ ન ફેલાય તે રીતે ચૂંટણી યોજવી એ પંચ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. આ પરિસ્થિતિને જોતાં મતદાનના સમયમાં એક કલાકના વધારાથી માંડીને સીનિયર સિટીજનોને માટે ઘરે જ મતદાનની વ્યવસ્થા કરવા જેવા દિશા-નિર્દેશો મહત્ત્વના મનાય છે.

હવે જોવાનું એ રહેશે કે વ્યવહારમાં આ બધી બાબતો પર કેવી અમલ કરવામાં આવે છે. મોદી સરકારનો પડછાયો પંચને પણ લાગ્યો હોય એટલે કથની - કરણીમાં કેટલો ફેર છે એ તો જોવું પડે. પંચ કહે એ કંઈ માની ન લેવાય. 

અત્યારના સમયમા ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા એક-એક વ્યક્તિ અને રાજ્યની સમગ્ર જનતાની જિંદગી સાથે જોડાયેલો આ સવાલ છે, એટલે એવી આશા રાખવી જોઈએ કે વિભિન્ન પક્ષોના નેતા અને ઉમેદવારો જ નહીં, કાર્યકર્તા, ચૂંટણી કર્મચારીઓ અને મતદારો પણ આ મોરચે એકબીજાને મદદરુપ થશે.

જ્યાં સુધી ચૂંટણીની લડાઈની વાત છે, તો વર્ચ્યુઅલ રેલીઓનો પ્રારંભ તો ક્યારનોય થઈ ચૂક્યો છે. આમ છતાં બંને પક્ષોમાં મોરચેબંધીનો મામલો ગુંચવાયેલો છે. બિહારમાં માત્ર એ બાબત નક્કી છે કે, એક તરફ જેડીયુ અનેે ભાજપ હશે અને બીજી તરફ આરજેડી અને કોંગ્રેસ. આ દ્વૈતવાદી પક્ષોની વચ્ચે હજુ બેઠકોનું વિભાજન થયુ નથી અને બંને જૂથોમાં સહયોગીઓની ભૂમિકા શું હશે એ નક્કી નથી.

કોણ એન્જિન અને કોણ ડબા એ જોવું પડે. ભાજપનું નક્કી નહિ. ડબા તરીકે જોડાય ને એકાએક અવળી ગાડી ચલાવી પોતે એન્જિન બની જાય. કાવ્યશાસ્ત્રમાં કવિતા સહિતના ક્રિયેટિવ સાહિત્યની એક વ્યાખ્યા 'નિયતિ કૃત નિયમ રહિતા...' એવી પણ છે. દુર્ભાગ્યે ભાજપ માટે પણ એ જ વ્યાખ્યા લાગુ પડે છે. ભાજપ હવે નિયમો વિનાનો એક તોતિંગ માંચડો બની ગયો છે જે અગાઉ એક નિયમસરનો રાજકીય મંચ હતો.

અત્યાર સુધી પોતાને વિપક્ષી મહાગઠબંધનનો હિસ્સો ગણાવનાર આરએલએસપીના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહી દીધું છે કે તેઓ તેજસ્વી યાદવને મુખ્યમંત્રીની ખુરશીનો દાવેદાર માનવા તૈયાર નથી. બીજી તરફ એનડીએના જૂથમાં પણ એલજેપીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનો પક્ષ ચિરાગ પાસવાનને મુખ્યમંત્રીનો ઉમેદવાર જાહેર કરીને ચૂંટણી જંગમાં ઉતરવાની તૈયારીમાં છે. ટૂંકમાં એ સ્પષ્ટ નથી કે આ પક્ષોની તાકાત અંતે કોની તરફેણમાં અને કોના વિરોધમાં કામ કરશે.

આ સિવાય છેલ્લા ત્રણ દાયકામાં બિહાર વિધાનસભાની આ પહેલી એવી ચૂંટણી હશે કે જેમાં લાલુ પ્રસાદ યાદવની કોઈ સક્રિય ભૂમિકા નહી હોય. આ ચૂંટણી એ પણ દેખાડશે કે સુશાંત સિંહ રાજપુતના મૃત્યુની આસપાસ ઘુમરાતી બિહારની અસ્મિતાનો મુદ્દો વધુ પ્રભાવશાળી રહેશે કે પ્રવાસી મજૂરોની પરેશાનીઓનો મુદ્દો વધુ અસરકરાક રહશે.

બિહારી મતદારોમાં જંગલરાજની છાપ વધુ ઘેરી છે કે વર્તમાન શાસનને તોડેલા તેમના સપનાની અસર વધુ પ્રભાવશાળી છે ? - તેનો ખ્યાલ પણ ચૂંટણીના પરિણામોમાં જોવા મળશે. ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ હવે બંને જૂથોમાં તૈયારીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે અને રાજકીય ગતિવિધિઓ વધુ તીવ્ર બની છે. વર્તમાન રાજકીય પરિદ્રશ્યને જોતા હાલના તબક્કે એ કહેવું અત્યંત મુશ્કેેલ છે કે કોણ જીતશે ને કોણ હારશે ? આ  સવાલ એટલા માટે મહત્ત્વનો છે કેે બિહારમાં વિકલ્પહિનતાની સ્થિતિ વધી રહી છે.

મતદાર મુંઝાયેલો છે. આ કારણેે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે બરોબરીનો મુકાબલો થશેે તે નક્કી લાગી રહ્યું છે. બંને પક્ષના નેતાઓ પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છેે અને હવે બિહારી મતદારોના મનની વાત શું છે તેે જાણવાનો સમય આવી ગયો છે.

એક સમયે બિહારમાં મોટી રાજકીય તાકાત તરીકે ઉપસેલું રાષ્ટ્રીય જનતા દળ તેમના સુપ્રિમો લાલુ યાદવની ગેરહાજરીમાં પહેેલા જેવું અસરકારક લાગતું નથી. તેમના કેટલાક સહયોગીઓ પણ સાથ છોડીને દૂર ચાલ્યા ગયા છે. તેજસ્વી યાદવની કાર્યશૈલીથી નારાજ જીતનરામ માઝી અને ઉપેન્દ્ર કુશવાહાએ તેમનો સાથ છોડી દીધો છેે. જેના કારણે રાજદની રાજનૈતિક વિશ્વસનીયતાની સામે પ્રશ્નાર્થ ચિહ્ન છે.

આ ઘટનાક્રમને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. જો કે ચૂંટણી પૂર્વે આ પ્રકારના આવા-ગમનનો સિલસિલો તો જોવા મળતો જ હોય છેે અને હજુ એમાંય નવા તરંગોની સંભાવના છે. બિહારી મજુરોના યુગપ્રવર્તક સ્થળાંતર તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ જે દુર્લક્ષ સેવ્યું તે બિહારીઓને યાદ છે.

કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની એનડીએ સરકાર હોવાથી અને મિસ્ટર મોદી એનો એક માત્ર ચહેરો હોવાથી બધી બદનામી એ કામદારોએ ભાજપને જ આપી છે. એમાં થયેલી વિવિધ દુર્ઘટનાઓનો લોહિયાળ ઈતિહાસ પણ ભાજપના લમણે કલંકરૂપે લખાઈ ગયો છે. ચૂંટણીના નાટકોમાં ભાજપ અને નીતિશ કુમાર એની બિહારી પ્રજાને એ બધું કેમ ભૂલવાડી શકશે ?

કોંગ્રેસ હજુ પણ મહાગઠબંધનનો એક મહત્ત્વનો હિસ્સો છે, પણ તેની મહત્તા એક સહયોગી તરીકેની જ રહી ગઈ છે. રાજ્યમાં ત્રીજા ક્રમના સૌથી મોટા પક્ષ તરીકેનું સ્થાન તે તો જ બનાવી રાખી શકશે કેે જો તેને અન્ય કોઈનો સાથ મળે. બિહારની જનતા માટે આ કારણે કોની પસંદગી કરવી એ પ્રશ્નનો ઉત્તર શોધવો એક કોયડો બન્યો છે.

આનો લાભ જદયુ-ભાજપને મળી શકે છે, પણ ચાલુ મહામારીમાં સ્થાનિક પ્રસાશનનો તેમને કેવો અનુભવ થયો તે બાબત પણ મતદારોનું મન ઘડવામાં મહત્ત્વની બની રહેશે. નીતિશ કુમાર જ એનડીએનો મુખ્યમંત્રી પદનો ચહેરો છેે, જ્યારે મહાગઠબંધનને એ માટેનો ઉમેદવાર હજુ નક્કી કરવાનો છે.

રામ વિલાસ પાસવાનના લોક જનશક્તિ પક્ષનો મોહ સત્તાધારી પક્ષમાંથી સમાપ્ત થઈ ગયો છે, પણ એવો અણસાર ઓછો લાગી રહ્યો છે કે તેઓ સ્વતંત્ર રીતે ચૂંટણી લડે. આમ છતાં તેઓ બિહારની રાજનીતિમાં પોતાનું સ્થાન તો ટકાવી રાખશે અને સમય આવ્યે કોઈ મોટા પક્ષનો હાથ પકડી લેેશેે. રાજનીતિમાં ચડાવ-ઉતાર અને જોડ-તોડ ચાલતાં રહે છેે. આ બધા વચ્ચે બિહારી જનતા કોનામાં ભરોસો મૂકશેે તે જોવા માટે દેેશ આતુર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો