કિસાનોના મસિહા બનવા પાછળનું સૌથી મોટું કારણ કિસાન વોટબેંક


- વિપક્ષો હજુ એ નથી સમજી શક્યા કે હવેના કિસાનો અને ૭૦-૮૦ના દાયકાના કિસાનમાં આસમાન જમીનનો ફર્ક છે

ચાલુ પરીક્ષાએ ઉભા થઇને ક્લાસ છોડી દીધા પછી અમારી પરીક્ષા ફરી લો એવી માંગણી કરતા લે ભાગુ વિધ્યાર્થીઓ જેવી હાલત રાજ્યસભા છોડીને જતા રહેલા સાંસદોની થઇ છે. વિપક્ષના સાંસદો વર્ષો સુધી સત્તા પર રહ્યા પછી પણ સંસદની કાર્યવાહીને સમજી શક્યા નથી. સંસદનો બહિષ્કાર કર્યા પછી કૃષિ બીલનો મુદ્દો અટવાઇ ના જાય એટલે તે લોકો ધરણા પર બેઠા હતા. તેમાં પણ તે સંવેદના ઉભી ના કરી શકતા હવે રાષ્ટ્રપતિને લેખિતમાં આપ્યું છેકે કૃષિ બીલ પર તમે સહી ના કરતા. 

રાજ્યસભામાં બિલની નકલ ફાડવી કે અધ્યક્ષની ચેર તરફ છૂટી નકલ ફેંકવા જેવી બહાદુરી હવે વિપક્ષોને ભારે પડી રહી છે. આમ આદમી પાર્ટીના સંજય સિંહ શેરીમાં લડતા હોય એમ ગૃહમાં વર્તન કરતા જણાયા હતા. વિપક્ષોએ પોતેજ પોતાના પગ પર કુહાડો માર્યો છે.

કિસાનોના મસિહા બનવા પાછળનું એક માત્ર કારણ વોટ બેંક છે બિહારમાં ચૂંટણીઓ છે અને પંજાબમાં આવી રહી છે. પંજાબ કે હરિયાણાના કિસાનોની સરખામણી અન્ય રાજ્યો સાથે થઇ શકે એમ નથી. ગુજરાતના કિસાનોની વાત કરીએ તો ૮૦ ટકા કિસાનો પાસે માંડ પાંચ દશ વિધા જમીન હોય છે. અનેક કિસાનોની જમીન કૌટુંબિક વિવાદોમાં ફસાયેલી છે તો અનેક કિસાનોની જમીન ભાઇઓના ભાગમાં ખેડાઇ રહી છે. જે વિવાદ છે તે કિસાનોની ઉપજના વેચાણનો છે. સરકાર આધુનિક રીતે વેચાણ સિસ્ટમ અપનાવીને કૃષિ ઉત્પાદનમાં વધુ આવક થાય તેવા આઇડયા સાથે બજારમાં આવી છે.  

સરકાર ટેકાના ભાવો સાથે છેડછાડ કરીને પછી તેને બંધ કરી દેવા માંગે છે એવી અફવા અને ફેક ન્યૂઝ મોટા પાયે પ્રસરાવવામાં આવ્યા હતા. ટેકાના ભાવ એ કોઇ પણ કિસાનની દુખતી નસ સમાન છે. વિપક્ષોે ટેકાના ભાવોને નાબૂદ કરશે એમ કહીને કિસાનોની સંવેદનાને ઢંઢોળી હતી.

વિપક્ષ પાસે રાજ્યસભામાં તોફાન કરવા સિવાયનો કોઇ વિકલ્પ નહોતો કેમકે વિપક્ષો જાણતા હતા કે રાજ્યસભામાં બહુમતી ના હોવા છતાં બીલ પાસ કરાવવાની ક્ષમતા મોદી સરકારને ફાવી ગઇ છે. જગન મોહન રેડ્ડી કે શરદ પવાર કે માયાવતી જેવા નાના જૂથ સરકારની સાથે રહેતા હોય છે. ૩૭૦મી કલમ દુર કરવાનું બીલ પણ વિપક્ષોની હાજરીમંા રાજ્યસભામાં બહુમતીએ પસાર થયું હતું. 

કૃષિ બીલ રાજ્યસભામાં બહુમતીથી પસાર થાય તેા વિપક્ષોનું નાક કપાય એમ હતું એટલે તેણે ત્રાગડો રચ્યો હતો અને રાજ્યસભામાં તોફાન કરીને કૃષિ બીલ પ્રત્યે લોક વિરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો હતો. વિરોધ પક્ષોની કમનસીબી એ છે કે તેમની પાસે શરદ પવાર અને મમતા બેનરજી જેવા પીઢ અને નેતૃત્વ લઇ શકે એવા નેતા છે પણ કોંગ્રેસ કોઇને આગળ નથી આવવા દેતી.

મોદી સરકાર તરફથી સમાધાનના ભાગ રૂપે નાયબ અધ્યક્ષ મારફતે ધરણા કરી રહેલા સાંસદોને ચા પીવડાવવાની ગાંધીગીરી કરી હતી જોકે તે પથ્થર પર પાણી સમાન પુરવાર થઇ હતી. મોદી સરકારે ઉભા કરેલા ટ્રેપમાં વિપક્ષો ફસાઇ રહ્યા છે. 

વિપક્ષો સરકારનો દરેક મુદ્દે એટલા માટે વિરોધ કરે છે કે તે મોદી સરકાર સામે એન્ટી ઇન્કમબન્સી મોજું ઉભુંં કરવા માંગે છે. કાશ્મીરમાં ૩૭૦ હટાવી ત્યારે શાહીન બાગ ઉભું કરાયું હતું. તે ડિફ્યુસ થઇ ગયા પછી શિક્ષણ બીલ આવ્યું હતું પરંતુ તેના વિરોધમાં દેશનો મધ્યમ વર્ગ કે શ્રમજીવી વર્ગ જોડાવા તૈયાર નહોતો. હવે જ્યારે કિસાનોનો મુદ્દો હાથમાં આવ્યો છે ત્યારે વિપક્ષ માટે આ ગોલ્ડન ચાન્સ હાથમાં આવ્યો છે.

વિપક્ષો હજુ એ નથી સમજી શક્યા કે હવેના કિસાનો અને ૭૦-૮૦ના દાયકાના કિસાનમાં આસમાન જમીનનો ફર્ક છે. કિસાનોની નવી પેઢી પરસેવો પાડીને ઉગાડેલા પાકની સૌથી વધુ કિંમત મેળવવા પ્રયાસ કરે છે. તેમાંય જો સરકાર સહાય કરતી હોય તો તે તેમના માટે સોનામાં સુગંધ સમાન છે. કિસાનોની સદ્દનસીબી એ છે કે ટેકાના ભાવો ચાલુ રખાયા છે. વિપક્ષોએ સંસદમાં કરેલા વિરોધ વખતે પણ સરકારે ટેકાના ભાવોમાં વધારો કરીને એવી ખાત્રી આપી હતી કે ટેકાના ભાવો ચાલુ રહેશે. કિસાનોના મસિહા બનવાની ટેવ વર્ષોથી રાજકીય પક્ષોને છે રાજકીય પક્ષોની તમામ ટેવેા સત્તા મેળવવાની દિશામાં હોય છે તે સૌ જાણે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો