યોગી હટાવો બેટી બચાવો
દેશભરમાં કેન્દ્ર સરકાર સામે ગંભીર પ્રકારે ઊહાપોહ ચાલી રહ્યો છે. આમ તો છેલ્લા બે વરસથી મહિલાઓ અને બાલિકાઓ પર થતા જાતીય અત્યાચારોને અંકુશમાં લેવા અને અપરાધીઓને દંડ દેવાની પ્રક્રિયામાં કેન્દ્રની ભાજપ સરકાર પાછી પડી રહી છે, એનું કારણ સામાન્ય છે કે કોઈપણ ઘટના અને સમસ્યાની ગંભીરતાના પ્રમાણમાં સમય આપીને સત્તાના ઉપયોગથી ત્વરિત નિર્ણય લઈ હુકમો કરવાના હોય છે જે માટેનો સમય એનડીએ પાસે છે જ નહિ, કાયદો અને વ્યવસ્થામાં કેન્દ્ર સરકાર કોઈ ધ્યાન આપી શકી નથી.
સિરિયાની રાહત છાવણીઓમાંથી સંખ્યાબંધ બાલિકાઓના અપહરણ થયેલા છે અને એના અપરાધીઓને સિરિયન સરકાર શોધી શકી નથી. બાલિકાઓ પર અત્યાચાર એ કોઈ પણ દેશની પ્રજાને ખત્મ કરવા માટે ઈસ્લામિક સ્ટેટના વડા અબુ બકર અલ બગદાદીએ આતંકવાદીઓને આપેલી નૃશંસ ફોર્મ્યુલા છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી બાલિકાઓ પરના જાતીય બેરહમ અત્યાચારો પરાકાાએ પહોંચ્યા છે કારણ કે કેન્દ્ર સરકાર અને ભાજપની વિવિધ રાજ્ય સરકારો દાખલો બેસે એ રીતે અપરાધીઓને દંડ કરી શક્યા નથી. કઠુઆ અને ઉન્નાવ બળાત્કાર કેસમાં ભાજપના ઠંડા વલણ સામે દેશની સંખ્યાબંધ સંસ્થાઓએ આંદોલનો ચાલુ કર્યા હતા. ઉત્તર પ્રદેશના મહત્ત્વના તમામ શહેરોના રસ્તાઓ પર યોગી હટાવો, બેટી બચાવોના નારા સાથે ટોળાઓ રસ્તા પર આવી ગયા છે. આજકાલ મહિલાઓ પરના અત્યાચારોની બાબતમાં ઉત્તર પ્રદેશ બહુ બદનામ છે.
યુપીમાં મહત્ અપરાધીઓનું ગોત્ર ભાજપ, વિહિપ કે સંઘ સુધી પહોંચે છે. દેશમાં મનોવિકૃત અપરાધીઓ દ્વારા બાલિકાઓ પર થતા અત્યાચારો સામે સામુદાયિક રોષ ફેલાયેલો છે ત્યારે ભાજપની ટોચની નેતાગીરી બિહાર અને પશ્ચિમ બંગાળમાં પોતાની સોગઠાબાજી ગોઠવવામાં ગળાડૂબ છે.
પચાસ જેટલા નિવૃત્ત આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ કક્ષાના અધિકારીઓએ વડાપ્રધાન મોદીને સીધો જ સંબોધેલો પત્ર પણ સ્પષ્ટ કહે છે કે દેશના નાગરિકોને મૂળભૂત બુનિયાદી સુરક્ષા આપવામાં ભાજપ સરકાર ઘોર નિષ્ફળ નીવડી છે. આ અધિકારીઓએ કહ્યું કે આઝાદી પછી દેશમાં સૌથી વધુ અંધકાર ઉતરી આવ્યો હોય તેવા સમયપ્રદેશમાં આપણને આ સરકારે ધકેલ્યા છે. 'ડાર્કેસ્ટ અવર'નો અર્થ ઘોર પતનનો સમયગાળો એવો થાય છે.
ભાજપના હિન્દુત્વના એજન્ડાના નામે સરકાર મૂળભૂત મનુષ્યત્વથી અને નાગરિકો પરત્વેની સંવેદનશીલતાથી બહુ દૂર નીકળી ગઈ છે. આમ તો જો કોઈ સાચું બોલે અને ભાજપના સામાજિક વિઘટનના પ્રયાસોની નિંદા કરે તેને પ્રો-કોંગ્રેસી કહેવાની પ્રથા પ્રમાણે આ પચાસ ટોચના નિવૃત્ત સનદી અધિકારીઓને પણ વડાપ્રધાન દ્વારા કોઈ જવાબ મળવાનો નથી એ નિશ્ચિત હતું અને એમ જ થયું છે.
કારણ કે પીએમ ઓફિસ દેશની એક એવી જગ્યા છે જ્યાં પહોંચનારા પ્રશ્નો મહદંશે આજ સુધી નિરુત્તર જ રહ્યા છે. કઠુઆ - ઉન્નાવ સહિતના અનેક ઘટનાક્રમોમાં પ્રત્યાઘાત કે હૈયાધારણા આપવામાં વડાપ્રધાન જે સમય લઈને બોલવામાં મોડા પડી રહ્યા હોય તેના પર દેશ આખાની નજર હોય છે.
દેશમાં સંખ્યાબંધ અપરાધો એવા છે કે જેના પર ભાજપની રાજ્ય સરકારોએ પગલા લીધા નથી અને માત્ર સંબંધિત રાજ્યોની હાઈકોર્ટના હુકમ પછી જ સરકારે નાછૂટકે પગલા લેવાના થયા છે તો સરકારની કાયદો અને વ્યવસ્થામાં શી ભૂમિકા છે તે જ કોયડો છે.
સત્તાધારી ભાજપના ધારાસભ્યોના ચારિત્ર્યની સામુદાયિક તપાસ કરવાના સંજોગો ઊભા ન થાય તે માટે પણ જેઓ ભાજપના ધારાસભ્ય હોય અને ગંભીર ગુનાઓના આરોપીઓ હોય તેમને પક્ષમાંથી બરતરફ ન કરવાની હિલચાલ અને તેઓની ધરપકડમાં થતો વિલંબ પણ સમગ્ર દેશના નાગરિકો ઝીણી નજરે જોઈ રહ્યા છે.
ખરેખર સરકાર પ્રજાની સુરક્ષાની દિશામાં કામ કરે છે કે ભાજપના અપરાધી નેતાઓની સુરક્ષામાં એ આદિપ્રશ્ન નવા સ્વરૂપે હવે ફરીથી સપાટી પર આવ્યો છે. દેશના અખબારો, ચેનલો અને સોશ્યલ મીડિયામાં ભાજપ સામે જે વા-વંટોળ ઉઠયો છે તે ખુદ ભાજપના જ રાજકીય ચરિત્રને ખુલ્લો કરનારો છે. ઉત્તર પ્રદેશમાં સરકાર વિરોધી આંદોલન જોરશોરથી ચાલી રહ્યા છે અને તેમાં આમવર્ગની સાથે બુદ્ધિજીવીઓ તથા સુશિક્ષિત યુવાનોનો મોટો સમુદાય જોડાયેલો છે.
Comments
Post a Comment