મોઘલોએ તોડેલા તમામ મંદિરોનો કબ્જો હિન્દુઓને પાછો આપોઃ શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન
લખનૌ, તા.30 સપ્ટેમ્બર 2020, બુધવાર
બાબરી મસ્જિદ ધ્વંસના આજે આવેલા ચુકાદા વચ્ચે શિયા વકફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ પીએમ મોદીને એક પત્ર લખીને માંગણી કરી છે કે, પ્લેસ ઓફ વરશિપ એકટ 1991ને ખતમ કરવામાં આવે.
તેમણે કહ્યુ છે કે, આ એક્ટ નાબૂદ કરીને મોઘલ કાળમાં હિન્દુઓના જેટલા પણ મંદિરો તોડવામાં આવ્યા છે તે તમામ હિન્દુ સમુદાયને પાછા આપવામાં આવે અને મોઘલ કાળ પહેલાની સ્થિતિ બહાલ કરવામાં આવે.1991માં કોંગ્રેસે પ્લેસ ઓફ વરશિપ એક્ટ 1991 એટલા માટે બનાવ્યો હતો કે, મોઘલોએ ભારતના મંદિરો તોડીને જે પણ મસ્જિદો તેના પર બનાવી છે તે યથાવત રહે અને વિવાદ હંમેશા જીવંત રહે.
રિઝવીએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, આ કાયદો બનાવવા માટે કોંગ્રેસ સરકાર પર મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તથા હિન્દુસ્તાનના કટ્ટરવાદી મૌલવીએ ભારે દબાણ કર્યુ હતુ.કોંગ્રેસે કટ્ટરવાદીઓને ખુશ કરવા માટે આ કાયદો બનાવી પણ દીધો હતો.પણ હિન્દુઓને તેમના મંદિરો પાછા આપવા જોઈએ અને સાચો ન્યાય કરવો જોઈએ.
આ પત્રમાં રિઝવીએ એવી 9 મસ્જિદોનો ઉલ્લેખ કર્યો છે જે મંદિર તોડીને બનાવવામાં આવી હતી.જેમાં અયોધ્યા ઉપરાંત મથુરાનુ કૃષ્ણ મંદિર, જૌનપુરના અટાલા મંદિર, ગુજરાતનુ ભદ્રકાળી મંદિર, પશ્ચિમ બંગાળની અદીના મસ્જિદ અને દિલ્હીના કુતુબ મિનાર ખાતે બનેલી મસ્જિદનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, 1991માં બનેલા પ્લેસ ઓફ વરશિપ એક્ટ પ્રમાણે જે પણ ધાર્મિક સ્થળ આઝાદી વખતે જે સ્થિતિમાં હતુ તે જ સ્થિતિમાં રહેશે.
Comments
Post a Comment