અલવિદા ચીનનો નારો .
કોરોના વાઈરસથી ફેલાયેલા આત્યંતિક સંક્રમણને પગલે છ-આઠ મહિનામાં તો આખી દુનિયામાં સ્વાસ્થ્ય અંગેની અનેક સમસ્યાઓ પેદા થઈ ગઈ છે અને તેની સાથે સાથે અર્થવ્યવસ્થા પર પણ તેનો ભયાનક પ્રભાવ પડયો છે. આવી પરિસ્થિતિમાં પોતાના દેશના નાગરિકોને રાહત આપવા માટે સરકારે રાહત પેકેજ આપવું એ સમયની અપેક્ષા હતી.
ભારતની અર્થવ્યવસ્થા હાલમાં વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાં સામેલ છે અને દેશમાં લોકડાઉનના કારણે સર્જાયેલી સમસ્યાઓના ઉકેલની જરુરિયાત હતી, ત્યારે જ તેની જાહેરાત કરી દેવામાં આવી હતી. મહામારી દરમિયાન પ્રભાવિત થયેલા ક્ષેત્રો માટે દેશની કુલ જીડીપીના લગભગ ૧૦ ટકા એટલે ૨૦ લાખ કરોડ રુપિયાના આથક પેકેજની જાહેરાત કરવામાં આવી.
જો આ રકમનો યોગ્ય રીતે અને જરુરિયાતના સ્થાનો પર જ ઉપયોગ કરવામં આવે તો તેનાથી દેશને નવી ઓળખ મળે અને નિર્માણ કેન્દ્ર સ્વરુપે ભારતની ઓળખ પ્રસ્થાપિત બને અને વેપારને વધારવામાં પણ તેની મદદ મળે પરંતુ એ વીસ લાખ કરોડ રૂપિયાની ફાળવણી અને એના વર્ગીકૃત પત્રક અંગે સરકાર ચૂપ રહી છે એટલે દેશના ઈકોનોમિસ્ટ અને આમજનને એ મહાલક્ષ્મીના મહાનદની કોઈ પ્રતીતિ નથી. ભારતને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધવામાં પણ તે કઈ રીતે મદદ કરશે તે અદ્યાપિ સંદિગ્ધ છે.
અલબત્ત ભારતે હજુ હમણાં જ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. રાજ્યો પાછા પડયા છે પણ દેશનું રેન્કિંગ સુધારણા બતાવે છે. આમ છતાં એશિયામાં જ રોકાણકારોની પહેલી પસંદ તરીકે ઓળખ બનાવવા માટે ભારતે મહેનત કરવી પડશે. વુહાનિયા વાયરસ માટે ચીનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે અને તેના કારણે હવે મોટી-મોટી કંપનીઓ 'અલવિદા ચીન'ના નારા સાથે આગળ વધી રહી છે, ત્યારે ભારતના મહત્વાકાંક્ષી મેક ઈન ઈન્ડિયા મિશન માટે આ સુવર્ણ તક સાબિત થઈ શકે છે.
આવી પરિસ્થિતિમાં પારદર્શકતા અપનાવીને અને સાહસિક સુધારાને પ્રોત્સાહન આપીને દેશની આથક ક્ષમતાને વધુ મજબુત બનાવી શકાય છે. આ પૂર્વે જે પ્રયાસો કરવામાં આવ્યા તેમાં રાજ્યોની વિનિર્માણ ક્ષમતાને વિસ્તારવામાં આવી છે. હવે વિદેશી રોકાણને આકષત કરવામાં તેમજ રોજગારના પ્રમાણમાં સુધારો કરવા માટે પણ અનુકૂળ રહે તેમ છે.
આ બધી પ્રક્રિયાઓમાં કેન્દ્રની નીતિ પર ઘણો આધાર છે. જો મિસ્ટર મોદી કમ સે કમ એક વરસ માટે સ્વપ્રશસ્તિ, સ્વનામધન્યતા અને સ્વમહાનતાના વ્યર્થ ગુણગાનમાંથી નિવૃત્ત થઈને દેશની ઈકોનોમિક બાબતોમાં એકાગ્ર અને પ્રવૃત્ત થાય તો દેશ મંદીના આછા ઘસરકા સાથે બહાર આવી શકે છે.
એ ઘસરકો સહેજ વધુ ઊંડો થાય તો ટાઈટેનિકનો પુનરાનુભવ સહુએ ભોગવવો પડે. ટાઈટેનિકના વિનિપાતનું મૂળ કારણ એ જ હતું કે કેપ્ટન અને તેના સાથીઓ વાહવાહીની મહેફિલમાં મશગૂલ હતા.
આ બધા વચ્ચે આપણા માટે સારા સમાચાર એ છે કે, રાષ્ટ્રવ્યાપી લોકડાઉન છતાં ભારત સરકારે છુટક અને જથ્થાબંધ વેપારીઓ સહિત કરિયાણાની દુકાનોના માધ્યમથી જીવન જરુરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરી છે. છુટક વેપાર ઉદ્યોગ ભારતની જીડીપીમાં આશરે ૧૦ ટકા હિસ્સો ધરાવે છે. આ ઉપરાંત તે દેશમાં આઠ ટકા રોજગારી પેદા કરે છે. દેશમાં અંદાજે એક કરોડ કરિયાણાના સ્ટોર છે, જે લોકોની સાથે સીધેસીધા જોડાયેલા છે.
કરિયાણાના સ્ટોરનો વ્યવસાય પરંપરાગત છે, અને તેનો લાભ એ છે કે, તેઓ તેમના ગ્રાહકોના સુખ-દુઃખને સમજે છે. ભોજન અને કરિયાણાના વેપારમાં તેઓ પારંગત છે. ઈન્ડિયા બ્રાન્ડ ઈક્વિટિ ફાઉન્ડેશન (આઇબીઈએફ)ના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત વર્તમાન સમયમાં છૂટક વેપાર ક્ષેત્રમાં દુનિયામાં પાંચમા ક્રમનું સૌથી મોટું બજાર છે. આ ક્ષેત્રમાં વ્યાપક સંભાવનાઓ છે, પણ તે માટે આ ક્ષેત્રએ પણ સમયની જરુરિયાત અનુસાર ટેકનિકલ ફેરફારોને ખુલ્લા મને આવકારવા પડશે.
અલબત્ત, દેશમાં ૯૩ ટકા છુટક વેપાર તો આજે પણ અસંગઠિત ક્ષેત્રની જ વ્યાખ્યામાં આવે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર એમ બંનેના અધિક પ્રયાસો હજુ પણ આ ક્ષેત્રને વ્યવસ્થિત કરવા માટે આવકારદાયક છે. જર્મનીની અર્થવ્યવસ્થાથી પ્રાપ્ત કેટલાક સંકેતોથી જાણવા મળે છે કે, કરવેરામાં થોડો-ઘણો ઘટાડો કરવામાં આવે તો ખરીદદારીની ભાવનાને વધારી શકાય છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો જીવનજરુરિયાતની ચીજવસ્તુઓ, સાબુ, પ્રસાધન, બિસ્કિટ અને પેક ફૂડ ૧૮ ટકા ટેક્સ સ્લેબમાં હોવાથી કેટલાક અંશે મોંઘુ પડે છે. સરકારે આવી વસ્તુઓ પરના કરના દરને ૧૨ ટકા સુધી લાવવા માટે વિચાર કરવાની જરુર છે. આ ઉપરાંત વર્તમાન જીએસટી સિસ્ટમમાં પ્રવર્તમાન ટેક્સ સ્લેબની સંખ્યામાં પણ ઘટાડો કરવા માટે સરકારે સભાનપણે પ્રયાસ કરવાનો સમય પાકી ગયો છે.
Comments
Post a Comment