બાપુ ! તમે રામમંદિરમાં બેસીને કેમ જૂઠ્ઠું બોલ્યા ?

- આંતક કી આંધી સે કભીં રૂકેંગે નહીં હમ,

હર જુલ્મ કે સામને લડતે રહેંગે હમ,

હર તુફાન સે ભી ખૂબ ટકરાયેંગે હમ,

હરે મોંજો સે લડકર આગે બઢેંગે હમ.


સ્વરાજ્યનું  પ્રભાત હજુ ઊગ્યું નહોતું. એ દિવસોમાં ગાંધીજીનું સ્વાસ્થ્ય જરાય બરાબર નહોતું. એક દિવસ એમણે નિર્ણય કર્યો કે હવાફેર માટે મસૂરી રહેવા જવું. ચોખ્ખી હવા મળે, તો સ્વાસ્થ્ય કંઈક સુધરે. વળી મહાનગરો કરતાં ત્યાં થોડા વધુ આરામ મળી રહેશે.

એ સમયે શ્રી મહાવીર ત્યાગી ઉત્તર પ્રદેશની વિધાનસભાના સદસ્ય હતા. ગાંધીજી મસૂરી આવે છે, એ સમાચાર મળતાં જ એમની સઘળી વ્યવસ્થા કરવા માટે પંદર-વીસ સ્વયંસેવકો સાથે ગાંધીજી પાસે આવી પહોંચ્યા.

એ દિવસો એવા હતા કે ગાંધીજીની સેવાને સહુ કોઈ જીવનનો ધન્ય પ્રસંગ લેખતા. માટે  સહુ દોડી - દોડીને આવતા. અહીં રોજ સાંજે નિયમ પ્રમાણે ગાંધીજી પ્રાર્થના કરતા.

આ સમયે એક મિત્રે ગાંધીજીના કાન ભંભેર્યા કે મહાવીર ત્યાગી સાથે આવેલા સ્વયંસેવકો અહીંના કૂલી-મજૂરોને પ્રાર્થનામાં આવવા દેતા નથી. તેઓ મજૂરોને કહે છે કે તમે ગંદા છો, તમે દૂર રહો, તમારા જેવા ગંદા માનવીથી પવિત્ર પ્રાર્થના થાય કઈ રીતે ? અહીંથી ચાલ્યા જાવ.

ગાંધીજીના અંતરમાં તો દરિદ્રનારાયણનો સદાનો વાસ હતો. એ ગરીબ જનતાના પિતા નહીં, પણ સંભાળ લેનારી માતા હતા. એમના હૃદયમાં દીનદુ:ખિયાઓ માટે માતૃત્વનો સ્ત્રોત વહેતો હતો.

આ સાંભળીને એ અત્યંત વ્યગ્ર બની ગયા. એ દિવસે પોતાના પ્રાર્થના-પ્રવચનમાં એમણે કડક શબ્દોમાં હૃદયની વ્યથા વ્યક્ત કરી દીધી. એમણે કહ્યું.

'સ્વયંસેવકોએ કુલી-મજૂરોને પ્રાર્થનામાં આવતા રોક્યા છે, એ જાણીને મને અત્યંત પીડા પહોંચી છે. દરિદ્રનારાયણને મંદિરમાં આવતા રોકવા અને તે પણ તેમનાં કપડાં મેલાં છે - એ મેલાં છે એ કારણે, તે ખરેખર અસહૃય બાબત છે.'

બાપુના આ પુણ્યપ્રકોપે સેવાભાવી સ્વયંસેવકોને સ્તબ્ધ કરી દીધા. કાપો તો ય એમને લોહી ન નીકળે એવી એમની હાલત થઈ.

આ સ્વયંસેવકોની મંડળી લાવનાર મહાવીર ત્યાગી તો સ્વયં અગ્નિસ્વરૂપ બની ગયા. પ્રાર્થના પૂર્ણ થતાં જ એ ગાંધીજી પાસે પહોંચી ગયા અને અકળાઈને બોલ્યા. 

'બાપુ ! રામજીના મંદિરમાં બેસી આપ જૂઠું બોલ્યા. આવું કશું બન્યું જ નથી. આ સ્વયંસેવકો યોગ્ય તાલીમ પામેલા છે. એમનાથી આવી ભૂલ થાય જ નહીં. આપ એની તપાસ કરો અને જો આ વાત જૂઠ્ઠી-બનાવટી ઠરી તો...'

બાપુ ગંભીર બની ગયા. એ પછી જરા મલકાયા. ત્યાગીજીએ આગળ ચલાવ્યું. 'મારા સ્વયંસેવકોનું તો મોં કાળુ થઈ ગયું. આપે એવી ખોટી વાતને કઈ રીતે સાચી માની લીધી ? મારી વર્ષોની કમાઈ એક દિવસમાં ધૂળમાં મેળવી દીધી. આ સ્વયંસેવકોને આપેલી સેવાની શિક્ષા એળે ગઈ.'

ત્યાગીએ દિલની વેદના કાઢવામાં બાકી ન  રાખ્યું. જાહેરમાં થયેલું અપમાન સહન કઈ રીતે થાય ? ગાંધીજીએ કશો ઉત્તર આપ્યો નહીં. માત્ર મંદ-મંદ હસતા રહ્યા અને પોતાના ઉતારે પાછા ફર્યા.

મહાવીર ત્યાગી રોષ અને દુ:ખ સાથે છૂટા પડયા. પણ બાપુ ખરેખર હસ્યા નહોતા. એ અંતરમાં ખોજ કરતા હતા. એમણે બિરલા ભવનમાં આવતાંની સાથે પ્યારેલાલજી અને વ્રજકૃષ્ણજી ચાંદીવાલાને આજ્ઞાા કરી કે આ વાતના સત્યાસત્યની ખાતરી કરો ને કાલે પ્રાર્થનાસભા પહેલાં એનો સાચો અહેવાલ મને મળી જાય તેમ કરો.

તપાસ માટે નિમાયેલા ગૃહસ્થોએ આખો દિવસ મસૂરીની ગલીએ ગલી તપાસી જોઈ. મજૂરોના નિવેદનો લીધા અને બીજો દિવસે પ્રાર્થના પહેલાં પોતાનો રિપોર્ટ બાપુ સમક્ષ રજૂ કરી દીધો.

બીજા દિવસનો  સંધ્યા સમય હતો. મસૂરીના રમણિયા પ્રદેશને અસ્તાચળ ભણી જતા સૂર્યને સોનલાવર્ણો કરી મૂક્યો. બાપુજી પ્રાર્થના માટે આવ્યા અને પ્રાર્થના ચાલુ થઈ.

ત્યાગી અને એમના સ્વયંસેવકો દિલથી નારાજ હતા. મનમાં ગુસ્સો હતો. બાપુના કઠોર શબ્દો ભૂલ્યા નહોતા. આથી સ્વયંસેવકો તરીકે જાણે નિર્જીવ પૂતળા હોય એમ ફરજ બજાવતા હતા. એમના ચહેરા પરનું નૂર ઊડી ગયું હતું.

ત્યાગીજી રિસાયેલા બાળકની જેમ એક બાજુ જઈને ઊભા હતા. પ્રાર્થના પૂરી થઈ. બાપુએ પ્રવચન શરૂ કર્યું. 'આજ હું તમારી સહુની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવા માગું છું.'

એકાએક આખા જનસમુદાય પર વ્રજ્પાત થયો. ચિંતા તો એ થઈ કે બાપુની તબિયત બરાબર નથી અને વળી પ્રાયશ્ચિતમાં કદાચ ઉપવાસ જાહેર કરે, તો કોણ જાણે શું થશે ?

બાપુએ પ્રવચન આગળ ચલાવ્યું અને બોલ્યા, 'ત્યાગી મારાથી અત્યંત નારાજ થઈ ગયા છે. અને મને કહે છે કે બાપુ ! તું રામ મંદિરમાં બેસીને કાં જૂઠું વદ્યો ? બન્યું એવું કે ગઈકાલે મને એક વ્યક્તિએ આવીને ખબર આપી કે મારી પ્રાર્થનામાં કુલી-મજૂરોને આવવા દેવામાં આવતા નથી. 

એમને ગંદા-મેલાં કહી હડધૂત કરવામાં આવે છે. દરિદ્રનારાયણનો તો હું દાસ છું એથી મને આ વાત ખટકી ગઈ. મેં એમની વાત સાચી માની લીધી. ગઈ કાલે બંદોબસ્ત રાખનાર સ્વયંસેવકોને અને નેતા મહાવીર ત્યાગીને મેં બે કઠોર વચનો કહ્યાં.'

બાપુ થોભ્યા. જનતા શ્વાસ રોકીને સાંભળી રહી. બાપુ આગળ બોલ્યા. આ પછી ત્યાગીએ મારી વાત સામે વિરોધ કર્યો. મેં એની તપાસ કરાવી. વાત ખોટી નીકળી. હું જૂઠ્ઠો ઠર્યો, ત્યાગીએ સાચું કહ્યું હતું કે તમે રામના મંદિરમાં બેસીને જૂઠ્ઠું બોલ્યા. 

હવે મારે એેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. આખરે તો હું મહાત્મા ! મને બધા મહાત્મા કહે છે. જ્યારે મહાત્મા આવું પાપ કરે છે, ત્યારે તમારાથી તો સ્વાભાવિક રીતે થઈ જ જતું હશે. મારો ધંધો પોતાના પાપ ધોવાનો છે. ચાલો, આપણે બધા પ્રાયશ્ચિત્ત કરીએ, આપણાં પાપ જોઈએ.

બાપુ આટલું બોલીને થંભી ગયા. 'બાપુ ઉપવાસ ન કરે, બાકી બધું કરવા અમે તૈયાર છીએ.' ચારે તરફથી ગણગણાટ શરૂ થયો.

ત્યાગીજીના ચહેરા પરથી રોષની રેખાઓ અદૃશ્ય થઈ ગઈ હતી. મુખ પરથી ચિંતાની લકીરો પથરાઈ ગઈ હતી. સ્વયંસેવકગણ પણ પોતાના અપમાનને વીસરી ગયું હતું. દિલ પર બાપુના મનના કલેશનું કારણ પોતે બન્યા એનો ખેદ હતો. આપણે કાગનો વાઘ કર્યો. બાપુ પ્રાયશ્ચિતમાં તો પ્રાણ પીરસી દે તેવા છે. ન જાણે શું કરશે ?

બાપુ આગળ બોલ્યા, 'પ્રાયશ્ચિત કર્યું એનું નામ કે ફરીથી એ પાપ ન થાય. તમે બધા ભાઈ-બહેનો મારી સાથે આંખ બંધ કરો ને પવિત્ર રામનું ધ્યાન કરો.'

'અને પ્રતીજ્ઞાા કરો કે -'

'જ્યારે કોઈની બુરાઈ આંખમાં પડે, ત્યારે આંખ બંધ કરી લઈશ.'

'અને છતાં જ્યારે કોઈની બુરાઈ અંદર પ્રવેશી જાય, ત્યારે મોં બંધ કરી લઈશ. આટલું કરવાથી પાપથી બચી શકાશે અને મેં તો નક્કી કર્યું છે કે કોઈ બુરાઈની કે બદનામીની વાત કોઈ કહે, તો કાનમાં આગળી ખોસી દઈશ. પણ કદાચ સંભળાઈ જાય તો વિના તપાસે કદી મોંમાંથી બહાર નહીં કાઢું.'

એક ઊંચો પવિત્ર પહાડ પોતાનો તણખલાથી પણ નીચો બતાવી રહ્યો હતો. જનતા ગદ્ગદ્ થઈ ગઈ. ત્યાગીજી દોડયા. બાપુના પગમાં પડી ગયા.

બાપુ બોલ્યા, 'ત્યાગી તમારા ગુનેગારને માફી આપી.'

ત્યાગીજી શું બોલે ? એ રડી પડયા.

એ દૃશ્ય ભારે પાવન હતું. જેણે જેણે એ જોયું એ સહુને પચીસસો વર્ષ પહેલાંનો અહિંસા, પ્રેમ  ને સત્યના યુગમાં જીવતા હોય તેવું લાગ્યું.

આ પયગંબરી પાવનત્વ હતું.

આજની વાત

બાદશાહ : બીરબલ, આજકાલ શા ખબર છે ?

બીરબલ : બાદશાહ સલામત, આપદ્યા જમાનામાં મુઘલ યુગમાં જેટલા બેવકૂફ હતા, એનાથી આજે બેવકૂફોની તાદાદ વધી છે !

બાદશાહ : ક્યા ખૂબ, આટલા વર્ષોની તરક્કી પછી પણ ?

બીરબલ : હા જહાંપનાહ, માસ્ક  વિના પોતાના અને બીજાના મોતને વહેંચતા લોકોની સંખ્યા જુઓ એટલે આપોઆપ મારી વાત સમજાઈ જશે.

પ્રસંગકથા

બે પ્રકારના કોરોનાનો જીવલેણ ભરડો !

દરિદ્ર બ્રાહ્મણ જટાશંકર રોજ સવારે 'નારાયણ' પ્રસન્ન કરવા ભિક્ષા માગવા નીકળે. એને રોજ જારનો લોટ મળે અને જારના રોટલા ખાઈ-ખાઈને એ ખૂબ કંટાળી ગયો.

એક દિવસ એણે વિચાર કર્યો, 'લાવને બે-ચાર દિવસ જમાઈને ત્યાં જઈ આવું. શરમાશરમે ય કંઈક મહેમાનગતિ તો કરશે જ ને ! બે-ચાર દિવસ તો આ જારનો રોટલાનો મોં ભાળવું મટે.'

એક દિવસ સવારના પહોરમાં જટાશંકર જમાઈના ગામ તરફ જવા નીકળ્યો. જમવાના સમયે પહોંચવાની ગણતરી હતી. જમાઈની સ્થિતિ સારી એટલે એને ત્યાં રોજના સાદા જમણમાં પણ છેવટે ઘઉંની રોટલી તો હશે જ.

આ તરફ જમાઈને ત્યાં એવું બન્યું કે ગામમાં ઉપરાઉપરી લગ્નગાળો ગયો હતો. એ રોજ-રોજ મિષ્ટાન ખાઈને કંટાળી ગયેલો. એણે એ જ દિવસે સવારે એની પત્નીને કહ્યું, 'રોજ ગળ્યું ખાઈને હવે તો કંટાળો આવે છે. મોં સાવ ભાંગી ગયું છે. બસ, આજ તો જારના રોટલા કરો.'

બરાબર ભોજનના સમયે પેલો બ્રાહ્મણ જમાઈને ત્યાં પહોંચ્યો. જમાઈએ તેનો સત્કાર કર્યો. જમવાની વેળા હતી એટલે તરત જ ભોજન કરવા બેઠા. થાળીમાં જારના રોટલા ! જટાશંકર એકદમ ઊભો થઈ ગયો અને જારના રોટલાને એણે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં.

'હે મારા બાપ !' બ્રાહ્મણે બે હાથ જોડતાં ક્યું, 'હું તો જાણે સવારે ઘેરથી નીકળ્યો હતો, પણ તમે ક્યારે નીકળ્યા હતા કે અહીં પાછા સામે ને સામે!'

આ વાત અમને એટલા માટે યાદ આવી કે આ દેશમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ ભ્રષ્ટાચાર કોઈને કોઈ રસ્તેથી સામે આવી ઊભો રહે છે ! માનવજાતને માથે તોળાઈ રહેલી કોરોના મહામારીના આ કપરા કાળમાં કોરોનાની સારવારમાં ભ્રષ્ટાચાર નહીં થાય એવી ધારણા હતી, પરંતુ કોરોનાને આંટે એવો નિરંકુશ ભ્રષ્ટાચાર આ દેશમાં કોરોનાની બાબતમાં જોવા મળ્યો.

માસ્ક બનાવનારા હલકી જાતના માસ્ક બનાવે, પી.પી.ઈ. કીટની બમણી કિંમતે ખરીદી કરાય. માણસના જીવને ઉગારતી દવામાં ભેળસેળ થાય, એના કાળાબજાર થાય, વેન્ટિલેટરમાં પણ કટકીબાજો કામ કરતા હોય અને કેટલીક હોસ્પિટલો દર્દીઓને ચૂસીને મોટી રકમના બિલ બનાવતાં હોય !

આ દેશમાં ભ્રષ્ટાચારનો કોરોના તો હતો જ, એવામાં કોરોના મહામારી આવી અને ભ્રષ્ટાચારીઓને કોરોનાને પણ નફો રળવાનું સાધન બનાવ્યું. કાયદાની આંટીઘૂંટીઓને કારણે આવા ભ્રષ્ટાચારીઓ જીવનભરનો બોધપાઠ પામે એવી સજા પામતા નથી અને તેથી દેશવાસીઓની દુર્દશામાં કોઈ સુધારો થતો નથી.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો