નવી રક્ષા ખરીદ નીતિમાં ફેરફારોથી રક્ષાક્ષેત્રનું ચિત્ર સુધરવાની અપેક્ષા


રક્ષા મંત્રાલયે નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરી છે જે અંતર્ગત દેશની રક્ષા કંપનીઓને શક્તિ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી રક્ષા નીતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સૈન્ય સરંજામ અને શસ્ત્રોના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાના લક્ષ્યાંક સાથે નવી રક્ષા ખરીદ નીતિ જાહેર કરી છે. નવી ખરીદ પ્રક્રિયામાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. 

હવે હથિયારો અને લશ્કરી સરંજામ લીઝ પર લેવાનો વિકલ્પ ખોલવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ ફાઇટર હેલિકોપ્ટર, મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, નેવી જહાજથી લઇને શસ્ત્ર સરંજામ દેશવિદેશમાંથી કોન્ટ્રાક્ટ પર લેવાનો માર્ગ મોકળો બન્યો છે.

નવી રક્ષા ખરીદ નીતિમાં ઓફસેટ નીતિ હટાવી દેવામાં આવી છે. તાજેતરમાં જ કેગના અહેવાલમાં રાફેલ ફાઇટર જેટના સોદામાં ફ્રાન્સની દસૉલ્ટ કંપનીએ ઓફસેટની શરતો પૂરી ન કરી હોવાના મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. કેગના નિવેદન અનુસાર દસૉલ્ટ કંપનીએ ઓફસેટની શરતો પૂરી કરી નથી. કેગએ સરકારની ઓફસેટ નીતિની ટીકા કરતા કહ્યું હતું કે નબળી ઓફસેટ નીતિના કારણે વિદેશી વિક્રેતા શરૂઆતમાં તો મોટા મોટા વાયદા કરે છે પરંતુ પછી એ પૂરા નથી કરતાં. 

કેગના જણાવ્યા અનુસાર ૩૬ રાફેલ ફાઇટર જેટ ખરીદવાના ઓફસેટ કોન્ટ્રાક્ટમાં વિક્રેતા દસૉલ્ટ એવિએશન અને એમબીડીએએ સપ્ટેમ્બર ૨૦૧૫માં પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ ૩૦ ટકા ઓફસેટની શરતોને ડીઆરડીઓને ઉચ્ચ ટેકનોલોજી આપીને પૂરી કરશે. 

કેગના નિવેદન અનુસાર ડીઆરડીઓ ઇચ્છતી હતી કે હળવા ફાઇટર જેટ માટે કાવેરી નામના એન્જિનને ભારતમાં જ બનાવવા માટે ટેકનિકલ સહાય મળે. પરંતુ વિક્રેતા કંપનીએ આજ દિન સુધી આ ટેકનિકના હસ્તાંતરણની પુષ્ટિ કરી નથી. ભારતે ઓફસેટ નીતિ ૨૦૦૫માં લાગુ કરી હતી જે અંતર્ગત આયાત મારફતે દર ૩૦૦ કરોડ રૂપિયાથી વધારેની ખરીદી પર વિદેશી વિક્રેતાએ ખરીદકિંમતના ૩૦ ટકા ભારતીય રક્ષા ક્ષેત્ર અથવા તો એરોસ્પેસમાં લગાવવા પડશે.

આ શરત અનેક રીતે પૂરી થઇ શકે છે જેમાં ટેકનોલોજી ટ્રાન્સફરની જોગવાઇ પણ હતી. કેગનું કહેવું હતું કે એવું કોઇ ઉદાહરણ નથી જેમાં વિદેશી વિક્રેતાએ ભારતીય કંપનીને ટેકનોલોજીનું હસ્તાંતરણ કર્યું હોય. કેગના મતે તો ઓફસેટ નીતિમાં જ ખામી છે જેના પરિણામે એ લાગુ થયાના એક દાયકા બાદ પણ એના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શક્યા નથી.

થોડા મહિના પહેલા જ આત્મનિર્ભર ભારતની દિશામાં મહત્ત્વનું પગલું લેતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે ૧૦૧ ડિફેન્સ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. જે ડિફેન્સ આઇટમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એમાં રાઇફલથી લઇને મિસાઇલનો સમાવેશ થાય છે. રક્ષા મંત્રીના જણાવ્યા અનુસાર ભારતીય ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને મોટી તકો પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રતિબંધની આ કવાયત ૨૦૨૦થી ૨૦૨૪ સુધી લાગુ કરવામાં આવશે. આગામી સમયમાં આ યાદીમાં અન્ય ઉપકરણો ઉમેરાઇ શકે છે.

રક્ષા મંત્રાલયે જે ૧૦૧ ઉત્પાદનોની યાદી જાહેર કરી હતી એમાં સામાન્ય ઉપકરણોથી લઇને હાઇ એન્ડ ઇક્વિપમેન્ટ્સ સામેલ છે. હકીકતમાં આ યોજનાનો હેતુ ભારતીય ડિફેન્સ ઇન્ડસ્ટ્રીને દેશની સેનાની ત્રણેય પાંખને કયા સરંજામની જરૂરિયાતો પૂરી કરવા માટે તૈયાર કરવાનો છે. રક્ષા મંત્રાલયે આગામી ૬-૭ વર્ષમાં સ્થાનિક શસ્ત્ર ઉદ્યોગને આશરે ચાર લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવાની યોજના બનાવી છે. આ યાદી કંઇ રાતોરાત તૈયાર નથી થઇ.

એની પાછળ લાંબી ચર્ચાવિચારણા સામેલ છે. ભૂસેના, નૌસેના અને વાયુસેના ઉપરાંત ડીઆરડીઓ, ડિફેન્સ પીએસયૂ, ઓર્ડિનન્સ ફેકટરી બોર્ડ અને ખાનગી એકમો સાથે પણ મસલત કરવામાં આવી છે. મતલબ કે પૂરી તૈયારી બાદ આ પગલું લેવામાં આવ્યું છે. દેશમાં કયા હથિયારો કે અન્ય સરંજામનું તેજીથી ઉત્પાદન થઇ શકે છે એ તપાસ કર્યા બાદ જ આ યાદી તૈયાર કરવામાં આવી છે જેથી કરીને ભારતની રક્ષા ક્ષમતાને નકારાત્મક અસર ન પડે. 

હકીકતમાં લશ્કરી ખર્ચના મામલે ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજા સ્થાનપ્રછે. ભારતે ૨૦૧૭ના ૬૩.૯ અબજ ડોલરની સરખામણીમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન ૬૬.૫ અબજ ડોલરનો લશ્કરી ખર્ચ કર્યો. છેલ્લા એક દાયકામાં ભારતના લશ્કરી ખર્ચમાં લગભગ પચાસ ટકાનો માતબર વધારો થયો છે. 

ભારતના પાકિસ્તાન અને ચીન સાથે સરહદી તણાવના વધી રહેલા બનાવોને કારણે દેશના સુરક્ષા બજેટમાં વધારો કરવો અનિવાર્ય બની ગયો છે. પાકિસ્તાન અને ચીનની સતત આડોડાઇના પરિણામે ભારતે પોતાના સૈન્ય બળ તેમજ હથિયારોના આધુનિકીકરણ કરવાની ફરજ પડી રહી છે.

જોકે થોડા સમય પહેલાં ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયૂટ (સિપરી)ના અહેવાલ અનુસાર હથિયારોના વેચાણના મામલે ભારતીય કંપનીઓના વેપારમાં ઘટાડો થયો છે. હથિયારો વેચતી ટોચની ૧૦૦ કંપનીઓમાં ભારતની ત્રણ કંપનીઓ પણ સામેલ છે પરંતુ તેમના વેચાણમાં ગત વર્ષની સરખામણીએ ૬.૯ ટકાનો ઘટાડો થયો છે. 

એક તરફ સરકાર મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ભારતમાં ઉત્પાદન વધારવાની વાતો કરે છે પરંતુ હકીકત એ છે કે શસ્ત્રોના મામલે ભારતની બીજા દેશો પરની નિર્ભરતા ઘટવાના બદલે વધી રહી છે. સેનાને આધુનિક બનાવવા અને નવા શસ્ત્રો વસાવવા માટે પશ્ચિમના દેશો તરફ જ નજર કરવાની રહે છે. 

વર્ષોથી સ્વદેશી ફાઇટર વિમાન બનાવવા મથી રહેલું ભારત હજુ પણ એ દિશામાં નોંધકારક પ્રગતિ કરી શક્યું નથી. દુનિયામાં બીજા નંબરની સેના ધરાવતું ભારત હજુ પણ સાઠ વર્ષ જૂના મિગ-૨૧ વિમાનોને ઉપયોગમાં લઇ રહ્યું છે.

જાણકારોના મતે પોતાની વાયુસેનાની દરકાર કરતા દેશોમાં ભારત કદાચ છેલ્લા સ્થાને હશે કે જે હજુ મિગ-૨૧ વિમાનો વાપરે છે. વાંક મિગ-૨૧નો છે એવું કહેવાનો મતલબ નથી. એક જમાનામાં મિગ-૨૧ અત્યંત સફળ ફાઇટર જેટ રહી ચૂક્યું છે. પરંતુ દરેક વિમાનનું નિશ્ચિત આયુષ્ય હોય છે. 

મિગ-૨૧નું પણ છે જે ૨૦ વર્ષ પહેલાં ખતમ થઇ ચૂક્યું છે. તેમ છતાં તેમાં સુધારાવધારા કરીને કે અપગ્રેડ કરીને ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. હજુ તો ભારતીય વાયુસેના ૨૦૨૨ સુધી આ વિમાનો વપરાશમાં લેવા ધારે છે. ત્યારબાદ તેમને ક્રમબદ્ધ રીતે મિગ-૨૩ અને મિગ-૨૭ સાથે વાયુસેનામાંથી રિટાયર કરવાનો પ્લાન છે. 

આજે ઇન્ડિયન એરફોર્સને નવા વિમાનોની તાતી જરૂરિયાત છે. અને આ જરૂરિયાત આજકાલથી નહીં પરંતુ છેક ૧૯૮૦ના દાયકાથી છે. એટલા માટે દેશમાં જ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ વિકસિત કરવાનો કાર્યક્રમ શરૂ થયો.

એમાં પણ ત્રણ દાયકા થવા આવ્યાં ત્યારે છેક જુલાઇ ૨૦૧૬માં વાયુસેનાને પહેલું તેજસ વિમાન મળ્યું અને તેને પણ ઉડ્ડયન માટે ગ્રીન સિગ્નલ છેક ૨૦૧૯માં મળ્યું. જાણકારોના મતે ભારતીય વાયુસેનામાં ૪૨ સ્ક્વૉડ્રન છે જેમાંથી હાલ ૩૦ સ્ક્વૉડ્રન જ સક્રિય છે. ૨૦૨૨ સુધી આ સ્ક્વૉડ્રનની સંખ્યા ૨૪ થઇ જશે. 

એક સ્ક્વૉડ્રનમાં ૧૬થી ૧૮ ફાઇટર જેટ હોય છે. એટલા માટે જ ૨૦૦૭માં કોંગ્રેસના નેતૃત્ત્વવાળી યૂપીએ સરકારે ૧૨૬ મલ્ટિરોલ કોમ્બેટ એરક્રાફ્ટની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી હતી. જે અંતર્ગત ૧૮ વિમાનો રેડીમેડ મળવાના હતાં જ્યારે ૧૦૮ વિમાનો ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા ભારતમાં બનવાના હતાં. પરંતુ ૨૦૧૪માં બનેલી મોદી સરકારે ખરીદીની સમગ્ર પ્રક્રિયાને જ તિલાંજલિ આપતા સીધી ફ્રાન્સ સરકાર સાથે વાત કરીે ત્યાંની દસોલ કંપની સાથે સોદો કર્યો.

જે અંતર્ગત ફ્રાન્સની કંપની ૩૬ રેડીમેડ રાફેલ જેટ ભારતને આપવાનું નક્કી થયું. જે અંતર્ગત રાફેલ જેટ ફાઇટરની ૧૦ વિમાનોની પહેલી ખેપ ભારતને મળી ચૂકી છે. જેમાંના પાંચ રાફેલ ભારતમાં આગમન થઇ ગયું છે અને તેમનો ઇન્ડિયન એરફોર્સમાં વિધિવત્ સમાવેશ પણ થઇ ગયો છે. બીજા પાંચ વિમાનો હજુ ફ્રાન્સમાં જ છે અને એમાં ભારતીય વાયુસેનાના પાઇલોટો ટ્રેનિંગ લઇ રહ્યાં છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો